Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે કેવી રીતે કરશો મચ્છરનો મુકાબલો?

તમે કેવી રીતે કરશો મચ્છરનો મુકાબલો?

20 August, 2019 03:46 PM IST | મુંબઈ
રુચિતા શાહ

તમે કેવી રીતે કરશો મચ્છરનો મુકાબલો?

વર્લ્ડ મૉસ્કિટો ડે

વર્લ્ડ મૉસ્કિટો ડે


નિષ્ણાતોના મતે જે રીતે વિશ્વભરમાં મચ્છરોની સંખ્યા વધી રહી છે એ જોતાં હવે મચ્છરોને ભગાડવા યુદ્ધના ધોરણે કામ કર્યા વિના છૂટકો નથી. આજે પણ મલેરિયા, ડેન્ગી, ચીકનગુનિયા જેવા જીવલેણ વાઇરસનાં સંક્રમણ કરીને લાખો લોકોના જીવ જોખમમાં મૂકનારા મચ્છરોને લીધે જ ડાયનોસૉર વિલુપ્ત થયા હતા એવું સંશોધકો કહે છે. આજે વર્લ્ડ મૉસ્કિટો ડે નિમિત્તે સદીઓથી માનવજાત માટે ઘાતકી બનેલા આ ટાઇની ટેરરને શું કામ કાબૂમાં લેવો જરૂરી છે એ વિશે વાત કરીએ.

અમેરિકાની કોલોરાડો મેસા યુનિવર્સિટીના પ્રોફેસર ટિમોથી વિનેગાર્ડે એક પુસ્તક લખ્યું છે, ‘ધ મૉસ્કિટો : અ હ્યુમન હિસ્ટરી ઑફ અવર ડેડલિએસ્ટ પ્રિડેટર’. પુસ્તકમાં મચ્છરોની અજબ-ગજબ દુનિયાની અધધધ માહિતી આ પ્રોફેસરે ખૂબ ઝીણવટપૂર્વકનો અભ્યાસ અને રિસર્ચ કરીને રજૂ કરી છે. લેખક કહે છે કે પૃથ્વી પરથી મહાકાય પ્રાણી ડાઇનોસૉર્સ નામશેષ થયા એમાં મચ્છરોનો ફાળો હતો. મચ્છરો વિવિધ રોગોના વાઇરસોનું સ્થળાંતર કરી રહ્યા છે અને એણે માનવજાતના ડીએનએમાં બદલાવ લાવવા સુધીનું કામ કર્યું છે. આ લેખકનું માનવું છે કે લગભગ ૧૯૦ મિલ્યન વર્ષ એટલે કે લગભગ ૧૯ કરોડ વર્ષથી મચ્છરોનું ધરતી પર રાજ ચાલ્યું છે અને એણે ફેલાવેલા સંક્રમણને કારણે લગભગ બાવન અબજ લોકો મોતનો કોળિયો બન્યા છે. સમય જતાં આ જંતુ વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બન્યું છે. આજે પણ મચ્છરોને કારણે ફેલાતા કેટલાક જાણીતા રોગોથી થતાં મૃત્યુનો દર ઊંચો ને ઊંચો જ છે. મલેરિયાથી લઈને યલો ફીવર, ડેંગી, ઝીકા, ચીકનગુનિયા જેવા રોગોમાં વાઇરસ સંક્રમિત રોગોને નાથવામાં માનવજાતે આકાશ-પાતાળ એક કર્યા પછી પણ સંપૂર્ણ સફળતા મેળવી નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આપેલા આંકડા મુજબ આજે પણ વર્ષે ૧૦ લાખ લોકો મચ્છર દ્વારા સંક્રમિત રોગથી મૃત્યુ પામે છે. સદીઓથી મચ્છરોએ કરોડો લોકોનો ભોગ લીધો છે અને આ ક્રમ આજ સુધી અકબંધ છે. હજીયે વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકો મચ્છરો દ્વારા સંક્રમિત થતા જાણીતા અને અજાણ્યા વાઇરસોની પાછળ હાથ ધોઈને પડ્યા છે અને એનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યા છે ત્યારે મચ્છરોએ કેવો કાળો કેર વર્તાવ્યો છે અને આપણે આપણી રીતે મચ્છરોને નાથવા શું કામ જરૂરી છે એ વિશે થોડી ચર્ચા કરીએ.



શું કામ ખતરનાક?


મચ્છરો પોતે જીવલેણ નથી, પરંતુ મચ્છરો દ્વારા સંક્રમિત કરાતા વાઇરસો આપણા જીવ માટે જોખમી છે. માદા મચ્છરો પોતાનાં ઈંડાંને સેવવા માટે તમારું થોડું લોહી કરડીને મેળવી લે છે. કરડતી વખતે એની સલાઇવાના ઍલર્જિક રીઍક્શનના ભાગરૂપે જ મચ્છર કરડ્યા પછી નાનકડું ઢીમચું થાય છે. જોકે પોતાનાં ઈંડાંને પોષવા માટે માદા મચ્છર જ્યારે તમારા શરીરમાં સોય ભોંકે છે ત્યારે કોઈ કોઈ વાર ડેંગી, મલેરિયા કરનારા વાઇરસોની ભેટ પણ આપી બેસતી હોય છે અને એણે અત્યારે વિશ્વભરમાં દેકારો બોલાવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે આટઆટલા અવેરનેસ કૅમ્પેન પછી પણ ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના મલેરિયાના પેશન્ટની સંખ્યામાં ખાસ કોઈ ઘટાડો નથી થયો. ૨૦૧૭માં લગભગ સાડાચાર લાખ લોકો વિશ્વમાં માત્ર મલેરિયાને કારણે મૃત્યુ પામ્યા હતા. આવી જ હાલત ડેંગીની છે. મુંબઈની વાત કરીએ તો એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પહેલી જુલાઈથી ૧૧ ઑગસ્ટ દરમ્યાન મુંબઈમાં કુલ ૪૨ લોકોને ડેંગી થયાનું નોંધાયું છે. સરેરાશ રોજના પંચાવન લોકો ડેંગી અથવા ડેંગી જેવાં લક્ષણ ધરાવતા વાઇરસને કારણે બીમાર પડીને હૉસ્પિટલાઇઝ થાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે વિશ્વમાં લગભગ ૧૯ કરોડ લોકોને ડેંગી થયાનું નોંધાયું છે અને એમાંથી લગભગ ૯.૬ કરોડ લોકોને સારવારની જરૂર પડે છે. ભારતમાં નોંધાતા ડેંગીના કેસની સંખ્યામાં દર વર્ષે ૨૫ ટકા વધારો થઈ રહ્યો છે. એમાં તો આ જ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ લગભગ પોણાત્રણ લાખ મચ્છરના બ્રીડિંગ સ્પૉટનો ખાતમો બોલાવ્યો હતો. આટલી ખરાબ હાલત શું કામ છે એ સંદર્ભે જસલોક હૉસ્પિટલ સાથે સંકળાયેલા ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. ઓમ શ્રીવાસ્તવ કહે છે, ‘આપણે ત્યાં મૉસ્કિટો મૅનેજમેન્ટની સિસ્ટમ વિશે હજીયે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી. હજીયે અપેક્ષિત છે એટલી અવેરનેસ લોકોમાં નથી આવી. જ્યાં સુધી મચ્છર કરડ્યા પછી કોઈ વાઇરસ લાગે નહીં ત્યાં સુધી એ બાબત એકદમ મામૂલી લાગે છે. ટ્રીટમેન્ટ સુધરી છે, પરંતુ લોકો જો જાગૃતિ કેળવ્યા પછી એને અનુરૂપ પગલાં નહીં લે ત્યાં સુધી મચ્છરોને રોકવા અને મચ્છરો દ્વારા ફેલાતા રોગો પર કાબૂ મૂકવો ખૂબ અઘરો છે. એવું જરાય નથી કે મચ્છર કરડે એટલે દરેકને મલેરિયા અથવા ડેંગી જ થાય. ઘણી વાર બીજા પણ અન્ય પ્રકારના વાઇરસ લોકોના શરીરમાં નાનકડા મચ્છર દ્વારા ફેલાતા હોય છે જેનાં લક્ષણો ડેંગી જેવાં પણ હોય અને એનાથી વધુ ખતરનાક પણ હોઈ શકે.’

અમેરિકાના ઓહાયોમાં મચ્છર દ્વારા કોઈ જુદા જ પ્રકારના વાઇરસનું સંક્રમણ થતાં સાત વર્ષની એક બાળકીને માથામાં સોજા આવ્યા અને તે કોમામાં સરી પડી. કહેવાનું એટલું જ કે ક્યારેક મચ્છરો ધાર્યા કરતાં પણ વધુ ઘાતકી હોઈ શકે છે.


તો કરવું શું?

મચ્છરોનો ઉછેર ન થાય એવાં પગલાં દરેક જણે લેવાં જોઈએ અને મચ્છરો કરડે પણ નહીં એવા પ્રયત્નો પણ કરવા જોઈએ એ વાત પર ભાર મૂકીને ડૉ. ઓમ કહે છે, ‘લાંબા સમય સુધી એકઠું થયેલું ગંદું પાણી, પાણીનાં ખાબોચિયાં વગેરે ન રહે એનું ધ્યાન રાખો. તમારા ઘરની દીવાલોમાં જો ભેજનું પ્રમાણ હોય તો એને નિયમિત સાફ રાખો. ઝાડનાં કુંડાં અને પાણી ભરેલાં વાસણોમાં મચ્છરોનો ઉપદ્રવ ન હોય અને એ સ્થાન મચ્છરોનું ઉછેરકેન્દ્ર ન બને એના પર નજર નાખો, તમારા ફ્રિજમાંથી અને એસીમાંથી આવતા ગંદા પાણી અને ગાર્ડન્સ જેવી જગ્યાઓએ મચ્છરોનું બ્રીડિંગ થતું હોય છે. ટૂંકમાં કહીએ તો મચ્છર પેદા જ ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. મુંબઈ મહાનગરપાલિકા તો પગલાં લે જ છે, પણ સાથે વ્યક્તિગત ધોરણે પણ એની ચોકસાઈ રાખવી જોઈએ. મચ્છર કરડે નહીં એ માટેની મૉસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરો. મચ્છરદાની વાપરો.’

આયુર્વેદ-નિષ્ણાત ડૉ. નીતિન ગોરડીઆ પાસેથી જાણીએ મચ્છર ભગાડવાના અહિંસક ઇલાજ

આપણા પરસેવાની ગંધ હોય એનાથી અટ્રૅક્ટ થઈને મચ્છર કરડે એટલે સૌથી પહેલાં શરીરશુદ્ધિ મહત્ત્વની છે. પ્રસ્વેદ ગ્રંથિથી દૂર

રાખવા માટે કડવી વાસ ધરાવતા તેલ ચોપડવાથી મચ્છર ન કરડે. એ શરીરની ગંધથી મચ્છરોને દૂર રાખે છે.

કડવા લીમડાનું તેલ અને કપૂરનો દીવો કરો તો મચ્છર ભાગે છે.

શરીર પર કડવા લીમડાનું, રાયનું અથવા કરંજનું તેલ ચોપડ્યું હોય તો મચ્છર ન કરડે.

કડવો લીમડો, સરસવ, ગુગળ, કુંડરુ (ઇશેષ)નો ગૂંદર, લોબાન વગેરે ઔષધિનો ધૂપ કરવાથી મચ્છર જતા રહે છે.

ઘરમાં સૂર્યનો તડકો આવે તો પણ મચ્છર ન થાય.

ભેજનું પ્રમાણ વધે ત્યાં પણ મચ્છર થાય એટલે બને ત્યાં સુધી ચોખ્ખું અને કોરું રહે એવા પ્રયત્ન કરવા જોઈએ.

જે લોકો નમક સપ્રમાણ ખાતા હોય અને કડવી વસ્તુ પણ સારા પ્રમાણમાં આહારમાં લેતા હોય તેમને મચ્છર કરડવાનું પ્રમાણ ઘટી જાય છે.

ઉઘાડી અને ઠંડી વસ્તુઓ ખાવાનું અવૉઇડ કરો.

તમને ખબર છે?

તમારા પસીનાની ગંધથી લઈને તમે પહેરેલાં વસ્ત્ર અને તમારાં કપડાંના કલર મચ્છર તમને કરડે એ પહેલાં નોટિસ કરે છે.

ઉચ્છ્વાસમાં તમે કેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકો છો એના પર પણ મચ્છર તમને કરડશે કે નહીં એનો આધાર રહેલો હોય છે.

કહેવાય છે કે ‘ઓ’ બ્લડ-ગ્રુપ મચ્છરોનું ફેવરિટ હોય છે એટલે તેમને તેઓ ખાસ કરડે છે, પરંતુ ‘એ’ અથવા ‘બી’ બ્લડ-ગ્રુપને તેઓ છેલ્લે પ્રેફરન્સ આપે છે.

વૈજ્ઞાનિકો માને છે કે મચ્છર કરડ્યા પછી વધુપડતું ખંજવાળવાથી વાઇરસ સ્કિનમાં ઍબ્સોર્બ થવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચો : આવે છે દિવસમાં વારં વાર ઝોકા તો સાવધાન, હોઈ શકે અલ્ઝાઈમર્સ

શું કામ ઊજવાય છે વર્લ્ડ મૉસ્કિટો ડે

બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસે ૧૮૯૭ની ૨૦ ઑગસ્ટે શોધી કાઢ્યું હતું કે જીવલેણ ગણાતો મલેરિયાનો વાઇરસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. એ શોધની યાદમાં દુનિયામાં મચ્છરો દ્વારા ફેલાતા રોગો વિશે અવેરનેસ ફેલાવવા માટે વર્લ્ડ મૉસ્કિટો ડે ઊજવવાની શરૂઆત થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 03:46 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK