Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભારતનાં ૧૭રાજ્યોમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર સંત નરેશમુનિ મહારાજસાહેબ

ભારતનાં ૧૭રાજ્યોમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર સંત નરેશમુનિ મહારાજસાહેબ

02 June, 2020 04:34 PM IST | Kutch
Vasant Maru

ભારતનાં ૧૭રાજ્યોમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર સંત નરેશમુનિ મહારાજસાહેબ

ભારતનાં ૧૭રાજ્યોમાં વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર સંત નરેશમુનિ મહારાજસાહેબ


‘મિડ-ડે’નું ‘કચ્છ કૉર્નર’ બીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. એક વર્ષની લાંબી મંજિલમાં કચ્છના રત્નો કહી શકાય એવી વ્યક્તિઓની જીવનકથા આલેખવાનું અને ‘મિડ-ડે’નાં પાનાં પર રજૂ કરવાનું સદ્ભાગ્ય અમને મળ્યું છે. વાચકોના પ્રચંડ પ્રતિસાદ અને પ્રેમના હકદાર બન્યા છીએ. એ માટે સર્વ ગુણીજનોનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે સાવ અનોખા વિચારધારાના સાધુ નરેશમુનિનું રેખાચિત્ર રજૂ કરીએ છીએ.

 કચ્છના માંડવી તાલુકાનું ભોજાય ગામ એટલે સંતોની ભૂમિ. અનેક જૈન સંતો અહીં જન્મ્યા છે. એટલું જ નહીં, ભોજાયના બે ફરિસ્તાઓ લીલાધર માણેક ગડા ‘અધા’ અને લક્ષ્મીચંદ મોરારજી ગાલાએ કચ્છ અને મુંબઈમાં આરોગ્ય ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું છે. એ ભોજાય ગામના દેરાસરના પૂજારી હંસરાજભા છેડા અને ગૃહિણી બાયાબાઈના ઘરે ૧૯૫૮માં બાળક નવીનનો જન્મ થયો. ચાર ભાઈ અને ત્રણ બહેનોના બહોળા કુટુંબને ચલાવવા વધારાની આવક માટે હંસરાજભા છેક સુરતથી ભોજાય આવેલા. ડૉ. કાંતિભાઈ ભાવસારના સહાયક તરીકે કાર્ય કરતા. દેરાસરમાં ભગવાનની અને ડૉક્ટર સાથે ગામમાં ગરીબોની સેવા કરતા હંસરાજભાના માનવીય ગુણો અને માતા બાયાબાઈનાં જીવદયાનાં કાર્યોનો ઊંડો પ્રભાવ બાળક નવીન પર પડ્યો.



   નવીન માંડ ૧૧ વર્ષનો હતો ત્યારે આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન મુનિ ધીરજ મ.સા. અને તેમના ગુરુ રામચંદ્ર મ.સા. પોતાના ગામ ભોજાય પધાર્યા. બાઈ (બા), અધા (બાપુજી) સાથે બાળક નવીન આ મહારાજસાહેબોની સેવા-ચાકરી કરવા લાગ્યા. એમાંય નવીનને ધીરજમુનિ મ.સા.ની મોહિની લાગી એટલે માતા-પિતા પાસે મુનિરાજ સાથે વિહાર કરવા આજ્ઞા માગી, કારણ કે નવીનને શાળાના અભ્યાસમાં ચિત્ત લાગતું નહોતું, પણ ધર્મના અભ્યાસની સાથે-સાથે સમાજની અનોખી સેવા કરવાનું સપનું જોયું હતું. માતા-પિતાએ આ પ્રતાપી સાધુઓ સાથે આખા કચ્છમાં ફરવા-વિચરવા નવીનને રજા આપી, પણ ત્યારે ક્યાં ખબર હતી કે વિધિએ એક અનોખો ખેલ રચ્યો છે! આગળ જતાં બાળક નવીન દીક્ષા લઈ ભારતભરનાં હજારો ગામડાંઓમાં પગે ફરીને લાખો લોકોને વ્યસનોની નાગચુડમાંથી બહાર લાવવાનું જબરું કાર્ય કરશે! તેમનાં ઘરોમાં સુખનો સૂરજ ઉધાડશે.


 સમય જતાં નવીનને ધર્મનો પાકો રંગ ચડી ગયો અને અઢારમે વર્ષે ધીરજમુનિ પાસે દીક્ષા લઈ નવીન બની ગયો નરેશમુનિ! નરેશમુનિ ધર્મપ્રચાર અને આત્મકલ્યાણ માટે કચ્છનાં ગામડાંઓમાં વિચરવા લાગ્યા. ચારેબાજુ અજ્ઞાનતા અને બદીઓથી ખદબદતા માનવીઓને જોઈ તેમનું હૃદય રડી ઊઠતું.

 સતત પચીસેક વર્ષ વિહાર કરતા રહ્યા ત્યારે તેમણે વ્યસનની નાગચૂડમાં ફસાયેલા અનેક લોકો જોયા. આશાસ્પદ યુવાનો દારૂ પીને નશાખોર બની ગયેલા અને જીવન વેડફતા જોયા. ગામડાંઓનાં પાદરમાં કે બસ સ્ટૅન્ડ પર જુગાર રમતા કે બીડીઓ ફૂંકતા યુવાનોને જોઈ નરેશમુનિને કરુણાભાવ જાગતો. પાન-તમાકુના વ્યસનીઓને જોઈ હૃદય દૃવી ઊઠતું. ક્યારેક ગામડાંઓની મા-બહેનોને સૂંઘણી (બજર-તમાકુની તપકીર) સૂંઘતા જોઈ તેઓ કકળી ઊઠતા. સતત મનમાં એક જ વિચાર આવતો કે આ વ્યસનોમાં લાખો લોકો બરબાદ થાય છે, કરોડો રૂપિયા વેડફાય છે. એના વિષચક્રમાંથી છોડાવવા કઈક નક્કર કરવું પડશે અને એક શુભ ક્ષણે એ અવસર આવી પહોંચ્યો.


 નરેશમુનિની દીક્ષાની પચીસમાં વર્ષની ઉજવણી ભુજ ખાતે યોજાઈ. કચ્છના પ્રખ્યાત ચિત્રકારો નવીન સોની અને બિપિન સોનીની સાથે ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકારોએ વ્યસનમુક્તિનાં ચિત્રો દોરી ભુજમાં પ્રદર્શન ભર્યું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના તત્કાલીન સ્પીકર ધીરુભાઈ શાહ અને કચ્છના આગેવાન તારાચંદ છેડાએ કર્યું. પ્રદર્શનમાં રજૂ થયેલાં વ્યસનમુક્તિનાં ચિત્રો જોઈ લોકોના માનસ પર ઊંડી અસર થઈ. ભુજમાં જ કેટલાય લોકોએ વ્યસન ત્યજવાની પ્રતિજ્ઞા લીધી અને નરેશમુનિની વ્યસનમુક્તિ ઝુંબેશની શરૂઆત થઈ. નાનાં-નાનાં ગામડાંઓમાં શિબિરો અને પ્રવચનો યોજવા લાગ્યાં. આ પરગજુ સંતની નિખાલસ વાણીનો પ્રભાવ અબુધ ગામડિયાઓ પર વર્તાવા લાગ્યો. ધીરે-ધીરે તેમને પ્રસિદ્ધિ મળવા લાગી.

 ભારતમાં અનેક જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યસનમુક્તિ કેન્દ્રો ચાલે છે. એમાં વ્યસનમુક્ત થવા વ્યસનીઓને દાખલ કરાય છે, પરંતુ એનો ભારે ખર્ચ થાય જે સામાન્ય માણસને પરવડે નહીં. આ વાત નરેશમુનિ બરાબર જાણતા હતા એટલે તેમની તર્કબદ્ધ સમજાવટથી, ધ્યાનયોગ અને દૃઢ મનોબળની કેળવણીથી અને લાગણીતંત્ર પર સીધા ઘા કરવાનું સૂત્ર તેમણે શોધી કાઢ્યું. જ્યાં તેમનો રાત્રિવાસ હોય ત્યાં સત્સંગ થતો, ભજનોનું આયોજન થતું, ચિત્રપ્રદર્શન ભરાતું, મુનિરાજની તર્કબદ્ધ સમજાવટથી વ્યસની વિચલિત થઈ એક જ ક્ષણમાં વ્યસનનો ત્યાગ કરતા થઈ ગયા. તરત જ તેમને ભાવનગરના પ્રસિદ્ધ વૈધ ડૉ. ચેતન મહેતાની દવા અપાતી. ધીરે-ધીરે આ બધાનાં સારાં પરિણામો આવવા લાગ્યાં.

 મનોજ સાવલા નામનો એક તેજસ્વી યુવાન મુંબઈના કૉટનગ્રીન વિસ્તારમાં રહેતો હતો. તેની આજુબાજુના પરિસરમાં દારૂડિયા પતિની પત્નીઓ ઘરકામ અને વાસણ ઘસીને ધણી માટે ફરજિયાત દારૂ લાવતી અને ઘરખર્ચ ચલાવતી જોઈ તેનું હૃદય રડી ઊઠતું. એક વાર તેના ગામ બેરાજામાં નરેશમુનિ પધાર્યા હતા. આત્માના કલ્યાણ, ધર્મલાભની સાથે-સાથે વ્યસનમુક્તિ દ્વારા સમાજની ઉન્નતિ કરતા મુનિરાજની વાત સાંભળી તે મુંબઈથી બેરાજા (કચ્છ) પહોંચી ગયો. દિવસો સુધી મુનિરાજની સેવા કરતાં-કરતાં તેના મનમાં મુનિરાજના શિષ્ય બની, ધર્મની સાથે માનવધર્મ ઉજાગર કરવાની ભાવના જાગી. પરિણામે મનોજે દીક્ષા લઈ ઓસજમુનિ તરીકે પ્રખ્યાત થયા અને ગુરુ-શિષ્યે મળીને વ્યસનમુક્તિ ઝુંબેશને જબરો વેગ આપ્યો.

બન્ને મુનિરાજ પોતે પગે ચાલે અને નશામુક્તિ ઝુંબેશનો ‘ઍમ્બ્યુલન્સ-રથ’ સાથે હોય. હજારો કિલોમીટર ચાલી કચ્છથી કન્યાકુમારી અને મહારાષ્ટ્રથી નેપાલ બૉર્ડર સુધીનાં ૧૭ રાજ્યોમાં આ ગુરુ-શિષ્ય એકલવીર બનીને પોતાના મિશનમાં મચી પડ્યા. બંગાળ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતનાં ૧૭ રાજ્યોનાં ગામડાંઓમાં આ રથયાત્રા વર્ષો સુધી ફરતી રહી. આદિવાસીઓ, ગરીબ મજૂરો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સર્વને લાંબી સમજાવટથી, ડૉ. મહેતાની દવાથી, લાગણીતંત્રને ઝંઝોડી જાગૃતિ લાવી બે દાયકામાં લાખો લોકોને નશામાંથી મુક્તિ અપાવવાનું પ્રચંડ કાર્ય કર્યું.

 નરેશમુનિ બધાને એક વાત સમજાવતા કે ‘ઈશ્વરે આપેલું શરીર એ વરદાન છે. થૂંક પણ જો અમૃત હોય તો શરીરને વ્યસનના ચુંગાલમાં નાખી જીવન બરબાદ કરાય નહીં. છ ફુટનો આદમી જો ત્રણ ઇંચની બીડી, છ ઇંચની દારૂની બાટલી કે બાવન પત્તા સામે લાચાર-મજબૂર બની જાય તો કેમ ચલાવી લેવાય?’

 

આવી વાણીના પ્રભાવને કારણે કસાઈથી માંડી માછીમારોના માનસ પરિવર્તન થયા. ૧૭ રાજ્યોનાં હજારો ગામડાંઓના લાખો અનુયાયીઓ તેમને મળવા તલપાપડ હોય છે પણ સાહેબજી, રોજ એકસાથે બધાને મળે એ શક્ય નહોતું એટલે મુંબઈના ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રસિદ્ધ સર્જક મહેશ નાનજી શાહે સરસ રસ્તો શોધ્યો. પરિણામે છેલ્લાં ૭ વર્ષથી ૩૬૫ દિવસ રોજ રાતના ૧૦ વાગ્યે તેમનાં પ્રવચનો એક ધાર્મિક ચૅનલ પર પ્રસારિત કરે છે. લાખો અનુયાયીઓ ગુરુદેવને રોજ મળવાનો સંતોષ લે છે.

   એક વાર છત્તીસગઢના બિલાસપુરમાં કોઈ હિન્દુભાઈને ત્યાં સાહેબજીનો ઉતારો હતો. ઉતારાની સામેના ખંડેરમાં અગિયારેક વર્ષના કિશોરોને કેફી દૃવ્યનું સેવન કરતાં જોઈ તેમનું હૃદય રડી ઊઠ્યું. તેમણે ખૂબ મહેનત કરી તે કિશોરોને કેફી દૃવ્યોના બંધનમાંથી મુક્ત કરાવ્યા. ત્યારથી શાળાઓ, કૉલેજો કે ફૅક્ટરીઓમાં જઈ વર્કશૉપ અને શિબિરો કરતા થઈ ગયા.

 હૈદરાબાદમાં એક મુસ્લિમ ફેરીવાળો ૨૪ કલાક મોંમાં માવો ભરી શાક વેચતો. તેને જોઈ રોજ સાહેબ તેની પાસે જઈ ગુટકા છોડવા પ્રેરતા રહ્યા. ધીરે-ધીરે મુસ્લિમ ફેરિયાએ ગુટકા છોડી દીધા. થોડા દિવસ પછી એક વાર ફેરિયાએ નરેશમુનિ પાસે આવીને કહ્યું, ‘સાહેબ, મોંમાં ૨૪ કલાક ગુટકા ભરેલો હોય એટલે મોં ચોખ્ખું રહેતું નહીં એટલે મસ્જિદમાં ખુદાની બંદગી કરવા વર્ષોથી નથી ગયો. આજે આપને કારણે મસ્જિદમાં નમાજ અદા કરવા જઈ રહ્યો છું, કારણ કે મારું મોં હવે ચોખ્ખું હોય છે!’

સોમનાથમાં તો જમાતખાનામાં મુસ્લિમ બિરાદરો માટે શિબિર યોજી અનેક ભાઈઓને વ્યસનમુક્તિ અપાવી હતી. આવા તો હજારો કિસ્સા સાહેબજીનાં સ્મરણમાં છે. આવા સંત નરેશમુનિ મ.સા.નું ‘મિડ-ડે’ વતી અભિવાદન કરી વિરમું છું.

અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 04:34 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK