Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સક્કરટેટી શું કામ ખાવી જોઈએ આ સીઝનમાં?

સક્કરટેટી શું કામ ખાવી જોઈએ આ સીઝનમાં?

27 March, 2019 11:42 AM IST |

સક્કરટેટી શું કામ ખાવી જોઈએ આ સીઝનમાં?

સક્કરટેટી

સક્કરટેટી


ઘરમાં સક્કરટેટીના કાપીને ટુકડા થઈ રહ્યા હોય તો એ કોઈથી અજાણ્યું ન રહે એવી જેની સોડમ છે એ આ ફળ ખરબૂજ અને ચીભડું તરીકે પણ ઓળખાય છે. સક્કરટેટી મુખ્યત્વે બે પ્રકારની હોય છે

એક જેની છાલની સપાટી થોડી લીલાશ પડતી ખરબચડી અને ઉપર નેટ પાથરી હોય એવી હોય છે અને બીજા પ્રકારમાં છાલની બાહ્ય સપાટી સુંવાળી હોય છે. બેઉના શેપમાં પણ થોડો ફરક હોય છે. ખરબચડી છાલવાળી સક્કરટેટી એકદમ ગોળ હોય છે, સુંવાળી છાલવાળી ગોળ તો ખરી જ, પણ ઉપરથી થોડી બેઠેલી હોય છે. સક્કરટેટી રેતાળ જમીનમાં વેલા પર થાય છે. પાણી વધુ મળે એમ સક્કરટેટી વધુ મીઠી થાય છે.



સસ્તું ને પોષણક્ષમ


ઉનાળામાં સૂંડલે-ટોપલે વેચાતી સક્કરટેટીને ભલે આપણે બહુ મહત્વ ન આપીએ, પણ એમાં પોષક તત્વો ભરપૂર છે. લો કૅલરીવાળા આ ફળમાં બિટા કૅરોટિન, ફોલિક ઍસિડ, પોટૅશિયમ, વિટામિન સી, ફાઇબર, વિટામિન બી કૉમ્પ્લેક્સ-બી-૧, બી-૩, બી-૫ અને બી-૬ છે. એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર હોવાથી એ કૅન્સર અને હાર્ટના રોગો સામે રક્ષણ આપે છે. એમાં ફાઇબર ભરપૂર હોવાથી નાસ્તામાં કે ડિઝર્ટ તરીકે એ લઈ શકાય. એક કપ સક્કરટેટીના ટુકડામાં ૧૩ ગ્રામ શુગર છે, પણ ડાયાબિટીઝવાળા અને જેનું ટ્રાયગ્લિસરાઇડ લેવલ હાઈ હોય એ પણ આ આરામથી ખાઈ શકે.

સક્કરટેટી જાળવે સ્વાસ્થ્ય


લોહી ઘટ્ટ થતું અટકાવે : સક્કરટેટીમાં રહેલાં કેટલાંક તત્વો લોહીની પ્રવાહિતાને જાળવી રાખવાનો ગુણ ધરાવતા હોવાથી નળીઓમાં લોહીને જામી જતું અટકાવે છે એને લઈને કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે.

લોહીની નળીઓ બરડ ન થાય : એમાંના વિટામિન સીને લઈને એ લોહી નળીઓને બરડ થતી અટકાવે છે.

કૅન્સર સામે રક્ષણ : હાઈ વિટામિન સી ઍન્ટિ-ઑક્સિડન્ટનું કામ કરે છે, જે ફ્રી રેડિકલને લઈને ડૅમેજ થતા કોષોને બચાવે છે એમાંય ખાસ કરીને આંતરડાંનાં કૅન્સર સામે રક્ષણ આપે છે.

મોતિયો દૂર રાખે : સક્કરટેટીમાંનું નૅચરલ વિટામિન એ આંખમાં મોતિયો આવવાથી બચાવે છે. એટલું જ નહીં, દૃષ્ટિ સુધારે છે.

કૉલેસ્ટરોલથી બચાવે : સક્કરટેટીનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે ફાઇટ કરતાં હોવાથી કૉલેસ્ટરોલથી શરીરને બચાવે છે. કિડનીમાં થતી પથરીથી બચાવે અને પ્રૌઢોમાં જે હાડકાં ગળવાની તકલીફ થાય છે એનાથી બચાવે છે.

હાઈ બ્લડપ્રેશર ન રહે : સક્કરટેટીમાં રહેલું પોટૅશિયમ, શરીરમાં રહેલાં સોડિયમને કમ કરતું હોવાથી હાઈ બ્લડપ્રેશર સામે રક્ષણ આપે છે. હૃદયના ધબકારા રેગ્યુલેટ કરે છે તેમજ સ્ટ્રોકથી બચાવે છે.

રોગપ્રતિકારકતા વધારે : સક્કરટેટીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. વિટામિન સી fવેતકણોમાં વધારો કરતા હોવાથી શરીર સરળતાથી ઇન્ફેક્શન સામે લડી શકે છે, આમ રોગપ્રતિકારકતા વધે છે.

અનિદ્રામાં રાહત : સક્કરટેટીમાંનું એક ખાસ તત્વ નવ્ર્સને રાહત આપે છે અને ઍન્ગ્ઝાયટી શાંત કરે છે, જે અનિદ્રા સામે રક્ષણ આપે છે.

સ્ત્રીઓની માસિકની સમસ્યા : માસિક દરમ્યાન સ્ત્રીઓ જો સક્કરટેટીનો જૂસ પીએ તો વધુપડતા લોહીના સ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાની તકલીફથી બચાવે છે.

પ્રેગ્નન્સીમાં ઉપયોગી : સક્કરટેટીમાં રહેલું ફોલિક ઍસિડ ગર્ભાશયને મજબૂત બનાવે છે.

મસલ્સનો દુખાવો ન થાય : પોટૅશિયમની કમી મસલ્સમાં દુખાવો અને ખેંચાતું હોય એવી પીડા કરે છે, પણ સક્કરટેટીથી એમાં રક્ષણ મળે છે.

સ્મોકિંગ છૂટે : સક્કરટેટીમાં કુદરતી મિનરલ્સ અને પોષક તત્વો છે, જે લોકો સિગારેટ છોડવા માગતા હોય તેમને નિકોટિનની ગેરહાજરીથી થતી તકલીફોથી બચાવે છે. સ્મોકિંગ કરનારમાં વિટામિન એનું પ્રમાણ ઘટે છે, જે ખામી સક્કરટેટીનું બિટા કૅરોટિન પૂરી કરે છે.

સ્ટ્રેસમાં હેલ્પફૂલ : બહુ સ્ટ્રેસમાં હોવ ત્યારે સક્કરટેટીનો જૂસ રોજ પીઓ. એમાંનું પોટૅશિયમ હૃદયની ધડકનોને નૉર્મલ કરે છે. મગજને પૂરતો ઑક્સિજન પહોંચાડે છે અને શરીરમાં પાણીને સંતુલિત રાખે છે.

પાણીની કમી પૂરી કરે : સામાન્ય લોકો અને એમાંય ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓની પાણીની કમી સક્કરટેટી પૂરી કરે છે.

સક્કરટેટી કેવી ખરીદશો?

પાકી હોય એવી જ ટેટી લેવી. એ પાકી છે એની જાણ તેની સોડમ પરથી થઈ શકે છે. પાકી હશે તો જ એની સોડમ આવશે. વધારે પડતી પાકેલી ન હોવી જોઈએ.

વજનદાર હોવી જોઈએ, એનો મતલબ એ રસથી ભરપૂર છે.

જમીન પર થતી હોવાથી એના પર ઘણી ગંદકી ચોંટી શકે તેથી તેને યુઝ કરતાં પહેલાં નળ નીચે બરાબર ધોઈ લેવી જોઈએ. કાપ્યા પછી એને તરત ખાઈ લેવી જોઈએ.

બરાબર પાકી ન હોય ત્યાં સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખો, પણ પાકે પછી બહાર ન રાખવી જોઈએ.

ફળ કોઈ પણ હોય કાપીને ફ્રિજમાં મૂકી રાખવું યોગ્ય નથી, કાપીને તાજું જ ખાઈ લો.

આ પણ વાંચો : યોગ કરવા જતાં ગળાની નસ ફાટી ગઈ અને સ્ટ્રોક આવ્યો

ઉનાળામાં ખાસ ખાઓ

આયુર્વેદિક ડૉક્ટરોનું કહેવું છે કે તરબૂચ ગ્રુપનાં ફળો કે જે જળતત્વ ધરાવતાં હોય છે એ ઉનાળામાં થાય છે અને ઉનાળામાં આ ફળો ખાસ ખાવાં જોઈએ, કારણ કે જો ઉનાળામાં પાણી ઓછું પીવાય તો પણ એમાંના જળતત્વને લીધે ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આ ગ્રુપનાં ફળોમાં ફાઇબર ભરપૂર હોવાથી પેટ ભરાઈ જાય છે અને સુગર લેવલ પણ જળવાઈ રહેવાથી ડીહાઇડ્રેશન નથી થતું. એક દિવસમાં એક સક્કરટેટી ખાઓ તો કોઈ વાંધો નથી.

કોણે ન ખાવી?

પોટૅશિયમની માત્રા એમાં ઘણી વધારે હોવાથી જે લોકોને પોટૅશિયમવાળો ખોરાક ન લેવાનો હોય તેમણે ન ખાવી.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 11:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK