મા આશાપુરાનાં ચારેય મંગળ અને નવરાત્રિ

Published: Oct 01, 2019, 17:35 IST | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ | મુંબઈ

આદ્યશક્તિનાં પૂજન ત્રણ પ્રકારે થાય છે. કનિષ્ઠ (અપરા), મધ્યમ (પરા-અપરા) અને ઉત્તમ (પરા). અપરા પૂજનને પંચોપચાર પણ કહે છે. ઉપચાર પાંચ છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવૈદ્ય પૂજન. ગંધ પૃથ્વીનું પ્રતીક છે.

લાખેણો કચ્છ

આજે ત્રીજું નવરાત્ર! તમામ શક્તિપીઠો પૂજન-અર્ચન અને ભક્તિભાવથી માતાજીના મહાત્મ્યનો પમરાટ ફેલાવી રહી છે. માતાજી આશાપુરાના આંગણે ભક્તો ઊમટી પડ્યા છે. ત્યાં સામાન્ય દિવસોમાં અન્ય મંદિરોની માફક પ્રભાતે મંગળા આરતી, ત્યાર બાદ સવારે નવ વાગ્યાની આસપાસ બીજી આરતી અને ત્રીજી આરતી સૂર્યાસ્ત સમયે થાય છે. થોડી વાર પછી માની શયન આરતી પણ થાય છે.

જાગૃત સ્થાન ગણાતા આશાપુરાના મંદિરમાં મહા, ચૈત્ર, અષાઢ અને આસો આ ચાર નવરાત્રિ ઊજવવામાં આવે છે. અષાઢી નવરાત્રિ ગુપ્ત નવરાત્ર ગણાય છે, જયારે બાકીની પ્રગટ નવરાત્રિ ગણવામાં આવે છે. ચૈત્ર અને આસોની નવરાત્રિમાં માતાજીના મંદિરની દક્ષિણે ઉત્તરાભિમુખ ઓરડામાં એક કાપડી અમાસ-એકમના સંધિકાળથી માંડી અષ્ટમીની સવાર સુધી એક આસન પર બેસે છે. કાપડીઓના મૂળ પુરુષે માતાજીની સામે ખડગ ધરીને તપશ્ચર્યા કરી હતી ત્યારથી એ પ્રણાલિકા ચાલી આવે છે. તપસ્વીના હાથમાં આજે પણ ખડગ અને શ્રીફળ અપાય છે અને ત્યાંજ માતાજી ના ઘટ ની સ્થાપના કરવામાં આવે છે. વાડી પણ સ્થાપવામાં આવે છે.
આઠમની સવારે માતાજીની આરતી થયા બાદ અહીં નવરાત્રિના ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે. સાતમાં નવરાત્રની રાત્રે હવન થાય છે, જેનાં દર્શન માટે સમગ્ર દેશ માંથી ભક્તો ઊમટી પડે છે. મઢ જાગીરના અધ્યક્ષ રાજા બાવાના હાથે શ્રીફળ હોમ્યા પછી એ પૂજન પૂર્ણ કરવામાં આવે છે. આઠમની સવારે કચ્છના મહારાઓ શ્રી ખોળો પાથરીને જગદંબા સામે ઊભા રહે છે. ડાક, ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ અત્યંત ભક્તિમય બની જાય છે. માતાજીના જમણા ખભા પર સિંદૂર સાથે દાબીને મૂકવામાં આવેલી ‘પત્રી’ (રાવળપત્રી) જ્યાં સુધી ઊડીને મહારાઓશ્રીના ખોળામાં ન પડે ત્યાં સુધી તેમણે તપસ્યા કરવી પડે છે. એ પત્રી જેવી કચ્છના મહારાઓશ્રી ના ખોળામાં ઊડીને પડે કે ભાવિકોના મોઢેથી માતાજીનો જયઘોષ ગાજી ઊઠે છે. અણુ-અણુ રોમાંચિત થઈને જગદંબા આશાપુરાના શરણે નમી પડે છે અને પ્રાર્થના કરે છે....
વિધ્યુદ્દ્દામ સમપ્રભા, મૃગપતિ સ્કંધ સ્થિતા ભીષણામ,
કન્યાભિ: કરવાલખેટ વિલસટ્રસ્તા ભિરા સેવિતામ;
હ્સ્તેશ્ચન્દ્ર ગદ્ય સિખેટ, વિશિખા ગુણમ તર્જની,
વિભાણામનલ મિકા, રાશીધરામ દુર્ગા ત્રિનેત્રી ભજે।।
જગદંબાની ભક્તિના નવ ભાવ આલેખવામાં આવ્યા છે. ઇષ્ટના ગુણો સાંભળવા, ગુણો અને નામોનું કીર્તન કરવું, વંદન કરવાં, દેવીની દાસભાવે સેવા કરવી, ઇષ્ટ પ્રત્યે મિત્રભાવના અને આત્મનિવેદન એટલે કે મન, વચન, કર્મથી પોતાને ઇષ્ટમાં સમર્પણ કરી દેવું. જગતજનની સ્વયં જ્યોતિ છે. તે વિશ્વજ્યોતિ છે. અવિદ્યારૂપી અંધકારને તે દૂર કરે છે. આરતી સમયે જે કપૂર બાળવામાં આવે છે એ સાધકના વ્યક્તિગત સ્વાર્થ અને પાપ કપૂરની જેમ બળી જાય અને જીવ જગતજનનીમાં ભળી જાય એના સંકેતરૂપ છે.
નવરાત્રિ દિવ્ય અને ભવ્ય રાત્રિઓ છે. યોગક્રિયામાં નવની સંખ્યાને ‘અધિશક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ચેતન જગતનું સંચાલન નવ તત્વો દ્વારા થઈ રહ્યું છે. આ બ્રહ્માંડ નવ તત્ત્વોનું બનેલું છે જેના સંચાલક નવ ગ્રહો છે. પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ છે. મનુષ્યને ધારણ કરનાર પૃથ્વીના નવદ્વીપો છે. નવનિધિઓ, મનુષ્યના શરીરમાં રહેલી નવ નાડીઓ, જીવનમાં સુખ-દુઃખની અભિવ્યક્તિ માટે નવ રસો. આ બધાનું સમરસતાપૂર્વક પૂજન એટલે નવરાત્રિનું આ મહાપર્વ.
દેવી દુર્ગાનાં નવ નામો છે. પ્રથમ નવરાત્રનાં શૈલ પુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટા, ચોથું નામ છે કુષ્માંડા, પાંચમું નવરાત્ર મા સ્કન્દમાતાનું, છઠ્ઠું કાત્યાયની, સપ્તમી કાળરાત્રિની, આઠમું નામ મહાગૌરીનું અને નવમું નામ સિદ્ધિદાત્રી શક્તિ છે. દેવીનાં આ નામો જીવનરક્ષાના અભેદ કવચ સમાન છે. નવદુર્ગાનાં આ નવ નામોનું નિત્ય સ્મરણ તમામ સંકટોમાંથી ઉગારવા માટે પૂરતું
ગણાય છે.
આદ્યશક્તિ મા ઉમિયાના સ્વરૂપનું ધ્યાન ચંડીપાઠમાં નવશક્તિઓ સાથે આ રીતે જોડવામાં આવ્યું છે:
શ્વેત વૃષએ સમારૂંઢ શ્વેતાંબર ધરા શુચિ|
મહા ગૌરી શુભમદધાત મહાદેવ પ્રમાદદા||
સફેદ નંદી પર બિરાજમાન, શ્વેત વસ્ત્રો ધારણ કરનારી, પવિત્ર અને મહાદેવને આનંદ આપનારી મહાગૌરી દુર્ગા શક્તિ ઉમિયા માતાજી અમારું શુભ કલ્યાણ કરો.. કારણ કે મનુષ્યની સર્વ ઇચ્ચ્છાઓને ગૌરી અથવા ઉમિયા માતાજી લક્ષ્મી રૂપ ધારણ કરી પૂર્ણ કરે છે. જ્ઞાનીઓ આ જ શક્તિને સરસ્વતી કે શારદારૂપે ભજે છે. સાધકો તેને મહાકાલિરૂપે આરાધે છે. શાસ્ત્રોમાં એવું આવે છે કે મહાકાળીના સ્વરૂપે રાક્ષસોનો સંહાર કરનાર પોતાની અર્ધાંગના શક્તિને મહાદેવજીએ મશ્કરી કરતાં ‘કાળી’ કહ્યાં હતાં. પરિણામે શક્તિએ અતિ ગૌર રૂપ ધારણ કર્યું. આ ઉમિયા શક્તિ સમગ્ર જગતનું સંચાલન, પાલન, પોષણ અને રક્ષણ કરે છે. ઉમિયા શબ્દમાં આવેલા ત્રણ અક્ષરો વાત્સલ્ય, કરુણા અને દયાના અર્થને વ્યક્ત કરે છે. આ ઉમિયા શક્તિ એટલે આ ધરતીની ફળદ્રુપતા અને ઉર્વરા શક્તિ છે. ‘પૃથ્વી મારી માતા અને હું પૃથ્વીનો પુત્ર’ એમ કહીને વેદ ઋષિએ જેને પ્રણામ કર્યાં તે આ ઉમિયા! ઉમિયા એટલે જીવનની ઊર્જાશક્તિ, પ્રાણશક્તિ. આ શક્તિનો સ્મરણ મંત્ર છે :
વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરાત|
વૃષભ રૂઢાં શૂલધરામ, શૈલ પુત્રીમ યશસ્વિનીમ
નવરાત્રિના પૂજનમાં નવદુર્ગા મા શૈલપુત્રીનું પૂજન પ્રથમ નોરતે જ થાય છે. મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરવાનો દિવસ. આદ્યશક્તિ પાર્વતીના વિવિધ રૂપો નવદુર્ગારૂપે છે.
બીજા નોરતે તે બ્રહ્મચારિણીરૂપે પુજાય છે. બ્રહ્મચારિણી શક્તિ એ તપ, ત્યાગ, સદાચાર અને સંયમની વૃદ્ધિ કરનાર શક્તિ. બ્રહ્મ શબ્દનો અર્થ અહીં તપસ્યા થાય છે. બ્રહ્મચારિણી એટલે તપ-ચારિણી-તપ કરનાર. દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્ય છે. પૂર્વ જનમમાં જ્યારે મા દુર્ગા હિમાલયના ઘેર અવતરેલાં ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું તેથી તે ‘તપશ્ચારિણી’ કે ‘બ્રહ્મચારિણી’ના નામે પ્રસિદ્ધ થયાં. તેમનો સ્મરણ મંત્ર છે :
દધાના કરપદમાભ્યામ ક્ષમાલાકમંડલ ।
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણયનુતમો ।।
આજે ત્રીજું નવરાત્ર. ચંદ્રઘંટા શક્તિના પૂજનનો દિવસ. મા ચંદ્રઘંટા શાંતિદાયક અને કલ્યાણકારી રૂપા મનાય છે. માના મસ્તકમાં ઘટાદાર અર્ધ ચંદ્ર હોવાથી તે એ નામથી ઓળખાય છે. દુર્ગા ઉપાસનાના ત્રીજા દિવસનું ખૂબ મહત્ત્વ છે. સાધના શક્તિના ત્રીજા દિવસે સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવેશ કરે છે. દેવીનું વાહન સિંહ હોવાથી તેનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય બને છે. મા ચંદ્રઘંટા શક્તિનો ધ્યાન મંત્ર છે :
પિંડજ પ્રવરારૂઢ ચંડકોપાસ્ત્ર કૈર્યુતા ।
પ્રસાદ તનુ તે મહ્યમ ચંદ્ર્ઘન્ટેતિ વિશ્રુતા ।।
મનુષ્યમાં જે ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ છે એ મહાકાળી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીરૂપે છે. એ જ શક્તિ ‘ત્રિપુર સુંદરી’ છે. એ જ ત્રિભુવનની જનની છે. એ જ ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતીનું સ્વરૂપ છે. એ ત્રિવિધા છે. સવારે કુમકુમ કેસરનું તિલક કરેલી કુમારિકા, બપોરે તે પ્રૌઢા જેવી લાગે છે અને સાંજ ઢળતાં ઉંમરે
પહોંચેલી વૃદ્ધ સ્ત્રી જેવી લાગે છે. સવારે ગાયત્રીના નામથી, બપોરે સાવિત્રીના
નામથી તથા સાંજે સરસ્વતીના નામથી જગદંબા આ સૃષ્ટિના અણુ-અણુમાં વ્યાપ્ત રીતે વસેલી છે.
નવરાત્રિમાં રાત્રિ શબ્દનું મહત્ત્વ અનેરું છે. રાત્રિ વ્યક્તિને બાહ્યથી આંતરિક જગત તરફ વાળે છે. રાત્રિ જીવમાત્ર માટે સુખદા, શાંતિદાયક, પોતાના ‘સ્વ’ને ઓળખવા માટે છે. નવરાત્રિની નવેનવ રાત્રિઓ શક્તિની ભક્તિ શાંત અને એકાગ્ર ચિત્તે કરવાનો દિવ્ય અવસર છે. નવરાત્રિ એ માતૃશક્તિની વંદનાનો દિવસ અને કચ્છનાં કુળદેવી મા આશાપુરા સમગ્ર કચ્છની જનની તરીકે પુજાય છે. વિશાળ પ્રાંગણ સમાન માના ખોળે આળોટવા લોકો સાચા અર્થમાં આળોટતા પણ આવે છે.
ત્રીજી નવરાત્રિએ તો મંદિરની સાથે સંકળાયેલા હજારો ચોરસ મીટરની જગ્યામાં તલ છાંટવાની જગ્યા પણ માંડ મળે છે. નવરાત્રિ દરમ્યાન લાખો ભાવિકોની અવરજવર, તેમના માટે દર્શનની અને પ્રસાદની સુચારુ વ્યવસ્થા માટે સેંકડો સ્વયંસેવકો ઠેર ઠેરથી ઊમટી પડે છે. કેટલાક તો સેવા કરવાનો લાભ ન મળતાં નિરાશ વદને જે કામ હાથ લાગે એ કરતા હોય છે. કાર્યાલયની બાજુમાં પણ હજારો ચોરસ મીટરની જગ્યામાં બાંધેલા મંડપ નીચે ભોજન આરોગતા હોય છે. અહીં ભોજનરૂપે માનો પ્રસાદ નવરાત્રિ દરમ્યાન લગભગ ચોવીસ કલાક ચાલુ હોય છે. સાધનસજ્જ વિશ્રામાલય પણ છે. રહેવા અને જમવાનું નિ:શુલ્ક હોય છે. જે રીતે વ્યવસ્થા જાળવવામાં આવે છે એ બદલ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ધન્યવાદને પાત્ર ગણી શકાય, પરંતુ ધન્યવાદની તેમને કોઈ અપેક્ષા નથી હોતી. તેઓ એમ જ માને છે કે એ શક્તિ તેમને જગદંબા આશાપુરા પૂરી પડે છે. તેમ છતાં પણ તેમની પ્રાર્થનામાં ક્ષમાયાચના જ જોવા મળે છે.
મંત્ર હિનમ, ક્રિયા હિનમ, ભક્તિ હિનમ સુરેશ્વરિ
યત્પુજીતમ મયા દેવી, પરિપૂર્ણ તદસ્તુ મે।।

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK