વાઇરસ સામે લડવા બનાવો તમારા હૃદયને મજબૂત રાખો

Updated: Sep 29, 2020, 16:30 IST | Varsha Chitalia | Mumbai

આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે હૃદયના આરોગ્ય અને જોખમ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ

હાર્ટ પેશન્ટે પ્લાઝમા ડોનેશનનો વિચાર મુલતવી રાખવામાં શાણપણ છે.
હાર્ટ પેશન્ટે પ્લાઝમા ડોનેશનનો વિચાર મુલતવી રાખવામાં શાણપણ છે.

હૃદયરોગના દરદીઓની સંખ્યામાં ભારત વિશ્વમાં ટોચ પર છે અને કોરાના સંક્રમણ બાદ આવા જ દરદીઓનાં મૃત્યુ વધારે થઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાર્ટ પેશન્ટે કાળજી લેવી ખૂબ જરૂરી છે. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે હૃદયના આરોગ્ય અને જોખમ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ..

આધુનિક યુગમાં આખા વિશ્વના લોકોના આરોગ્ય પર દૃષ્ટિ નાખીએ તો કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝના દરદીઓની સંખ્યા સૌથી વધારે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના આંકડા અનુસાર આકસ્મિક મૃત્યુનાં કારણોમાં ૮૦ ટકા કેસમાં હૃદયનો હુમલો થયો હોય છે. ખોટી ફૂડ હૅબિટ, વ્યસન, બેઠાડુ જીવન હૃદયની બીમારીનાં મુખ્ય કારણો છે. હૃદયની તંદુરસ્તી મેડિકલ જગત માટે પણ પડકાર છે. જુદા-જુદા વાઇરસોનો હુમલો હૃદયને વધુ કમજોર બનાવી રહ્યો છે. હાલમાં આપણે કોવિડ-19 રોગચાળા વચ્ચે જીવી રહ્યા છીએ. અભ્યાસ કહે છે કે આ ખતરનાક વાઇરસ સીધો હાર્ટ પર અટૅક કરી હૃદયના સ્નાયુઓ અને ધમનીઓની કામગીરીને ખોરવી નાખે છે. આ વર્ષે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી પહેલાં જ વિશ્વભરના તબીબોએ હૃદયરોગના દરદીઓને કોવિડ સામે તેમ જ ભવિષ્યમાં બીજા વાઇરસો સામે લડવા તૈયાર રહેવાનો આડકતરો ઇશારો આપી દીધો છે ત્યારે મુંબઈના નિષ્ણાતો શું કહે છે એ જાણીએ.
ભારત અગ્રેસર
પાછલા એક દાયકામાં મેડિકલ ક્ષેત્રે કરવામાં આવેલા વિવિધ રિસર્ચ અનુસાર સડન કાર્ડિઍક અરેસ્ટ મુખ્ય તબીબી ઘટના છે જેની પ્રતિકૂળ અસર આખા વિશ્વમાં જોવા મળે છે. ભારત વર્લ્ડ ચૅમ્પિયન બની ગયું છે એવી માહિતી આપતાં મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કુલકર્ણી કહે છે, ‘વિદેશની સરખામણીએ ભારતમાં હાર્ટના દરદીઓની સંખ્યા બમણી ગતિએ વધી રહી છે. અત્યારે ડાયાબિટીઝ અને કાર્ડિયોવૅસ્ક્યુલરના દરદીઓમાં આપણે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવી ગયા છે એ ચિંતાજનક છે એટલું જ નહીં, યુરોપ અને અમેરિકાના દેશોના દરદીઓની તુલનામાં આપણે ત્યાં હૃદય સંબંધિત રોગોના દરદીઓની વય અંદાજે પંદર વર્ષ નાની છે. પશ્ચિમના દેશોના સરેરાશ લોકોનું હૃદય સિત્તેર વર્ષે નબળું પડે છે જ્યારે ભારતમાં સાઠની ઉંમર પહેલાં જ કાર્ડિઍક અરેસ્ટ આવી ગયો હોય એવા દરદીઓ વધુ છે. ચાળીસથી પિસ્તાળીસના યંગ એજ ગ્રુપમાં પણ આ બીમારી ઝડપથી વધી રહી છે એનાં કારણોમાં બેઠાડુ જીવન અને ખાણી-પીણીનો રોલ બહુ મોટો છે. આખો દિવસ એસીમાં બેસીને કમ્પ્યુટર પર કામ કરવાથી હૃદયની કામગીરીને અસર થાય છે. હૃદય સંબંધિત રોગો વિશે લોકોમાં જાગરુકતા વધે એ માટે ખાનગી અને સરકારી ધોરણે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જોઈએ એવો પ્રતિસાદ મળતો નથી. આ બાબત હજી આપણે ઘણા પાછળ છીએ.’
જે દરદીઓને હૃદયરોગનું નિદાન થયું હોય અને આજીવન કેટલીક દવાઓ લેવાની સલાહ આપવામાં ‍આવી હોય તેમણે અત્યંત સાવચેતી રાખવી જોઈએ. મુંબઈ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. રવિ ગુપ્તા કહે છે, ‘જીવલેણ રોગથી પીડાતા દરદીએ કટોકટીનો સમય ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. છાતીમાં દુખતું હોય ત્યારે દરદીને ચાલવાની ના પાડો. ઘણી વાર દરદી પોતાની જાતે ચાલીને હૉસ્પિટલમાં જવાનો આગ્રહ રાખે છે એ યોગ્ય નથી. ખાસ કરીને કોવિડ-19 બાદ જોખમ ન લેવાની સલાહ છે. વૈશ્વિક આંકડા અને અભ્યાસ કહે છે કે હૃદયરોગના દરદી પર કોરોના વાઇરસ જલદી અટૅક કરે છે. સામાન્ય કેસમાં હુમલો આવે ત્યારે દરદીને પલ્મનરી રિસસિટેશન એટલે કે માઉથ ટુ માઉથ બ્રેથ આપવાની પ્રક્રિયા અપનાવતાં જીવ બચાવી શકાય છે. કોરોનાના કેસમાં આમ કરી શકાતું નથી. સામાન્ય વ્યક્તિનો પલ્સ રેટ ૧૨૦\૮૦ હોય છે, પરંતુ ભયના સમયે પલ્સ રેટ લગભગ ડબલ થઈ જાય છે. આવા સમયે હૃદયમાં ક્લૉટ આવે તો હાર્ટ-અટૅકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે હૃદયની ગતિ અચાનક ધીમી પડી જાય ત્યારે પણ કાર્ડિઍક અરેસ્ટનો ભોગ બની શકે છે.’
કોવિડનું જોખમ
શ્વસનતંત્ર પર ગંભીર અસર કરતો કોરોના વાઇરસ ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત રોગોના દરદી માટે જીવલેણ સાબિત થઈ શકે છે એવી માહિતી આપતાં ડૉ. ગુપ્તા કહે છે, ‘કોવિડ-19નાં લક્ષણોમાં છાતીમાં દુખાવો અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ધીમી પડવી મુખ્ય છે. સ્વસ્થ વ્યક્તિને પણ આ મહામારીથી બચવા તકેદારી રાખવાની સતત ભલામણ આપવામાં આવતી હોય ત્યારે ગંભીર રોગના દરદીએ કેટલી કાળજી રાખવાની છે એ સમજી શકાય એવી સરળ વાત છે. હૃદય સુધી પહોંચતો લોહીનો પ્રવાહ અવરોધિત થાય ત્યારે તીવ્ર હુમલો આવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. વર્તમાન માહોલમાં તમારા સ્વજનને છાતીમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક સારવાર આપવી અત્યંત આવશ્યક છે. હૃદયની બીમારીનો ઇતિહાસ ધરાવતા અથવા સર્જરી કરાવી હોય એવા દરદીના હાર્ટ રેટ્સ અને બ્લડ-પ્રેશર વધી જાય તો અચાનક હુમલો આવે અને જીવ ગુમાવી શકે છે.’
કોવિડની એન્ટ્રી બાદ ડૉક્ટર પાસે આવનારા દરદીઓની સંખ્યામાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો હતો. પ્રાપ્ત આંકડા અનુસાર કોરોનાના ડરને કારણે વીસથી પચાસ ટકા હાર્ટ પેશન્ટનાં મૃત્યુ થયાં છે. કેટલાક કેસમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે, પરંતુ કોરોના સંક્રમણના ભયથી લોકો કટોકટીના સમયની અવગણના કરે છે. મોટા ભાગના કેસમાં સારવાર લંબાઈ જતાં દરદીનું મૃત્યુ થાય છે. ભૂતકાળમાં હાર્ટ-અટૅક આવ્યો હોય, બાયપાસ સર્જરી થઈ હોય અથવા જેમને પમ્પિંગ સંબંધિત સમસ્યાઓ હોય એવા દરદીઓને કોવિડ-19થી સૌથી વધુ જોખમ છે. ડૉ. કુલકર્ણી કહે છે, ‘કોરોના કોઈને પણ થઈ શકે છે. માનવ શરીરમાં વાઇરસનો પ્રવેશ થતાં હૃદયના સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. સ્વસ્થ વ્યક્તિમાં ન્યુમોનિયાની સાથે કોવિડનાં લક્ષણો દેખાયા બાદ શરીરનાં વિવિધ અંગોમાં રક્ત જામી જવાની સંભાવના રહેલી છે. ફેફસાંમાં રક્ત જામી જાય તો ઑક્સિજનનો સ્તર ઘટી જાય છે. બ્લડ ક્લૉટિંગના કારણે હૃદય સુધી લોહી ન પહોંચે તો દરદી જીવ ગુમાવે છે. કોરોનાના દરદીમાં બ્લડ ક્લૉટિંગ કૉમન સમસ્યા છે. કાર્ડિયોવૅસ્ક્યુલર બીમારીનો ઇતિહાસ ધરાવતા દરદીને આવી કટોકટીમાંથી બચાવવા બ્લડ ક્લૉટિંગ પ્રિવેન્શન માટેનાં ઇન્જેક્શન અને દવાઓ શરૂઆતથી જ આપવામાં આવે છે. હાર્ટ પેશન્ટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવે તો કૉમ્પ્લિકેશન વધી જાય છે. કોરોનાનો ચેપ લાગે તો ગંભીર કાર્ડિઍક અરેસ્ટનો સામનો કરવો પડી શકે છે. અત્યારે આવા દરદીઓનો મૃત્યુનો દર ઊંચો છે.’
રી-ઇન્ફેક્શનના ચાન્સિસ
કોવિડના રોગને આપણે ત્રણ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ. ડૉ. કુલકર્ણી કહે છે, ‘માઇલ્ડ કોવિડ, લૉન્ગ કોવિડ અને સિવિયર કોવિડ એમ ત્રણ પ્રકારના કોવિડ પેશન્ટ જોવા મળ્યા છે. બીજી બે શ્રેણીના દરદીઓમાં ફરીથી હુમલો થયો હોય એવા કેટલાક કેસ સામે આવ્યા છે. ઘણાને લાંબા સમય સુધી શરીરમાં નબળાઈ રહે છે. હૃદય નબળું હોય એવા દરદીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ પણ કેટલીક સમસ્યાઓથી પીડાય છે. ઍન્ટિબૉડીઝ બન્યા બાદ પહેલેથી સ્વસ્થ વ્યક્તિનું શરીર જલદી રિકવર કરી લે છે, જ્યારે હાર્ટ પેશન્ટે લૉન્ગ કોવિડ માટે માનસિક અને શારીરિક તૈયારી રાખવી પડે. કોરોના નેગેટિવ દરદી પૉઝિટિવ દરદીને પ્લાઝમા ડોનેટ કરે તો જીવ બચી જાય છે એ બાબત પણ અજ્ઞાન પ્રવર્તે છે. પ્લાઝમા આપતાં દરદી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે એવું હાલમાં સ્પષ્ટપણે કહી ન શકાય. આજકાલ જે રીતે લોકો જાતે જઈને ડોનેટ કરી આવે છે એ યોગ્ય રીત નથી. શરીરમાં ઑક્સિજનનો સ્તર અને પમ્પિંગ બરાબર રહે છે કે નહીં એની તપાસ કર્યા વગર પ્લાઝમા ન આપી શકાય. હાર્ટ પેશન્ટે પ્લાઝમા ડોનેશનનો વિચાર મુલતવી રાખવામાં શાણપણ છે. કેટલાક કેસમાં કોવિડ નેગેટિવ થયા બાદ ઇચ્છે તો તેઓ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.’

આટલી કાળજી લો

હૃદયરોગના દરદીએ નિયમિતપણે બ્લડ-પ્રેશર, બ્લડ-શુગર-કૉલેસ્ટરોલની ચકાસણી કરવતાં રહેવું.
હાર્ટ પેશન્ટે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઈએ. રોજ વ્યાયામ કરવાથી હૃદય મજબૂત બને છે.
બગીચામાં આંટો મારવો, વૉકિંગ, યોગ જેવી હળવી એક્સરસાઇઝ કરવી. કસરત કરવી ન ગમતી હોય તેમણે પેઇન્ટિંગ અથવા ગાર્ડનિંગ જેવી હૉબી ડેવલપ કરવી. એનાથી શરીરનું હલનચલન થતું રહે છે.
ઘરમાં દવાનો પૂરતો સ્ટૉક રાખો. દવાઓ સમયસર લેવી અને સમયાંતરે ડૉક્ટરનો સંપર્ક કરી હાર્ટ રેટ્સની ચકાસણી કરાવતાં રહેવું.
વર્તમાન વાતાવરણમાં મગજ પર વધુ સ્ટ્રેસ ન લેવું. ચિંતામુક્ત રહેવાથી રિકવરી ફાસ્ટ થાય છે.
હાર્ટ પેશન્ટને ચેપ લાગવાની શક્યતા વધારે હોવાથી બને ત્યાં સુધી ઘરની ચીજવસ્તુ લેવા બહાર નીકળવાનું ટાળો. હાથ ધોવા, માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સહિતના તમામ પ્રોટોકૉલને ગંભીરતાથી અનુસરો.
હૃદયરોગના દરદીએ સ્વસ્થ જીવન જીવવા જન્ક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને તળેલી વાનગીઓ ખાવાની લાલચથી કાયમ માટે દૂર રહેવું જોઈએ. ડાયટમાં તાજી શાકભાજી, મોસમી ફળો, આખું અનાજ, કઠોળ અને લીંબુનો સમાવેશ કરવો.
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદી સાથે ફોનના માધ્યમથી પરિવારના સભ્યએ સંપર્કમાં રહી મોટિવેટ કરતા રહેવું.

કોવિડ-19નાં લક્ષણોમાં છાતીમાં દુખાવો અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ધીમી પડવી મુખ્ય છે. હૃદય સુધી પહોંચતો લોહીનો પ્રવાહ અવરોધિત થાય ત્યારે તીવ્ર હુમલો આવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. હૃદયની બીમારીનો ઇતિહાસ ધરાવતા અથવા સર્જરી કરાવી હોય એવા દરદીના હાર્ટ રેટ્સ અને બ્લડ-પ્રેશર વધી જાય તો અચાનક હુમલો આવે અને જીવ ગુમાવી શકે છે. વર્તમાન માહોલમાં તમારા સ્વજનને છાતીમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવા જોઈએ જેથી કટોકટીમાંથી તેમને ઉગારી શકાય
- ડૉ. રવિ ગુપ્તા, કાર્ડિયોલૉજિસ્ટ

ભૂતકાળમાં હાર્ટ-અટૅક આવ્યો હોય, બાયપાસ સર્જરી થઈ હોય અથવા પમ્પિંગ સંબંધિત સમસ્યાઓ હોય એવા દરદીઓને કોવિડ-19થી સૌથી વધુ જોખમ છે. હાર્ટ પેશન્ટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવે તો કૉમ્પ્લિકેશન વધી જાય છે. વિશ્વમાં અત્યારે આવા દરદીઓનો મૃત્યુનો દર ઊંચો છે. કોરોનાના દરદીમાં બ્લડ ક્લૉટિંગ કૉમન સમસ્યા હોવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર બીમારીનો ઇતિહાસ ધરાવતા દરદીને આવી કટોકટીમાંથી બચાવવા બ્લડ ક્લૉટિંગ પ્રિવેન્શન માટેનાં ઇન્જેક્શન અને દવાઓ શરૂઆતથી જ આપવામાં આવે છે
- ડૉ. પ્રવીણ કુલકર્ણી, કાર્ડિયોલૉજિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK