તમારી લાઇફ-સ્ટાઇલ તમારાં હાડકાં નબળાં કરી રહી છે?

Published: 29th December, 2014 05:29 IST

રિસર્ચ અનુસાર ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જવાને કારણે આજના માણસનું હાડકાંનું સ્ટ્રક્ચર શિકાર માટે ભટકતા આદિ માનવ કરતાં ઘણું જ નબળું છે અને નબળું થતું જઈ રહ્યું છે. લાઇફ-સ્ટાઇલમાં એવાં કયાં પરિબળો છે જેને કારણે હાડકાં નબળાં બની રહ્યાં છે અને એ માટે શું કરવું એ આજે જાણીએ
જિગીષા જૈન


લાઇફ-સ્ટાઇલની અસર આપણા શરીર પર પડે છે એ વાત સાથે આજે બધા જ સહમત છે, પરંતુ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવો, એને હેલ્ધી બનાવી રાખવી દરેક માટે શક્ય નથી બનતું. કારણ કે સમયની સાથે આપણી રહેણીકરણી ખૂબ બદલાઈ ગઈ છે. માણસ પોતાને બધા પ્રકારની સહુલિયત આપવાની દોડમાં છે ત્યારે તે ભૂલી ગયો છે કે શરીર એક એવું મશીન છે જેને કસવું જરૂરી છે. જેટલી સહુલિયતો વધી રહી છે એટલો શારીરિક શ્રમ ઘટી રહ્યો છે અને જેટલો શ્રમ ઘટશે એટલા શારીરિક પ્રૉબ્લેમ વધશે.

તાજેતરમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અનુસાર આપણા પૂવર્‍જો કરતાં આપણાં હાડકાં નબળાં હોય છે. પ્રોસિડિન્ગ્સ ઑફ નૅશનલ ઍકૅડેમી ઑફ સાયન્સિસમાં છપાયેલા આ રિસર્ચ મુજબ આજના માણસનું હાડકાંનું સ્ટ્રક્ચર શિકાર માટે ભટકતા આદિ માનવ કરતાં ઘણું જ નબળું છે અને દિવસે-દિવસે નબળું બનતું જાય છે. જેની પાછળનાં મુખ્ય કારણોમાં વૈજ્ઞાનિકોએ સૌથી મહત્વનું કારણ આપણી દિવસે-દિવસે ઘટતી જતી ઍક્ટિવિટી છે એમ સ્વીકાર્યું છે. જિનેટિક કારણોસર હાડકાં નબળાં પડતાં ગયાં હોય એવું માનવા વૈજ્ઞાનિકો તૈયાર નથી. તેમનું માનવું છે કે જેવી રીતે તે હાડકાંનો ઉપયોગ ધીમે-ધીમે ઓછો થતો ગયો એમ એમ ઉત્ક્રાન્તિવાદના નિયમ અનુસાર પેઢી દર પેઢી એ નબળાં પડતાં ગયાં. ખાસ કરીને જાંઘ કે થાય્સનું હાડકું જે સૌથી લાંબું હાડકું ગણાય છે એ પહેલાં કરતાં ઘણું વધારે પાતળું અને હલકું થઈ ગયું છે એમ વૈજ્ઞાનિકોએ કહ્યું. પહેલાં જેવી સતત ઍક્ટિવિટી થતી ન હોવાથી આ હાડકું નબળું પડતું જાય છે અને આ વિશે જાગૃતિ ન આવે તો એ સતત નબળું બનતું જશે એવો ડર વૈજ્ઞાનિકોએ જતાવ્યો હતો.

લાઇફ-સ્ટાઇલ વ્યવસ્થિત ન હોવાને કારણે હાડકાં પર અસર થાય છે એ નિશ્ચિત છે, પરંતુ એવાં કયાં પરિબળો છે જેને કારણે હાડકાં પર અસર થઈ શકે છે એ આજે જાણીએ એમ સમજાવતાં નોવા સ્પેશ્યલિટી હૉસ્પિટલના ની ઍન્ડ જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. હિતેશ કુબાડિયા કહે છે, ‘આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે જિનેટિક પ્રૉબ્લેમ્સ છે કે કુદરતી રીતે જે અમુક ઉંમર પછી બોન લૉસ થાય છે એને માટે આપણે કશું જ કરી શકવાના નથી. જેમાં આપણે ફેરફાર કરી આપણાં હાડકાંને વ્યવસ્થિત રાખી શકીએ છીએ એ એક લાઇફ-સ્ટાઇલ જ છે જેમાં નાના-મોટા બદલાવ લાવી આપણે આપણાં હાડકાંને મજબૂત રાખી શકીએ એમ છીએ. 

ઓબેસિટી

સામાન્ય રીતે આજની આપણી જીવનશૈલી એવી છે કે કોઈની પાસે સમય હોતો જ નથી. આપણે બધા જ બિઝી છીએ, કંઈક અંશે ઍક્ટિવ છીએ પરંતુ ફિઝિકલી ઍક્ટિવ નથી. આપણી પાસે સહુલિયતો એટલી વધી ગઈ છે જેને કારણે આપણને આપણા શરીરનો વધુ ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. પહેલાં લોકો શ્રમ કરીને જ રોજગાર ચલાવતા અને આજે ઑફિસમાં ખુરશી પર બેસીને કામ થાય છે. પહેલાં ઘરનું બધું કામ જાતે કરવું પડતું, આજે એ કામ કરવા મશીન આવી ગયાં છે. આ બધાની અસર હાડકાં પર કઈ રીતે થાય એ વિશે સમજાવતાં આર્શીવાદ હૉસ્પિટલ, બોરીવલીના ઑર્થોપેડિક સર્જ્યન પિનાકિન શાહ કહે છે, ‘બેઠાડુ જીવન સાથે આમ તો ઘણા રોગ સંકળાયેલા છે, પરંતુ ફક્ત હાડકાંની વાત કરીએ તો ઓબેસિટી એક મોટો પ્રૉબ્લેમ છે જે બેઠાડુ જીવનને કારણે થાય છે અને હાડકાંને અસરકર્તા છે. વધુપડતા વજનની મુખ્ય અસર બે હાડકાં પર થાય છે, એક ઘૂંટણનું અને બીજું કરોડરજ્જુનું હાડકું. આ બન્ને હાડકાંઓ પર જે વજનનો વધારાનો લોડ પડે છે એને લીધે હાડકાંના ઘણા પ્રૉબ્લેમનો સામનો ખૂબ નાની ઉંમરે કરવો પડે છે.’

બેઠાડુ જીવન

હાડકાંની હેલ્થ જાળવવી હોય તો ફિઝિકલ ઍક્ટિવિટી અત્યંત આવશ્યક છે. એ વિશે વાત કરતાં હિતેશ કુબાડિયા કહે છે, ‘હાડકાંને મજબૂત રાખવાનો એકમાત્ર ઉપાય ઍક્ટિવિટી છે. જેટલા આપણે ફિઝિકલી ઍક્ટિવ રહીએ એટલાં જ હાડકાં વધુ મજબૂત થાય. જેટલો આપણે એનો ઉપયોગ ઓછો કરીએ એટલાં હાડકાં નબળાં રહે. આજના સમયમાં જ્યારે આપણી સહુલિયતો આપણને ફિઝિકલી ઍક્ટિવ બનાવવામાં આડી આવે છે ત્યાં દિવસનો એક કલાક એક્સરસાઇઝને આપવો જરૂરી બને છે. પછી એ એક્સરસાઇઝ સામાન્ય વૉકિંગ હોય કે વજન ઉપાડીને કરવામાં આવતી હેવી એક્સરસાઇઝ હોય. ઑફિસમાં ૯થી ૧૦ કલાક કામ કરવાનું ટાળી ન શકાય તો એની અવેજીમાં ૧ કલાક એક્સરસાઇઝ કરવાનો ઑપ્શન અપનાવવો જરૂરી છે.’

વિટામિન D

ભારતમાં વર્ષના બારેમાસ સૂર્યપ્રકાશ રહે છે છતાં આજે ૫૦ ટકાથી વધુ લોકોને વિટામિન Dની ઊણપ જોવા મળે છે. એ ઉપરાંત શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઊણપ પણ જોવા મળે છે. આ બન્ને વિટામિન કૅલ્શિયમ અને બીજાં ખનીજ તત્વોના પાચન અને એના એબ્ર્ઝોબશન માટે ખૂબ જ અગત્યનાં છે. જેની ઊણપનાં કારણ જણાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે ‘આજકાલ મોટા ભાગના લોકો એવું જીવન જીવે છે જેમાં સૂર્યપ્રકાશનું એક્સપોઝર તેમને મળતું જ નથી. વળી કૉસ્મેટિક કારણોસર લોકો સન્સ ક્રીમ લગાડે છે જેને કારણે ત્વચાને સૂર્યપ્રકાશ મળે છે, પરંતુ એ વિટામિન D બનાવી શકતી નથી. દરરોજ ફક્ત ૨૦ મિનિટ સૂર્યપ્રકાશ મળે તો શરીરની વિટામિન Dની પૂર્તિ થઈ શકે છે જે માટે સજાગ થવાની જરૂર છે.’

પ્રકાર

વહેલી સવારે ૪૫ મિનિટ વૉક લો અથવા ગાર્ડનમાં સૂર્યપ્રકાશ મળે એ રીતે સૂર્યનમસ્કાર, યોગ કે બીજી કોઈ પણ એક્સરસાઇઝ કરો, જેથી શરીરને એક્સરસાઇઝ મળી રહે અને સવારનો કૂણો તડકો વિટામિન Dની કમી પૂરી કરે.

દર ૬ મહિને કે વર્ષે વિટામિન D, વિટામિન B12 અને કૅલ્શિયમની ટેસ્ટ કરાવતા રહો. કોઈ ઊણપ આવે તો તરત ડૉક્ટરને મળો.

બને એટલું કામ જાતે કરો. શરીરને કસી શકાય એવી જીવનશૈલી અપનાવવાની કોશિશ કરો.

લિફ્ટને બદલે દાદરા વાપરો, અઠવાડિયે એક વાર ઘરની સફાઈ જાતે કરો, બજારમાંથી વસ્તુ જેમ કે શાકભાજી કે ફળો ફોન પર ઑર્ડર કરવાને બદલે ખુદ ખરીદીને ઉપાડીને ઘરે લાવો. આવા નાના ચેન્જ પણ મોટો ફાયદો આપે છે.

તમારું વજન વધે નહીં એની ખાસ કાળજી રાખો. વજન વધારે હોય તો વ્યવસ્થિત ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા ઓછું કરો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK