Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઓવરઈટિંગને કઈ રીતે રોકશો?

ઓવરઈટિંગને કઈ રીતે રોકશો?

18 December, 2018 02:29 PM IST |

ઓવરઈટિંગને કઈ રીતે રોકશો?

ઓવરઈટિંગ કરી શકે છે નુક્સાન

ઓવરઈટિંગ કરી શકે છે નુક્સાન


જિગીષા જૈન

ઓવરઈટિંગ લગભગ બધા જ રોગો પાછળનું મૂળ છે, કારણ કે શરીરમાં બિનજરૂરી પદાર્થો નાખીએ તો એ વગર કારણે સ્ટોર થાય છે અને એનો ઉપયોગ થાય નહીં એટલે એ સ્ટોરેજ આપણને નડે અને રોગનું સ્વરૂપ ધારણ કરે. ગઈ કાલે આપણે જોયું કે ઓવરઈટિંગ પાછળ કયાં કારણો જવાબદાર છે. જો તમને લાગતું હોય કે તમે વધુપડતું જમો છો તો એવું શું કામ થાય છે એની પાછળનું કારણ શોધો અને એને નિવારો. આમ તો ઓવરઈટિંગ ન થાય એ માટે ખાસ પ્રયત્નો કરવા જરૂરી છે. પહેલાં તો સમજવું પડે કે હું જે ખાઈ રહ્યો છું એ વધુપડતું છે. 

મારા શરીરને એટલી જરૂર નથી, બીજું એ કે કયાં કારણોસર હું વધારે ખાઈ રહ્યો છું એ શોધવું અને ત્રીજા સ્ટેપમાં ઓવરઈટિંગ ન થાય એ માટેના પ્રયત્નો કરવા. ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેથી જાણીએ કેટલીક ખાસ ટિપ્સ જેના દ્વારા આપણે વધુપડતું ખાઈ રહ્યા હોઈએ તો એને કઈ રીતે રોકવું શક્ય બને. 

૧. તમારો જમવાનો સમય ફિક્સ રાખો


એવું ન કરો કે આજે ૧૨ વાગ્યે જમ્યા તો કાલે બે વાગ્યે તો એના પછીના દિવસે લંચ જ ન લીધું. શરીર માટે જરૂરી છે કે એને ખોરાક નિયત સમયે મળે. જો એને સમય-સમય પર તમે ખોરાક આપતા રહેશો તો અતિશય ભૂખ નહીં લાગે અને અતિશય ભૂખ નહીં લાગે તો ઓવરઈટિંગ નહીં થાય. એટલે જમવાનો સમય ફિક્સ રાખો. 

૨. થોડા-થોડા અંતરે ખાતા રહો 


ઘણા લોકો એક વાર ભોજન કરે પછી ૫-૭ કલાક સુધી કંઈ જ ખાતા નથી અને પછી ખાવા બેસે ત્યારે ખૂબ ભૂખ લાગી હોય છે. આ પરિસ્થિતિને અવગણવા માટે દર ૩-૪ કલાકે થોડું ખાવું જોઈએ જેનાથી કોઈ પણ ખોરાકનો અતિરેક નહીં થાય. કકડીને ભૂખ પણ નહીં લાગે અને પોષણ પણ શરીરને બરાબર મળશે. 

૩. જમો ત્યારે ફક્ત જમો

આજકાલ આપણે જમતાં-જમતાં ફોન કે ટીવી પર ચોંટેલા હોઈએ છીએ. એમ ન હોય તો કામનું ડિસ્કશન ચાલતું હોય ત્યારે જમતા હોઈએ છીએ. મોટા ભાગની મીટિંગ્સ લંચ કે ડિનર પર ગોઠવતા હોઈએ છીએ. બીજું કંઈ નહીં તો ગૉસિપ કરતાં-કરતાં ખાતા હોઈએ છીએ. આજે દિવસ કેટલો ખરાબ ગયો એની વાતો કરતાં-કરતાં ડિનર કરતા હોઈએ છીએ. આવું બિલકુલ ન કરો. કોઈ પણ વ્યક્તિને જમતાં વધુમાં વધુ ૧૦ મિનિટ થાય. આ ૧૦ મિનિટ ફક્ત તમે તમારી સાથે રહો. તમે અને તમારું ભોજન. કંઈ જ વાત ન કરો અને ફક્ત જમો. આ ખૂબ જ મહkવની ટિપ છે જેની અસર હેલ્થ પર ખૂબ સારી પડે છે. 

૪. જમતાં પહેલાં રિલૅક્સ થઈ જાઓ 

જ્યારે ઉચાટમાં હો, ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, કામનું કે ઘણું પ્લાનિંગ કરવાનું હોય કે પછી ખૂબ જ ભયંકર ગુસ્સો આવતો હોય એવા સમયે જમો નહીં. આ પરિસ્થિતિમાં પહેલાં ખુદને શાંત કરો. એક જગ્યાએ બેસો અને આંખ બંધ કરી ફક્ત શ્વાસ પર ધ્યાન આપો. બે મિનિટમાં જ્યારે શ્વાસ સ્થિર થાય ત્યારે ઊંડા શ્વાસ લો. રિલૅક્સ થાઓ અને પછી જ જમો. 

૫. ચાવો, ગટકો નહીં 

ઘણા લોકો છે જે જમવા બેઠા હોય તો એ ચાવતા જ નથી. છાશ કે કોઈ લિક્વિડ સાથે ખોરાક ફટાફટ ગટકી જતા હોય છે. ચાવવું મોટા ભાગના લોકોને ગમતું નથી. જલદી જમવાની હોડમાં જો ચાવ્યું નહીં તો એનો અર્થ નથી. રિસર્ચ કહે છે કે એક કોળિયાને ૩૨ વખત ચાવવો જોઈએ. ગણીને ચાવવાની જરૂર નથી, પરંતુ અંદાજે સમજો કે એક કોળિયાને કેટલું ચાવવું જરૂરી છે. ચાવવાથી મગજને સંકેત મળે છે અને એને કારણે સંતોષ થાય છે જમવાનો. આ સંતોષ જરૂરી છે. એને કારણે વ્યક્તિ ઓવરઈટ નથી કરતી. 

૬. ઊંઘ પૂરી લો 

જ્યારે કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ કરતી નથી ત્યારે તેને અતિ ભૂખ લાગે છે અને એને કારણે વધુ પડતું ખવાઈ જાય છે. ઊંઘ અને ભૂખ વચ્ચે સીધો સંબંધ છે. એટલે વ્યક્તિએ ઊંઘ પૂરી કરી લેવી ખૂબ જરૂરી છે. એ પણ રાતની ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. એ ન હોય તો તમને કસમયે ભૂખ લાગે છે એટલું જ નહીં, તમે જે ખાઓ છો એ શરીર માટે પૂરતું છે એવો સંકેત મગજ તમને આપતું નથી. એટલે વધારાનો ખોરાક ખવાતો જાય છે, જે નુકસાન કરે છે.

 



૭. સૂર્યનમસ્કાર અને ધ્યાન

જે વ્યક્તિ પૂરતું બૅલૅન્સ ધરાવે છે જીવનમાં તે ક્યારેય ઓવરઈટ કરતી નથી. શરીરમાં જ્યારે ઊર્જા‍નો સંચાર બરાબર થાય અને સૂર્ય અને ચંદ્ર નાડી બન્ને બરાબર રીતે બૅલૅન્સમાં હોય ત્યારે તમે પૂરી રીતે હેલ્ધી હો છો અને કોઈ ખોટી ટેવો તમનેપડતી નથી. દરરોજ વ્યક્તિએ ૮-૧૦ સૂર્યનમસ્કાર કરવા જ જોઈએ. આ કોઈ એક્સરસાઇઝની જેમ ન કરો, પરંતુ તમારા રૂટીનમાં એને આવરી લો. સવારે ઊઠીને બને તો ઊગતા સૂર્યની સામે સૂર્યનમસ્કાર કરવા અને વીસ મિનિટનું ધ્યાન કરવું. સૂર્ય નમસ્કારથી સૂર્યનાડી અને ધ્યાનથી ચંદ્રનાડી જાગ્રત થાય છે. આમ જીવનમાં બૅલૅન્સ આવે છે. 

૮. પ્રાણાયામ

કાલે આપણે જોયું કે જે વ્યક્તિ ડિપ્રેશન ધરાવે છે કે ખૂબ ગુસ્સામાં રહે છે તે વ્યક્તિ ખૂબ વધારે ખાય છે. માનસિક હેલ્થ જાળવી રાખવા માટે પ્રાણાયામ અને ધ્યાન બન્ને ખૂબ જ ઉપયોગી છે. પ્રાણાયામ દરરોજ પ્રૅક્ટિસ કરવા જોઈએ. એને વ્યવસ્થિત કોઈ નિષ્ણાત પાસે શીખીને ઘરે પ્રૅક્ટિસ કરવા. દરરોજના સ્ટ્રેસ સામે લડવાનો એ રામબાણ ઇલાજ છે.

૯. બહાર જાઓ ત્યારે ચાખો, જમો નહીં

પાર્ટીમાં જાઓ કે લગ્નમાં ફરતા હો ત્યારે તમને ખબર જ છે કે આ પ્રકારનું ફૂડ હેવી હોય છે અને વધુપડતું ખાવું નુકસાનદાયક હોય છે. માંડ આજે તો મીઠાઈ હાથ લાગી છે અને એના પર તૂટી પડો એવું રાખશો તો નુકસાન તમને જ છે. એવું ન થાય એ માટે સજાગ રહેવું જરૂરી છે. પાર્ટીમાં કે બહાર જાઓ ત્યારે ૫૦ વસ્તુ હોય તો બધું ખાવાની જરૂર નથી. સિલેક્ટ કરો અને એ પણ ચાખો. જો ૫-૭ વસ્તુઓ પણ તમે સિલેક્ટ કરી હોય તો એ ચાખો ત્યાં જ તમારું ડિનર પતી જશે. વધુ ખાવાની જરૂર જ નહીં રહે.


 

સારા ખોરાકનો અતિરેક પણ સારો નથી

જીવનમાં એક નિયમ અપનાવી લેવા જેવો છે અને એ છે અતિરેક કોઈ પણ વસ્તુનો ન થવો જોઈએ, ભલે એ ગમેતેટલી સારી કેમ ન હોય. જેમ કે લોકોને ખબર છે કે ફળ અને શાકભાજી હેલ્ધી છે તો એવું ન થઈ શકે કે તમે બસ, એ જ ખાઓ, બીજું કંઈ નહીં. ઘણા લોકો માને છે કે પ્રોટીન લેવું જોઈએ. તો પોતાની જાતે જમવામાં રોટલી છોડીને ત્રણ વાટકા દાળ પી જાય છે. એ હેલ્ધી નથી. આ પણ ઓવરઈટિંગ જ કહેવાય. આવું ન કરવું. ઘણાને ખબર છે કે નટ્સ હેલ્ધી ગણાય તો બેઠાં-બેઠાં ૧૦૦ ગ્રામ બદામ ખાઈ જવી યોગ્ય નથી. એવું નથી કે જે ખોરાક અનહેલ્ધી છે એને ઓવરઈટ ન કરો, પરંતુ સારો અને પૌિક્ટક ગણાતા ખોરાકનું પણ ઓવરઈટિંગ યોગ્ય નથી જ. એટલે કે તમે જે ખાઓ એ હેલ્ધી હોય તો પણ પ્રમાણમાં ખાવું ખૂબ જ જરૂરી છે. બૅલૅન્સિંગ તો જ થશે.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2018 02:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK