Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો તમને ડાયાબિટીઝ અને બીપી હોય તો કિડની ખાસ સાચવજો

જો તમને ડાયાબિટીઝ અને બીપી હોય તો કિડની ખાસ સાચવજો

14 March, 2019 10:37 AM IST |
સેજલ પટેલ

જો તમને ડાયાબિટીઝ અને બીપી હોય તો કિડની ખાસ સાચવજો

કીડની

કીડની


દર વર્ષે વિશ્વમાં ૮૫ કરોડ લોકો કિડનીને લગતી વિવિધ પ્રકારની બીમારીનો ભોગ બને છે. એમાં ક્રૉનિક કિડની ડિસીઝ એટલે ધીમે-ધીમે કિડનીનું ફંક્શન ઘસાતું જવાને કારણે પેદા થતા રોગને કારણે દર વર્ષે ૨૪ લાખ લોકો મોતને શરણ થાય છે. આ ડેથ રેશિયો છઠ્ઠા નંબરનું સૌથી ઝડપથી વધતું મૃત્યુનું કારણ છે. વિશ્વમાંથી જરાક ભારતની પરિસ્થિતિ તપાસીએ તો એમાં પણ કંઈ રાહત મળે એવા સમાચાર નથી. ભારતમાં અંદાજે દર દસ લાખ લોકોએ ૮૦૦ જણ ક્રોનિક કિડની ડિસીઝથી પીડાય છે. દર વર્ષે ૨.૨ લાખ નવા દરદીઓ એવા ઉમેરાય છે કે જે કિડની ડિસીઝના અંતિમ તબક્કામાં હોય. જ્યારે કિડની ખરાબ થઈ જાય ત્યારે એનું લોહીશુદ્ધિનું કામ બહારના સાધનો દ્વારા કરાવવાની ડાયાલિસિસની પ્રક્રિયાની જરૂરિયાત વર્ષે ૩.૪ કરોડ લોકોને પડે છે. આ બધા આંકડાઓ એ સમજવા માટેતા છે કે કિડની એટલું મહત્વનું અંગ છે જેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાનું આપણને પોસાય એમ નથી.

કિડનીની કાર્યશેલી



શારીરિક સ્વાસ્થ્યમાં કિડની કેટલો ક્રિટિકલ રોલ ભજવે છે એ કદાચ રોગ અને મોતના આંકડાથી સમજવામાં આપણને મુશ્કેલી પડી શકે છે એટલે જ નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ કિડનીની કામગીરી સમજાવતાં કહે છે, ‘મોટા ભાગના લોકો માને છે કે કિડની એ તો શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે, પણ વાત એટલી જ નથી. ૧૫૦-૧૫૦ ગ્રામની બે કિડની એટલે કે ૩૦૦ ગ્રામનાં ઑર્ગન્સ ૭૦-૮૦ કિલોના શરીરને ચોખ્ખું રાખવા માટે ચોવીસે કલાક સતત કાર્યરત હોય છે એ કંઈ નાનીસૂની વાત નથી. લોહીશુદ્ધિ ઉપરાંત આપણે જે પ્રોટીનયુક્ત પદાર્થો ખાઈએ છીએ એનું પાચન થઈને એમાંથી પેદા થતાં નકામાં દ્રવ્યો ગાળવાનું કામ પણ કિડનીમાં થાય છે. આપણા શરીરમાં ફ્લુઇડનું પ્રમાણ યોગ્ય માત્રામાં જાળવી રાખવા માટે પણ કિડની સુપરસ્માર્ટ કમ્પ્યુટર જેવું કામ કરે છે. તમે વધુ પાણી પીઓ તો એ શરીરમાં ભરાઈ નથી રહેતું અને ઓછું પીઓ તો પણ શરીર ઍડજસ્ટ કરી લે છે એ કિડનીમાંથી પેદા થતા રેનિન હૉમોર્નને કારણે. આ હૉમોર્ન બૉડીમાં ફ્લુઇડનું સંતુલન જાળવવા માટે મથે છે. તમે તડકામાં હો અને ડીહાઇડ્રેશન થાય તો શરીરમાંના ફ્લુઇડને રિસાઇકલ કરીને ઓછું યુરિન પેદા કરવાનું અને ઠંડા પ્રદેશમાં પરસેવા વાટે ઓછું ફ્લુઇડ વ્યય થયું હોય તો વધુ યુરિન પેદા કરીને શરીરમાં પાણીનું સંતુલન જાળવવાની સ્માર્ટનેસ કિડનીમાં છે. બીજું, આપણા શરીરમાં જે હીમોગ્લોબિન પેદા થાય છે એમાં પણ કિડની ભાગ ભજવે છે. આ માટે કિડનીમાંથી એરિથ્રોપોએટિન નામનો ખાસ હૉમોર્ન પેદા થાય છે. આ હૉમોર્ન લોહીમાં રક્તકણો પેદા થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે કિડનીમાં તકલીફ હોય તો લોહી ફીકું પડી જાય છે અને એનીમિયા થઈ શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે હાડકાં જાળવવા માટે થઈને પણ કિડનીનું સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. તમે જાણતા જ હશો કે હાડકાંની મજબૂતાઈ માટે જરૂરી વિટામિન ડી જરૂરી છે. આ વિટામિન ડી સૂર્યપ્રકાશ કે અન્ય ખોરાકનાં માધ્યમેથી તમે લો છો. જોકે એને શરીરમાં ઍક્ટિવ બનાવવાની કામગીરી કિડનીની છે. આવાં અનેક અતિમહત્વનાં કામો નાનકડી કિડની ચૂપચાપ કરી લે છે એ સમજીશું તો એની કાળજી રાખવી જરૂરી છે એ સમજાશે.’


ઊંઘતા ઝડપાઈએ છીએ

જ્યારે શરીરે સોજા આવી ચડે છે ત્યારે લોકોને લાગે છે કે તેમને અચાનક જ કિડનીની તકલીફ થઈ આવી છે. જોકે દરેક કેસમાં રોગ કંઈ રાતોરાત નથી પેદા થયો હોતો. કિડનીની કામગીરી બરાબર ન ચાલતી હોય તો એનાં લક્ષણો સમજવાનું અઘરું હોવાથી આપણે ઊંઘતા ઝડપાઈએ છીએ. એ વિશે સમજાવતાં નેફ્રોલૉજિસ્ટ ડૉ. રિષી દેશપાંડે કહે છે, ‘જેમ હાઇપરટેન્શનને આપણે સાઇલન્ટ કિલર કહીએ છીએ એમ ક્રૉનિક કિડની ડિસીઝ એ સાઇલન્ટ એપિડેમિક બની ગયો છે. એનું કારણ છે આ રોગનાં પ્રાથમિક લક્ષણો સમજવાનું મુશ્કેલ છે. વળી જે લક્ષણો દેખાય છે એ પણ નૉન-સ્પેસિફિક હોય છે. જેમ કે ઊલટી થવી, ભૂખ ન લાગવી, થાક લાગવો, વજન ઘટવું, યુરિનમાં અનિયમિતતા જેવી બાબતો બીજા અનેક રોગોની સંભાવના જતાવે છે. જો દરદીને પેશાબમાં લોહી પડે તો તરત જ તે નિષ્ણાત પાસે દોડી આવે, પણ એવું નથી થતું. જનરલ લક્ષણો માટે તે પહેલાં બીજી શક્યતાઓની તપાસ કરે છે અને ત્યાં સુધીમાં કિડની વધુ ને વધુ ડૅમેજ થતી રહે છે.’


ક્રૉનિક રોગ પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ

શરીરને અંદરથી ખોખલું કરતો કોઈ પણ રોગ હોય એમાં જીવનશૈલી જ બધાં પાપનું મૂળ છે. ક્રૉનિક કિડની ડિસીઝ પણ એમાંથી બાકાત નથી. ડૉ. ભરત શાહ કહે છે, ‘કિડની ફેલ્યરના લગભગ ૬૦ ટકા દરદીઓમાં આ રોગનું કારણ હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ હોય છે. ઓબેસિટીને કારણે બ્લડપ્રેશર અને બ્લડશુગર વધે છે. આમ આ ત્રણેય સમસ્યાઓ દરદીને બહુ ઝડપથી કિડની ફેલ્યર તરફ લઈ જાય છે. મેદસ્વિતા કન્ટ્રોલમાં રહેશે તો બ્લડપ્રેશર અને બ્લડશુગર કાબૂમાં રહેશે અને મેદસ્વિતા કન્ટ્રોલમાં રાખવા માટે હેલ્ધી જીવનશૈલી કેળવવી પડશે. જ્યારે ખૂબ ઊંચી માત્રામાં સૉલ્ટ અને શુગર લેવામાં આવે અને એક્સરસાઇઝનો અભાવ હોય ત્યારે કિડની પર સૌથી વધુ ભારણ આવે. શરૂઆતમાં કિડની પોતાનાથી થાય એટલું ઍડજસ્ટ કરતી રહે, પણ એમ કરવામાં ધીમે-ધીમે કિડનીનાં ફિલ્ટર્સ ડૅમેજ થવા લાગે અને એક તબક્કા પછી ડૅમેજ સુધારી ન શકાય એ સ્થિતિ આવી જાય ત્યારે કિડની ફેલ્યર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવે.’

લક્ષણો વિના કઈ રીતે જાગવું?

અનેક અભ્યાસો અને ક્લિનિકલ તપાસ પરથી એવું સમજાયું છે કે ક્રોનિક કિડની ડિસીઝનો રોગ લક્ષણમાં દેખાડે એ પહેલાં એનું નિદાન કરી લેવું આવશ્યક છે. આ માટે કિડનીને ક્રૉનિક ડૅમેજ કરનારાં પરિબળો અને જેમને આ રોગનું જોખમ વધુ છે એવા લોકોએ જાગૃત રહેવું જોઈએ એમ જણાવતાં ડૉ. રિષી દેશપાંડે કહે છે, ‘જેમને પણ ડાયાબિટીઝ છે, હાઇપરટેન્શન છે, કિડની-સ્ટોન્સ છે, વજન વધુ છે, જેમની ફૅમિલી-હિસ્ટરીમાં કિડની ડિસીઝ છે તેમણે નિયમિતપણે કિડનીની તપાસ કરાવવી જોઈએ. ડાયાલિસિસ પર જીવતા ૧૦૦માંથી ૮૦ દરદીઓ બીપી અને શુગરને કારણે આ તબક્કે પહોંચેલા હોય છે એટલે આ બે ફૅક્ટર કન્ટ્રોલમાં રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે.’

આ બાબત સાથે સહમત થતાં ડૉ. ભરત શાહ વધુ સ્પષ્ટતા સાથે કહે છે, ‘તમારે કિડનીને સ્વસ્થ રાખવી હોય તો પહેલાં તો ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની સમસ્યા ન આવે એનું ધ્યાન રાખો. ધારો કે તમને ઑલરેડી એ સમસ્યા હોય તો માત્ર દવાથી નહીં, જીવનશૈલીમાં બદલાવ લાવો, જેથી કિડની પર ઓછો લોડ આવે. જો આ રોગો હોય તો દર વર્ષે એક વાર યુરિનની તપાસ કરાવીને એમાં પ્રોટીન જતું નથી એની તપાસ કરાવવી જોઈએ. મોટા ભાગે લોકો માત્ર ક્રીએટિનિન અથવા તો કિડનીની કાર્યક્ષમતા તપાસે છે, પરંતુ યુરિનમાં પ્રોટીન કેટલું જાય છે એ અતિમહત્વનું લક્ષણ છે. યુરિન ટેસ્ટ દ્વારા વર્ષે એક વાર એનું મૉનિટરિંગ કરવાનું જરાય અઘરું નથી.’

આ પણ વાંચો : શું ફરીથી સમય આવી ગયો છે બકરીનું દૂધ પીવાનો?

આટલું જરૂર ધ્યાન રાખો

કોઈ પણ પ્રકારની હર્બલ મેડિસિન લેતા હો તો એમાં શું કન્ટેન્ટ છે એની ખબર ન હોય તો એવી દવાઓ ન લેવી.

છાશવારે હાડકાંના દુ:ખાવા કે સ્નાયુઓની પીડા માટે પેઇનકિલર્સ લેવામાં ધ્યાન રાખવું. આ દવાઓના અપવ્યયને ગાળવાનું કામ કિડનીએ કરવું પડે છે જે એનાં ફિલ્ટર્સને નુકસાન પહોંચાડે છે.

ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કિડની-સ્ટોન અને કિડની ડિસીઝની ફૅમિલી હિસ્ટરી ધરાવતા લોકોએ વર્ષે એક વાર કિડની પ્રોફાઇલ ટેસ્ટ કરાવી લેવી.

ખોરાકમાં નમક, ખાંડ અને તેલનું પ્રમાણ બને એટલું ઘટાડવું અને પાણી પીવાની બાબતમાં તરસને અનુસરવી.

સવારે ઊઠીને મોં કે હાથ-પગ પર સોજો આવેલો જણાય તો એને હળવાશથી ન લેવું.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 10:37 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK