Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘરબંધીએ આપણી ખાણીપીણીમાં શું પરિવર્તન આણ્યું?

ઘરબંધીએ આપણી ખાણીપીણીમાં શું પરિવર્તન આણ્યું?

28 August, 2020 07:53 PM IST | Mumbai
Varsha Chitalia

ઘરબંધીએ આપણી ખાણીપીણીમાં શું પરિવર્તન આણ્યું?

જંક ફૂડ

જંક ફૂડ


કોરોના કાળમાં વિશ્વભરની પ્રજા ઘરમાં કેદ થઈ જતાં તેમની ફૂડ પૅટર્ન બદલાઈ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં થયેલા અભ્યાસ અનુસાર છેલ્લા છ મહિનામાં મિલ્ક, ચીઝ, બટર જેવી ડેરી પ્રોડક્ટ્સ અને ચૉકલેટ્સ તેમ જ નૂડલ્સની બનાવટની આઇટમના જંગી વેચાણનું મુખ્ય કારણ હોમમેડ જન્ક ફૂડ છે. બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર ૪૮ ટકા લોકોએ ઘરમાં બેસીને ખાઈપીને ખાસ્સું વજન વધાર્યું છે. જોકે બહારના પીત્ઝા અને બર્ગર પર જીવનારી વિદેશી પ્રજાને અનુલક્ષીને આ બન્ને રિસર્ચ કરવામાં આવ્યાં છે. ભારતમાં આ સંદર્ભે કોઈ અભ્યાસ થયો હોવાની માહિતી નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવતા ફોટો તેમ જ બાળકો અને પુરુષોની રસોડામાં એન્ટ્રી જોયા બાદ ખ્યાલ આવે છે કે છેલ્લા પાંચેક મહિનામાં ભારતીય પ્રજાની ફૂડ પૅટર્ન પણ ચોક્કસ બદલાઈ છે. એમાંય ખાણી-પીણીની શોખીન ગુજરાતી પ્રજાએ તો ઘણા જલસા કર્યા હશે એવું માની લેવામાં જરાય વાંધો નથી. ચાલો ત્યારે મળીએ એવા પરિવારોને જેમની ફૂટ-હૅબિટમાં નોંધનીય પરિવર્તન આવ્યું છે

લૉકડાઉને નાસ્તામાં ઘરના પાસ્તા ખાતા કરી દીધા : ભૂમિકા મોદી, નાલાસોપારા



food


આઠ જણના મોદીપરિવારમાં ચટાકેદાર વાનગીઓ પહેલેથી બનતી જ હતી, એમાં હવે રેસ્ટોરન્ટનો ટેસ્ટ ઉમેરાયો છે. ત્રણેય પેઢી ખાણી-પીણીની એવી શોખીન છે કે ચોવીસે કલાક રસોડું ધમધમતું હોય. પાંચ મહિનામાં પરિવારના સભ્યોની ફૂડ-હૅબિટમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં ઘરની નાની વહુ ભૂમિકા મોદી કહે છે, ‘વડીલોની હાજરીના કારણે બાજરાના રોટલા સાથે રીંગણાનું શાક અને ગળપણમાં લાડવા જેવી દેશી વાનગીઓ હજીયે એટલી જ બને છે. વિદેશી વાનગીઓનો વધારો થયો. હોટેલો બંધ થવાથી ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ નથી બદલાઈ પણ મેનુ ચેન્જ થઈ ગયું છે. અત્યાર સુધી અમારા ઘરમાં સાંજનો નાસ્તો બનતો નહોતો. સાંજના સમયે ભૂખ લાગે તો બહારનાં વડાપાંઉ મગાવીને ખાઈ લેતા હતા. જીભને ભાવે એ બધું બહાર મળતું હોય તો રોજબરોજની રસોઈ સિવાયની વાનગી બનાવવાની કડાકૂટ કરવાનો કંટાળો આવતો. લૉકડાઉને નાસ્તામાં ઘરના બનાવેલા પાસ્તા ખાતા કરી દીધા. કેટલીય જાતના પાસ્તા પહેલી વાર બનાવ્યા. રાતના ડિનરમાં ટિપિકલ ગુજરાતી સ્ટાઇલનું ફાસ્ટ ફૂડ બનતું હતું. હવે એમાં બહારનો તડકો અને ટ્વિસ્ટ ઉમેરાતાં રેસિપી બદલાઈ છે. ઘરની વાનગીમાં હોટેલ જેવો સ્વાદ ઉમેરવા ઇન્ટરનેટ પર ઘણી ખણખોદ કરવી પડી છે. આટલાં વર્ષથી દેશી ઢબ પ્રમાણે બિરયાની અને પંજાબી શાક બનતાં હતાં તોય બધા ખાઈ લેતાં. હવે એવી બિરયાની બનાવીને પીરસો તો પુલાવ લાગે છે. બહાર જેવી સેમ ટુ સેમ દમ બિરયાની, કાજુ-કરી અને ડૉમિનોઝ જેવા પીત્ઝા બનાવતાં શીખવું પડ્યું છે. હમણાં વળી નવી ડિશ ટ્રાય કરી હતી. ફ્રિજમાં કૅપ્સિકમનો ઢગલો પડ્યો હતો. ઇન્ટરનેટ પર જોઈને કૅપ્સિકમ-આલૂ બનાવી નાખ્યા. આમ પાં ચ મહિનામાં અમારા ઘરમાં ઘણી નવી આઇટમો બની છે. જોકે સવારનો નાસ્તો હજીયે એ જ છે, ભાખરી ને ચા. એમાં ફરક નથી પડ્યો.’

લોકોનાં ટમી બહાર નીકળ્યાં, અમારાં અંદર ગયાં : ફાલ્ગુની મહેતા, મલાડ


food
ખાઈપીને જલસા કરવા. આ જીવનમંત્ર ધરાવતા મલાડના મહેતાપરિવારને રેસ્ટોરન્ટનું ફૂડ ખાવાનો અતિશય ક્રેઝ. લૉકડાઉનમાં તેમના રસોડામાં ઘી-તેલનો છૂટથી ઉપયોગ થયો છે તેમ છતાં કુટંબના ત્રણેય સભ્યોનું વજન વધવાની જગ્યાએ ઘટ્યું છે. આવું કઈ રીતે શક્ય બન્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં ફાલ્ગુની મહેતા કહે છે, ‘લૉકડાઉનમાં અમને લૉક થઈ ગયેલા વજનને અનલૉક કરવાની ચાવી જડી ગઈ. પહેલાં અમે બહારનું ખૂબ ખાતાં હતાં. કોરોનાનો ચેપ લાગવાના ભયથી છેલ્લા પાંચ મહિનાથી બ્રેડ-પાંઉ સહિત બહારની બનાવેલી એક પણ વસ્તુ લાવ્યાં નથી. જોકે જીભનો ચટાકો ખરો એટલે મા-દીકરીએ રસોડામાં ખાસ્સો સમય વિતાવ્યો. ખાણી-પીણીના જલસા તો ખૂબ કર્યા છે, પરંતુ સવારના બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિઝર્ટ સુધીની તમામ વાનગીઓ હોમમેડ. ઘરના બનાવેલા પનીરમાંથી પંજાબી શાક, એક્ઝૉટિક વેજિટેબલ વિથ કૉટેજ ચીઝ, ડૉમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ, ચૉકલેટ-વૉલનટ ફજ, ડાર્ક ચૉકલેટ કેક એમ બધી જ વરાઇટી પહેલી વાર ઘરમાં બનાવી. બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ કર્યો. સાંજના ચા સાથે ખાવા માટે સૂકા નાસ્તા પણ બહારથી નથી લાવ્યાં. રસોડામાં ઘી-તેલનો આટલો વપરાશ પહેલાં ક્યારેય નહોતો થયો. વર્ક ફ્રૉમ હોમ ને વર્ક ફૉર હોમ કરતાં-કરતાં અમે નોંધ્યું કે બહારની મેંદાવાળી આઇટમ અને ચીઝ-બટરના કારણે અમારું ટમી બહાર આવી ગયું હતું. ઘરના તળેલા નાસ્તા અને શુદ્ધ ઘી ખાવામાં વાંધો નથી. અમારા સર્કલમાં અત્યારે ઘણાનાં પેટ બહાર આવી ગયાં છે. જ્યારે અમારા પેટનો ઘેરાવો અને શરીર પરથી ચરબીના થર ઓછા થયા છે. ઘરની બનાવટની ઘી-તેલવાળી વાનગીઓ ખાઓ અને એક્સરસાઇઝ માટે સાફસફાઈ કરો તો વજન વધતું નથી. ફૂડ-હૅબિટમાં પરિવર્તન આવતાં અમે એનર્જેટિક અને પૉઝિટિવ ફીલ કરીએ છીએ. ઘરનું ખાઓ અને મસ્ત રહો આ અમારો નવો જીવનમંત્ર બની ગયો છે.’


પુરુષોએ પહેલી વાર નૉન-ટ્રેડિશનલ ઇન્ડિયન વાનગીઓ ચાખી : ઝીલ ડોડિયા, વડાલા

food
ડોડિયા ફૅમિલીને બારે મહિના સવારે જમવામાં દાળ-ભાત, શાક-રોટલી ને રાતના ભાખરી સાથે ખીચડી-કઢી જોઈએ. ટૂંકમાં કમ્પ્લીટ મીલ વગર પેટ ન ભરાય. સાત જણની આ ફૅમિલીમાં સાસુ અને બન્ને વહુને ઘણી વાર થતું કે પુરુષો નવી-નવી વાનગીઓ ખાઈ લેતા હોય તો કેટલી શાંતિ રહે ને આપણને પણ ખાવા મળે. લૉકડાઉને તેમને આ તક આપી. ઘરની નાની વહુ ઝીલ ડોડિયા કહે છે, ‘આખો દિવસ ફૅક્ટરીમાં હાર્ડ વર્ક કરતા પુરુષોને હેવી મીલ જોઈએ એટલે અમે ક્યારેય ફાસ્ટ ફૂડ બનાવતાં નહોતાં. રગડા પૅટીસ, સેવપૂરી-ભેળપૂરી, અસલ ગુજરાતી સ્ટાઇલના બટાટાવડાં કે આલૂ પરાઠાં જેવી વાનગીઓ ક્યારેક બનતી પરંતુ દાલબાટી, પાસ્તા કે પીત્ઝા ક્યારેય બનાવ્યા નહોતા. હમણાં બધા ઘરમાં છો અને કામવાળી નથી તો રાતના જમવામાં નૉન-ટ્રેડિશનલ ડિશ બનાવીએ તો બધા ખાશો એવું પૂછી જોયું. પુરુષોએ હા પાડી એમાં અમારું કામ થઈ ગયું. પછી તો જુદી-જુદી ઘણી ડિશો ટ્રાય કરી. જોકે મારા સસરાને રસોઈ સિસ્ટમૅટિક જોઈએ. તેમની પસંદને ધ્યાનમાં રાખી અમે ઇન્ટરનેટ પર એકનો એક વિડિયો પાંચ વાર જોતાં. આ વાનગી સારી બનશે એવો કૉન્ફિડન્સ આવે પછી જ બનાવવાનું સાહસ કરતાં. સાસુએ વળી નવો નિયમ બનાવ્યો. મારી ત્રણ વર્ષની દીકરીને છોડીને છએ જણનો વારો. જેનો વારો હોય તેની પસંદની રસોઈ બધાએ આખો દિવસ ખાવાની. બધાને એટલા જલસા પડી ગયા કે જેનો વારો હોય તે ઇન્ટરનેટ પરથી નવી ડિશ શોધી કાઢે. પુરુષો જુદી-જુદી રસોઈને સ્વીકારતા થયા અને સાથે કિચનમાં કામ કરાવવા લાગ્યા એ મોટું પરિવર્તન આવ્યું. અમને લાગે છે કે રૂટીન લાઇફમાં આવ્યા પછી પણ ફૂડ-હૅબિટમાં જે ચેન્જિસ આવ્યા છે એ બરકરાર રહેશે.’

યંગ જનરેશન હોમમેડ ફૂડ તરફ વળી : નીતા જિનાદ્રા, કાંદિવલી

food
ત્રણ ભાઈઓના સંયુક્ત કુટુંબમાં સૌથી નાની ઉંમરનું સંતાન પણ બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. ઘરમાં નવ જણમાંથી પાંચ તો યંગસ્ટર્સ છે. બારે મહિના બહારનું જન્ક ફૂડ ખાવાની શોખીન આ પેઢીની ફૂડ-હૅબિટમાં કોરાના-સંક્રમણના કારણે ધરમૂળથી ફેરફારો થયા છે. આ સંદર્ભે વાત કરતાં નીતા જિનાદ્રા કહે છે, ‘ઘરમાં આજે દૂધીનું શાક બનવાનું છે એવી ખબર પડ્યા પછી પાંચેયમાંથી એકેય જમવામાં હાજર ન હોય. ‘અમે બહાર ખાઈ લઈશું’ આ જવાબથી અમે ત્રણેય દેરાણી-જેઠાણી ટેવાયેલાં હતાં. ભૂતકાળમાં અનેક વાર સંતાનોને ઘરનું ખાવા તરફ વાળવાનો પ્રયત્ન કરી જોયો છે. પાંચ મહિનામાં બધાની આદતો બદલાઈ ગઈ. સવારના નાસ્તામાં ભાખરી, બપોરના જમવામાં ફુલ રસોઈ અને સાંજનો નાસ્તો એમ ત્રણ ટંક ઘરનું સિમ્પલ ફૂડ ખાતાં પહેલી વાર શીખ્યાં છે. વાસ્તવમાં અમારા ઘરના પુરુષો અને સંતાનો સાદી રસોઈ જમતાં નથી. તેમને પીત્ઝા, પાસ્તા, પાંઉભાજી એમ ચટાકેદાર વાનગીઓ જ ખાવી હોય. બહારનું ખાવાનું અચાનક બંધ થઈ જતાં શરૂઆતમાં તેઓ અકળાઈ ગયા હતા. તેમને રાજી રાખવા અમે લોકોએ રાતની રસોઈમાં ફરતું-ફરતું બનાવવાનું શરૂ કરી દીધું. પાંઉભાજી, ઢોસા, ટોસ્ટ સૅન્ડવિચ, ચાઇનીઝ, પંજાબી એમ બધું જ બનવા લાગ્યું. ઘરની બનાવટની વસ્તુ ખાવાની ટેવ પડે એ માટે નવા આઇડિયાઝ શોધી કાઢ્યા. દાખલા તરીકે ટોસ્ટ સૅન્ડવિચ બનાવી હોય તો બ્રેડની અંદર ઘરનું માખણ લગાવીએ અને પીરસતી વખતે ઉપરથી બહારનું બટર પાથરી દઈએ. પાંઉભાજીમાં પણ આવો પ્રયોગ કરી જોયો. ઘરનો સ્વાદ મોઢે લાગતાં બહારનું જન્ક ફૂડ ખાવા પર કન્ટ્રોલ આવી ગયો છે. જોકે બહુ દિવસથી જીભને બહારનો ટેસ્ટ મળ્યો નહોતો તેથી અનલૉક થયા બાદ એક વાર બહારથી પીત્ઝા મંગાવ્યા હતા ખરા પણ હવે પહેલાં જેવો ક્રેઝ નથી રહ્યો એ બહુ મોટું પરિવર્તન આવ્યું છે.’

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2020 07:53 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK