Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભૂકંપે કચ્છને શું આપ્યું?

ભૂકંપે કચ્છને શું આપ્યું?

26 January, 2021 01:15 PM IST | Kutch
Mavji Maheshwari

ભૂકંપે કચ્છને શું આપ્યું?

ભૂકંપે કચ્છને શું આપ્યું?


૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે કેટલાકને એવું લાગ્યું હતું કે હવે કચ્છ ક્યારેય બેઠું નહીં થઈ શકે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વિસ્તારની વ્યવસ્થાઓ અચાનક જ ખોરવાઈ જાય અને એ જાનમાલને અપાર નુકસાન આપનારી હોય ત્યારે આવું લાગે, પરંતુ એ પછીના બે દાયકાનો ઘટનાક્રમ અકલ્પનીય છે, જેની કલ્પના ગુજરાતે પણ  કરી ન હતી. ભૂકંપ પછીની ગુજરાત અને કેન્દ્રની રાજકીય ઇચ્છાશક્તિએ જે રીતે કચ્છ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, એના થકી બે દાયકામાં કચ્છનું સ્વરૂપ જ બદલાઈ ગયું, ત્યાં સુધી કે કચ્છના લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ છે. જે કચ્છથી રોજગારીની અછતના કારણે લોકો હિજરત કરતા રહ્યા હતા, એ જ કચ્છમાં આજે રોજગાર મેળવવા આખાય દેશમાંથી લોકો આવી રહ્યા છે. આ નરી વાસ્તવિક્તા છે, પરંતુ સાથે-સાથે એ પણ વાસ્તવિકતા છે કે જેના થકી કચ્છ વિશિષ્ટ પ્રદેશ ગણાતો રહ્યો છે એ તમામ વિશેષતાઓ આવનારા સમયમાં હશે કે નહીં એ આવનારો સમય જ કહેશે.

ક્ચ્છ એટલે ઉજ્જડ, કચ્છ એટલે પાણી અને રોજગારી વગરનો રણ પ્રદેશ. કચ્છ એટલે ગુજરાતનો દુર્ગમ જિલ્લો. આવું એક રૂપ ગુજરાતીઓના મનમાં વીસમી સદી સુધી સચવાયેલું હતું. ગુજરાતીઓ કચ્છને રણ પ્રદેશ માનતા. આ થોડી આશ્ચર્યની વાત ગણાય તેમ છતાં, હકીકત છે કે કોઈ અધિકારીને સજારૂપે બદલી કરવામાં આવતી ત્યારે તેને કચ્છમાં મોકલવામાં આવતા. સરકારી વિભાગમાં કચ્છ સજાનો જિલ્લો ગણાતો. આ એક વાસ્તવિકતા હતી. વીસમી સદી સુધીના કચ્છ અને વર્તમાન કચ્છ વચ્ચે જોજનોનું અંતર પડી ગયું છે. જે રણને કારણે કચ્છ સુક્કો અને નિર્જન પ્રદેશ ગણાતો રહ્યો એ જ રણને જોવા આખાય જગતના લોકો આવે છે. ૨૦ વર્ષમાં આ બધું બન્યું એને કાળનો ખેલ ગણવો કે કચ્છની ધરતીનાં પુણ્ય ગણવાં એ તર્કશાસ્ત્રની વાત છે. વર્ષો પહેલાં જે લોકો કચ્છ છોડી બહાર વસી ગયા છે, તે લોકો જ્યારે કચ્છમાં આવે છે ત્યારે તેમને માન્યામાં આવતું નથી કે આ એજ કચ્છ છે જેને છોડવા વિવશ બનવું પડ્યું હતું. જ્યારે કોઈ મોટો બદલાવ આવે છે ત્યારે એનાં બે પાસાં પ્રગટે છે. એક પ્રત્યક્ષ લાભનું અને બીજું ભવિષ્યમાં થનારા છાનાં નુકસાનનું. અત્યારે કચ્છ ધમધમે છે. રોજગારીનું કેન્દ્ર બની ગયું છે. બે દાયકામાં કચ્છના મજૂરથી માંડીને વેપારી સુધીના લોકોનું જીવનધોરણ ઊંચું ગયું છે, પરંતુ કચ્છમાં ધમધમતા ઉદ્યોગોને પોષવા જે રીતે કુદરતી સ્રોત અને ભૂગર્ભ જળનો વપરાશ થઈ રહ્યો છે એ જોતાં આ વિકાસ અને આ કચ્છની પ્રગતિ કચ્છને મોંઘી પડવાની છે, એવું પણ કેટલાક લોકો માની રહ્યા છે.



ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની અગત્યતા અને પ્રજાની સુખાકારી માટે જે પ્રકારનું માળખું ઊભું થવું જોઈએ, રોજગારીનાં સ્રોત ઊભાં થવાં જોઈએ એ વીસમી સદી પહેલાંના સમય ઉપર નજર કરતાં ક્યાંય દેખાતાં નથી, પરંતુ એકવીસમી સદીની શરૂઆતે કચ્છની ધરતીએ જરા પડખું ફેરવ્યું અને એ પછી સમીકરણો જ બદલાઈ ગયાં. જોકે ધરતીનું એ રૌદ્ર સ્વરૂપ હતું. ભયાવહ હતું, પરંતુ આજે એજ ધરતી અહીં રહી જવાનું ઇજન આપી રહી છે. બેશક, એ રાજકીય ઇચ્છાશક્તિનું પરિણામ છે. ૨૦૦૧ પછી કચ્છમાં ફૂંકાયેલા ઔદ્યોગિકીકરણના પવને કચ્છને ધરમૂળથી બદલી નાખ્યું. અત્યારે આખુંય કચ્છ રીતસર ધમધમતો જિલ્લો છે, જેનો ઇનકાર કરવો મુર્ખાઈ કહેવાય. વર્તમાન કચ્છ પર જરા નજર ફેરવીએ તો એવું લાગે કે આ બધી શક્યતાઓ તો ભૂકંપ પહેલાં પણ હતી જ. ભૂકંપ પહેલાં ભારતીય મરીન ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાતાં કંડલા, માંડવી, તુણા, મુન્દ્રા તેમ જ જખૌ જેવાં બંદર હતાં જ, પરંતુ કંડલા સિવાય એકેય બંદર કચ્છને રોજગારી આપવા ખાસ ઉપયોગી બન્યું નહોતું. ૨૦૦૧ પછી મુન્દ્રામાં અદાણી ખાનગી પોર્ટ સ્થાપાતાં એ વિસ્તારનો નકશો જ બદલાઈ ગયો છે. અત્યારે આયાત-નિકાસમાં કંડલા અને મુન્દ્રાને કારણે કચ્છ અગ્રસ્થાને છે. ૧૦૦ કિલોમીટરની અંદર આવેલાં દેશનાં બે મોટાં બંદરને કારણે કચ્છમાં શિપિંગ ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગ અત્યારે દેશમાં આગળની હરોળમાં આવી ગયો છે. લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, બોક્સાસટની ખાણો ઉપરાંત કચ્છભરમાં ફેલાયેલી પવનચક્કીઓ અને વિવિધ ફૅક્ટરીઓને કારણે પણ પરિવહન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. કચ્છને ૯૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો છે. વર્ષોથી કચ્છમાં મીઠું પાકતું, જેણે અત્યારે આધુનિકતાનાં વાઘાં પહેર્યાં છે. બીજી બાજુ કચ્છના રણમાં કુદરતી રીતે બનતા મીઠા થકી બ્રોમાઇનની ફૅક્ટરીઓ ધમધમે છે. આખાય ભારતમાં જેટલું મીઠું પાકે છે, એમાંનું ૭૦ ટકા માત્ર કચ્છ જ પૂરું પાડે છે. કચ્છીઓએ કદી કલ્પના પણ નહોતી કરી કે દેશ અને દુનિયાના લોકો કચ્છનું કુદરતી સૌંદર્ય અને કચ્છની હસ્તકલાઓ જોવા કચ્છનાં ગામડાં ખૂંદશે કે લૂ ઝરતા રણમાં રાતો ગાળશે. આ માટે ગુજરાતના પ્રવાસન વિભાગને ધન્યવાદ આપવા ઘટે. કચ્છમાં રણોત્સવ શરૂ થયો એ પછી કચ્છની ખૂબીઓ ધીમે-ધીમે બહાર આવવા લાગી. નાના કારીગરો અને કચ્છના હસ્તકલા સાથે જોડાયેલા લોકોને એટલી રોજગારી મળી જે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું. રણોત્સવને કારણે જ માંડવી બીચ, માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવાં દર્શનીય સ્થળોનો વિકાસ થયો.


ભૂકંપ પછી એક નેતાએ એવી ભવિષ્યવાણી કરી હતી કે આવનારા સમયમાં આખાય દેશમાં કચ્છની બોલબાલા હશે. અનાયાસે કહેવાયેલી તેમની વાત આજે સાચી ઠરી છે. ભારતમાં ગુજરાત ઉદ્યમી રાજ્ય ગણય છે. ગુજરાતનું લોકજીવન પણ સ્વચ્છ અને શાંત ગણાય છે. ગુજરાતે ભારતને હંમેશાં કમાવી આપ્યું છે. આજે ગુજરાતનો જ એક જિલ્લો ભારતને જેટલું કમાવી આપે છે એટલું તો કેટલાંક રાજ્યો પણ કમાવી આપતાં નથી. સામાન્ય રીતે જ્યારે ઉદ્યોગો સ્થાપાય છે ત્યારે સૌથી મોટી અસર ખેતી પર પડતી હોય છે. કચ્છમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવ્યા પછી પણ કચ્છનાં ખેતઉત્પાદનમાં ઘટાડો નથી થયો. ઊલટાનું કચ્છની ખેતીમાં નવા આયામો અને શક્યતાઓ ઊભરી આવી છે. કચ્છની પરંપરાગત ખેતી વરસાદ આધારિત હતી. ઓછા વરસાદ અને આધુનિક ઉપકરણોના અભાવે ખેડૂત મોટા ભાગે ખોટમાં રહેતો હતો. કચ્છની ખેતીની નવાઈની બાબત એવી છે કે જ્યારે ભૂગર્ભ જળ ઊંચાં હતાં એ કરતાં હવે ભૂગર્ભ જળ નીચાં ગયાં છે ત્યારે વધુ અને ગુણવત્તાયુક્ત ખેતઉત્પાદન મળવા લાગ્યું છે. કૉર્પોરેટ ફાર્મિંગે કચ્છમાં નવી શક્યતાઓને જન્મ આપ્યો છે. રગસિયા ગાડાં જેવી ખેતીનું સ્વરૂપ અત્યારે બદલાઈ ગયું છે. કચ્છના સ્થાનિક ખેડૂતો નવું સાહસ કરવા પ્રેરાયા છે. અંજાર, ભુજ, અબડાસા તરફના જે વિસ્તારોમાં બાગાયતી ખેતીનું નામનિશાન નહોતું એ વિસ્તારો આજે હજારો ટન વિવિધ ફળ પકવે છે. ઉદ્યોગોને કારણે ગામડાંઓને જોડતા આંતરિક માર્ગોનું વિસ્તરણ થવાનો લાભ ગ્રામીણ ખેડૂતોને મળી રહ્યો છે. ૨૦૦૧ પછી બન્ની વિસ્તારમાં યોજાતા પશુમેળાને કારણે માલધારીઓને પશુપાલનની વૈજ્ઞાનિક સમજ અને આર્થિક લાભ મળ્યા છે. ભૂકંપ પછી કચ્છમાં ડેરી ઉદ્યોગના વિકાસે કચ્છના પશુપાલકો માટે નવી આર્થિક દિશા ઉઘાડી આપી છે. અત્યારે માહી અને સરહદ ડેરીને કારણે કચ્છના ગ્રામીણ ક્ષેત્રના લોકો સબળ આર્થિક વળતર મેળવી રહ્યા છે. આ દિશામાં હજી વધુ વિકાસ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છ અત્યારે ધબકી રહ્યું છે, આ ધબકાર ભવિષ્યને કઈ રીતે આકાર આપશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં, જે રીતે કચ્છની જૈવ સંપતિનો નાશ થઈ રહ્યો છે, કચ્છનું પરંપરાગત લોકજીવન બદલાઈ રહ્યું છે, જે રીતે હસ્તકલાઓ અને કારીગરી પર યંત્રો પ્રભાવ જમાવી રહ્યાં છે એની લાંબા ગાળાની વિઘાતક અસરો પડવાની છે એ નકારી શકાય નહીં, પરંતુ એ શક્યતાઓ છે. એવું બને પણ ખરું અને ન પણ બને.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 01:15 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK