એ દિવસે અમે પાંઉભાજીની ભાજી ખાધી નહીં પણ સૂપની જેમ પીધી (મારા કિચનના પ્રયોગો)

Published: 10th November, 2011 18:59 IST

વિરાર (વેસ્ટ)માં રહેતાં નીલેશા રાઠોડે રસોડામાં આ સિવાય પણ ઘણા અખતરા કર્યા છે જે આજે તેઓ શૅર કરે છે ‘મિડ-ડે’ સાથે(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)

પોતાના ઘરમાં જ બાળકો માટે નર્સરી ચલાવતાં મૂળ ભિલાડનાં માહ્યાવંશી જ્ઞાતિનાં નીલેશા રાઠોડ હેલ્ધી કુકિંગમાં માને છે અને અખતરા કરવાથી જરાય નથી ડરતાં. તેમનું કહેવું છે કે જો ધ્યાન રાખીને બનાવવામાં આવે તો કોઈ અખતરો નિષ્ફળ જશે જ નહીં. એક સ્ટ્રિક્ટ ઇસ્કોન ફૉલોઅર એવાં નીલેશાબહેન બધી જ વાનગીઓ બહાર ખાવાને બદલે ઘરે ખાવાનું પસંદ કરે છે. આવા જ આગ્રહમાં એક વાર તેમણે કેવો ગોટાળો કર્યો એ વિશે જાણીએ.

ભાજીનો સૂપ

એક વાર ઘરની સાફસફાઈ કરવાની હતી અને સાંજે શૉપિંગ માટે જવાનું હતું. એ દિવસે નક્કી કર્યું હતું કે ઝડપથી બની જાય એ માટે પાંઉભાજી બનાવીને કામ પૂરું કરવું. ભાજી બનાવવાની તૈયારી કરી ત્યાં સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું. મારું ધ્યાન એ દિવસે સાફ-સફાઈમાં વધારે હતું એટલે ભાજી બનાવવામાં મારાથી ગોટાળો થયો. ભાજીને એકરસ કરવા માટે એમાં હૅન્ડ મિક્સી ફેરવી ત્યારે ધ્યાનની કમીને કારણે થોડી વધારે જ ફેરવી નાખી જેને લીધે એ મિશ્રણ કોઈ ઍન્ગલથી ભાજી જેવું નહોતું રહ્યું. મારી દીકરીએ એ જોઈને કહ્યું કે મમ્મી, આ તો સૂપ બની ગયો. હું તો આ હંમેશાં યાદ રાખીશ અને બધાને કહીશ અને ખરેખર મારે એ ભાજીમાં થોડું વધારે પાણીને નાખી સૂપ બનાવવો પડ્યો. પાછી સૂપની ક્વૉન્ટિટી પણ એટલી વધારે હતી કે મેં પાડોશીને પણ એ પાંઉભાજી ફ્લેવર્ડ સૂપ પીરસ્યો. ઘરમાં મારા દિયર મારી આ ભૂલ માટે ખૂબ ગુસ્સે થયા અને બાકીના બધા ખૂબ હસ્યા. ઇન શૉર્ટ અમે એ દિવસે પાંઉભાજી ખાધી નહીં પણ સૂપ સ્વરૂપે પીધી.

દૂધીના હલવાથી નફરત

મેં લગ્ન પછી પહેલી વાર દૂધીનો હલવો બનાવેલો અને કારણ ખબર નહીં પણ એ કડવો થઈ ગયો હતો. મને મારા પાડોશીએ કહ્યું કે દૂધીનું પાણી કાઢી લીધું હોત તો આવું ન થાત, પણ એ દિવસ પછી મેં આજ સુધી ન તો દૂધીનો હલવો બનાવવાની બીજી વાર ટ્રાય કરી છે અને ન તો દૂધીનો હલવો ખાધો છે. મને તો જો કોઈ દૂધીના હલવાનું નામ લે તોય ચીડ આવે છે, પણ ગાજરનો હલવો હું ખૂબ સારો બનાવું છું અને ખૂબ શોખથી ખાઉં-ખવડાવું છું.

અખતરા કરો

હું ઇસ્કોન ફૉલોઅર છું એટલે બધી જ વાનગીઓ કાંદા-લસણ વિનાની બનાવું છું. અખતરા કરવામાં હું નથી ગભરાતી. ટીવી, ન્યુઝપેપર કે મૅગેઝિનમાં જો કોઈ નવી ડિશ વિશે વાંચું કે જોઉં તો એ અચૂક ટ્રાય કરું; પણ થોડા મૉડિફિકેશન સાથે, કારણ કે મારે એ બધી જ રેસિપીઓમાંથી કાંદા અને લસણની બાદબાકી કરવાની હોય છે. અહીં હું કહીશ કે કાંદા-લસણ ન નાખવા છતાં બધી જ વાનગીઓનો ટેસ્ટ સારો જાળવી શકાય છે. મારા પરિવારનો એક પણ સભ્ય બહાર નથી ખાતો એટલે હું ચાઇનીઝ, પીત્ઝા, ચાટ એમ બધી આઇટમ ઘરે બનાવું છું અને એ પણ મારા ઘરના ટેસ્ટ મુજબ.

જે બનાવો એ સારું બનાવો

હું જે પણ બનાવું એને પહેલાં ભગવાનને ધરાવું છું. આ માટે એમાં વપરાતી દરેક ચીજ જાતે જ બનાવવાનું પ્રિફર કરું છું. મેં મસાલાઓમાં થતી ભેળસેળ વિશે ખૂબ સાંભળ્યું છે. હું વિચારું છું કે આપણે જે ભગવાનને ધરવાના છીએ એમાં એવી અસ્વચ્છ ચીજો ન વાપરવી જોઈએ અને માટે જ હું પાણીપૂરી, પાંઉભાજી, ગરમ મસાલો, ધાણા-જીરું, મરચું, હળદર વગેરે બધા જ જોઈતા મસાલા ઘરે જાતે જ બનાવવાનું પસંદ કરું છું.

કુકિંગમાં ઉતાવળ ન કરો

ઘણી વાર મોડું થઈ જાય ત્યારે આપણે કંઈ પણ ચલાવી લઈએ છીએ અને ભૂલો પણ કરી બેસીએ છીએ, પણ એના કરતાં જો થોડી ધીરજ રાખવામાં આવે કે થોડું વધારે ધ્યાન આપીને રસોઈ બનાવવામાં આવે તો એ ખૂબ સારી બની શકે છે. આપણે રસોઈ કરતી વખતે જે વિચારીએ એ આપણી રસોઈમાં ઊતરે છે અને ત્યાર બાદ ખાનારના પેટમાં જાય છે. આમ રસોઈ કરતી વખતે સારી ચીજો જ વિચારવી જોઈએ.

- તસવીર : સમીર માર્કન્ડે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK