Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પર્સનલ ટ્રેઇનરની નિગરાનીમાં છ દિવસ હેવી એક્સરસાઇઝ

પર્સનલ ટ્રેઇનરની નિગરાનીમાં છ દિવસ હેવી એક્સરસાઇઝ

22 October, 2012 06:48 AM IST |

પર્સનલ ટ્રેઇનરની નિગરાનીમાં છ દિવસ હેવી એક્સરસાઇઝ

પર્સનલ ટ્રેઇનરની નિગરાનીમાં છ દિવસ હેવી એક્સરસાઇઝ




ફિટનેસ Funda

મૂળ દિલ્હીના ૩૨ વર્ષના ફિલ્મ અને ટેલિવિઝન ઍક્ટર અને ટેલિવિઝન ઍન્કર સમીર કોચરે પોતાની કરીઅરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. ૨૦૦૫માં ‘ઝહર’ ફિલ્મ સાથે બૉલીવુડમાં પદાર્પણ કરનાર સમીરે ‘જન્નત’, ‘ચેઝ’, ‘ગાંધી સે પહેલે ગાંધી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત એક બ્રિટિશ ફિલ્મ ‘ધ મૉલ’માં પણ તેણે એક અભિનેતા તરીકે કામ કર્યું છે. સ્ટાર પ્લસ પર આવેલા રિયલિટી શો ‘સર્વાઇવર ઇન્ડિયા’ના તે હોસ્ટ હતો.

સેટમૅક્સ પરનો શો ‘એક્સ્ટ્રા ઇનિંગ ટ્વેન્ટી૨૦’ અને ઇન્ડિયન પ્રીમિયર લીગના સળંગ ૪ વર્ષના તેમના ઍન્કરિંગથી ખાસ પ્રસિદ્ધિ પામેલો સમીર હવે મિલન લુથરિયાની ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ-ટૂ’માં દેખાશે. હાલમાં સોનીટીવી પર આવતી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’માં રજત કપૂરનું પાત્ર ભજવી રહેલો સમીર બિઝી શેડ્યુલમાં પોતાની તંદુરસ્તી કઈ રીતે જાળવે છે એ તેના જ શબ્દોમાં જાણીએ.

જીવનનો એક ભાગ

આજે બધા જ બિઝી છે. આપણી લાઇફસ્ટાઇલ એટલી બદલાઈ ગઈ છે જાણે કે શ્વાસ લેવાનો પણ આપણી પાસે સમય નથી. ઘણા લોકો બહાનું બનાવે કે ટાઇમ નથી માટે કસરત થતી નથી, પણ મને લાગે છે કે અત્યારની લાઇફસ્ટાઇલને જોતાં તો કસરત વધુ જરૂરી બની ગઈ છે. ફિટનેસ કેળવવા માટે ઘણી વ્યક્તિઓ અલગથી એફર્ટ કરતી હોય છે જાણે કે એ કોઈ બહારની વસ્તુ હોય અને એને પરાણે પોતાના જીવનમાં સામેલ કરવી પડતી હોય. મારા માટે ફિટનેસ પર ધ્યાન દેવું એ જીવનનો મંત્ર છે, જીવનનો એક અનન્ય ભાગ છે. જેમ ઊઠીને બ્રશ કરવું, ખાવું, પીવું, સૂઈ જવું, કામ કરવું વગેરે જેટલું સહજ છે મારા માટે એટલું જ સહજ છે કસરત કરવી અને તંદુરસ્ત રહેવું. એ મારા રૂટીનનો હિસ્સો છે. એટલે એ કરવા માટે મારે જુદા પ્રકારના પ્રયત્નો કરવા પડતા નથી. વળી એ રૂટીન મેઇન્ટેઇન કરવું પણ મારા માટે અઘરું નથી, કારણ કે મેં એને મારા જીવનમાં વણી લીધું છે.

નાનપણથી જ ફિટ

હું નાનપણથી જ સ્પોર્ટી ઍટિટ્યુડ ધરાવતો હતો. મારી સ્કૂલમાં હું બાસ્કેટબૉલ ટીમનો કૅપ્ટન હતો. ફૂટબૉલ રમવાની પણ મને ખૂબ મજા પડતી. નાનપણમાં રમતોનો શોખીન હોવાથી ફિટનેસ માટે વિચાર કરવો પડતો નહોતો, ઑટોમૅટિકલી ફિટ રહેવાતું. જ્યારે મૉડલિંગમાં જવાનું વિચાર્યું ત્યારે જિમમાં જવાનું શરૂ કર્યું. રમતો રમવાથી હું ફિટ તો હતો જ, પણ જિમ ટ્રેઇનિંગને કારણે મારી બૉડીને સારો શેપ મળ્યો. અમારા પ્રોફેશનની ડિમાન્ડને કારણે અલગ પ્રકારે શરીરની જાળવણી કરવી પડે છે એ વાત સાચી, પરંતુ ફિટનેસની જાળવણી મારા માટે ભારરૂપ નથી.

અઠવાડિયામાં છ દિવસ

હું અઠવાડિયામાં છ દિવસ જિમમાં જાઉં છું અને એક દિવસ મસલ્સને આરામ આપું છું. જિમમાં દરરોજ દોઢ કલાક સતત એક્સરસાઇઝ કરું છું એમાં ત્રણ દિવસ કાર્ડિયો એક્સરસાઇઝ હોય જેમાં મોટા ભાગે એક કલાક રનિંગને આપું છું. બાકીના ત્રણ દિવસ વેઇટ-ટ્રેઇનિંગ કરું છું જેમાં એક દિવસ ચેસ્ટ અને શોલ્ડર્સ, બીજા દિવસે પીઠ અને પગ અને ત્રીજા દિવસે બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સમાં વર્કઆઉટ મારું હમણાનું રૂટીન છે. મને હમણાં લેગ ઇન્જરી થઈ છે એને કારણે થોડી લાઇટ એક્સરસાઇઝ કરી રહ્યો છું. ખાસ તો પર્સનલ ટ્રેઇનરની મદદથી આ લેગપેઇન મટી જાય અને હું પહેલાંની જેમ સ્વસ્થ થઈ જાઉં એ માટેની કસરત પણ ચાલુ છે.

ડાયટમાં પર્ટિક્યુલર


મારા ડાયેટિશ્યનના સૂચવ્યા મુજબ દિવસના ચાર વખત હું ખોરાક લઉં છું જેમાં સવારે હેવી બ્રેકફાસ્ટમાં ઈંડાની સફેદી, ટોસ્ટ અને શાકભાજીનો જૂસ લઉં છું; જ્યારે બપોરે જમવામાં ત્રણ રોટલી, કઠોળ કે શાકભાજી, અડધો કપ દહીં. સાંજે સાડાછ વાગ્યે હળવા નાસ્તામાં ઇડલી મારી ફેવરિટ છે. મારા ડાયટ-પ્લાન મુજબ હું ભાત બિલકુલ ખાતો નથી. માટે જ કદાચ ઇડલી માટે વિશેષ રુચિ થતી હોય એવું બને. લંચ અને ડિનરની વચ્ચે ભૂખ લાગે તો બે બિસ્કિટ ખાવાની હું છૂટ રાખું છું. મોટા ભાગે મારા ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારે હોય અને કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ઓછી રહે એનું હું ખાસ ધ્યાન રાખું છું. દિવસ દરમ્યાન ફ્રૂટ્સ અને શાકભાજીનું સેવન વધારે કરું છું. આમ હું મારા ડાયટમાં પર્ટિક્યુલર છું.

એક દિવસની છૂટ

મૂળ હું દિલ્હીનો પંજાબી છું. અમે પંજાબી લોકો ખાવાના ખૂબ શોખીન હોઈએ. બુદ્ધિ ભલે સમજતી હોય કે ડાયટને અનુસરવું જરૂરી છે, પણ મન તો એના શોખ આગળ મજબૂર થાય એમાં નવાઈ નહીં. આ ઉપરાંત દાલ મખની, બટર નાન, બટર પરાંઠાં મારાં ખાસ ફેવરિટ છે. આ ખાવાનો શોખ જળવાઈ રહે અને શરીરને સાથે-સાથે જીભને પણ ન્યાય મળે એ માટે મહિનામાં એક વાર હું દેશી પંજાબી ફૂડ ખાવાની છૂટ રાખું છું. મહિનામાં સ્ટ્રિક્ટ ડાયટ-પ્લાન અને સખત એક્સરસાઇઝ પછી એક દિવસની આ છૂટની કિંમત તો હું જ સમજી શકું.

પર્સનલ ટ્રેઇનર જરૂરી

હું માનું છું કે દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ હોય છે અને તેના શરીરની જરૂરિયાત પણ ખાસ કરીને અલગ-અલગ હોય છે. જે કસરતથી મને ફાયદો થતો હોય એનાથી કદાચ બીજી વ્યક્તિને ન પણ થાય અને જે ડાયટ-પ્લાનથી બીજાને ફાયદો થતો હોય એ ડાયટ મને સૂટ ન પણ થાય. માટે તમારા શરીરને શું માફક આવશે એ આપણે જાતે નક્કી કરીએ એના કરતાં પ્રોફેશનલની મદદ લઈએ તો વધારે સારું અને સાચું રિઝલ્ટ આપણને મળે છે એવો મારો અનુભવ છે. આમ પર્સનલ ટ્રેઇનર અને ડાયેટિશ્યનની ખાસ જરૂર હોય છે. જિમમાં પર્સનલ ટ્રેઇનર વગર વર્કઆઉટ કરવામાં રિસ્ક તો હોય છે સાથે-સાથે એક ને એક એક્સરસાઇઝ કરવાથી કંટાળો પણ આવે છે. જ્યારે ફિટનેસ માટે આપણે આટલી મહેનત કરીએ છીએ ત્યારે એ મહેનત કોઈના ગાઇડન્સ હેઠળ કરીએ તો લેખે લાગે.

- વાતચીત અને શબ્દાંકન : જિગીષા જૈન


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2012 06:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK