Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૅડ ન્યુઝ જ્યારે પીછો ન છોડતા હોય!

બૅડ ન્યુઝ જ્યારે પીછો ન છોડતા હોય!

20 July, 2020 07:14 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બૅડ ન્યુઝ જ્યારે પીછો ન છોડતા હોય!

અત્યારના બૅડ ન્યુઝ બ્લુને પહોંચી વળવા માટે જાતને ક્યાં સજ્જ કરવાની જરૂર છે?

અત્યારના બૅડ ન્યુઝ બ્લુને પહોંચી વળવા માટે જાતને ક્યાં સજ્જ કરવાની જરૂર છે?


આસપાસના માહોલમાં સતત સંભળાઈ રહેલી વાતોમાં ભય, નિરાશા અને ચિંતાનું પ્રમાણ તમને વધારે લાગતું હોય, મૃત્યુના સમાચારો સર્વસામાન્ય બનતા જતા હોય અને અનિશ્ચિતતાઓ પીછો નથી છોડી રહી એવું લાગતું હોય ત્યારે શું કરવું? અત્યારના બૅડ ન્યુઝ બ્લુને પહોંચી વળવા માટે જાતને ક્યાં સજ્જ કરવાની જરૂર છે?

૩૪ વર્ષના સુશાંત સિંહે આપઘાત કર્યો. આજે મુંબઈમાં કોરોનાને કારણે આટલા લોકો મૃત્યુ પામ્યા. દેશમાં ગઈ કાલે કોરોનાના હાઇએસ્ટ કેસ નોંધાયા. ફલાણી જગ્યાએ આવેલા ઢીંકણા વાવાઝોડામાં ૬૦ લોકો મરી ગયા. ફલાણી નદીમાં પૂર આવવાના કારણે આ દેશમાં આટલા હજાર લોકો અટવાયા. ફલાણી જગ્યાએ ભીષણ આગ લાગી. લૅન્ડ સ્લાઇડિંગમાં બસ ખીણમાં ખાબકતાં ૫૦ લોકોનાં મોત. લગ્નના બીજા દિવસે કોરોના પૉઝિટિવ દુલ્હાનું થયું મૃત્યુ. તેનાં લગ્નમાં સામેલ થયેલા બીજા બસો લોકો પણ કોરોના પૉઝિટિવ. ફલાણી જગ્યાએ મુશળધાર વરસાદને કારણે પાણી ભરાયાં, જેમાં દસ લોકો પૂરમાં તણાઈ ગયા. વીજળી ખાબકતાં ફલાણા રાજ્યમાં વીસ લોકોનાં મૃત્યુ. આર્થિક રીતે આ સૌથી કપરો સમય, ફલાણા સર્વે પ્રમાણે આટલા લાખ લોકો આ મહિનામાં જૉબલેસ થયા, શૅર માર્કેટનાં વળતાં પાણી, આર્થિક કટોકટી, આવનારા સમયમાં વધુ ગંભીર થશે અર્થતંત્રની હાલત.
આ લિસ્ટ એટલું લાંબું છે કે છેલ્લા એક મહિનામાં વાંચેલા કે સાંભળેલા બૅડ ન્યુઝ જ લખીએ તો આખું છાપું ઓછું પડશે. સતત અવિરત ફોનથી, ટેલિવિઝનથી અને અખબારોથી આપણી અંદર ડર અને હૃદયમાં કંપારી છૂટે એવા જ સમાચારો ઠલવાઈ રહ્યા છે. ક્યારેક આપણે ટીવીની સામે જરૂર કરતાં સમય વિતાવીને જાતને ત્રસ્ત કરીએ છીએ તો ક્યારેક આપણી આસપાસના પરિચિત જનોના જીવનમાં ઘટતી ઘટનાઓનું આદાનપ્રદાન ડરને વધારવાનું, ચિંતાને દૃઢ કરવાનું કામ કરી રહ્યું છે. મોટા ભાગના લોકો હજીયે ઘરમાં જ છે. ઘરમાં રહીને ઇમ્યુનિટીને સ્ટ્રૉન્ગ રાખવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ સામે આવે છે ડર અને અનિશ્ચિતતાઓ. મૃત્યુ જાણે બાથ ભીડીને ઊભું હોય એ રીતે માહોલે ઘણાના મનને અંદરોઅંદર બેચેની આપી દીધી છે. કોઈકના કોરોનાને કારણે થયેલા મૃત્યુ વિશે સાંભળીએ અને આપણી અંદર બેસેલો ભયનો શેષનાગ ફરી ફેણ ચડાવી બેસે છે. આ વ્યગ્રતાનો, વર્ણવી ન શકાય એવી વિહ્વળતાનો, તરખાટ મચાવતી ઉદાસીનો ઉત્તર શું? કઈ રીતે આ સમયને સાચવી લેવામાં શાણપણ છે એ વિશે આજે વાત કરીએ.
એક અડધો ભરેલો ગ્લાસ હોય ત્યારે એને જોવાના બે જ રસ્તા છે. આ જ દાખલા સાથે સાઇકોલૉજિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ ચિંતન નાયક વાતની શરૂઆત કરે છે અને આગળ કહે છે, ‘ગ્લાસ અડધો ભરેલો છે એ જોવું છે કે ગ્લાસ અડધો ખાલી છે એ જોવું છે? નક્કી તમારે કરવાનું છે. સમય પડકારજનક છે જ પરંતુ આ સમય નહીં ટકે. પૅન્ડેમિક છે અને એ ક્યારેક તો જશે અને ફરી પાછી ગાડી ધીમે-ધીમે પાટે ચડશે જ એ વિશ્વાસ સાથે અત્યારના સમયને જોવાની અને એના માટે જાતને ટ્રેઇનિંગ આપવાની સૌથી વધારે જરૂર છે. વાત રહી પ્રસાર માધ્યમની તો એ લોકો પોતાનું કામ કરી રહ્યા છે. ઘણી વાર એવું બને વસ્તુને વધુ સેન્સેશનલ બનાવવા માટે કૉન્શિયસલી એ લોકો ડર વધે એવા જ આંકડાઓને પ્રાધાન્ય આપતા હોય. ફિઅર બિકતા હૈ. પરંતુ તમારે તમારી વિવેકબુદ્ધિને સતત ચકાસતા રહેવાનું છે. મારી પાસે એક ૪૪ વર્ષના ભાઈ આવેલા. તેમણે સ્વીકારી લીધેલું કે બધાને જ કોવિડ થઈ જશે અને દુનિયા આખી સમાપ્ત થઈ જશે. બહુ ખરાબ સમય આવ્યો છે. હવે આવનારી બીજી પેઢીને જોવા આપણે ઊભા નહીં રહી શકીએ. તેમણે સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ લેવી પડી હતી.’
પ્રમાણભાન
યાદ રાખજો, અત્યારના સમયે આવા વિચારો આવવા સામાન્ય છે, પરંતુ એની સામે તમારે એ સ્વીકારતાં શીખવું પડશે કે દુનિયામાં ઘણી એવી બાબત છે જે મારા કન્ટ્રોલની બહાર છે એમ જણાવીને ચિંતન કહે છે, ‘બધી જ બાબતોમાં ફોકસ કરવાને બદલે હું એના પર ધ્યાન આપું જે મારા કન્ટ્રોલમાં હોય. જેમ કે આ પૅન્ડેમિકમાં માસ્ક પહેરવા, ચોખ્ખાઈ રાખવી, ઘરની બહાર જતા હોઈએ ત્યારે સોશ્યલ ડિસ્ટિન્સિંગ રાખવું જેવા નિયમોનું હું બરાબર પાલન કરીશ તો એનું મને રિઝલ્ટ મળશે. ટૂંકમાં અત્યારે જે તમારા કન્ટ્રોલમાં છે એના પર નહીં પણ જે તમારા કન્ટ્રોલમાં હોય એના પર ફોકસ કરીને કામ કરો, તમને સો ટકા પરિણામ મળશે. અત્યારે જે સમય છે એમાં જો કંઈ પૉઝિટિવ મળતું હોય તો એના પર ધ્યાન આપો. ઘરમાં આટલો નિરાંતનો સમય મળ્યો છે. સતત જાતને યાદ અપાવો કે હું રિલૅક્સ થઈને મારું કામ કરીશ તો મારી ઇમ્યુનિટી વધશે, જેની અત્યારે જરૂર છે અને એ તમારા કન્ટ્રોલમાં છે. અત્યારે તમારી સામે મૂકવામાં આવતી માહિતીને તમને ફિલ્ટર કરતાં આવડવી જોઈએ.’
દરેકની કોઈ પણ સડન શૉકને, આ પ્રકારની વિગતોને હૅન્ડલ કરવાની એક વ્યક્તિગત કૅપેસિટી હોય છે. અત્યારનો સમય છે આપણી એ કૅપેસિટીને વધારવાના પ્રયત્નો કરો. એ જ સંદર્ભમાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘એક નિયમ બનાવો કે દિવસમાં એક જ વાર ન્યુઝ માટે ટીવી ચાલુ કરવાનું. એક વાત મને કહો કે કોરોનાના કેસ પાંચ હજાર હોય કે પચાસ હજાર, આપણે શું કરી શકવાના છીએ એમાં? તમને નવાઈ લાગી શકે મારા આ જવાબથી, પણ હું ખરેખર કહીશ કે ટીવી ઓછું જુઓ. જરૂરિયાત પૂરતા મહત્ત્વના સમાચારોની ખબર વિશ્વસનીય એકાદ-બે ચૅનલ પરથી કે ન્યુઝ સાઇટ પરથી મેળવી લો. અત્યારે સમય મળ્યો છે તો એને કોઈ ક્રીએટિવ કામમાં લગાવો, ફિલ્મો જુઓ, ગેમ્સ રમો. અહીં હું નેગેટિવિટીથી જાતને દૂર રાખવાનું કહું છું. તમે આગમાં હાથ નાખશો તો દાઝી જવાશે એ જાણીને હાથ દૂર રાખો જ છોને? અત્યારના સમયમાં સતત જે પ્રકારની નકારાત્મક બાબતોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે એમાં જ જો તમે રચ્યાપચ્યા રહો એ નહીં ચાલે.’



આપણી જવાબદારી શું?


શ્રીમદ ભગવદ્ગીતામાં યુદ્ધમાં સ્વજનોને થનારી હાનિ જોઈને ઉદાસ થઈ ગયેલા, ડિપ્રેશન જેવી સ્થિતિમાં સરી પડેલા અર્જુનનું કાઉન્સેલિંગ ભગવાન કૃષ્ણએ કર્યું છે; જેમાં કેટલાંક એવાં સત્યોની ચર્ચા કરી છે જેના વિશે અત્યારના સમયમાં જાણવું ઉપયુક્ત રહેશે. એ વિશે શાસ્ત્રોના અભ્યાસુ અને સાધક ડૉ. સુનીલ શાસ્ત્રી કહે છે, ‘બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ આત્મતત્ત્વની વાત કરી છે. આત્મા શાશ્વત છે. શરીર જેમ કપડાં બદલે છે એમ આત્મા શરીર બદલે છે. એ નિત્ય છે, એનો જન્મ નથી તો મૃત્યુ ક્યાંથી હોય? આપણામાં સૌથી મોટો આઇડેન્ટિટી પ્રૉબ્લેમ છે કે આપણે પોતાને આત્માધારી દેહ માનીએ છીએ, પરંતુ હકીકતમાં આપણે દેહધારી આત્મા છીએ. આ ભેદ નથી સમજાતો એટલે જ અત્યારે સૌથી મોટો ભય મૃત્યુનો છે. એમાં વધુ પડતો ફિઅર ઑફ અનનોન હોય છે. મૃત્યુ પછી શું એની ખબર નથી એટલે એનો ભય વધારે છે. એ મૃત્યુ જે સૌથી વધુ નિશ્ચિત છે. આપણા સમાજમાં જીવન વિશે શીખવવામાં આવે છે, મૃત્યુ વિશે વાત નથી થતી. મૃત્યુનો સ્વીકાર કરવો જોઈએ. આપણો દેહ બદલાય છે, પણ સંસ્કારો નથી બદલાતા. કઠોપનિષદ કહે છે કે પૂર્વ કર્મ અને પૂર્વ સંસ્કાર સાથે આવવાના છે. જો જીવનમાં મૃત્યુ ન હોત તો કેવું અસંતુલન જન્મ્યું હોત? વેરઝેર, પ્રેજ્યુડાઇસ ક્યાં અટક્યા હોત?’
વ્યવહારિક જીવનમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે આ બધું જ જાણ્યા પછી પણ પોતાના કોઈ સ્વજનના મૃત્યુનો આઘાત જીરવવો અઘરો હોય છે. સુનીલભાઈ કહે છે, ‘અહીં પંડિતાઈ કામ નથી આવતી. ઘાયલ કી ગત ઘાયલ જાને જેવી સ્થિતિ હોય છે. એવા સમયે સમાજે તેમનો આધારસ્તંભ બનવું જોઈએ. સહાનુભૂતિનું ઝરણ બનવું જોઈએ. આર્થિક મદદ કરતા સમાજે પ્રેમ, કરુણા, લાગણી અને મમતા ભાવે પણ આફતના સમયે સહયોગ આપવાની જરૂર છે. પીડિતના મનમાં ચાલતા વલોપાતને, સ્વજનને ગુમાવવાથી આવેલા ખાલીપાને સ્નેહ અને હૂંફથી ભરવાની જરૂર છે. જેમ કે વૃદ્ધાશ્રમ રેસિડેન્શિયલ પર્યાય હોઈ શકે, મનને અને બુદ્ધિને સથવારો કોણ આપશે? ઉપર આપણે જે શાશ્વત તત્ત્વ વિશે વાત કરી એ ધીરે-ધીરે વ્યક્તિના મનને સ્થિર કરવાના પ્રયાસો કરવા જોઈએ. તેના આઘાતને નગણ્ય ન ગણતા. યાદ રહે, ધીરે-ધીરે, રાતોરાત એ નહીં બને. જ્યારે શહીદોની પત્નીને જોઈએ છીએ ત્યારે જે ખુમારી હોય છે એ ખુમારી આવે તો નિષ્ક્રિયાત્મક બનેલો માણસ પણ ક્રિયાશીલ બની જાય છે. તે ભલે દેહ સ્વરૂપે જતા રહ્યા, પણ તે મારી સાથે છે એ ભાવ શહીદની પત્ની લાવી શકે છે. આ ટાઇપનો અપ્રોચ માણસના જીવનમાં હકારાત્મકતા લાવે છે અને આગળ જીવવા માટે તેને બળ આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 07:14 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK