આજે શું પહેરું?

Published: Dec 05, 2019, 13:09 IST | Arpana Shirish | Mumbai

આ દરેક વયની સ્ત્રીઓને થતો એક યુનિવર્સલ પ્રશ્ન છે. જો રોજ સવારે ઊઠીને તમને પણ આ જ પ્રશ્ન નડતો હોય તો જાણી લો વૉર્ડરોબ કન્સલ્ટન્ટ પાસેથી આ સમસ્યાનો ઉકેલ

વૉર્ડરોબ
વૉર્ડરોબ

વય ગમે તે હોય, હાઉસમેકર હોય કે પછી વર્કિંગ વુમન; રોજ ઊઠીને કબાટ ખોલીને સામે ઊભાં રહેતી વખતે પ્રશ્ન થાય કે આજે શું પહેરું? આ વાત ભલે સામાન્ય લાગતી હોય, પણ છે મહત્ત્વની. આફ્ટરઑલ, પર્સનાલિટી અને મૂડ માટે શું પહેર્યું છે એનો ખૂબ મોટો ફાળો છે. જોકે આટલાં કપડાં હોવા છતાં રોજ કંઈ જ સારું પહેરવા માટે નથી એવો પ્રશ્ન કેમ થાય છે એ વિષે વિચાર્યું છે ક્યારેય? આ વિષે વાત કરતાં વૉર્ડરોબ કન્સલટન્ટ અને પર્સનલ શૉપર પ્રીતિ મણિયાર કહે છે, ‘શું પહેરું એ પ્રશ્ન બધી જ વયની સ્ત્રીઓને થાય છે. ઇમ્પલ્સિવ શૉપિંગ, નિતનવા ટ્રેન્ડ્સ પ્રમાણે કરવામાં આવતી વિચાર વિનાની ખરીદી તેમ જ પોતાનાં કપડાંની યોગ્ય સાચવણ ન કરવી જેવી અનેક બાબતો આ માટે જવાબદાર છે.’

ઑર્ગેનાઇઝ્ડ રહો

કબાટ ખોલતાં જ કપડાં પગ પર આવી પડે તો સમય છે એની યોગ્ય ગોઠવણ કરવાનો. આ વિષે પ્રીતિબહેન કહે છે, ‘મોટા ભાગના લોકો પોતાનાં કપડાંની સરખી ગોઠવણ નથી કરતા અને એને લીધે જોઈતા સમયે જોઈતાં કપડાં ન મળે એટલે મારી પાસે પહેરવા માટે કંઈ નથી અને હું શું પહેરું એવા પ્રશ્ન થવાના જ. અહીં જો કબાટમાં કપડાં વ્યવસ્થિત રીતે ગોઠવેલાં હશે તો એ જ ગોઠવણમાંથી કપડાં સિલેક્ટ કરવામાં આસાની થશે. કપડાં રંગ અને ટાઇપ મુજબ ગડી કરી ગોઠવવાં. સાડી સિવાયનાં બીજાં કપડાં જોડી તરીકે જ રાખવાને બદલે એનાં જેવાં બીજાં કપડાં સાથે રાખશો તો દરેક સમયે એકની એક જોડ પહેરવાનો કંટાળો નહીં આવે અને મિક્સ-મૅચ કરવાની મજા આવશે. રંગો પ્રમાણે થપ્પી હશે તો કલર કો-ઑર્ડિનેશન કરવામાં પણ આસાની થશે.’

પ્રી-પ્લાનિંગ કરો

આવતી કાલે સવારે શું પહેરવું છે એની તૈયારી આગલી રાતે થઈ જ જવી જોઈએ એવું કહેતાં પ્રીતિ બહેન ઉમેરે છે, ‘હાઉસવાઇફ હો કે પછી કૉર્પોરેટ જૉબ કરતાં હો, કપડાંનું પ્રી-પ્લાનિંગ સમસ્યા પણ ટાળે છે અને સાથે સવારે તમારો અમૂલ્ય સમય પણ બચાવે છે. વધુમાં જો શક્ય હોય અને પોતાનું શેડ્યુલ ખબર હોય તો વીક-એન્ડમાં સમય કાઢીને આખા અઠવાડિયાનાં કપડાંનું પ્લાનિંગ એકસાથે કરીને રાખી શકાય. આ રીતે અઠવાડિયામાં એક જ ડ્રેસ બે વાર રિપીટ ન થાય એનું પણ ધ્યાન રાખી શકાશે અને સવારે ઉતાવળમાં થતી ડ્રેસિંગની ભૂલો ટળશે.’

બેફામ ખરીદી ન કરો

દરેક નવા ફૅશન ટ્રેન્ડનું અનુકરણ કરવાની ન તો જરૂર હોય છે અને ન તો એવું કરવું તમારા પૉકેટ અને પર્સનાલિટી માટે શોભનીય. કારણ અનેક છે. દરેક નવી અને અનોખી ફૅશન લાંબો કાળ ટકતી નથી અને જેટલો સમય એ ટકે છે એટલો સમય બધે જ એ પ્રકારનાં અને એ ડિઝાઇનનાં કપડાં પહેરેલા લોકો જોવા મળે છે. હવે તમારે  ભીડનો ભાગ બનવું છે કે પછી ભીડમાંથી નોખા તરી આવવું છે એ તમારા હાથમાં છે. એ સિવાય લેટેસ્ટ ફૅશનનાં કપડાં બધે જ પહેરવાં શક્ય નથી હોતાં અને એક જ ટાઇપનાં વધુ કપડાં છેવટે તમને હવે જુદું શું પહેરવું એ સવાલ સાથે કન્ફ્યુઝ કરશે. એટલે ટ્રેન્ડી કપડાં ખરીદો, પણ ટ્રેન્ડ પ્રમાણે તમારો આખો વૉર્ડરોબ ચેન્જ ન કરો. ટૂંકમાં જરૂર ન હોય એવાં કપડાં ખરીદો જ નહીં જે આગળ જઈને ફક્ત કબાટમાં જગ્યા રોકવાનું કામ કરવાનાં હોય.

મિક્સ-મૅચ કરતાં શીખો

કૉર્પોરેટ જગતમાં કામ કરતી સ્ત્રીઓ માટે કૅઝ્યુઅલ ડ્રેસિંગને કઈ રીતે ફૉર્મલમાં કન્વર્ટ કરવું એ ગુણ શીખવા જેવો છે. આ કઈ રીતે શક્ય છે એ વિષે પ્રીતિબહેન કહે છે, ‘જીન્સ કે કૉટન પૅન્ટ્સ પર ટૉપ અથવા શર્ટ પહેરો તો એ કૅઝ્યુઅલ ગણાશે, પણ એની સાથે ગળા ફરતે સ્કાર્ફ કે પછી એક જૅકેટ પહેરી લો તો એ ફૉર્મલ દેખાશે. આ જ રીતે દરેક સાડી માટે એક સેપરેટ બ્લાઉઝ સિવડાવવાને બદલે બે-ત્રણ એવાં ન્યુટ્રલ શેડનાં બ્લાઉઝ રાખી શકાય જે મોટા ભાગની સાડીઓ સાથે મૅચ થાય. કપડાં સિવાય ઍક્સેસરીઝથી પણ એકના એક કપડાને જુદો લુક આપી શકાય.’

શૉપિંગ અને વૉર્ડરોબ માટે પ્રોફેશનલ હેલ્પ

વૉર્ડરોબ કન્સલ્ટન્ટ અને પર્સનલ શૉપર જેવા પ્રોફેશનલ પણ આજકાલ લોકોને શું પહેરવું અને કઈ રીતે પહેરવું એની સલાહ આપે છે. આ પર્સનલ શૉપર વ્યક્તિના રૂટીન, પર્સનાલિટી, પ્રોફેશન જેવાં પરિબળોને ધ્યાનમાં રાખી તેમને કેવાં કપડાં પહેરવાં અને કેવાં કપડાં ખરીદવાં એની સલાહ આપે છે. એ જ પ્રમાણે જૂનાં કપડાંને કઈ રીતે નવીનતાથી પહેરી શકાય એ પણ તેઓ શીખવાડે છે. માટે જો ગમેતેટલું શૉપિંગ કર્યા બાદ અને કપડાં ગોઠવ્યા બાદ પણ રોજ શું પહેરવું એ પ્રશ્ન થતો હોય તો પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ.

કૅપ્સુલ વૉર્ડરોબ

આજકાલ ઓછામાં નિભાવવાની સલાહ આપતો કૅપ્સુલ વૉર્ડરોબનો કન્સેપ્ટ ફૅશન જગતમાં ખૂબ ટ્રેન્ડમાં છે. મોટા ભાગે હાઈ પ્રોફાઇલ બિઝનેસ ટાઇકૂન્સ અને પર્સનાલિટીઓ એક જેવા કે એક ડિઝાઇનનાં જ કપડાં પહેરે છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગ પણ દરરોજ ગ્રે રંગનું જ ટી-શર્ટ પહેરવા માટે ચર્ચામાં રહે છે. આ સિવાય બરાક ઓબામા પણ ગ્રે અથવા બ્લુ રંગના સૂટ જ પહેરે છે. ઓબામાને જ્યારે આ વિષેનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે મારે દિવસભરમાં ખૂબ મોટા અને મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. આવામાં શું પહેરવું અને શું ખાવું એ વિષેના નિર્ણયમાં હું મારો સમય નથી વેડફતો. આવું જ રૂટીન ભારતનાં ભૂતપૂર્વ મિનિસ્ટર સુષમા સ્વરાજનું પણ હતું. તેમણે અઠવાડિયાના દરેક દિવસ માટે સાડીનો એક રંગ નક્કી કરી રાખ્યો હતો જેથી રોજ સવારે કયા રંગની સાડી પહેરવી એ વિચારવામાં સમય ન વેડફાય.

આમ જો કપડાંના પર્યાયો જ ઓછા હશે તો લાઇફમાં રોજ સવારે ઊઠીને લેવાના નિર્ણયોમાંથી એક કામ ઓછું થશે અને એ સમય બીજા કામ માટે કે વિચારવા માટે ફાળવી શકાય.

કૅપ્સુલ વૉર્ડરોબ સ્ટ્રેસમાં પણ ઘટાડો કરે છે. એક વાર ગણતરીનાં જોઈતાં કપડાં લઈ કૅપ્સુલ વૉર્ડરોબ બનાવી લો એટલે પછી ન તો શૉપિંગ કરવાની પળોજણ અને ન તો નવા ટ્રેન્ડમાં શું છે અને એ મારી પાસે કેમ નથી એની ચિંતા.

આ પ્રકારના કન્સેપ્ટથી પૈસાની બચત થશે. શું લેવાનું અને શું પહેરવાનું એ ફિક્સ હોય એટલે ઇમ્પલ્સિવ શૉપિંગથી બચી જવાશે. વળી વારંવાર કપડાં ખરીદવાની આદત આપમેળે જ ઘટી જશે.

પર્સનાલિટી જળવાશે. રોજ એક પ્રકારનાં કે એક કન્સેપ્ટનાં કપડાં તમારી પર્સનાલિટીની ઓળખ બની જાય છે અને સિગ્નેચર સ્ટાઇલ તરીકે ઓળખાવા લાગશે. આમ ખૂબ જ કિફાયતી એવો આ કૅપ્સુલ વૉર્ડરોબનો કન્સેપ્ટ અનેક રીતે ફાયદાકારક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK