નેત્ર રોગોથી લઈને મનને પજવતા જૂના સંસ્કારોને દૂર કરવા સુધીના અનલિમિટેડ બેનિફિટ્સ છે ત્રાટકના

Published: 8th October, 2020 14:44 IST | Ruchita Shah | Mumbai

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મતે વિશ્વમાં લગભગ એક અબજ લોકો એવા છે જેમની દૃષ્ટિને લગતી સમસ્યાઓ નિવારી શકાઈ હોત. ૮૦ ટકા માહિતી મસ્તિષ્કને આંખો દ્વારા મળે છે.

યોગમાં આવતી ત્રાટક ક્રિયા આંખોનું તેજ વધારવાથી લઈને તમારી અેકાગ્રતા, યાદશક્તિ, મગજની કાર્યક્ષમતા વધારે એમ અનેક રીતે લાભકારી છે.
યોગમાં આવતી ત્રાટક ક્રિયા આંખોનું તેજ વધારવાથી લઈને તમારી અેકાગ્રતા, યાદશક્તિ, મગજની કાર્યક્ષમતા વધારે એમ અનેક રીતે લાભકારી છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મતે વિશ્વમાં લગભગ એક અબજ લોકો એવા છે જેમની દૃષ્ટિને લગતી સમસ્યાઓ નિવારી શકાઈ હોત. ૮૦ ટકા માહિતી મસ્તિષ્કને આંખો દ્વારા મળે છે. આજે વર્લ્ડ સાઇટ ડે છે ત્યારે આંખોની સાથે તમારી મનની તંદુરસ્તી માટે ખૂબ ઉપયોગી ગણાતી યોગિક ક્રિયા ત્રાટકની વિશેષતાઓ જાણીએ...

આંખ એ મનનું દર્પણ છે. આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી આંખો સૌથી વધુ પાવરફુલ ઇન્દ્રિય મનાય છે. સ્પર્ષેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય કે શ્રવણેન્દ્રિયને સક્રિય કરવા માટે ઑબ્જેક્ટની જરૂર પડે અને ઑબ્જેક્ટ તમારી નજીક હોવો જરૂરી છે, પરંતુ જોવા માટે તમે ખૂબ દૂર રહેલી બાબતો પણ સહજતાથી જોઈ શકો છો. લગભગ ૮૦ ટકા સેન્સરી ડેટા બ્રેઇનને આંખો દ્વારા મળે છે અને બ્રેઇન પછી તમારા શરીરના સૌથી અટપટો અવયવ કોઈ ગણાય તો અે છે આંખ. આંખોમાં અબજો વર્કિંગ સેન્ટર્સ છે અને સતત ૨૪ કલાક સક્રિય હોય છે. બીજી અેક મજાની વાત, ગર્ભધારણનાં લગભગ બે અઠવાડિયાં પછી જ બાળકની આંખો ડેવલપ થવાની શરૂ થઈ જાય છે. અેમાં પણ જોવું અેટલું વધારે મહત્ત્વનું છે કે મસ્તિષ્કનો અડધોઅડધ હિસ્સો તો વિઝનને ડેડિકેટ કરાયો છે. આંખોમાં પાંપણ ઝબકે અેના પરથી કેટલીક હેલ્થ કન્ડિશનનો ખ્યાલ આવી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તમારી આંખો પરથી તમારા મનનો, તમારા વ્યક્તિત્વનો અંદાજ લગાવી શકે છે. આંખોના
લટકા-ઝટકાથી વાતો થઈ શકે. પ્રેમ અને સંવેદનાના વિશ્વમાં આંખોને રાજરાણી જેવું મહત્ત્વ અપાયું છે, પરંતુ વાત ત્યાં અટકતી નથી. કેટલીક સાઇકોથેરપીમાં આંખોની મૂવમેન્ટનો ઉપયોગ કરીને ઇલાજ કરાય છે અને અે ઇલાજનું પૉઝિટિવ પરિણામ આવ્યાનાં અઢળક સંશોધનો પણ છે. શ્વાસ પછી તમારી આંખોથી તમારા મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટમાં આવતા બદલાવો ઝીલી શકાય છે અને અે દિશામાં બદલાવો પણ લાવી શકાય છે. આવી અણિયાળી દુનિયા છે આંખોની. જોકે વિશ્વમાં આંખોની દૃષ્ટિને લગતી ઘણી જાતની સમસ્યાઓ વધી રહી છે. અત્યારે ડિજિટલના જમાનામાં તમારા ડિજિટલ ડિવાઇસમાંથી ઝરતી બ્લ્યુ લાઇટ આંખોને થકવી નાખે છે અને ધીમે-ધીમે વિઝન-રિલેટેડ સમસ્યાને પણ જન્મ આપે છે. તમારી ખાણીપીણીથી પણ તમારા નેત્રના તેજ પર પ્રભાવ પડે છે અે જ રીતે આંખોની કેટલીક કસરતો અને ખાસ કરીને યોગમાં આવતી ત્રાટક ક્રિયા આંખોનું તેજ વધારવાથી લઈને તમારી અેકાગ્રતા, યાદશક્તિ, મગજની કાર્યક્ષમતા વધારે એમ અનેક રીતે લાભકારી છે.
યોગની દૃષ્ટિ
યોગનાં પુસ્તકોમાં આસન-પ્રાણાયામનો વધુ લાભ મેળવવા માટે ૬ પ્રકારની શુદ્ધિ ક્રિયાઓનું વર્ણન છે. આ ૬ શુદ્ધિક્રિયાઓમાંની અેક છે ત્રાટક. ભારત સરકારનું ત્રાટકની અસર પરનું અેક રિસર્ચ અત્યારે દેશની ત્રણ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહ્યું છે. જેમાંથી અેક સંસ્થા છે કૈવલ્યધામ સંસ્થા. આ સંસ્થાના સાયન્સ ઍન્ડ રિસર્ચ વિભાગના ડૉ. રણજિત એસ. ભોગલ કહે છે, ‘છેલ્લાં ૬૦ વર્ષથી ત્રાટક પર અમે પ્રયોગ કર્યા છે. આ અેક અેવી પદ્ધતિ છે જે સાઇકોલૉજિકલ ક્લેન્ઝિંગ કરે છે. તમારા મનમાં જે ખરાબ સંસ્કારો પડ્યા છે અને તમારા પર ભાર બનીને તમને પજવી રહ્યા છે અેવા સંસ્કારોની સફાઈ ત્રાટકક્રિયા દ્વારા શક્ય છે. અત્યારના સમયમાં કોરોના અને અન્ય અસુરક્ષિતતાના ભય તળે મનને બોજામુક્ત કરવું હોય, ભયની લાગણી, વિચારો અને ભાવનામાંથી બહાર નીકળવા માટે ત્રાટક બહુ જ ઉપયુક્ત પરિણામ આપી શકે છે. આટલી અકસીર અને સાઇકોલૉજિકલ લેવલ પર આટલું તીવ્રતાથી કામ કરનારી બીજી અેક પણ મેથડ અવેલેબલ નથી. ત્રાટક તમારા અચેતન મનને બાળતી બાબતોથી મુક્તિ અપાવી શકે છે. અમે જોયું છે કે ઘણી વાર ત્રાટક કર્યા પછી લોકો રડવા માંડે, બેચેની થાય, તેમને પીડા થાય. જોકે અે વખતે જે પણ થાય એનાથી ગભરાવાને બદલે કે એનાથી દૂર ભાગવાને બદલે તટસ્થ ભાવે એની અનુભૂતિ થાય તો તમારા સંસ્કારોમાં વણાઈ ગયેલી એ દુખદાયી બાબતોમાંથી છુટકારો મળી શકે છે. જ્યારે ત્રાટક કરાવીઅે છીઅે ત્યારે અમે સાધકોને કહેતા હોઈઅે છીઅે કે ત્રાટક પછી મનમાં જે પણ ભાવો આવે, જે પણ લાગણીઓ બહાર ડોકાય એને આવવા દો. લાગણીઓને બળજબરીપૂર્વક લાવવાની પણ જરૂર નથી. આ અેકમાત્ર અેવી ક્રિયા છે જે તમારા સબકૉન્શિયસ માઇન્ડમાં ચોંટેલા સંસ્કારોને દૂર કરીને હળવાશ આપે છે. હઠપ્રદીપિકાના મતે ત્રાટકક્રિયાથી કોઈ પણ જાતના નેત્રના રોગો દૂર થાય છે તેમ જ આળસ હટે છે. ત્રાટકક્રિયા બિનજરૂરી રીઍક્શનથી તમને બચાવે છે જેથી તમે લોકોમાં અપ્રિય નથી બનતા.’
શું કામ લાભકારી?
એકટશે કોઈ પણ અેક ઑબ્જેક્ટ પર પલક ઝબકાવ્યા વિના જોયા કરવું અે ત્રાટકક્રિયા ગણાય છે. માત્ર જોવાથી કઈ રીતે લાભ થાય? એના જવાબમાં ડૉ. ભોગલ કહે છે, ‘આપણી સાઇકોલૉજી અને ફિઝિયોલૉજી અેકબીજા સાથે જોડાયેલી છે જેને આપણે સાઇકોફિઝિયોલૉજી કહીઅે છીઅે. સાઇકોલૉજિકલ ડિસ્ટર્બન્સ જ સમય જતાં ફિઝિયોલૉજી પર અસર કરે છે. અચેતન મનમાં ધરબાયેલી પીડાદાયી લાગણીઓ, ચિંતા, સ્ટ્રેસ એ હાર્ટ ડિસીઝ, હાઇબીપી વગેરે બનીને આવતા હોય છે. તમે ઑબ્ઝર્વ કર્યું હશે કે ક્યારેક તમે ખૂબ ચિંતામાં હો ત્યારે કલાકો સુધી તરસ લાગી હોય પણ પાણી પીવાનું ભૂલી ગયા હોઈઅે. આ બધી અવસ્થામાં આપણે વધુ ને વધુ બેધ્યાન થતા જઈઅે છીએ, જ્યારે ત્રાટકમાં આપણે ધ્યાનને કેન્દ્રિત કરીઅે છીઅે. આંખમાંથી પાણી નીકળવા માટે એ સ્તર પર આપણે પાંપણોને સ્થિર કરી દઈએ છીએ જેથી આપણી અવેરનેસ વધે છે. અંદરની તરફ તમારું ધ્યાન વધુ તીવ્ર બને છે. અવેરનેસ વધી અેટલે શું? બ્રેઇનને સેન્સરી ફીડબૅક મળવાનું શરૂ થાય. પ્રત્યેક બાબતોનો બ્રેઇનને મેસેજ મળે અેટલે હિલિંગ ઝડપી બને. આઠ મિનિટ માટે ઘીનો દીપક અથવા બિંદુ જેવા કોઈ પણ ઑબ્જેક્ટ પર તમે આંખોને પલક ઝબકાવ્યા વિના કેન્દ્રિત કરો છો ત્યારે સૌથી મહત્ત્વની બાબત બને! ત્રાટકથી તમે ઇન્ટ્રોવર્ટ થઈને ક્લેન્ઝિંગ કરો છો.’

આટલા લાભો તો નિશ્ચિત છે!

હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા થયેલા અેક સર્વેક્ષણના તારણ અનુસાર ત્રાટકથી માત્ર બાળકોની જ નહીં, સિનિયર સિટિઝનની પણ અેકાગ્રતા, મોટર બૅલૅન્સ અને યાદશક્તિ વધે છે અને ભૂતકાળની ઘટનાઓ તેઓ સરળતાથી રીકૉલ કરી શકે છે.
અેક અભ્યાસ પ્રમાણે ત્રાટકથી ક્લૅરિટી ઑફ માઇન્ડ, ક્લિયર વિઝન, ચેતાતંત્રમાં સંતુલન, ઇમોશનલ બૅલૅન્સ, અલર્ટનેસ અને આત્મવિશ્વાસ વધે છે.
બૅન્ગલોરની અેક ઇન્સ્ટિટ્યૂટે કરેલા અભ્યાસ મુજબ ત્રાટકથી અનિયમિત હૃદયના ધબકારાઓને નિયંત્રિત કરી શકાય છે.
ગ્લુકોમા જેવી આંખોની સમસ્યામાં ત્રાટકથી લાભ થાય છે અેવું દિલ્હીની અેઇમ્સના ડૉક્ટરોઅે કરેલા કેટલાક પ્રયોગોના પરિણામમાં જાણવા મળ્યું.
અનિદ્રા, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓમાં લાભ કરવાની સાથે ત્રાટકક્રિયાથી વ્યક્તિની અંતઃસ્ફૂરણા પણ વિકસિત થાય છે.

કેવી રીતે થાય ત્રાટક?

ત્રાટક કરાવવાની જુદી-જુદી રીત જુદી-જુદી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફૉલો કરવામાં આવે છે. કેટલીક યોગિક સંસ્થાઓ પહેલાં આંખોની કીકીની કસરતો કરાવડાવે અને પછી દીવાની જ્યોત, ઓમ વગેરે પર ફોકસ કરાવડાવે છે. આંખોની પાંપણ ઝબકવી એ મોસ્ટ ઇન્વૉલન્ટરી ઍક્શન છે એટલે જેના પર કાબૂ મેળવવો મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે તમે અપલક નયને એકથી આઠ મિનિટ સુધી કોઈ એક તત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો તો તમારા વિલપાવરમાં પણ જોરદાર વધારો થાય છે એવું કેટલાક નિષ્ણાતો કહે છે. આંતર ત્રાટક અને બાહ્ય ત્રાટક એમ એના બે પ્રકાર છે. હવે ત્રાટકની સંક્ષિપ્ત વિધિ જોઈએ.
આંખોની કસરત કરવી હોય તો પહેલાં આંખોની કીકીને ગરદન હલાવ્યા વિના ઉપર-નીચે, ડાબે જમણે બન્ને દિશામાં ત્રાંસી અને ક્લૉક-વાઇઝ અને ઍન્ટિક્લૉક-વાઇઝ એમ ૧૦-૧૦ વખત મૂવમેન્ટ
કરો. દરેક મૂવમેન્ટ પછી બન્ને હથેળીઓને એકબીજા સાથે ઘસીને હાથને શંકુ આકાર બનાવીને ચહેરા પર હળવે હાથે મૂકો. યાદ રહે આ સમયે તમારે આંખને નથી દબાવવાની, પરંતુ આંખની આજુબાજુના મસલ્સને હાથના ગરમાટાથી મસાજ આપવાનું છે.
આંખોને લગતી ખૂબ જ ગંભીર રોગો હોય કે એપિલેપ્સી જેવી સમસ્યા ન હોય તો તમે જ્યોતિ-ત્રાટક કરી શકો જે પરંપરાગત અને પ્રચલિત પદ્ધતિ છે. એ સિવાય તમે ૐ પર, તારા, ચંદ્ર, બિંદુ એમ કોઈ પણ ઑબ્જેક્ટ પર ફોકસ કરી શકો છો. આ બાહ્ય ત્રાટકની પદ્ધતિ છે.
એ સિવાય તમે આંતર ત્રાટક કરી શકો છો જેમાં બંધ આંખે શરીરના કોઈ પણ એક કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
શરૂઆતમાં ૧૦થી ૧૨ સેકન્ડ પલક ઝબકાવ્યા વિના રહી શકશો, પરંતુ જેમ-જેમ અભ્યાસ વધશે એમ તમારી પાંપણો પર તમારો કન્ટ્રોલ વધશે અને તમે વધુ એકાગ્રતા જાળવી શકશો. છેલ્લે એકીટશે જોતાં-જોતાં આંખમાંથી પાણી વહેવાનું શરૂ થાય એટલે પામિંગ કરીને આંખો બંધ કરી દેવી અને ફરી એ જ ઑબ્જેક્ટ બંધ આંખો સામે વિઝ્યુલાઇઝ કરીને આંતર ત્રાટક કરી શકાય છે.
ડૉ. આર. એસ. ભોગલના મતે એવી કોઈ વ્યક્તિ નથી જે ત્રાટક ન કરી શકે. એટલે કે આ ક્રિયા દરેક માટે છે. તેના કોઈ કૉન્ટ્રાઇન્ડિકેશન નથી. આંખ થાકે ત્યારે ફરી કરો અને ધીમે-ધીમે પાંપણો ઝપકે નહીં એનો અભ્યાસ કરો. ડૉ. ભોગલ કહે છે, ‘ત્રાટક કરતી વખતે આંખોને મધ્યમ રાખવી એટલે કે બહુ હળવી નહીં અને બહુ તંગ નહીં. એનાથી તમારું ત્રાટક આસાનીથી થશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK