Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે થાઇરૉઇડ હૉર્મોન્સ જરૂર કરતાં વધી જાય ત્યારે

જ્યારે થાઇરૉઇડ હૉર્મોન્સ જરૂર કરતાં વધી જાય ત્યારે

27 December, 2018 12:52 PM IST |
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જ્યારે થાઇરૉઇડ હૉર્મોન્સ જરૂર કરતાં વધી જાય ત્યારે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉંમર અને શરીરમાં આવતા ફેરફારોને આપણે રોકી શકવાના નથી, પરંતુ માનસિક હેલ્થની કાળજી ચોક્કસ લઈ શકીએ છીએ. આ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ પાછળ ખોટી લાઇફ-સ્ટાઇલ પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. આપણો બદલાયેલો ખોરાક, પૂરતી અને ગાઢ ઊંઘનો અભાવ, વધતું પૉલ્યુશન, એક્સરસાઇઝ વગરનું બેઠાડુ જીવન આ બધું જ આપણા શરીરના બંધારણને જડમૂળથી અસર પહોંચાડે છે. મહત્વનું એ છે કે એ બંધારણને અનુકૂળ આવે એ મુજબની લાઇફ-સ્ટાઇલ તમે અપનાવો તો શરીર એકદમ જ સ્વસ્થ રહે અને જે ઇમ્બૅલૅન્સ થયું હોય એ બધું બૅલૅન્સ થઇ જાય તો આવેલા રોગ પણ પાછા જતા રહે છે.

હાઇપરથાઇરૉડિઝમ થાઇરૉઇડ હૉર્મોનને લાગતો રોગ છે. આપણા શરીરમાં થાઇરૉઇડ નામની એક ગ્રંથિ છે જેમાં થાઇરૉઇડ હૉર્મોનનો સ્રાવ થાય છે અને એનો સંગ્રહ પણ. થાઇરૉઇડ હૉર્મોન શરીરના દરેક કોષના કાર્ય માટે અનિવાર્ય છે. એ ધબકારાને કાબૂમાં રાખે છે, બ્લડ-પ્રેશરને જાળવી રાખે છે, શરીરનું તાપમાન એકસમાન રાખે છે. શરીરના મેટાબૉલિઝમ એટલે કે પાચનપ્રક્રિયામાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એ બાળકોમાં મુખ્યત્વે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હૉર્મોન છે. આ હૉર્મોનનું પ્રમાણ ઘટી જાય એ રોગને હાઇપોથાઇરૉડિઝમ કહે છે અને જો પ્રમાણ વધી જાય તો રોગને હાઇપરથાઇરૉડિઝમ કહે છે. હાઇપોથાઇરૉડિઝમ વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે, પરંતુ હાઇપરથાઇરૉડિઝમ પણ એક એવો રોગ છે જેના વિશે સાવચેત રહેવું જરૂરી છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની તકલીફ એક એવી તકલીફ છે જે શરીરનું બૅલૅન્સ ખોરવે છે. એની સામે જો આ બૅલૅન્સ પાછું લાવવામાં આવે તો હૉર્મોન્સનો પ્રૉબ્લેમ ઠીક પણ થઈ શકે છે. આજે સમજીએ હાઇપરથાઇરૉઇડના પ્રૉબ્લેમને.

કોને થઈ શકે?

આ પ્રૉબ્લેમ કોને થઈ શકે છે? આ પ્રશ્નના જવાબમાં ર્ફોટીસ હૉસ્પિટલ, મુલુંડના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સોનલ કુમટા કહે છે, ‘એ વાત ચોક્કસ છે કે સ્ત્રીઓમાં થાઇરૉઇડનો પ્રૉબ્લેમ પુરુષોના પ્રમાણમાં ઘણો વધારે જોવા મળે છે. આ સિવાય ડાયાબિટીઝ જેવા ઑટોઇમ્યુન ડિસઑર્ડર જેને હોય, થાઇરૉઇડ એરિયામાં જેણે રેડિયેશનની ટ્રીટમેન્ટ લીધી હોય, વંશાનુગત એટલે કે ઘરમાં કોઈને આ પ્રૉબ્લેમ હોય તો પ્રેગ્નન્સી કે મેનોપૉઝ દરમ્યાન આવતા હૉર્મોનલ બદલાવોને કારણે થાઇરૉઇડ થવાની શક્યતા રહે છે. જુવાન સ્ત્રી કરતાં મેનોપૉઝલ સ્ત્રીઓમાં હાઇપરથાઇરૉડિઝમનું રિસ્ક વધુ રહે છે.’

સ્ત્રીઓમાં તકલીફ વધુ

ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જા‍યા કરતું હોય છે. આ ઇમ્બૅલૅન્સ પાછળ ઘણાં જુદાં-જુદાં પરિબળો કામ કરતાં હોય છે. એ વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘નાના-નજીવા ફેરફારો હૉર્મોન્સમાં આવ્યા જ કરતા હોય છે. આ ફેરફારો મોટા ભાગે ઉંમર અને પરિસ્થિતિ સંબંધિત હોય છે, પરંતુ એ કોઈ રીતે નુકસાનકારક હોતા નથી. જ્યારે-જ્યારે શરીર કોઈ મોટા ફેરફારોમાંથી પસાર થાય છે ત્યારે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જા‍વાની શક્યતા ઘણી વધારે રહે છે. જેમ કે સ્ત્રી માસિકમાં બેસવાનું શરૂ થાય, પ્રેગ્નન્સી આવે, મેનોપૉઝ આવે આવા સમયે મોટા પ્રમાણમાં હૉર્મોનલ બદલાવો આવે છે. આ સમયે અમુક પ્રકારનાં એવાં ઇમ્બૅલૅન્સ સર્જા‍ઈ શકે છે જે શરીરમાં રોગને આવકારે છે. આ સિવાય ઇમોશનલ સ્ટ્રેસ પણ અહી મહત્વનો ભાગ ભજવે છે. માનસિક હેલ્થ જો ડામાડોળ હોય તો ચોક્કસ એને કારણે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થાય છે.’

લક્ષણો ઓળખવાં અઘરાં

હાઇપરથાઇરૉડિઝમનાં લક્ષણો ઘણાં કૉમન છે એટલે ઘણી વાર બીજા રોગો સાથે એટલાં મળતાં આવે છે કે થાઇરૉઇડનો પ્રૉબ્લેમ છે એવું તરત ઓળખી શકાતું નથી. જો ખૂબ માઇલ્ડ હાઇપરથાઇરૉડિઝમ હોય તો બને કે કોઈ લક્ષણો જ ન દેખાય. જોકે તકલીફ વધે તો એ લક્ષણો એવાં હોય છે જે વ્યક્તિને અક્ષમ બનાવી દે છે. થાઇરૉઇડ ગ્રંથિ કેટલા પ્રમાણમાં હૉર્મોન બનાવી રહી છે, કેટલા સમયથી આ પ્રૉબ્લેમ છે અને તમારી ઉંમર શું છે એ ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને વ્યક્તિના શરીરમાં લક્ષણો જોઈ શકાય છે. નીચેનામાંથી કોઈ પણ લક્ષણ જો તમને હોય તો તરત જ ડૉક્ટરને મળવું અને થાઇરૉઇડ ચેક કરાવવું જોઈએ.

રોગની હાડકાં પર અસર

એક રિસર્ચ અનુસાર જે વ્યક્તિને હાઇપરથાઇરૉડિઝમ હોય તેને હિપ અને સ્પાઇન જેવું કોઈ પણ પ્રકારનું ફ્રૅક્ચર થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. હાઇપરથાઇરૉઇડ અને હાડકાં વચ્ચેના સંબંધ વિશે સમજાવતાં બોરીવલીના ઑર્થોપેડિક સજ્યર્નધ ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘થાઇરૉઇડમાં શરીરનો મેટાબોલિક રેટ ઘણો વધી જાય છે અને વજન ખૂબ જ ઘટી જાય છે. શરીરને આ પ્રકારનો જે ઘસારો લાગે છે એને કારણે હાડકાંને અસર થાય છે. આ રોગમાં કૅલ્શિયમ અને બીજાં મિનરલ્સ હાડકાં સુધી પહોંચાડવાનું મુશ્કેલ બની જાય છે જેથી ઑસ્ટિઓપોરોસિસ જેવા રોગોનું રિસ્ક પણ વધી જાય છે. જોકે એવું જરૂરી નથી કે દરેક હાઇપરથાઇરૉડિઝમના દરદીને હાડકાંનો પ્રૉબ્લેમ થાય જ. દરેક દરદી પર એની અસર જુદી-જુદી હોઈ શકે છે.

ઇલાજ જરૂરી

આ રોગનો ઇલાજ અત્યંત જરૂરી છે એ વાત પર ભાર મૂકતાં ડૉ. સોનલ કુમટા કહે છે, ‘જો હાઇપરથાઇરૉડિઝમનો ઇલાજ કરાવવામાં ન આવે તો જીવન જોખમમાં મુકાઈ શકે છે. અનિયમિત ધબકારાને કારણે હાર્ટફેઇલ થઇ શકે છે. ગુસ્સા, કન્ફ્યુઝન, જાગૃતિનો અભાવ, રેસ્ટલેસનેસને કારણે માનસિક હાલત ખરાબ થઈ શકે છે. આ રોગને કારણે સ્ત્રી ઇન્ફર્ટિલિટીનો શિકાર બની શકે છે. આ સિવાય જો પ્રેગ્નન્સી દરમ્યાન આ પ્રૉબ્લેમ આવે તો તેને મિસકૅરેજ, નિયત સમય પહેલાં બાળકનો જન્મ, માનસિક રીતે વિકલાંગ બાળક, જન્મ સમયે મૃત બાળક જેવા પ્રૉબ્લેમ્સ નડી શકે છે. યોગ્ય એ છે કે દરેક સ્ત્રી પોતાનાં લક્ષણોને ઓળખે અને ટેસ્ટ કરાવતી રહે. પ્રેગ્નન્સીની તકલીફો ટાળવા માટે બાળક પ્લાન કરે એ પહેલાં જ થાઇરૉઇડની ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો એમાં કંઈ ગરબડ આવે તો પહેલાં ઇલાજ કરાવડાવીને પછી બાળક પ્લાન કરી શકે છે. સતર્કતા અને સાવચેતી થાઇરૉઇડ ડિસીઝને કારણે થતા પ્રૉબ્લેમ્સથી બચવાના ઉપાયો છે.’

ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સોનલ કુમટા પાસેથી જાણીએ હાઇપરથાઇરૉડિઝમનાં લક્ષણો

જેને થાઇરૉઇડ વધે તેને ગૉઇટર નામનો રોગ થઈ શકે છે. એમાં ગળા પાસે ફૂલેલી ગાંઠ જેવું દેખાય છે.

જ્યારે વ્યક્તિના શરીરમાં થાઇરૉઇડ નામનો હૉર્મોન વધી જાય કે ઘટી જાય એ બન્ને પરિસ્થિતિમાં વ્યક્તિનું પ્રારંભિક લક્ષણ થાક જણાય છે. થાઇરૉઇડ જ્યારે વધી થાય શરીરમાં ત્યારે શરીરનું દરેક અંગ ખૂબ વધારે ઝડપથી કામ કરવા લાગે છે. એને કારણે વ્યક્તિને સતત થાકનો અનુભવ થયા કરે છે

માનસિક રીતે ડર, નર્વસનેસ અને સતત બેચેની અનુભવાય છે.

પેટમાં પાચનને લગતી કોઈ સમસ્યા લગભગ હંમેશાં માટે રહેતી હોય છે. મોટા ભાગે ડાયેરિયાનો પ્રૉબ્લેમ થતો રહેવો.

બેચેનીને કારણે ઊંઘમાં સતત ખલેલ પહોંચતી હોય છે. ઊંઘ જલદી આવતી પણ નથી.

આંખમાં બેતાળાં આવી શકે છે.

વાળ બરડ અને પાતળા થઈ જાય છે અને મૂળમાંથી ખરતા રહે છે.

ચામડી એકદમ પાતળી થઈ જવી.

ખાસ કરીને ઉંમરલાયક દરદીઓમાં ધબકારા અનિયમિત થઈ જાય છે.

ધબકારા ખૂબ વધી જાય છે. એક મિનિટમાં ૧૦૦ જેટલા પણ ધબકારા વધી શકે છે.

માસિકચક્ર અનિયમિત થઈ જાય છે. સ્રાવ ઘટી જાય છે અથવા પિરિયડ્સ ઘણા મોડા આવે.

સ્નાયુઓ ઘણા નબળા પડી જાય. ખાસ કરીને જાંઘ અને હાથના સ્નાયુઓ ખૂબ નબળા પડી જાય છે.

નખનો વિકાસ ખૂબ વધારે ઝડપી થવા લાગે છે.

શરીરમાં કે ખાસ કરીને હાથમાં ધ્રુજારી આવવી.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 12:52 PM IST | | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK