2019 નોવેલ કોરોના વાઇરસને નાથવા શું થઈ શકે?

Published: Feb 03, 2020, 17:26 IST | Sejal Patel | Mumbai

આ ખાસ વાઇરસની ઉત્પત્તિસ્થાન ચીનના વુહાનમાં છે, પરંતુ એની અસરો ડઝનબંધ દેશોમાં પહોચી છે અને ભારત પણ એમાંનું એક છે. કે

કોરોના વાઇરસ
કોરોના વાઇરસ

આ ખાસ વાઇરસની ઉત્પત્તિસ્થાન ચીનના વુહાનમાં છે, પરંતુ એની અસરો ડઝનબંધ દેશોમાં પહોચી છે અને ભારત પણ એમાંનું એક છે. કેરળમાં આજે બીજો કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નોંધાયો છે અને વુહાનના ભારતીય વિદ્યાર્થીઓને ભારત લવાયા છે ત્યારે આ વાઇરલ ઇન્ફેક્શનના મામલે પૅનિક ફેલાઈ શકે છે. ખોટો હાઉ પેદા ન કરતાં આ વાઇરસ વિશે જાણવા જેવું જાણીને પ્રિકોશન લઈએ એમાં જ ડહાપણ છે.

થોડા દિવસ પહેલાં મુંબઈમાં પણ કોરોના વાઇરસના ચેપની શંકા સાથે બાર જણને અન્ડરઑબ્ઝર્વેશન રાખવામાં આવેલા અને કેરળના ત્રિસૂરમાં તો એક મેડિકલ સ્ટુડન્ટને આ વાઇરસનું ઇન્ફેક્શન હોવાનું પણ સાબિત થયું હતું. આજે અલપુઝાની મેડિકલ યુનિવર્સિટીમાં ચીનથી આવેલા બીજા એક દરદીમાં પણ આ વાઇરસના પૉઝિટિવ લક્ષણો દેખાયાં છે. વુહાનમાં વાઇરલ ઇન્ફેક્શનને કારણે સર્જાયેલી કટોકટીના સમાચારો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે ત્યારે દરેક લોકોના મનમાં ફડકો પેંસી જાય એ સ્વાભાવિક છે. એવા સમયે એક જાગ્રત નાગરિક તરીકે આપણે શું કરવું? એ વિશે અમે કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના વાઇરલ રોગોના નિષ્ણાત ડૉ. ફાલ્ગુની પરીખ સાથે વાત કરી. આ વાઇરસ શું છે, એનો ચેપ કઈ રીતે ફેલાય છે, એને અટકાવવા શું કરવું અને એની સારવારમાં શું થઈ શકે છે એ તમામ વિશે આજે જાણીએ.

પૅનિક નહીં, સતર્કતા

કોઈ પણ ચેપી રોગ થાય એ પછી શું કરવું એની ચિંતા કરવાને બદલે જ્યારે રોગચાળો હોય ત્યારે પ્રિવેન્શન માટે શું કરવું એ જાણી લેવું જરૂરી છે. ડૉ. ફાલ્ગુની પરીખ કહે છે, ‘આ સમયગાળામાં બને ત્યાં સુધી વિદેશોમાં ટ્રાવેલ ન કરવું. ખાસ કરીને જ્યાં આ ચેપનો ઉદ્ભવ થયો છે એની આસપાસના વિસ્તારો. જસ્ટ ફરવા માટેની ટ્રિપ્સ હોય તો એને ટાળવી. અર્જન્ટ કામ વિના જ્યાં આ રોગનો ચેપ ફેલાયેલો છે એવા વિસ્તારોમાં ફરવા જવાનું ટાળવું. ધારો કે કામસર થવાનું થાય તો માસ્ક પહેરવો અને કોઈને પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય તો એનાથી દૂર રહેવું. વારંવાર હૅન્ડવૉશ કરવાનું અને હાઇજીનનું પ્રૉપર ધ્યાન રાખવું. ટ્રાવેલ દરમ્યાન સહેજ પણ તાવ-શરદી કે ખાંસી જેવું લાગે તો જાતે દવાઓ કરીને કન્ટ્રોલ લાવવાની કોશિશ કરવાને બદલે સ્થાનિક મેડિકલ ઑથૉરિટીને ઇન્ફૉર્મ કરવું. એમ કરીને તમે તમારી પોતાની સેફ્ટી તો કરો જ છો અને જો તમને ચેપ લાગ્યો હોય તો બીજાને એની અસર ન થાય એમાં પણ મદદગાર બની શકો છો.’

લક્ષણો બહુ જુદાં નથી

કોરોના વાઇરસનાં લક્ષણો સામાન્ય ફ્લુના ચેપ જેવાં જ છે એટલે શરૂઆતમાં એની ખબર ન પણ પડી શકે. શરદી-ખાંસી અને તાવ એ સૌથી પ્રાથમિક લક્ષણ છે એમ જણાવતાં ડૉ. ફાલ્ગુની પરીખ કહે છે, ‘આમ જુઓ તો કોરાના વાઇરસના ચેપનાં લક્ષણો જુદાં નથી. તાવ આવે, શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે, શરદીને કારણે છીંકો આવે અને નાક નીતરે. ગળામાં કફને કારણે કશુંક કરડતું હોય એવું લાગ્યા કરે એ સામાન્ય લક્ષણો છે. હવે સમજવાનું એ છે કે આવાં લક્ષણ ધરાવતા દરેકે પૅનિક થઈને હૉસ્પિટલ દોડવાની જરૂર નથી. ક્લિનિકલ લક્ષણો ઉપરાંત એપિડેમિકલ હિસ્ટરી પણ મૅચ થાય તો જ આ બાબતે ચિંતિત થવાનું હોય. એપિડેમિઅલ હિસ્ટરી એટલે પહેલી જાન્યુઆરી પછી ચીનમાં ટ્રાવેલ કર્યું હોય, તમારી આસપાસમાં કોઈ કોરોના વાઇરસનો પેશન્ટ થોડા દિવસ પહેલાં આવ્યો હોય, ચેપી દરદીઓની સારવાર કરતા હેલ્થકેર સેક્ટરમાં કામ કરતા હો તો સામાન્ય ફ્લુ જેવા લક્ષણોને પણ હળવાશથી ન લેવાં. આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ બેથી દસ દિવસનો છે એટલે નજીકના ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ચેપી દરદીઓના સંસર્ગમાં આવવાનું થયું હોય તો અલર્ટ રહેવું પડે. એ જ કારણોસર અત્યારે સામાન્ય ફ્લુના દરદીઓની એપિડેમિઅલ હિસ્ટરી લેવી જરૂરી છે.’

corona

ચેપની ખબર કઈ રીતે પડે?

લક્ષણો દેખાયાં અને તમે ડૉક્ટર પાસે ગયા એ પછી પણ ખરેખર રુટિન વાઇરલ ઇન્ફેક્શન છે કે કોરોના વાઇરસનું એ નક્કી કરવાનું સરળ નથી. આ માટે ખાસ ટેસ્ટ કરવામાં આવે છે જે હાલમાં માત્ર પુણેમાં જ થાય છે એમ જણાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે, ‘પહેલાં તો એ સમજીએ કે કોરોના વાઇરસ એ એક જ વાઇરસ નથી. એના ઘણા પ્રકાર છે. સાર્સ અને મર્સ જેવા વાઇરસ આ પહેલાં આવી ગયા એ પણ એક પ્રકારના કોરોના વાઇરસ જ હતા. હાલમાં જેનો રોગચાળો ફાટ્યો છે એ નવો છે. ૨૦૧૯માં ચીનના વુહાનમાં પહેલી વાર જોવા મળ્યો હોવાથી એનું નામ પડ્યું છે ૨૦૧૯ નોવેલ કોરોનાવાઇરસ. અત્યાર સુધીમાં શોધાયેલા વાઇરસ કરતાં આ સાવ જુદો જ છે અને એની તપાસ ઇન્ડિયામાં હાલમાં માત્ર પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વીરોલૉજીમાં જ થાય છે. એટલે જે પણ શંકાસ્પદ દરદી હોય તેને આ ચેપ છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે દરદીનું સેમ્પલ પુણે મોકલવામાં આવે છે. આ ચેપની તપાસ માટે પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિઍક્શન ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ માટે એક સેમ્પલ ગળામાંથી એક સ્વૉબ લેવાય અને શ્વસનતંત્રના લોઅર ભાગનું બીજું સેમ્પલ લેવા માટે દરદીનો ગળફો લેવામાં આવે. આ સૅમ્પલ લેવાની પણ ખાસ પદ્ધતિ છે એટલે અત્યારે આ રોગના શંકાસ્પદ દરદીઓને સાને ગુરુજી માર્ગ પર આવેલી કસ્તૂરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે. અહીંથી ચોક્કસ ટેક્નિક દ્વારા દરદીના સૅમ્પલ્સ કાઢીને એને પુણે મોકલવામાં આવે છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી દરદીને કસ્તૂરબા હૉસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવે છે જેથી ધારો કે રિપોર્ટ પૉઝિટિવ આવે તો એ વચગાળાના સમય દરમ્યાન એ દરદીથી બીજાને ચેપ ન લાગે. શંકા રુલઆઉટ થાય ત્યાં સુધી આમ કરવું જે-તે દરદી તેમ જ અન્ય નાગરિકો બધા માટે જરૂરી છે.

મેડિકલ જર્નલ્સમાં પબ્લિશ થયેલી ગાઇડલાઇન મુજબ જ્યાં સુધી બે સ્વૉબ ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી દરદીને કમ્પ્લીટ ચેપમુક્ત ન ગણવામાં આવે. ’

ટ્રીટમેન્ટ અને કૉમ્પ્લિકેશન્સ કેવાં?

સામાન્ય વાઇરલ ફીવર હોય તો સાતથી દસ દિવસમાં રિકવરી જોવા મળે છે, જ્યારે આ વાઇરસમાં પણ પ્રૉપર કાળજી રાખવામાં આવે તો વાંધો ન આવે. જોકે આ વાઇરસ પ્રમાણમાં નવો છે એટલે એની બિહેવિયર કેવી હશે એ બાબતે હજી પ્રયોગાત્મક સંશોધનો જ થયાં છે. હજી સુધી આ ચેપની સારવાર શોધાઈ નથી એટલે લક્ષણો મુજબ જ સારવાર આપવી પડે છે એમ સમજાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે, ‘આમાં દરદીનાં લક્ષણો મુજબની સારવાર એ જ એક માત્ર વિકલ્પ હોય છે. તાવ હોય તો પેરાસિટામોલ અપાય. પ્રૉપર હાઇડ્રેશન માટે ફ્લુઇડ જળવાઈ રહે એનું ધ્યાન રખાય. શ્વાસોચ્છ્વાસની તકલીફને કારણે ઑક્સિજન ઓછો મળતો હોય તો માસ્ક દ્વારા ઑક્સિજનની પૂર્તિ કરવાની. જ્યારે દરદીની ઉંમર ખૂબ વધારે હોય અથવા તો અન્ય સિરિયસ કન્ડિશન્સ પણ હોય ત્યારે આ ચેપ જોખમી બની જાય છે. બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટડિસીઝ, હૉર્મોનલ સમસ્યાઓ એમ એક કરતાં વધુ ક્રોનિક સમસ્યાઓ પણ હોય તો કૉમ્પ્લિકેશન્સ થઈ શકે છે. રોગ પ્રતિકારક ક્ષમતા સાવ નબળી પડી જાય તો એઆરડીએસ એટલે કે ઍક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ, સેપ્સિસ કે સેપ્ટિક શૉક જેવી સમસ્યાઓ પેદા થાય. સાદી ભાષામાં કહીએ તો ઇન્ફેક્શનને કારણે લંગ્સની કામગીરી સાવ ખોરવાઈ જાય, એને કારણે બ્લડપ્રેશર લો થઈ જાય અને કિડની કે હાર્ટ જેવાં અત્યંત મહત્ત્વનાં અવયવો પણ ફેઇલ થઈ જાય તો જીવ બચાવવા માટે કટોકટીભરી સ્થિતિ નિર્માણ થાય અને વેન્ટિલેટરની પણ જરૂર પડી શકે. ’

વૅક્સિન હાથવેંતમાં

મેડિકલ સાયન્સ ઘણું ઍડવાન્સ થઈ ગયું છે અને સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ દ્વારા ૨૦૧૯ નોવેલ કોરોનાવાઇરસનું જિનેટિક પ્રોફાઇલ શોધી કાઢ્યું છે એટલે બહુ જલદી એની રસી મળી જાય એવી સંભાવના છે. આ વાઇરસનું જિનેટિક કમ્પોઝિશન બહુ જલદીથી સાયન્ટિસ્ટોના હાથમાં આવી ગયું હોવાથી એની વૅક્સિન બનાવવાનું સરળ રહેશે એવું વર્લ્ડ હેલ્થ ઑર્ગે‌નાઇઝેશનનું કહેવું છે.

અર્જન્ટ કામ વિના જ્યાં આ રોગનો ચેપ ફેલાયેલો છે એવા વિસ્તારોમાં ફરવા જવાનું ટાળવું. ધારો કે કામસર થવાનું થાય તો માસ્ક પહેરવો અને કોઈને પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય તો એનાથી દૂર રહેવું. વારંવાર હૅન્ડવૉશ કરવાનું અને હાઇજીનનું પ્રૉપર ધ્યાન રાખવું. ટ્રાવેલ દરમ્યાન સહેજ પણ તાવ-શરદી કે ખાંસી જેવું લાગે તો જાતે દવાઓ કરીને કન્ટ્રોલ લાવવાની કોશિશ કરવાને બદલે સ્થાનિક મેડિકલ ઑથૉરિટીને ઇન્ફૉર્મ કરવું.

- ડૉ.ફાલ્ગુની પરીખ

આટલું અવશ્ય કરો

આ વાઇરસ રેસ્પિરેટરી ડ્રૉપલેટ્સ દ્વારા ફેલાય છે એટલે શરદી-ખાંસી થઈ હોય તો માસ્ક પહેરીને રાખો. છીંક કે ઉધરસ ખાતી વખતે ડિસ્પોઝેબલ રુમાલ નાક-મોં સામે રાખવો.

દવાખાને કે હૉસ્પિટલમાં જવાનું થાય તો જ્યાં-ત્યાં હાથ લગાવવાનું ટાળો. હાથ વારંવાર ધુઓ અને સ્વચ્છ કપડાંથી સાફ કરો.

વિદેશની ટ્રિપ પરથી આવ્યા હો તો એ પછીના પંદર-વીસ દિવસ ખાસ સાચવો. તાવ-શરદી-ખાંસીને એ સમયે હળવાશથી ન લો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK