મોહનથાળ જેવી મીઠાઈથી લઈને મેક્સિકન ડિશ એમ બધું બનાવતાં આવડી ગયું

Updated: 17th February, 2021 21:29 IST | Rashmin Shah | Mumbai

દરરોજ આઠ ડબ્બાનું ટિફિન લઈને શૂટ પર જતી નિમિષા મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ‘સાવ નાનપણમાં બધું શીખી લીધું, પણ પછી કામના કારણે ફૂડ મેકિંગની આદત છૂટી ગઈ જે લૉકડાઉનમાં પાછી આવી

ઍક્ટ્રેસ નિમિષા વખારિયા
ઍક્ટ્રેસ નિમિષા વખારિયા

રાંધો મારી સાથે - ‘બા, બહૂ ઔર બેબી’ અને ‘ખિચડી’થી લઈને ‘તેનાલી રામા’ અને ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’ જેવી અઢળક સુપરહિટ સિરિયલોની ઍક્ટ્રેસ નિમિષા વખારિયા માટે આ લૉકડાઉન આશીર્વાદ બનીને આવ્યું હતું. દરરોજ આઠ ડબ્બાનું ટિફિન લઈને શૂટ પર જતી નિમિષા મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ‘સાવ નાનપણમાં બધું શીખી લીધું, પણ પછી કામના કારણે ફૂડ મેકિંગની આદત છૂટી ગઈ જે લૉકડાઉનમાં પાછી આવી. આવડતું બધું હતું, પણ કૉન્ફિડન્સનો અભાવ હતો એ જે વૉટ્સઍપના ગ્રુપમાં આવતી રેસિપીથી દૂર થયો. એને લીધે અમે સો દિવસ મસ્ત રીતે ફુલ થાળી જમ્યા’.

હું પૂરી વેજિટેરિયન. વેજ હોય એ બધેબધું ખાવાનું. કોઈ આઇટમની ના નહીં. લૉકડાઉને સૌથી સરસ વાત જો કોઈ સમજાવી હોય તો એ જ કે ‘આ ન ચાલે’ અને ‘આ ન ભાવે’ એવું નહીં કરવાનું. મારા માટે તો પહેલાં પણ એવું નહોતું પણ આજની યંગ જનરેશનનાં આવાં બહુ નખરાં હતાં. એ બધાં લૉકડાઉનમાં નીકળી ગયાં અને એની મને ખુશી પણ છે. ઍનીવેઝ, આપણી વાત કરીએ. મારો નિયમ છે કે શૂટિંગ પર મારા માટે બધું ફૂડ ઘરેથી જ આવે. આખું ટિફિન, આખું ટિફિન એટલે આઠ ડબ્બાનું આખું ટિફિન. હા, હું કોઈ પ્રકારનું ડાયટ ફૉલો નથી કરતી. માત્ર એક જ વાતને ફૉલો કરું, બધું ઘરનું બનાવેલું હોવું જોઈએ. ટિફિનમાં આવતા આઠ ડબ્બામાં બ્રેકફાસ્ટથી લઈને બ્રન્ચ સુધીનું બધું ફૂડ હોય. સેટ પર મારા મેકઅપ રૂમમાં ફ્રિજ અને અવન બન્ને છે એટલે ફૂડ સ્ટોર પણ થઈ જાય અને જમવું હોય ત્યારે ગરમ પણ થઈ જાય.

વાત રૂટીનની...

જાગીને સૌથી પહેલાં બે ગ્લાસ લૂકવૉર્મ વૉટર. વર્ષોની આ મારી આદત છે. ગરમ પાણી પીધા પછી થોડી વારે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ કે પછી ઓટ્સ હોય. હું ચા, દૂધ કે કૉફી નથી પીતી. રૂટીનમાં આઠ વાગ્યે મારો બ્રેકફાસ્ટ હોય પણ શૂટ વહેલું હોય તો હું કારમાં બ્રેકફાસ્ટ કરી લઉં. મારો ફૂડ ઇન્ટેક નૉર્મલ કરતાં વધારે છે. કહો કે આખા દિવસમાં ફૂડ ચાલુ જ હોય અને એટલે જ હું હેલ્ધી ફૂડનો આગ્રહ વધારે રાખું. અગિયારની આસપાસ ફ્રૂટ અને એ પછી સાડાબાર આસપાસ મારું લંચ. સેટ પર લંચ બ્રેક બે વાગ્યે હોય પણ હું તો બાર વાગ્યે જ લંચ લઈ લઉં. લંચમાં રોટલી, શાક, દાળ અને સૅલડ હોય. લંચ લીધા પછી સેટ પર ઑફિશ્યલ લંચ બ્રેક આવે એટલે એ સમયે છાશ પીવાની.

ચાર વાગ્યે સૂકી ભેળ, મૂઠિયાં, ઢોકળાં કે મખાણાનો નાસ્તો અને એના એકાદ કલાક પછી ખાખરા કે ઓટ્સ બિસ્કિટ. છ વાગ્યે પાછું સૅલડ કે સ્પ્રાઉટ્સ અને રાતે આઠ વાગ્યે સૂપ. સૂપ પછી પૂરું. કશું નહીં લેવાનું. આ સૂપ એ મારું ડિનર. આઉટડોર શૂટ પર પણ આ જ મારો ફૂડ ચાર્ટ હોય. જ્યાં જવાનું હોય ત્યાં મેં મારી વ્યવસ્થા કરી લીધી હોય. ઘરેથી થેપલાં કે ભાખરી સાથે રાખવાનાં એટલે રાખવાનાં જ. દહીં તો આસાનીથી મળી જાય અને શાક હું સેટના કિચનમાં જાતે બનાવી લઉં. હું કહીશ કે જેણે રોજ મોડે સુધી કામ કરવાનું હોય તેણે પોતાના ફૂડ માટે આ ચોક્કસ નિયમો રાખવા જોઈએ. પેટ આપણું એન્જિન છે અને એન્જિનમાં કચરો નાખીએ તો મશીન આખું બગડી જાય. જો આ વાત તમને સમજાય જાય તો ઘણીબધી રાહત થઈ જાય.

mohanthal

સ્વીટ-ક્વીન: રૂટીન મોહનથાળમાં આપેલો નાનોસરખો ટ્વિસ્ટ તમે પણ આપજો, એકદમ નવા પ્રકારનો મોહનથાળ લાગશે.

વો ભી ક્યા દિન થે...

છ વર્ષની હતી ત્યારથી હું ઍક્ટિવ છું. એ સમયે સ્કૂલ હતી અને સાથે બાળનાટકો પણ હોય. મમ્મી મધુબહેન પણ વર્કિંગ વુમન. તે ટીચર હતાં. કહેવાનો ભાવાર્થ એ કે તેમને મેં ઘરનું પણ કામ કરતાં અને પોતાની પ્રોફેશનલ ડ્યુટી કરતાં મેં જોયાં છે. હા, એ સમયે પણ અમારા ઘરે હાઉસ હેલ્પ હતી, પણ એમ છતાં મોટા ભાગનાં કામ મમ્મી જ કરતાં. હું બધી રસોઈ તમની પાસેથી જ શીખી છું. નાની હતી ત્યારથી મને રોટલી, દાળ, શાક બધું બનાવતાં આવડે પણ સ્કૂલ અને નાટકોને લીધે એવું બન્યું નથી કે હું સ્પેશ્યલી કિચનમાં ગઈ હોઉં. આજે પણ ઘરમાં હાઉસ હેલ્પ છે એટલે બધી જગ્યાએ પહોંચી વળાય છે. જોકે લૉકડાઉન થયું ત્યારે બધી ડ્યુટી મારા હાથમાં આવી ગઈ હતી. ડ્યુટી હાથમાં આવી એટલે મેં રીતસર રીકૉલ કરવાનું શરૂ કર્યું કે મને બેઝિક કહેવાય એવું શું-શું આવડે છે અને શું-શું મારે શીખવાની જરૂર છે.

લૉકડાઉનમાં ટાઇમપાસ કરવા માટે મેં સોશ્યલ મીડિયા પર તરલા દલાલની કંપનીનું એક ગ્રુપ જૉઇન કર્યું. એ ગ્રુપમાં રોજની ચારથી પાંચ રેસિપી આવે. બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનર સુધીની બધી રેસિપી હોય. એ ગ્રુપમાંથી મેં નવેસરથી બધું શીખવાનું શરૂ કર્યું. રેસિપી ધ્યાનથી વાંચીને ફૉલો કરું અને પછી એ બનાવું. આદત વર્ષોથી છૂટી ગઈ હતી એટલે એમાં ઢળવામાં થોડો સમય લાગ્યો, પણ બધું ફાવી ગયું. લોટ બાંધતાં પણ આવડે, રોટલી પણ આવડે અને ગોળ પણ થાય પણ શાકનો પ્રશ્ન હતો. ધીમે-ધીમે શાકમાં ફાવટ આવી ગઈ. મેક્સિકન, ઇટાલિયન જેવું ફૂડ તો આવડતું જ હતું પણ સાચું કહું તો બેઝિક ગુજરાતી ફૂડ હું લૉકડાઉનમાં એ ગ્રુપમાંથી બનાવતાં શીખી.

લૉકડાઉને મને રાંધવાનું કામ પ્રૉપર ફૉર્મેટમાં શીખવ્યું એમ કહું તો ખોટું નહીં કહેવાય. સવારના નાસ્તાથી લઈને લંચ, સાંજે નાસ્તો અને રાતનું ડિનર. સૌથી અગત્યની વાત કે આ બધામાં એકેક આઇટમ યાદ રાખીને બને. લંચ તમને ગણાવું. રોટલી, શાક, કઠોળ, દાળ-ભાત, પાપડ, સૅલડ, રાઈતું અને છાશ.

garlic-bread

ધ ન્યુ ટ્વિસ્ટ : આ ચીઝ ગાર્લિક બ્રેડ છે, પણ એ પહેલી નજરે તો હૉટડૉગ જ લાગે છે.

લૉકડાઉન લવ

કિચન પ્રત્યે મારો ખાસ લગાવ નહોતો એવું કહું તો ખોટું નહીં ગણાય, પણ લૉકડાઉનમાં મને કિચન માટે લગાવ જાગ્યો. હવે કિચનમાં જવાનો મોકો મળે તો હું તરત જ એ લઈ લઉં અને મજા પણ આવે છે. હમણાં જ મેં પૂરણપોળી બનાવી. મેઇડે ચાખીને કહ્યું કે ગોળ ખરાબ આવી ગયો છે એટલે પૂરણપોળી થોડી કઠણ બની છે. પણ મેં કહ્યું કે ખોટી વાત છે, ઉતાવળમાં ફાસ્ટ ગૅસ પર બનાવી એટલે કઠણ થઈ ગઈ છે. એ પછી મેં ત્યારે જ મેઇડને સરસ મજાની પૂરણપોળી બનાવીને બતાવી. એકદમ ટેસ્ટી અને એટલી જ સૉફ્ટ. લૉકડાઉનમાં મારી અને મારી દીકરી તનીશાની કુકિંગની ડ્યુટી હતી.

અમાપ છે હાથ...

હા, આ સાચું છે અને આ એક જ પ્રૉબ્લેમ મને નડે. માપનો. હાથ છૂટો છે એવું કહો તો પણ ચાલે. મારી આ મર્યાદાને ધ્યાનમાં રાખીને મારા ઘરમાં બધા માપ મુજબનાં વાસણો છે. માપ અનુસાર, સ્વાદ અનુસાર જો ન રહીએ તો પછી કુકિંગ દરમ્યાન ગોટે ચડી જવાય. બધું માપ મુજબનું લેવું જોઈએ. એક ટેબલસ્પૂન, એક કપ કે પછી એક બાઉલ. બધું માપસર લઈ શકાય એ માટે વાસણ હોય તો પણ મારાથી ભૂલ તો થાય જ. આ એક પ્રૉબ્લેમ સિવાય બીજાં કોઈ બ્લન્ડર ફૂડમાં મારાથી નથી થતાં. હું માનું છું કે બેઝિક કહેવાય એ ફૂડ બધાને આવડવું જ જોઈએ. આપણે ગુજરાતીઓ દીકરીને બેકિંગના અને ઇટાલિયનના ક્લાસિસ કરાવીએ છીએ પણ બેઝિક શીખવવાનું ચૂકી જઈએ છીએ. ભાઈ, જ્યારે જરૂર હોય ત્યારે રોટલી-શાક જ જોઈએ, કેક કે પેસ્ટ્રી નહીં. દીકરી તનીશા માટે પણ મેં આ જ વાતની ચીવટ રાખી છે. જરા વિચારો કે હું પણ બીજા બધાની જેમ કેક, પેસ્ટ્રી કે કુકીઝ જ બનાવતી હોત તો કેટલા દિવસ એના પર નિર્ભર રહી શક્યા હોત?

ગળી જીભનો આસ્વાદ

મારા ઘરમાં બધાને સ્વીટ જોઈએ. અમને બધાને એટલું ગળ્યું ભાવે કે તમે કલ્પના પણ ન કરી શકો. મોહનથાળ, પેંડા, કાજુ કતરી, ગુલાબજાંબુ, રસગુલ્લા આ બધું મેં લૉકડાઉનમાં ઘરે બનાવ્યું. આ બધું મનમાં ક્યાંક ને ક્યાંક હતું જ, પણ સમય નહોતો એટલે પ્રૅક્ટિસ છૂટી ગઈ હતી પણ લૉકડાઉને એનો પણ સમય આપી દીધો અને અમે એનો પૂરતો આનંદ લીધો. હું તમને મોહનથાળની એક નવી રેસિપી કહું.

મોહનથાળમાં બેસનની સાથે થોડો ઘીમાં શેકેલો ગુંદ અને ડ્રાયફ્રૂટ્સનો એકદમ બારીક ભૂકો નાખજો. આ બધું મિક્સ કર્યા પછી મોહનથાળની જેમ જ એને બનાવવાનો પણ એમ છતાં મોહનથાળ કરતાં સાવ જુદો જ ટેસ્ટ આવશે અને એ ખાવાની મજા પણ સાવ અલગ જ આવશે.

First Published: 17th February, 2021 21:56 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK