સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

Published: May 10, 2020, 08:11 IST | Ashish Rawal and Pradyuman Bhatt | Mumbai

જાણો કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયુ

રાશિફળ
રાશિફળ

મેષ (અ,લ,ઈ): નક્કી કરેલા માંગલિક કાર્યો સંપન્ન થશે. જમીન, મકાન-મિલકતના લાંબા સમયની સમસ્યામાં પૉઝિટિવ નિષ્કર્ષ આવે. આકસ્મિક રીતે રોકડ રકમ હાથ પર વધે. નિત્ય ઈસ્ટ ઉપાસના સાથે સૂર્ય ઉપાસના કરવાથી થતા કાર્યો યાદગાર બની રહેશે.

વૃષભ (બ,વ,ઊ): મનમાં આંતરિક સામાન્ય ભય, ચિંતા, ઉચાટ રહ્યા કરે. નજીકના સમયમાં વારસાગત સોના-ચાંદીની ચીજવસ્તુ માટે ભાગ પડી શકે. ખાસ કરીને રાજકીય ક્ષેત્રના મહાનુભાવોથી અપયશ મળે. વારંવાર ખાવાની ટેવ પડે. ચાલુ રહેલી નિયમિત દવાઓ લેવી. સંધ્યા સમયે ગાયત્રી ચાલીસાનું પઠન કરવું.

મિથુન (ક,છ,ઘ): અનિવાર્ય પરિસ્થિતિને કારણે માનસિક બેચેની વધે. વિદ્યાર્થીગણે બધુ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડે. સુષુપ્ત સમસ્યાઓ ફરીથી માથું ઊંચકશે. વારંવાર અકારણ બોલવું નહીં. બુધવારના દિવસે એકટાણું કરવું.

કર્ક (ડ,હ): પતિ-પત્નીના ઝઘડા પોતાના સંતાનને કારણે વધે. આર્થિક સમસ્યાઓ અંગે માતાથી આશ્વાસન મળે. આંધળુકિયા રીતે નવી નોકરીનો વિચાર કરવો નહીં. નિત્ય વૃક્ષને પાણી રેડવું, તેનાથી માનસિક શાંતિ વધશે.

સિંહ (મ,ટ): જીવનમાં નોકરી-ધંધા અંગે સ્થિરતા માટે વ્યાવહારિક પગલાં લેવાય. કાયદાકીય બાબતમાં વધુ સારી સફળતા મળવાના યોગ જણાય. ઓછું બોલવું અને કાર્યને બોલવા દેવું. વડીલોના ખબરઅંતર પૂછવાથી આશીર્વચન પ્રાપ્ત થશે. કર્મ એ જ પૂજાનો અભિગમ અપનાવવો.

કન્યા (પ,ઠ,ણ) : કાર્યક્ષેત્રમાં લક્ષ્યો મેળવવા વધુ પરિશ્રમ કરવો પડે. લુપ્ત થયેલા સંબંધો તાજા થાય. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધારે પડતું વધે. યોગ્ય પ્રયાસનું શુભ ફળ પ્રાપ્ત થાય. મહત્ત્વના કાર્યોમાં ધીરજથી કામ અવશ્ય લેવું. ગૌસેવાનું ફળ શીઘ્ર ફળદાયી જોવા મળશે.

તુલા (ર,ત): મહત્વની જૂની ઓળખાણ તાજી થાય. આપના વાણી-વર્તન-વ્યવહાર દ્વારા કોઈની લાગણી દુભાઈ શકે. વડીલ વર્ગને માનસિક થાક વધુ લાગે. જમીન સાથે સંકળાયેલ વ્યક્તિઓને માનસિક ભય, ચિંતા વધે. પશુ-પંખીને નિયમિત ચણ અને પાણી નાખવું.

વૃશ્ચિક (ન,ય): ક્યાંય કોઈની સાથે ગેરસમજ થઈ જાય. યુવાનોને આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરવા માટે સાનુકૂળ સમય. વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે. પડતર કાર્યમાં પ્રગતિ જણાય. માતાજીની ઉપાસના નિત્ય કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ): વાણી વધુ આક્રમક બને. ઓચિંતાની સમસ્યામાં વધારો થાય. અગત્યની બાબતોમાં ઉતાવળિયું પગલું ન લેવું. ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય. સંશોધન ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિને મહત્ત્વની તક મળતી જણાય. ‘ઓમ રીમ ગુરુવે નમઃ’ ની એક માળા દરરોજ કરવી.

મકર (ખ,જ): ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાઈ જાય. રોજિંદી દિનચર્યામાંથી નવું કરવાનું મન ન થાય. પોતાની અંગત યોજનાઓ ગુપ્ત ન રહી શકે. રાત્રે કૂતરાને બિસ્કિટ અવશ્ય ખવડાવવી.

કુંભ (ગ,સ,શ) : કાર્યક્ષેત્રમાં હરીફથી સતત સાવધ રહેવું. મનની બેચેની વધતી જણાય. નકામી વાતોમાં સમય વેડફાય. સામાજિક પ્રશ્નોમાં અપયશ ચાખવા મળે. શનિદેવની એક માળા કરવી.

મીન (દ,ચ,ઝ,થ): આધ્યાત્મિક કાર્યોમાં મન ન લાગે. વિચારોને અમલમાં મૂકવાની જીદ ન કરવી. કાર્યને પાર કરવામાં ધીરજ ખૂટે. જીવદયાની સેવા માટે નિત્યક્રમ ચાલુ રાખો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK