Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અધિકગણું ફળ મળે અધિકમાં

અધિકગણું ફળ મળે અધિકમાં

22 September, 2020 02:05 PM IST | Mumbai
Bhakti Desai

અધિકગણું ફળ મળે અધિકમાં

અધિકગણું ફળ મળે અધિકમાં


તપ, સાધના, અનુષ્ઠાન, ઉપવાસનો અનોખો મહિમા ધરાવતો પુરુષોત્તમ મહિનો હાલમાં ચાલી રહ્યો છે. આ મહિનાના અધિષ્ઠાતા વિષ્ણુ ભગવાન ગણાતા હોવાથી આ દિવસોમાં ખાસ દાન-પુણ્ય, જપ-તપ કરવાનું મહાત્મ્ય છે. ખાસ કરીને વૈષ્ણવો કેવા-કેવા નિયમો દ્વારા પુરુષોત્તમ માસને આધ્યાત્મિક ઉન્નતિનું માધ્યમ બનાવે છે એ જાણવા જેવું છે...

મનુષ્ય-અવતારમાં સૌથી અઘરું કામ જો કોઈ હોય તો એ છે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય. હિન્દુઓમાં તપ, સાધના, અનુષ્ઠાન, ઉપવાસ આમ વિવિધ માધ્યમો દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવી શકાય છે અને જ્યારે આ દરેક માધ્યમ ધર્મ સાથે જોડાય છે ત્યારે એ ભક્તિનું સ્વરૂપ લઈ લે છે. અધિક મહિનાને લઈને ઘણી માન્યતાઓ, ધાર્મિક કથાઓ અને લોકવાયિકાઓ પ્રચલિત છે. આ મહિનો દરેક ધ્યાન-ધર્મ માટે ઉત્તમ હોવા છતાં સગાઈ, લગ્ન, વાસ્તુ જેવા કોઈ પણ શુભ કાર્ય આમાં વર્જ્ય હોય છે. ઘણા વૈષ્ણવો આખો અધિક મહિનો એક દિવસ એકટાણું અને એક દિવસ ફળાહાર આમ ધારણાં-પારણાં કરે છે. આમાં ચંદ્રાયનનું વ્રત કરીને ઘણા વૈષ્ણવો ચંદ્રની વધતી અને ઘટતી કળાના આધારે બદામની સંખ્યા નક્કી કરી એનું સેવન કરે છે, જેમ કે એક એકમે માત્ર એક બદામ અને બીજે ફક્ત બે. ઘણા ભક્તો દિવસનું માત્ર અડધો લિટર અથવા એક ચોક્કસ માત્રામાં દૂધનું સેવન કરીને એના પર મહિનો કાઢે છે, જ્યારે કોઈક લોકો અમુક પ્રિય વસ્તુ કે એકાદ ધાન્યનો ત્યાગ કરવાનું પ્રણ લે છે. જેમનાથી ઉપવાસ ન થાય તેઓ પાઠ, જપ, કોઈને જમાડવા, ગૌસેવા કરવા જેવાં અનુષ્ઠાન કરે છે. આમ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી એની કૃપા સહજતાથી પ્રાપ્ત કરવામાટે શારીરિક અને માનસિક શક્તિ પ્રમાણે ભક્તો વિવિધ નિયમો આદરે છે.
આ દરેક ધાર્મિક નિયમોનું આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વ છે. મોહ, માયા, મદ, મત્સર બધા પર સંયમ મેળવીને ઇન્દ્રિયોને અને ઇચ્છાઓને કાબૂમાં રાખવાની આપણી એક ભારતીય પરંપરા રહી છે. દરેક વ્યક્તિમાં સદ્ગુણ અને અવગુણોનો સમાવેશ હોય છે અને આપણે જે ગુણોની માવજત કરીએ છીએ એ જ નીખરીને વ્યક્તિત્વના ભાગરૂપે બહાર આવે છે. ત્રણ વર્ષે એક વાર આવનાર આ અધિક મહિનો આપણા સ્વભાવનું અને પોતાના વ્યક્તિત્વનું આત્મનિરીક્ષણ કરીને એને સુધારવાનો પણ અવસર આપે છે. ધર્મથી જોડાયેલા નિયમો આપણને શિસ્તબદ્ધ જીવન જીવતાં શીખવે છે, મન સ્થિર કરે છે અને આપણી આધ્યાત્મિક પ્રગતિ કરીને આત્માનું ઉત્થાન કરે છે.
જાણીએ ભક્તો પાસેથી તેમણે કેવા નિયમ આ અધિકમાં લીધા છે...



આ વર્ષે સવારે સ્નાનથી ચંદ્રદર્શન સુધી મૌન વ્રતના પાલનનો નિયમ છે : શીલા દવે


adhik

કાંદિવલીમાં રહેતાં શીલાબહેન દવેના બિલ્ડિંગમાં ઘણા બ્રાહ્મણો અને વૈષ્ણવો રહે છે એથી તેઓ સાથે મળીને પૂજા-પાઠ, ભજન, મનોરથ કરે છે. તેઓ આ વર્ષના નિયમ માટે કહે છે, ‘હું પહેલાં ઉપવાસ કરતી હતી અને એક અધિક માસમાં મેં ધારણાં-પારણાં કર્યાં હતાં, પણ આ વખતે અસ્થમાને કારણે મારા પરિવારજનો મને ઉપવાસના નિયમ લેવાની ના પાડે છે. અધિકમાં કોઈક પ્રણ તો લેવું જ જોઈએ એથી આ વખતે મેં સવારના સ્નાન પછી રાત્રે ચંદ્રદર્શન થાય ત્યાં સુધી દરરોજ મૌનનું પાલન કરવાનો નિયમ લીધો છે. આ મહિનામાં અગિયારસ, પૂનમ, અમાસ એ બધા દિવસો વધારે મોટા ગણાય છે એથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને દૂર બેસીને અગિયારસમાં વિષ્ણુ ભગવાનને તુલસી ચડાવીશું, પૂનમે સત્યનારાયણની કથા કરીશું અને છેલ્લા દિવસે બધી સ્ત્રીઓ ભેગી મળીને યથાશક્તિ ભેટ આપીને બ્રાહ્મણને અનાજથી લઈને સોના-ચાંદી સુધીનું દાન આપીશું. અમારી સોસાયટીની નીચે એક મોટો બગીચો છે. અહીં દર વર્ષની જેમ વનભોજન કરી કોઈ પણ પીળી વાનગી ખાઈને વ્રતની પૂર્ણાહુતિ કરીશું. કહેવાય છે કે પીળી વાનગીનું આગવું મહત્ત્વ હોય છે. માત્ર આ વખતે કોવિડને કારણે ખમણ ઢોકળાં અને અન્ય વાનગીઓ પોતપોતાના ઘરેથી બનાવીને લાવવાનો નિર્ણય લીધો છે.’


દિવસમાં ફક્ત એક વાર મગનું સેવન અને સવા લાખ જાપનું પ્રણ લીધું છે : કિરણ કચ્છી

મહાવીરનગરમાં રહેતાં કિરણબહેન કચ્છી કહે છે, ‘હું દર વખતે અધિક મહિનામાં મગ પર રહું છું. દિવસમાં ફક્ત એક વાર બાફેલા મગમાં મીઠું-મરચું નાખીને ખાવાનો મારો નિયમ છે. આ વર્ષે પણ મેં આ પ્રણ લીધું છે અને સાથે જ શ્રીકૃષ્ણ: શરણં મમ: આ અષ્ટાક્ષર મંત્રની દરરોજ ૪૦ માળા કરવાનો નિર્ધાર પણ કર્યો છે. દિવસની ૪૦ માળા એટલે મહિનાન અંતે સવા લાખ જાપ થશે. મેં લૉકડાઉન દરમ્યાન મારી દીકરીને શ્રી યમુનાષ્ટકના પાઠ શીખવ્યા છે એ પણ દરરોજ કરીશું અને સાથે જ દિવસમાં અમુક સમય ભજન કરવાનું નક્કી કર્યું છે. મારા વિવિધ ભક્તિનાં વૉટ્સઍપ-ગ્રુપ છે એમાં સાથે બેસીને ગીતાનો પંદરમો અધ્યાય દરરોજ કરીશું.’

આખો મહિનો મૌન અને એકટાણું કરવાના નિયમ લીધા છે: અંજના ધારેક

અધિકમાસની શરૂઆત પહેલાં જ કાંદિવલીમાં રહેતાં અંજના ધારેક સાથે વાત થયેલી ત્યારે તેઓ કહે છે, ‘હું દર વર્ષે એકટાણાનો નિયમ લઉં છું જે મેં આ વર્ષે પણ લીધો છે. એની સાથે જ મને આ અધિકમાં બીજું કંઈક નવું કરવાની ખૂબ ઇચ્છા હતી એથી મેં આખો મહિનો મૌનવ્રત લેવાનો નિર્ધાર કર્યો. આવો નિયમ મેં પહેલાં ક્યારેય લીધો નથી. આ વખતે આ પહેલો જ અનુભવ હશે. કહેવાય છે કે મૌન રાખવાથી તમે પોતાની આંતરિક યાત્રામાં ઊંડા ઊતરી શકો છો અને અધિક માસમાં મને આ નિયમથી મારા પ્રભુ અને મારી જાત સાથે જોડાવાનો અવસર મળશે.’

ફક્ત પ્રભુને સમર્પિત સામગ્રી જ લેવાનો નિયમ લીધો છે: સુધા સંઘવી

કાંદિવલીમાં રહેતાં સુધાબહેન સંઘવી કહે છે, ‘હું માનું છું કે અધિક મહિનો એટલે ઠાકોરજી માટે ઉત્સવ અને મનોરથનો મહિનો. આ મહિનામાં દર દિવસે હવેલીમાં ઠાકોરજીને બારેમાસના દરેક મનોરથ કરાવાય છે એથી હું પણ આ જ નિયમમાં માનું છું. હિંડોળા, છપ્પનભોગ, અન્નકૂટ જેવા દરેક ઉત્સવનો આમાં સમાવેશ થાય છે. પુષ્ટિમાર્ગમાં વ્રત અને ઉપવાસ કરવાનું નથી લખ્યું, પણ દરરોજ નવાં મિષ્ટાન્ન, નવી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરાવીને એ પ્રસાદીમાં લેવી એવો મારો આગ્રહ છે અને એમાં આપણા ઘરના પ્રભુને પણ વધારે આનંદ આવે છે. મેં અધિક માસમાં એવો નિયમ લીધો છે કે સવારના નાસ્તાથી લઈને જે પણ ઘરમાં બને એ બધું જ ઠાકોરજીને ધરાવીને જ પોતે લેવું. આ મહિનામાં બને એટલા જાપ કરવા, નિત્ય નિયમ પ્રમાણે કથા-વાર્તા કરવી અને પાઠ કરવા. ફક્ત પ્રભુને સમર્પિત સામગ્રી જ લેવાનો મારો નિયમ છે.’

મગ-રોટલી ખાઈને આખો મહિનો એકટાણાં કરું છું:મૌલિક મોદી
કાંદિવલીના મૌલિક મોદી કહે છે, ‘અધિક મહિનાના નિયમમાં હું છેલ્લાં ૧૨ વર્ષથી એટલે કે ત્રણ અધિક માસથી કોઈ પણ શાકભાજી કે બટાટા એવુંબધું ન ખાતાં માત્ર મગ અને રોટલી દિવસમાં એક વાર ખાઉં છું, જે આ વર્ષે પણ કરવાનો છું. અમે ઘરમાં આ મહિનામાં અખંડ દીવો મૂકીએ છીએ અને સાથે જ બને એટલા જાપ કરું છું. આખા દિવસમાં મને સમય ન મળે તો રાતે બધા ઘરના સભ્યો મળીને કથા-વાર્તા કરીએ છીએ. હું એવું માનું છું કે આપણે ક્યારેય એવો વિચાર ન કરવો જોઈએ કે આપણે કોઈ વસ્તુ વગર રહી નથી શકતા એથી મેં ત્રણ અધિકમાં મારું પ્રિય પીણું ચા છોડી દીધી હતી. સામાન્ય રીતે બેડ-ટીથી લઈને આખા દિવસ દરમ્યાન હું સાતેક વખત ચા પીઉં છું.’
મહિનાઓમાં ઉત્તમ આ પુરુષોત્તમ મહિનો દરેક વ્રત, તપ અને અનુષ્ઠાન કરનારને પોતાની ભીતર રહેલું ઉત્તમ વ્યક્તિત્વ બહાર લાવવાની શક્તિ અર્પે જેથી પોતાના આ દરેક નિયમોનો તેમના જીવનમાં આધ્યાત્મિક રીતે લાભ થાય.

પુરુષોત્તમ મહિનો કેમ કહેવાય?

કારતકથી લઈને આસો સુધીના દરેક માસનાં નામ નક્ષત્રોનાં નામ પરથી પડ્યાં છે. એ નક્ષત્રોના પોતાના દેવો છે એટલે કે દરેક મહિનાના અધિષ્ઠાતા દેવો હોય છે. જ્યારે વધારાના માસના કોઈ દેવતા ન હોવાથી એને મલમાસ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર અધિકમાસનો કોઈ અધિષ્ઠાતા ન હોવાથી આ મહિનામાં કોઈ સારાં કાર્યો નહોતાં થતાં. આ જ કારણોસર આ મહિનામાં કોઈ સારું કાર્ય જેમ કે લગ્ન, સગાઈ, વાસ્તુ કે કોઈ નવા કાર્યની શરૂઆત કરવાનું યોગ્ય માનવામાં નથી આવતું. આ જોઈને દુઃખી અધિકમાસ ભગવાન વિષ્ણુના શરણે ગયો. ભગવાન વિષ્ણુને એની વ્યથા સમજાઈ એટલે એને વરદાન આપતાં કહ્યું, ‘જો તને હું મારું નામ આપું છું. હવેથી અધિકમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. આ મહિને જે લોકો સારાં કર્મો કરશે એનું બેવડું પુણ્ય તેમને મળશે.’ ત્યારથી આ મહિનાનું ધાર્મિક મહત્ત્વ વધી ગયું છે. પુરુષોત્તમ મહિનામાં લોકો ઉપવાસ અને ધાર્મિક સ્નાન કરીને તથા ભગવાનનું નામ લઈને પોતાનાં પાપકર્મો ધોવાનો પ્રયત્ન કરે છે.

અધિકમાસ કેમ આવે છે? એની ગણતરી કેવી રીતે થાય?

અધિકમાસ કેમ આવે છે એ સમજવા માટે ખગોળશાસ્ત્રની ઝીણવટભરી ગણતરી સમજવા થોડીક ભેજાફોડી કરવી પડે એમ છે. એ માટે પહેલાં અંગ્રેજી કૅલેન્ડર અને પંચાંગ કૅલેન્ડર એ બે વચ્ચે શું ફરક છે એ સમજવું પડશે. દુનિયામાં લગભગ ૧૫ પ્રકારનાં કૅલેન્ડર જાણીતાં છે. જોકે આ દરેક કૅલેન્ડર બનાવવા માટેના મૂળભૂત એકમ તરીકે દિવસ, મહિનો અને વરસની ગણતરી થાય છે. જપાની, યહૂદી, ઇથિયોપિયન, જરથોસ્તી, ઇસ્લામી, બૌદ્ધ, કૉપ્ટિક, વિક્રમ સંવત, શાલિવાહન જેવાં કૅલેન્ડરો હવે ભુલાતાં ચાલ્યાં છે એમ વર્ષો પહેલાં યુરોપમાં જુલિયન કૅલેન્ડર પ્રચલિત હતું. ઈસવી સન ૧૫૮૨માં ક્રિશ્ચિયન પોપ ગ્રેગરીએ બનાવેલું અંગ્રેજી તારીખોવાળું ગ્રેગોરિયન કૅલેન્ડર યુરોપના મોટા ભાગના દેશોમાં અપનાવવામાં આવ્યું. યુરોપનું જુલિયન કૅલેન્ડર અસ્તિત્વમાં આવ્યું એનાં ૨૦૦૦ વર્ષ પહેલાંથી આપણું પંચાંગ કૅલેન્ડર અસ્તિત્વમાં છે. ખગોળશાસ્ત્રનાં ૬૦૦૦ વર્ષ જૂના દસ્તાવેજોમાં આપણા પંચાંગ કૅલેન્ડરનો ઉલ્લેખ છે. ભારતીય પંચાંગ ગ્રેગોરિયન કૅલેન્ડરથીયે વિશેષ છે; કેમ કે અંગ્રેજી કૅલેન્ડરમાં તારીખ, વાર અને મહિનો જ હોય છે જ્યારે ભારતીય પંચાંગ આધારિત વર્ષમાં તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણ એમ પાંચ અંગો છે. અધિકમાસની ગણતરી કેવી રીતે થાય છે એ સમજવા માટે અંગ્રેજી અને પંચાંગમાં મહિના કેવી રીતે નક્કી થાય છે એનું વિજ્ઞાન પણ સમજવું પડશે.
સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ

દિવસ અને રાતની ગણતરી પૃથ્વીની ધરી પરના પરિભ્રમણ પર આધારિત છે. પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર લગાવતાં ૨૪ કલાક લાગે છે. એટલે દિવસની ગણતરી સ્પષ્ટ થઈ ગઈ છે. પૃથ્વી સૂર્યની ફરતે એક પરિક્રમા ૩૬૫.૨૪૨૧૯૯ દિવસે પૂરી કરે છે. દિવસ અને વરસની ગણતરીનો હિસાબ સરળ બેસાડવા માટે થઈને વર્ષોથી જાતજાતનાં કૅલેન્ડરો બનાવવામાં આવ્યાં છે. સૂર્ય વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનું છે. સરળ હિસાબ માટે ગ્રેગોરિયન કૅલેન્ડરમાં ૩૬૫ દિવસને એક વર્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે અને બાકીના ૦.૨૪૨૧૯૯ દિવસને ચાર વર્ષે એક વધારાનો દિવસ ઉમેરીને સરભર કરી દેવામાં આવે છે. એટલે જ લીપ યર દરમ્યાન ફેબ્રુઆરીમાં ૨૮ને બદલે ૨૯ દિવસ ગણવામાં આવે છે.
આ તો થઈ ગ્રેગોરિયન કૅલેન્ડરની વાત. હવે વાત કરીએ પંચાગ વર્ષ એટલે કે ચંદ્ર વર્ષની.
ચંદ્રને પૃથ્વી ફરતે ૧ પ્રદક્ષિણા કરતાં ૨૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ અને ૩ સેકન્ડ લાગે છે. આવા ૧૨ મહિનાનો સરવાળો કરો તો વર્ષ ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૬ સેકન્ડનું બને; જ્યારે સૂર્ય વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનું છે. શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી મુખ્ય ઋતુઓ સૂર્યની સાપેક્ષે બદલાતી રહે છે. એટલે જ ઋતુઓ સાથે ચંદ્ર માસ કદમથી કદમ મિલાવી શકે એ માટે સૂર્ય-ચંદ્ર બન્નેનું કૉમ્બિનેશન જરૂરી છે. સૂર્ય-ચંદ્ર વચ્ચેનું ઍડ્જસ્ટમેન્ટ સાદા ગણિત મુજબ કરીએ તો ૬૦ સૂર્ય માસ = ૬૨ ચંદ્ર માસ એવું થાય. એટલે જો દર ૩૦ મહિને એક વધારાનો મહિનો ચંદ્ર માસમાં ઉમેરવામાં આવે તો સૂર્ય અને ચંદ્ર વર્ષ વચ્ચેનો ગૅપ પુરાય. ભારતીય પંચાંગમાં દર ત્રીસ કે ૩૨ મહિને એટલે કે આશરે અઢી વર્ષે જે એક માસ ઉમેરવામાં આવે છે એ છે અધિક માસ.
અધિક માસ ક્યારે ઉમેરાય?

સૂર્ય અમુક સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરતો રહે છે, જ્યારે એક ચંદ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં ફર્યા કરવાનો હોય ત્યારે જે મહિનો ચાલતો હોય એને બેવડવામાં આવે છે. એટલે પહેલો માસ અધિકમાસ ગણાય છે અને પછીનો માસ મૂળ મહિનો ગણાય છે. જેમ કે આ વર્ષે બે આસો હોવાથી પહેલો મહિનો અધિક આસો છે અને પછી મૂળ આસો આવશે. ખગોળશાસ્ત્ર મુજબ ૩૨ મહિના, ૧૬ દિવસ, ૮ ઘડી (એક ઘડી એટલે ૨૪ મિનિટનો સમય, ૬૦ ઘડી એટલે ૨૪ કલાક અને આઠ ઘડી એટલે ૧ કલાક અને ૪૬ મિનિટ) એવો માસ શરૂ થાય છે જ્યાં સૂર્ય ૩૦ દિવસ સુધી બીજી રાશિમાં પ્રવેશ નથી કરતો.
અધિકની જેમ ક્ષય માસ પણ આવે

મહિના, દિવસ અને કલાકોની ગણતરી કરીને દર અઢીથી ત્રણ વર્ષે અધિકમાસ ઉમેરવાથી અમુક વર્ષો પછી કેટલાક દિવસોનું બૅલૅન્સ જરૂર કરતાં વધુ જમા થઈ જાય છે. જેમ તિથિનો ક્ષય થાય છે એમ આખેઆખા મહિનાનો પણ ક્ષય થાય છે. આવા સમયે એક માસનો ક્ષય થઈને એક મહિનાના ગાળામાં બે ચંદ્ર માસ ગણાઈ જાય છે. ક્ષય માસ ખૂબ જવલ્લે જ આવે છે. કેટલાક તજજ્ઞોના મતે દર ૧૪૧ વર્ષે અને એ પછીનાં ૧૯ વર્ષે ક્ષય માસ આવે છે (એની ગણતરી વિશે કેટલાક મતભેદ જરૂર છે). ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની અટપટી ગણતરીઓ પછી આ નક્કી થાય છે. ક્ષય માસમાં સૂર્ય એકસાથે બે રાશિઓ કવર-અપ કરે છે. છેલ્લે ક્ષય માસ ૧૯૮૩માં ૧૫ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન આવ્યો હતો. એમાં પોષ અને મહા બન્ને મહિનાઓ એકસાથે આવી ગયેલા. ૧૩ ફેબ્રુઆરીથી અધિક ફાગણની શરૂઆત થઈ હતી (જ્યારે પણ ક્ષય માસ આવે છે ત્યારે મોટા ભાગે એના પછીનો માસ અધિક એટલે કે બેવડાય છે).

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 02:05 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK