Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > Janmashtami 2023: કચ્છી સંસ્કૃતિનો અરીસો એટલે જન્માષ્ટમી

Janmashtami 2023: કચ્છી સંસ્કૃતિનો અરીસો એટલે જન્માષ્ટમી

06 September, 2023 11:49 AM IST | કચ્છ
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Janmashtami 2023: કચ્છી સંસ્કૃતિનો અરીસો એટલે જન્માષ્ટમી

જન્માષ્ટમી

જન્માષ્ટમી


માનવજીવનના અરસપરસના સંબંધોને વિવિધ પ્રકારે વધુ ને વધુ ગાઢ, સ્નેહસભર બનાવતા તહેવારો કચ્છના માયાળુ લોકોને વધુ સ્પર્શી જતા હોય એ સ્વાભાવિક છે. શ્રાવણ મહિનાની છડી પોકારતો ભુજિયાના મેળામાં ધીમે-ધીમે રંગ પામતા કચ્છીઓ માટે એ ઉત્સવની ચરમસીમા એટલે જન્માષ્ટમી.

જન્માષ્ટમીનું માહાત્મ્ય કચ્છનાં દરેક શહેરોમાં અલગ-અલગ પ્રકારે જોવા મળે છે. ભુજ અને અંજારમાં એ મેળા સ્વરૂપે તો માંડવીમાં એ રવાડી સ્વરૂપે ઉત્સવના રંગો પૂરે છે. વિશ્વના દરેક દેશોમાં કચ્છીઓ પથરાઈ ગયા છે. એ સૌમાં વતન પરત્વેની તીવ્ર ખેંચાણની લાગણી કચ્છની સંસ્કૃતિને કારણે છે. વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ભુજવાસી માટે ભુજનું હમીરસર તળાવ અને એની સુંદરતાને કારણે એનો ખાલીપો અચૂક જોવા મળતો હશે. રાજાશાહીના સમયનું ભુજના હૃદયસમું અને જેને ભુજનો શણગાર કહી શકાય એવું હમીરસર તળાવ સદાય લોભામણું સ્થળ છે અને એ હમીરસરને કાંઠે ભુજમાં શ્રાવણ વદ સાતમ અને આઠમ એમ બે દિવસ મેળો ભરાય છે.



janmasthami


કચ્છના એક સમયના રાજા ભોજરાજજીના મામા કલ્યાણસિંગે બંધાવેલું ભુજના મહાદેવ નાકા બહારનું કલ્યાણેશ્વર મંદિર સ્વયંભૂ શિવલિંગ સાથેનું મંદિર છે. એ મંદિરના પ્રાંગણમાં શિતલા માતાજીનું મંદિર છે. શિતલા સાતમના મેળામાં મહિલાઓ એ શિતલા માતાજીનાં દર્શન કરવા ઊમટી પડે છે. માતાનાં આશીર્વાદથી બાળકોમાં થતા શિતળાના રોગને કારણે આંખોને નુકસાન ન થાય અને માતાની કૃપા સદાય વરસતી રહે એ માટે મહિલાઓ પ્રતીકરૂપે કાગળની કે પ્લાસ્ટિકની આંખો શિતલા માતાને ચડાવે છે.

કચ્છીઓ કલ્પના કરી શકે એ માટે એક દૃશ્ય ખડું કરીએ તો... મહાદેવ નાકા બહાર ઐતિહાસિક હમીરસર તળાવ છલ્લોછલ ભરેલું હોય, પાણી હિલોળા લેતું હોય અને એને ફરતે છેક ખેંગાર પાર્ક સુધી હૈયેહૈયું દળાય એમ લોકો મેળાની મોજ લેતા હોય ત્યારે કયો ભુજવાસી તેમાંથી બાકાત રહેવાનું સ્વીકારી શકે ? હમીરસર તળાવ એ સમયે એવી રીતે બંધાયું છે કે તળાવની વચ્ચે લખોટા બાગ એ સમયના રાજાએ બનાવ્યો હતો. એટલે તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે એથી એની શોભા ઓર વધી જાય છે. સાતમ અને આઠમ એમ બન્ને દિવસે વહેલી સવારથી છેક મોડી રાત સુધી બાળકથી માંડીને વયોવૃદ્ધ પણ આ મેળાઓની રંગત માણતા થાકતા નથી.


હા, સાતમ-આઠમના મેળાની શત-પ્રતિશત રંગત એ પાણીથી છલકાતા હમીરસરની શોભા જ છે. પાણી ભરેલું હોય એટલે એ પાણીમાં ચાલતી બોટમાં બેસી હમીરસરમાં ચક્કર મારવાની પણ ઉમદા અને રોમાંચક તક મળે છે. જોકે વિષમ વાતાવરણવાળા કચ્છના નસીબમાં છેલ્લા ચારેક દાયકાઓથી દર પાંચ વર્ષમાં એક દુકાળ, ત્રણ વર્ષ ઓછો વરસાદ અને એકાદ વર્ષ સારો વરસાદ કે અતિવૃષ્ટિ એવી મોસમની વિચિત્ર શરત પળાતી આવી છે એટલે પૂરેપૂરા ભરેલા હમીરસર તળાવ કાંઠે મહાલવાની તક પણ ત્રણેક વર્ષે એકાદ વાર કચ્છીઓને મળે છે. ક્યારેક તો હમીરસર કોરુ કટ હોય એવું ય બને છે, ત્યારે સાતમ-આઠમના મેળાઓ ઝાંખા જરૂર લાગે છે, પણ દરેક આફતની સામે સદાય હસતા રહેતા કચ્છીઓ એ સમયે પણ ઉત્સવની ગરિમાને સાચવી લે છે.

મેળાની વચ્ચે વિજયરાજજી લાઇબ્રેરીમાં તસવીરોનું પ્રદર્શન કે ચિત્રકારનાં પેન્ટિંગ્સને માણવાની પણ વ્યવસ્થા હોય છે. બાળકો માટે રાઇડ્સ, ખાણી-પીણીના સ્ટૉલ વગેરે તો હોય જ છે, પણ લોકોના ઉમંગનું કારણ તો મનનો મેળાવડો કરવાનો જ હોય છે એટલે જ કચ્છનો સાતમ- આઠમનો મેળો એક વાર તો માણવા જેવો ખરો જ... અને હા, આ વખતે તો વરસાદ પણ સારો પડી ચૂકયો છે અને હમીરસરમાં પાણી પણ હિલોળા લે છે.

janmasthami-01

કચ્છના દરિયાકાંઠે આવેલા માંડવીમાં જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નવમી અને દસમીના રોજ ખાસ રથયાત્રા નીકળે છે જેને ‘રવાડી’ કહે છે. ભગવાને જન્મ લીધા બાદ ભગવાન સ્નાન કરવા નીકળે છે એવો ભાવ એમાં સૂચવાય છે. ‘રવાડી’ના અંતે મોટો રથ હોય છે જેમાં અંદર બાલકૃષ્ણની મૂર્તિ બિરાજમાન હોય છે અને બહાર ગરુડ હોય છે. વર્ષો અગાઉ માત્ર નોમના જ રવાડી નીકળતી એમાં રથમાં મોટા શેઠિયાઓનાં બાળકો જ રથમાં બેસી શકતાં. એક માન્યતા મુજબ એ સમયે માંડવીમાં દરિયો ખેડતા ખારવાઓની જ્ઞાતિના એક બાળકે રથમાં બેસવા માટે હઠ પકડી તો તેને અટકાવાયો હતો. બસ... પછી તો ખારવાઓની નાત વિફરી અને ત્યારથી ખારવાઓ માટે અલગ રવાડી કાઢવામાં આવતી થઈ. હવે ખારવાઓ પોતાની રવાડી દસમીના દિવસે કાઢે છે. રવાડીનો રથ ખાસ્સો મોટો હોય છે. આ રવાડીમાં ભાગ લેવા કચ્છનાં દરેક ગામોમાંથી લોકો ઊમટી પડે છે. જોકે હવે એ રવાડીમાં પહેલાં જે ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થતાં એમાં થોડી ઓટ આવી છે ખરી. એક સમયે એ રવાડીમાં અંગકસરતના વિવિધ ખેલો, અખાડાઓ રહેતા. રંગબેરંગી વેશભૂષાયુક્ત યુવાનો દાંડિયારાસ લેતા, તલવારના દાવપેચ, ભાલા અને તીરોની નિશાનેબાજી, લાઠીના દાવ વગેરે જોવા લોકો પહોંચી જતા. ઢોલીઓ ઢોલ વગાડતા. સંપૂર્ણ રવાડીનાં દર્શન કરતી વખતે પાંચથી છ કલાકનો સમય લાગતો.

આ પણ વાંચો : કચ્છનું મુઠ્ઠીઊંચેરું સાહિત્ય રત્ન પ્રાગજી ડોસા

હવે જે રીતે ધાર્મિક પ્રસંગોએ શક્તિ સંગઠન દર્શાવવાનું પણ સામાન્ય બનતું જાય છે ત્યારે ભુજમાં આઠમના દિવસે મટકીફોડ માટે નીકળતી યુવાઓની શોભાયાત્રામાં પણ ભારે ભીડ જોવા મળે છે. કચ્છના પાટીદાર પટેલો મોટા ભાગે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ કે અન્ય રાજ્યોમાં લાકડાંના બેન્સો ધરાવતા થયા છે. પાટીદારોમાં પણ જન્માષ્ટમીનું મહત્ત્વ અદકેરું છે એથી જન્માષ્ટમી વખતે કચ્છી પાટીદારો પણ વતનમાં મોટી સંખ્યામાં આવી જતા હોવાથી કચ્છના પાટીદાર પ્રભુત્વ ધરાવતાં ગામોમાં પણ જન્માષ્ટમી ખૂબ ધૂમધામથી ઉજવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2023 11:49 AM IST | કચ્છ | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK