Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્ટરનેટ કહે એ બધું જ સાચું ન હોય હોં !

ઇન્ટરનેટ કહે એ બધું જ સાચું ન હોય હોં !

12 December, 2019 02:25 PM IST | Mumbai Desk
varsha chitaliya | varsha.chitaliya@mid-day.com

ઇન્ટરનેટ કહે એ બધું જ સાચું ન હોય હોં !

ઇન્ટરનેટ કહે એ બધું જ સાચું ન હોય હોં !


ડાર્ક સર્કલ થઈ જશે પંદર દિવસમાં છૂમંતર, ઘરેલુ ઉપચારથી સ્કિન બનશે હેલ્ધી અને ગ્લૉસી, આ રહ્યા સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના નૅચરલ ઉપાય, હેરફૉલ અને ડૅન્ડ્રફથી છુટકારો પામવાના આસાન તરીકાઓ, સફેદ વાળને રંગવા ઘરે બનાવો હેર કલર... આવા તો સેંકડો વિડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આજના જેટ યુગમાં ગૂગલ ખૂબ જ ઉપયોગી સાધન તરીકે ઊભરી આવ્યું છે એમાં કોઈ શંકા નથી. તમારી દરેક સમસ્યાનો જવાબ અહીં સરળતાથી મળી રહે છે એ વાત સાચી, પરંતુ શું બ્યુટી એક્પર્ટ અને ત્વચા નિષ્ણાત ડૉ. ગૂગલ પર આંખ મીંચીને ભરોસો મૂકી શકાય? 

નિષ્ણાતોનું કહેવું છે કે બ્યુટી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવતા વિડિયો અને કન્ટેન્ટના ભરોસે વાહિયાત અખતરા કરનારી અનેક મહિલાઓને એનાં ગંભીર પરિણામો ભોગવવા પડ્યાં છે. ફેરનેસ, પિગમેન્ટેશન, ઍન્ટિએજિંગ અને મેકઅપને લગતા વિડિયો ફૉલો કરવાથી ચહેરો કદરૂપો બની ગયો હોય અથવા લાંબી તબીબી સારવાર કરાવવી પડી હોય એવી ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આજે આપણે બ્યુટી ટ્રિક્સ દર્શાવતા કેટલાક પૉપ્યુલર વિડિયો વિશે એક્સપર્ટ શું કહે છે એ જોઈએ.
ડૉક્ટર શું કહે છે?
સુંદરતા માટે વિચિત્ર પ્રયોગો કરવામાં મહિલાઓનો જવાબ નથી. ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવતા વિડિયો પર ભરોસો કરવો મૂર્ખામી છે એવી ભલામણ કરતાં કૉસ્મેટોલૉજિસ્ટ ઍન્ડ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘આ એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમે મન ફાવે એ અપલોડ કરી શકો છો. હોમ રેમેડીઝના પ્રયોગથી તમને કંઈ લાભ થયો હોય તો તમે એનો વિડિયો ઉતારી ઇન્ટરનેટ પર મૂકી દો. અહીં કોઈ પ્રતિબંધ નથી. પિગ્મેન્ટેશન અને ઍક્ને દૂર કરવાની ઈઝી ટ્રિક્સ બતાવતા વિડિયો ખાસ્સા પૉપ્યુલર છે. હમણાં મેં એક વિડિયો જોયો હતો. એમાં અન્ડરઆર્મ્સ પિગમેન્ટેશન માટે લેમન જૂસ લગાવવાની ટ્રિક બતાવવામાં આવી હતી. લેમનમાં વિટામનિ સી હોવાથી સ્કિન ગ્લો કરશે એવો દાવો કરવામાં આવ્યો હતો. વિટામિન સી સ્કિન માટે બેશક ફાયદેમંદ છે, પરંતુ લેમનમાં વિટામિનની સાથે બીજાં કેમિકલ પણ છે જે તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલા વિટામિન સીનો અતિ ઉપયોગ કરે તો ત્વચા ગ્લો કરવાને બદલે કાળી પડી જાય.’
બીજા એક વિડિયો અને કેસ સ્ટડી વિશે વાત કરતાં ડૉ. રિન્કી કહે છે, ‘એક મહિલા ઘરમાં કામ કરતાં સામાન્ય દાઝી ગઈ હતી. દાઝ્યા પર શું કરવું એનો વિડિયો જોઈ ઘાવ પર કોકોનટ ઑઇલ લગાવ્યું. ત્રણ દિવસ પછી મારી પાસે આવી ત્યારે જખમ વધી ગયો હતો. કોકોનટ ઑઇલની આમ જોવા જાઓ તો કોઈ આડઅસર નથી, પણ એને ખુલ્લા ઘાવ પર ન લગાવી શકાય. ઘાવ રુઝાય પછી લગાવો તો લાભ થાય. અહીં ઉપચાર નહીં, ટાઇમિંગ ખોટો હતો. અધકચરી જાણકારીના કારણે એને હેરાન થવું પડ્યું અને ટ્રીટમેન્ટ લાંબી ચાલી.’
ફ્રૂટ્સ, વેજિટેબલ્સ અને રસોડાની અન્ય સામગ્રીનો પ્રયોગ કરી સુંદરતા વધારવાની સલાહ આપતા વિડિયો પૉપ્યુલર બન્યા છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ બધી નૅચરલ વસ્તુ છે; એમાં કંઈ આડઅસર ન થાય. અહીં જ તમે ભૂલ કરો છો એમ જણાવતાં તેઓ કહે છે, ‘તમને જે વસ્તુથી લાભ થયો એનાથી બીજાને પણ થશે એવી માન્યતા ખોટી છે. નૅચરલ વસ્તુ કંઈ ટૅબ્લેટ નથી કે એમાં સ્પેસિફિક વસ્તુ જ ઉમેરવામાં આવી હોય. તમામ નૅચરલ પ્રોડક્ટમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર એમ અનેક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે અને એની માત્રા પણ જુદી-જુદી હોય. દાદીમાના નુસખા સાવ જ ખોટા હોય છે એમ કહેવાનો મારો હેતુ જરાય નથી. અગાઉ આવા તુક્કાઓ કારગત નીવડતા હતા. હવે પ્રદૂષણ, ફૂડ હૅબિટ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જિસના કારણે આપણી સ્કિનની જરૂરિયાત બદલાઈ ગઈ છે તેથી આવાં જોખમ ન ખેડવાં જોઈએ. તમારી સ્કિનને કયા ઇન્ગ્રીડિયન્ટની આવશ્યકતા છે તેમ જ કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ એની સ્પષ્ટતા વિડિયોમાંથી નથી મળવાની. દરેકની સ્કિનની ડિમાન્ડ જુદી હોય છે તેથી સાયન્ટિફિકલી પ્રૂવ ન થયા હોય એવા વિડિયોને ફૉલો કરવામાં સમજદારી નથી.’
બ્યુટિશ્યન શું કહે છે?
ઇન્ટરનેટની એંસી ટકા સલાહ અનુસરવા જેવી હોતી નથી એમ જણાવતાં મુલુંડનાં બ્યુટી એક્સપર્ટ અલ્પા શાહ કહે છે, ‘લેટેસ્ટમાં ઘરમેળે લિપસ્ટિક, ફાઉન્ડેશન, હેરકલર અને શૅમ્પૂ બનાવવાના આઇડિયાઝ આપતા વિડિયો મહિલાઓ બહુ જોતી હોય છે. ડ્રૉઇંગ માટે વપરાતા ક્રૅયોન કલર્સને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અથવા ગરમ કરી ઓગાળી લો. એમાં વૅસલિન અથવા ગ્લિસરીન અને એસેન્સ ઉમેરી બૉટલમાં ભરી ફ્રિજમાં મૂકી દો. આમ લિપસ્ટિક બનતી હશે? તમે નહીં માનો, પણ સ્કૂલમાં ભણતી છોકરીઓ આવા એક્સપરિમેન્ટ કરે છે. હાનિકારક વસ્તુથી બનાવેલી લિપસ્ટિક વાપરવાથી હોઠની ત્વચાને નુકસાન થવાનું જ છે. એ જ રીતે ફ્રૂટ્સ અને વેજિટેબલમાંથી લિપસ્ટિક બનાવવાનો જે આઇડિયા આપવામાં આવે છે એમાં પણ કોઈ ભલીવાર નથી.’
મેકઅપ, ઍન્ટિ-એજિંગ અને બ્યુટીફુલ હેર માટેની ટ્રિક્સના વિડિયો ફૉલો કરવાથી ભારોભાર નુકસાન પહોંચ્યું હોય એવી ફરિયાદ લઈને કસ્ટમર આવે છે એમ જણાવતાં અલ્પા કહે છે, ‘મેકઅપ એક કળા છે. ચહેરાના આકાર અને પ્રોડક્ટ્સ વિશે પૂરતી જાણકારી મેળવ્યા વગર વિડિયોને અનુસરવાથી ચહેરો સુંદર દેખાવાની જગ્યાએ કદરૂપો લાગે છે. ઍન્ટિ-એજિંગના વિડિયો ૩૦થી ૬૫ વર્ષની મહિલા જુએ છે. એમાં બતાવેલી ટ્રિક્સથી કદાચ ૩૦-૪૦ વર્ષની ઉંમરની મહિલાને લાભ થાય, પરંતુ ૬૦ વર્ષે રિઝલ્ટ થોડી મળે? તડકામાં ટૅન થઈ ગયેલી હાથની સ્કિન માટેનો એક વિડિયો હમણાં જોયો હતો. બેકિંગ સોડામાં લીંબુનો રસ ઉમેરી હાથ પર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ પ્રયોગ કરવાથી હાથની સ્કિનને હાનિ પહોંચી શકે છે.’ 



હેર ટ્રીટમેન્ટને લગતા વિડિયો હાઇએસ્ટ મિસગાઇડ કરે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘એક મહિલા હેરફૉલિંગની સમસ્યા લઈને આવી હતી. ઇન્ટરનેટ પર જોઈને તેણે અખતરા કર્યા હતા. આમ કરવાથી વાળ વધુ ખરવા લાગ્યા. અન્ય એક કસ્ટમરને માથામાં અલોવેરા જેલ અપ્લાય કરવાના લીધે ડૅન્ડ્રફ વધી ગયા. બ્યુટી પ્રોડક્ટ્સમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે તેથી લાંબો સમય સુધી બગડતી નથી. જ્યારે આ વસ્તુઓ ડાયરેક્ટ વાપરવાથી ઍલર્જી થવાની શક્યતા વધી જાય છે. ગૂગલ સર્ચ પર આંધળૂકિયાં કરનારી મહિલાઓને મારે એટલું જ કહેવાનું કે રિઝલ્ટ ત્યારે મળે જ્યારે એમાં કોઈ તથ્ય હોય.’


હેલ્થ સંબંધિત મેસેજ અને વિડિયો
માત્ર બ્યુટી જ નહીં, આરોગ્ય અને રોગના ઉપચાર વિશે માહિતી આપતા સંદેશાઓ અને વિડિયો પણ મોટા ભાગે છેતરામણા હોય છે. અમેરિકાની સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે બીમારીનો ઇલાજ બતાવતી મોટા ભાગની વેબસાઇટો અધકચરી અથવા ખોટી માહિતીથી ભરેલી છે, જે દરદીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
ઘણા લોકોને તો ગૂગલ પર એટલો ભરોસો હોય છે કે સામાન્ય તાવ આવે તો લક્ષણોના આધારે ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. સર્ચ કરતાં ખબર પડે કે તાવ સંભવિત ડેન્ગીનું લક્ષણ છે તો ભયભીત થઈ જાય. ક્યાંક મને ડેન્ગીની અસર તો નહીં હોયને? પ્રોફેસરોનું કહેવું છે કે સિમ્પ્ટમ્સ ચેકર્સ તમને ડરાવવા ટાંપીને જ બેઠા છે. સામાન્ય વૈજ્ઞાનિક સમજનો અભાવ હોય એવા વિડિયોને ફૉલો કરવાની શું જરૂર છે? અરે, કેટલાક વિડિયોનો હેતુ જ ઉત્પાદનોના વેચાણ અને આર્થિક લાભ મેળવવાનો હોય છે. આજકાલ કૅન્સર, ડેન્ગી અને ડાયાબિટીઝને કન્ટ્રોલમાં કઈ રીતે રાખી શકાય એની માહિતી આપતા મેસેજથી સોશ્યલ મીડિયા ઊભરાય છે. આ વસ્તુ ખાશો તો આટલા દિવસમાં પાતળા થઈ જશો ને ફલાણા પ્રયોગથી ફલાણી બીમારી મટી જશે જેવા મેસેજિસ પર ભરોસો કરવામાં કોઈ લૉજિક દેખાતું નથી.

આટલા વિડિયોને ક્યારેય ફૉલો ન કરો
ટૂથપેસ્ટમાં કૅલ્શિયમ કાર્બોનેટ હોય છે જે તમારી ત્વચા માટે હાનિકારક છે. ખીલ પર ટૂથપેસ્ટ અથવા ચૂનો લગાવવાની સલાહ આપતા વિડિયોને ફૉલો ન કરો.
ડાર્ક સર્કલ, બ્લૅકહેડ્સ અને પિગમેન્ટેશનને દૂર કરવા માટે બેકિંગ સોડા, વિનેગર અને લેમન જૂસનો સ્કિન ટોનર તરીકે ઉપયોગ કરવાની સૂચના આપતા વિડિયો ગેરમાર્ગે દોરે છે. સ્કિન પર બેકિંગ સોડા અપ્લાય કરવાની તેમ જ ચહેરા પર હોમમેડ બ્લીચ માટે લીંબુનો ઉપયોગ કરવાની નિષ્ણાતો ચોખ્ખી ના પાડે છે.
કપૂર, કૅસ્ટર ઑઇલ, દીવાની બાળેલી વાટ, ચારકોલ (કોલસાનો ભૂકો) ભેળવી ઘરમેળે આઇલાઇનર, કાજલ અને મસ્કરા બનાવવાની રીતને ફૉલો કરવાથી તમારી દૃષ્ટિને ભયંકર નુકસાન પહોંચી શકે છે. આંખ સાથે ચેડાં ન કરવાની ભલામણ છે.
સ્કિન ટૅનિંગ દૂર કરવા ખાટાં ફળોનો રસ લગાવવાની ઍડ્વાઇઝ આપતા વિડિયો ટોટલી અવૉઇડ કરો.
શરીર પર કોઈ પણ પ્રકારની માટીના લેપ લગાવવાની ભૂલ ન કરો. માટીમાં જીવજંતુ હોઈ શકે છે. એનાથી શરીર પર ખંજવાળ આવે છે.
લસણ અને કાંદાની પેસ્ટમાં કોકોનટ ઑઇલ ઉમેરી વાળમાં મસાજ કરવાથી સફેદ વાળ કાળા થાય છે એવા વાહિયાત આઇડિયાઝને ફૉલો ન કરો.
અલોવેરા સહિત કોઈ પણ પ્લાન્ટ્સ અને જડીબુટ્ટીનો ત્વચા તેમ જ વાળમાં ડાયરેક્ટ પ્રયોગ કરવાની સલાહ આપતા વિડિયો મિસગાઇડ કરે છે. કાંટાળા પ્લાન્ટ્સ ત્વચા માટે હાનિકારક છે.
તજ, લવિંગ, મરી અને જાયફળ જેવા મસાલા ખાવા માટે છે, એના પાઉડરનો ઉપયોગ ચહેરાની સુંદરતા માટે કરવાની સૂચના આપતા વિડિયોને અનુસરવા ન જોઈએ.
વજન ઘટાડવા અથવા વધારવા માટે પંદર દિવસ કે મહિનો અમુક ચોક્કસ વસ્તુ ખાધા કરવાની સલાહ આપતા વિડિયો ભરોસેમંદ નથી.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 02:25 PM IST | Mumbai Desk | varsha chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK