હેલ્થ માટે એક્સરસાઇઝ ન કરવી એ સ્મોકિંગ કરવા જેટલું ભયાનક છે

Published: 26th November, 2014 05:08 IST

બ્રિટનમાં દર ૬ મૃત્યુમાંથી એક મૃત્યુ પાછળ બેઠાડુ જીવન અને એક્સરસાઇઝ ન કરવી એ બન્ને કારણ જવાબદાર હોય છે. નિષ્ણાતના મત મુજબ ભારતમાં પણ આ જ પરિસ્થિતિ છે. દરરોજની ૪૦ મિનિટની વૉક કે અઠવાડિયાની અઢીથી ત્રણ કલાકની એક્સરસાઇઝ વ્યક્તિને ઓબેસિટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ ડિસીઝ, ડિપ્રેશન, હાડકાં કે સ્નાયુઓના પ્રૉબ્લેમથી બચાવી શકે છે
જિગીષા જૈન


આપણે સતત ૨૪ કલાક બિઝી રહીએ છીએ. કોઈની પાસે કોઈ વસ્તુ માટે જાણે સમય જ નથી. પરંતુ છતાં આપણે ઍક્ટિવ લાઇફ જીવીએ છીએ એવું ન કહી શકાય પછી એ કામ કરનારા લોકોની ઑફિસ કે દુકાનની બેઠાડુ જિંદગી હોય કે એક ગૃહિણીની ઘરમાં કામવાળાના રાજમાં બિઝી છતાં શ્રમરહિત ચાલતી જિંદગી હોય. બધા બિઝી તો છે, પરંતુ ઍક્ટિવ નથી. આ બિઝી હોવામાં અને ઍક્ટિવ હોવામાં જે ફરક છે એ ફરક આપણા બધાની હેલ્થ પર ખૂબ જ અસર કરી રહ્યો છે. ટીવી સામે ૨-૩ કલાક આપણા નીકળી જાય છે, ક્યાંય પણ બહાર નીકળો તો રિક્ષા કે ગાડીની સહુલિયત છે, શાકભાજીથી માંડીને દરરોજની પૂજાનાં ફૂલ પણ ખરીદવા જવાની જરૂર પડતી નથી. બધું ઘરે હોમ ડિલિવરીમાં મળી જાય છે. આવી સહુલિયતોથી ભરેલી જિંદગીમાં જો હેલ્થ સારી રાખવી હોય તો એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. આપણામાંથી કેટલા લોકો હશે જે દરરોજ ૪૦ મિનિટની વૉક પર જતા હશે અથવા કેટલા એવા હશે જે અઠવાડિયામાં ૩ દિવસ એક્સરસાઇઝ માટે કાઢતા હશે? મોટા ભાગના લોકો એક જ બહાનું આપશે કે સમય જ નથી મળતો. આજે જોઈએ કે આ બહાનું વ્યક્તિને કેટલું ભારે પડી શકે એમ છે.

તાજેતરમાં બ્રિટનની સરકારે પોતાના દેશમાં આંકડાઓ તપાસતાં ખબર પડી કે બ્રિટનમાં ૬ મૃત્યુમાંથી એક મૃત્યુ પાછળનું કારણ એક્સરસાઇઝની કમી અને ઇનૅક્ટિવિટી એટલે કે બેઠાડુ જીવન છે. તેમણે માન્યું કે એક્સરસાઇઝ ન કરવી એ સ્મોકિંગ કરવા જેટલું જ ભયાનક છે, કારણ કે બ્રિટનમાં એક વર્ષમાં ૮૪,૫૦૦ મૃત્યુ સ્મોકિંગને કારણે થયાં છે અને એટલાં જ મૃત્યુ પાછળનું કારણ આ બેઠાડુ જીવન છે; કારણ કે બેઠાડુ જીવન બીજા ઘણા રોગોને આવકારે છે અને એ રોગોને કારણે વ્યક્તિ મૃત્યુ તરફ ધકેલાય છે. એવા કેટલાક રોગો છે જે થવા પાછળનાં કારણોમાં બેઠાડુ જીવન અને એક્સરસાઇઝ ન કરવી એ જ મૂળ કારણ છે અથવા તો કહી શકાય કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે તેમને આ રોગ થવાની શક્યતા નહીંવત્ હોય છે. એક્સરસાઇઝ ન કરવાથી વ્યક્તિને મેટાબોલિક ડિસઑર્ડરનો સામનો કરવો પડે છે. આ મેટાબોલિક ડિસઑર્ડર થવા પાછળનું મૂળભૂત કારણ ઓબેસિટી અને સ્પેસિફિક કહીએ તો સેન્ટ્રલ ઓબેસિટી જવાબદાર છે. જે લોકો એક્સરસાઇઝ ન કરતા હોય તેમના શરીરમાં ફૅટ્સ વધારે બને અને એ મોટા ભાગે શરીરના વચ્ચેના ભાગમાં એટલે કે પેટ પાસે જમા થાય જેને કારણે ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવા રોગ થાય છે અને આ બન્ને રોગ હાર્ટ ડિસીઝ માટે પણ જવાબદાર બને છે. આપણા દેશમાં હાર્ટ-અટૅકથી મરતા લોકોની સંખ્યા ચિંતાજનક છે. આમ બેઠાડુ જીવન અને એક્સરસાઇઝની કમી વ્યક્તિને મૃત્યુ સુધી ખેંચી જતાં હોય છે.

બીજા રોગો

મેટાબોલિક સિન્ડ્રૉમના રોગો જેમ કે ઓબેસિટી, બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હાર્ટ ડિસીઝની સાથે-સાથે બીજા પણ કેટલાક રોગો છે જે બેઠાડુ જીવન અને સ્થૂળતાને કારણે થાય છે. જેમ કે બેઠાડુ જીવન જીવનારી વ્યક્તિને ડિપ્રેશન થવાની શક્યતા પણ ખૂબ વધારે છે. આ માનસિક રોગ પાછળ શારીરિક ઇનૅક્ટિવિટી જવાબદાર છે, કારણ કે જ્યારે તમે ફિઝિકલી ઇનૅક્ટિવ રહો છો ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થતું નથી અને લોહીની નળીઓ પર એની અસર પડે છે જે વ્યક્તિને ડિપ્રેશન થવા માટે મુખ્ય કારણ છે. વળી ડાયાબિટીઝના દરદીને પણ ડિપ્રેશન થવાની શક્યતા વધારે હોય છે. આમ બેઠાડુ જીવનને કારણે ડાયાબિટીઝનો ભોગ બનતી દરેક વ્યક્તિને ડિપ્રેશન થવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત બીજા રોગોમાં સાંધા અને હાડકાના રોગ મુખ્ય છે જે વિશે જણાવતાં બોરીવલીના ઑર્થોપેડિક સજ્ર્યન પિનાકીન શાહ કહે છે, ‘જેટલાં આપણે શરીરનાં હાડકાં અને સાંધાને કામમાં ન લઈએ એટલાં એ નકામાં બનતાં જાય છે. શરૂઆતથી જ એટલે કે નાના બાળક હોય ત્યારથી જ ઍક્ટિવ રહેવું હાડકાં અને સાંધાઓ માટે ખૂબ જ અગત્યનું છે. દરેક વ્યક્તિની ઉંમર થાય એટલે હાડકાં ઘસાવાનાં ચાલુ થાય જ છે. છતાં એક ૮૦ વર્ષની વ્યક્તિ ટટ્ટાર ચાલી શકે છે જ્યારે બીજી ૬૦ વર્ષની વ્યક્તિને ઘૂંટણના ઑપરેશનની કેમ જરૂર પડે છે? એની પાછળનું રહસ્ય એક્સરસાઇઝ છે.’

હાઇટ વધે?

ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ નિશ્ચિત રોગો પર એક્સરસાઇઝનો શું ફાયદો થાય છે.

એક્સરસાઇઝ કરવાથી હાર્ટબીટ્સ વધે છે. હાર્ટ પણ આખરે એક સ્નાયુ છે જેને એક્સરસાઇઝની જરૂર પડે છે. ચાલવાથી કે એક્સરસાઇઝ કરવાથી હાર્ટ સ્ટ્રૉન્ગ બને છે.

લોહીની નળીઓ જ્યારે સૉફ્ટ હોય ત્યારે એ ગમે તેટલું પ્રેશર સહી શકે છે. આ નળીઓને સૉફ્ટ રાખવાનું કામ એક્સરસાઇઝ કરે છે, કારણ કે એક્સરસાઇઝ કરવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ સારું થાય છે. ૪૦ મિનિટ ચાલવાની શરીરમાં અસર બ્લડ-પ્રેશરની એક ગોળી લીધા જેટલી હોય છે.

આ ઉપરાંત ડાયાબિટીઝના પેશન્ટ જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે એ ફૅટને બાળે છે અને કૅલરીઝ ઘટાડે છે. જે સ્નાયુઓનો એક્સરસાઇઝ કરવા માટે તે ઉપયોગ કરે છે એ સ્નાયુઓ એનર્જી‍ માટે લોહીમાંની શુગરનો ઉપયોગ કરે છે જેનાથી ઑટોમૅટિક બ્લડ-શુગરનું પ્રમાણ ઘટી જાય છે.

આ રોગ થયા પછીના જ ફાયદા નથી. જો પહેલેથી જ એક્સરસાઇઝ કરવામાં આવે તો આ રોગ થવાની શક્યતા જ ઘટી જાય છે.

જે લોકો વહેલામાં વહેલા નાનપણથી અને મોડામાં મોડા ૩૦ વર્ષની ઉંમરથી અઠવાડિયાના અઢી કલાક એક્સરસાઇઝ કરે છે તેમને જિનેટિકલી પણ ડાયાબિટીઝ કે બ્લડ-શુગર થવાની શક્યતા વધુ હોય તો પણ એ નહીંવત્ થઈ જાય છે. એટલે કે જેમના પરિવારમાં આ રોગો હોય તેઓ પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરે તો આ રોગ થવાની શક્યતા સાવ ઘટી જાય છે.

જે લોકો ઍક્ટિવ જિંદગી જીવે છે એવું તેમને લાગે છે તેમના માટે પણ દિવસની ૪૦ મિનિટની વૉક અથવા અઠવાડિયાની અઢીથી ત્રણ કલાકની એક્સરસાઇઝ ખૂબ જ આવશ્યક છે. જે લોકો ઉંમરને કારણે ચાલી શકતા નથી અથવા કોઈ ને કોઈ માંદગીને કારણે તેમની ફિઝિકલ મોબિલિટી ઓછી થઈ ગઈ છે તેવા લોકો સિવાય બધા જ લોકો માટે આ નિયમ લાગુ પડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK