ઘરે મારી બહેનને વધુ પ્રેમ, કાળજી અને મહત્ત્વ મળે છે, મારી કોઈને પડી નથી

Published: Jul 12, 2019, 10:45 IST | સેજલ પટેલ - સેજલને સવાલ | મુંબઈ ડેસ્ક

રન્ટ્સ મોટા ભાગે દરેક સંતાનને તેમની જરૂરિયાત મુજબ ટ્રીટ કરતા હોય છે જેને તમે પક્ષપાતનું નામ આપી દીધું છે. નબળું બાળક હોય તો તેને વધુ અટેન્શન આપવું પડે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ હું ૨૦ વર્ષની છું. હું પહેલેથી જ મનમોજી રહી છું, પરંતુ એને કારણે કદી મને મારા જ ઘરમાં જોઈએ એટલો પ્રેમ નથી મળ્યો. બધું જ અટેન્શન મારી મોટી બહેનને જ અપાય છે. ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થતું હોય અને હું કંઈક એમાં કહું તો તરત કહેવામાં આવે કે તું નાની છે, તને નહીં સમજાય. બધી સમસ્યાનું મૂળ મારી મોટી બહેન છે. તેની તબિયત નરમ રહેતી હોવાથી બધું જ તેની અનુકૂળતા મુજબનું પ્લાનિંગ થાય. તે ભણવામાં પણ સારી છે એટલે તેને એમ પણ માનપાન વધુ મળે. તેનાં લગ્ન માટે છોકરાઓ જોવાની તૈયારી ચાલી રહી છે અને બધા જ તેની આગળપાછળ ફરે છે. બધાને દીદીની પડી છે અને મારી સામે જોવાનીયે કોઈને ફુરસદ નથી. હું ભણવા અને દેખાવ બન્નેમાં તેના કરતાં ઓછી સ્માર્ટ છું. નાની હતી ત્યારે મારી મોટી બહેનનાં ઊતરેલાં કપડાં જ પહેરવાનાં આવ્યાં છે. મોટા થયા પછી ખરીદી કરવા જઈએ ત્યારે મમ્મીને પણ દીદીની પસંદનાં કપડાં જ ગમે. હું ચૂઝ કરું એ બધાં કપડાં તેને વલ્ગર અને ભડકાઉ લાગે. નાની હતી ત્યારે આ બધું નહોતું સમજાતું, પણ હવે હું બધું સમજી શકું છું. હું નાની હતી ત્યારે મને ટ્યુશનમાં મોકલવામાં આવતી અને દીદીને મારા પપ્પા ભણાવતા. પપ્પાને બહુ કહું તો ઠાલું આશ્વાસન આપે કે જો દીદી એક-બે વર્ષમાં પરણીને જતી રહેશે, પછી અમારો બધો પ્રેમ તારો જ છેને?

જવાબઃ આપણા હાથના પંજામાં પાંચેય આંગળીઓ સરખી નથી હોતી એમ એક પરિવારમાં ઊછરતાં બધાં જ સંતાન સરખાં નથી હોતાં. એટલું જ નહીં, દરેક આંગળીનું આગવું મહત્ત્વ હોય છે છતાં દરેક આંગળી પાસેથી એકસરખું કામ લઈ શકાતું નથી. દરેક પેરન્ટ્સનો તેમનાં સંતાનો સાથેનો સંબંધ પણ યુનિક હોય છે. પેરન્ટ્સ મોટા ભાગે દરેક સંતાનને તેમની જરૂરિયાત મુજબ ટ્રીટ કરતા હોય છે જેને તમે પક્ષપાતનું નામ આપી દીધું છે. નબળું બાળક હોય તો તેને વધુ અટેન્શન આપવું પડે.

તમારી સાથે ન્યાય થાય છે કે અન્યાય એ તમે પરિસ્થિતિને કયા દૃષ્ટિકોણથી જુઓ છો એના પર પણ આધારિત છે. તમને ટ્યુશન મોકલવામાં આવતાં હતાં અને દીદીને ઘરે જ ભણાવવામાં આવતી હતી એને વહાલાંદવલાં સાથે કોઈ સંબંધ ન હોય એવું બની શકે. ઇન ફૅક્ટ, તમે ભણવામાં નબળાં હતાં એટલે ખાસ સ્પેશ્યલ અટેન્શન મળે એ માટે પ્રોફેશનલ ટ્યુશન રાખવામાં આવ્યું હોય એવું પણ બનેને?

બહેન એક વાત યાદ રાખજો કે ‘કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષા જ વધારે હોય છે.’ એમાંય જ્યારે જે અટેન્શન પોતાને મળે એવી ઇચ્છા હોય ત્યારે એ બીજાને મળે તો ખૂંચે પણ ખરું. તમે જે ઉંમરે છો ત્યાં આવી લાગણી થવી સ્વાભાવિક છે. આ સમયે ગમેએટલાં પ્રેમ, હૂંફ અને સહાનુભૂતિ મળે એ ઓછાં જ લાગતાં હોય છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

બીજાના હાથમાં રહેલો લાડુ વધુ મીઠો અને મોટો હશે એવી ધારણા તમને પક્ષપાત થયાની ફીલ અપાવે છે. એના કરતાં તમે એક પ્રયોગ કરો. તમારા પેરન્ટ્સ તમને પ્રેમ આપે એવી અપેક્ષાને બદલે તમે તેમની કાળજી રાખવાનું શરૂ કરી દો. ધારો કે તેઓ પક્ષપાત કરતા હોય તો પણ એને નજરઅંદાજ કરો. ફરિયાદ કરવાથી તમને પ્રેમ નથી મળવાનો. માગીને કે લડીને પણ પ્રેમ નથી મળતો, પણ જો તમે તમારા પેરન્ટ્સને પ્રેમ અને કાળજી સામેથી આપશો તો બન્ને તમને રિટર્નમાં જરૂર મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK