Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > રાજસમંદ: પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનેરો સંગમ

રાજસમંદ: પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનેરો સંગમ

24 December, 2018 07:15 PM IST |

રાજસમંદ: પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનેરો સંગમ

પર્વતો વચ્ચેથી વહેતા મોટા ઝરણાં અને તેની આસપાસ સુંદર શીલાઓની હાજરી, આવું દેખાય છે રાજસ્થાનના રાજસમંદનું દ્રશ્ય. અહીં નાથદ્વારામાં બની રહી છે સૌથી ઊંચી શિવ પ્રતિમા. ચાલો જઈએ જોવા......

પર્વતો વચ્ચેથી વહેતા મોટા ઝરણાં અને તેની આસપાસ સુંદર શીલાઓની હાજરી, આવું દેખાય છે રાજસ્થાનના રાજસમંદનું દ્રશ્ય. અહીં નાથદ્વારામાં બની રહી છે સૌથી ઊંચી શિવ પ્રતિમા. ચાલો જઈએ જોવા......


રાજસ્થાનની રાજધાની જયપુરથી 350 કિલોમીટર દૂર દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલ રાજસમંદ જિલ્લો. અહીં એવું બધું જ છે, જે જગ્યાને જોતાંનેંત તમે કહેશો 'વાહ'! જો તમે ઈતિહાસપ્રેમી છો તો રાજસ્થાનના મેવાડ અંચલની આન, બાન, શાનના પ્રતીક કુમ્ભલગઢ દુર્ગ, દેવગઢના મહેલ અને સરદારગઢના કિલ્લાને જોઈ તમે ઇતિહાસના પાનાંઓમાં ખોવાઈ જશો. કાંકરોલીમાં ભગવાન શ્રી દ્વારિકાધીશ, નાથદ્વારામાં શ્રીનાથજી તથા ગઢબોરમાં ચારભુજાનાથના દર્શન કરી એક જુદો જ અનુભવ થશે. અહીં રાજસ્થાનના વીર યોદ્ધા મહારાણા પ્રતાપના શૌર્ય અને બલિદાનની કથાઓ સંભળાવતી હલ્દી ઘાટીની માટીનો સ્પર્શ તમારા રોમ-રોમમાં એક નવો રોમાંચ જગાડી દેશે. એટલું જ નહીં, ઊંચા પહાડની ટોંચ પર ધીની ચાલતી ટ્રેનમાં ખામલીઘાટથી ગોરમઘાટ સુધીનો પ્રવાસ હંમેશને માટે યાદગાર બની રહેશે.

રાજનગરથી રાજસમંદ

ફેબ્રુઆરી 1676માં મહારાણા રાજસિંહ દ્વારા આયોજીત પ્રતિષ્ઠા સમારોહમાં ગોમતી નદીના જળપ્રવાહને અટકાવવા માટે એક સરોવર તૈયાર કરાયું. આ જ સરોવર એટલે આજનું રાજસમંદ, પહાડ પર સ્થિત મહેલનું નામ રાજમંદિર અને શહેરનું નામ રાજનગર રાખવામાં આવ્યું, જેને રાજસમંદ કહેવામાં આવે છે.

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા

નાથદ્વારા શિવ પ્રતિમા



નાથદ્વારા શિવ પ્રતિમા


નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી એટલે કે 351 ફુટની શિવ પ્રતિમાનું નિર્માણ-કાર્ય અંતિમ ચરણમાં છે. આને વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્રતિમા 20 કિમી. દૂરથી પણ જોઈ શકાશે. કહેવાય છે કે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે જનાર તોફાનમાં પણ આ પ્રતિમા સુરક્ષિત રહી શકશે. આ શિવ પ્રતિમાના પરિસરમાં દર્શકોના મનોરંજન સાથે સાથે બીજી પણ કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

આકર્ષક સરોવરનું નૈસર્ગિક સૌંદર્ય

રાજસમંદ સરોવર


રાજસમંદ સરોવર

જે રાજસમંદ સરોવરના નામ પરથી આ શહેરનું નામકરણ થયું, તે અતિસુંદર છે. મહારાણા રાજસિંહ દ્વારા સન 1669થી 1676 દરમિયાન બનાવવામાં આવેલ આ સરોવર મેવાડના મોટાં સરોવરોમાંનું એક છે. ગોમતી નદીને બે પહાડની વચ્ચેથી અટકાવીને આ સરોવર બનાવવામાં આવ્યું છે. કાંકરોલી અને રાજનગર આ જ સરોવરના કિનારે આવેલા છે. રાજસમંદનું મુખ્ય આકર્ષણ છે આ સરોવરની પાળે બનેલી 'નૌચૌકી'. અહીં સંગેમરમરથી બનાવેલા ત્રણ મંડપની છતો, સ્થંભો તથા તોરણદ્વારો પર કરેલી નક્શી કળા તેમજ મૂર્તિકળા સરસ છે. ત્રણે મંડપમાં પ્રત્યેક કોણ 9 અંશનો અને પ્રત્યેક છત્રીની ઊંચાઈ 9 ફુટ છે. સરોવરની સીડીને પ્રત્યેક બાજુથી ગણતાં તેનો યોગ પણ 9 જ થાય છે. આ પાળ પર 9 ચબૂતરા (જેને ચૌકી કહેવાય છે) બનાવેલા હોવાને કારણે તેનું નામ નૌચૌકી થઈ ગયું છે. રાજસિંહે આ સરોવર માટે મેવાડના ઇતિહાસનો પણ સંગ્રહ કરાવ્યો હતો અને તૈલંગ ભટ્ટ મધુસૂદનનો પુત્ર રણછોડ ભટ્ટે તેના આધારે 'રાજપ્રશસ્તિ' નામે મહાકાવ્ય લખ્યું, જે પાષાણની મોટી મોટી શિલાઓ પર કોતરાયા છે.

ચકિત કરતી પિછવાઈ પેન્ટિંગ 

પિછવાઈ પેન્ટિંગ

પિછવાઈ પેન્ટિંગ

અહીં વર્ષ દરમિયાન કોઈને કોઈ આયોજન થતાં જ હોય છે, એટલે પર્યટકોની આવ-જા લાગેલી જ હોય છે. કાંકરોલી અને નાથદ્વારામાં દર વર્ષે એપ્રિલ મહિનામાં ગણગૌરનો મેળો થાય છે. હલ્દી ઘાટી અને કુંભલગઢમાં પ્રતાપ જયંતી પર મેળો થાય છે. નાથદ્વારા અને કાંકરોલીમાં જન્માષ્ટમી પર ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે ઉજવાતાં અન્નકૂટ ઉત્સવતો ઘણો પ્રસિદ્ધ છે. ગઢબોર ચારભુજામાં દેવઝૂલણી એકાદશીના દિવસે મેળો ભરાય છે. કુવારિયા ગામમાં તથા દેવગઢમાં થતા પશુમેળામાં પણ પ્રસિદ્ધ છે. કુંભલગઢ દુર્ગ પર આયોજીત થતા ફેસ્ટિવલ પણ પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે, જે અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે. આ ત્રિદિવસીય તહેવારમાં જાણીતાં શાસ્ત્રીય નૃત્ય કલાકાર ભાગ લેતાં હોય છે. આ વર્ષે આ જ મહિનામાં 1થી 3 તારિખ દરમિયાન ઉજવવામાં આવ્યો. અહીંની ચિત્રકળા પણ અજુગતી છે. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પ્રતિમાની પાછળ સજાવવામાં આવતી પિછવાઈ પેન્ટિંગ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. પિછવાઈનો અર્થ છે દેવ સ્વરૂપના પૃષ્ઠ ભાગમાં લગાડવામાં આવતો ચિત્ર દોરેલો પડદો. કાંકરોલીના શ્રી દ્વારિકાધીશ મંદિરમાં બનાવવામાં આવતા જળચિત્રો પણ પોતાની રીતે આગવા જ હોય છે.

આરસપહાણની પણ છે એક ખાસ ઓળખ

રાજસમંદના આર્થિક અને ભૌતિક વિકાસમાં આરસપહાણના ખોદકામના વ્યવસાયનું વિશેષ યોગદાન છે. અહીં આરસપહાણની અનેક ખાણ છે, જેનાથી માર્બલના પત્થર મળે છે અને અહીંથી વિદેશમાં પણ નિકાસ થાય છે. રાજસમંદથી નાથદ્વારા માર્ગ તથા ગોમતી માર્ગ પર તમે બન્ને બાજુ આરસપહાણના પત્થરોનો સ્ટોક જોઈ શકશો. ઊંચી ગુણવત્તાને કારણે અહીંની મારબલની ખૂબ માંગ છે.

ટોય ટ્રેનની યાદગાર યાત્રા

નિશંક તમે શિમલા, દાર્જિલિંગ, ઉટી અને માથેરાનની ટોય ટ્રેનની યાત્રા કરી હશે, પરંતુ ખામલીઘાટથી ગોરમઘાટનો સુંદર પ્રવાસ યાદગાર બની શકે છે. માવલીથી મારવાડ જંક્શન મીટર ગેજ રેલવે લાઈન પર રાજસમંદ જિલ્લામાં દેવગઢની બાજુમાં આવેલું છે આ રેલમાર્ગ. વરસાદની ઋતુમાં તેનો રોમાંચ ચરમ સીમાએ હોય છે. જો કે, આ પહાડી રસ્તો ખૂબ જ સુંદર છે. વરસાદની સીઝનમાં લીલી ઘાસ અને વનસ્પતિથી ઘેરાયેલી ઝાડીઓ વચ્ચેથી પસાર થતાં, યુ - આકારનો પુલ અને ટર્નલમાંથી નીકળતા રેલ જેયારે ધીમી ગતિથી પોતાના રસ્તે જતી હોય ત્યારે સ્વર્ગ જાણે અહીં જ છે તેવો અનુભવ થાય છે. એટલે કે ગોરમઘાટમાં પ્રાકૃતિક ધોધ તથા મંદિર પણ જોવાલાયક છે. ટૉડગઢ અભ્યારણ્ય ક્ષેત્રમાં હોવાને કારણે અહીં તમને જંગલી પશુ પણ જોવા મળી જશે.


ઐતિહાસિક રણસ્થલી હલ્દી ઘાટી

મહારાણા પ્રતાપ અને મુગલ સમ્રાટ અકબર વચ્ચે થયેલ ઐતિહાસિક યુદ્ધની મૂક સાક્ષી છે હલ્દી ઘાટી. ઇતિહાસ પ્રસિદ્ધ આ રણસ્થલી નાથદ્વારાથી લગભગ 15 કિમી દૂર ખમનોર બાજુ જતા રસ્તા પર છે. તમારી શાળાના પુસ્તકોમાં મહારાણા પ્રતાપના સ્વામીભક્ત ઘોડા ચેતક વિશે તો વાંચ્યું જ હશે. ચેતકે પોતાના સ્વામીનો જીવ બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. ચેતકની યાદમાં અહીં એક સ્મારક ભવન બનાવેલું છે. અહીંની માટીનો રંગ હળદર જેવો હોવાને કારણે તેને હલ્દી ઘાટી કહેવામાં આવે છે. હલ્દી ઘાટીની ખીણમાં બાદશાહી બાગ અને રક્ત તળાવ છે. જેના વિશે એમ કહેવાય છે કે યુદ્ધ દરમિયાન આ રક્તથી ભરાઈ ગઈ હતી. દર વર્ષે પ્રતાપ જયંતીએ અહીં મેળો લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK