Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બરાબર કામ કરે છે તમારા શરીરની ઘડિયાળ?

બરાબર કામ કરે છે તમારા શરીરની ઘડિયાળ?

29 January, 2019 01:37 PM IST |
જિગીષા જૈન

બરાબર કામ કરે છે તમારા શરીરની ઘડિયાળ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણું દૈનિક જીવન ઘડિયાળના ટકોરે કામ કરે છે એમ આપણું શરીર એની પોતાની ઘડિયાળ મુજબ કાર્ય કરે છે. એ ઘડિયાળને કારણે જ આપણને સમય પર ઊંઘ આવે છે અને સમય પર ઊંઘ ઊડી જાય છે અને એટલું જ નહીં, સમય પર ભૂખ પણ લાગે છે. આ શરીરની ઘડિયાળનું નામ છે સર્કાડિયન ક્લૉક અથવા સર્કાડિયન રિધમ. એ કુદરતી દરેક જીવમાં ઉપલબ્ધ હોય છે. જો એ ખોરવાઈ જાય તો હેલ્થ જોખમાય છે

આપણે આપણાં બધાં કામ ઘડિયાળના કાંટે કરતા હોઈએ છીએ. એક ગૃહિણી હોય, એક વિદ્યાર્થી હોય કે એક કામકાજી માણસ દરેક વ્યક્તિ ઘડિયાળના ટકોરે ભાગતી હોય છે. ઑફિસ જવાનો સમય થઈ ગયો, બાળકોના આવવાનો સમય થઈ ગયો, દવા લેવાનો સમય થઈ ગયો, લોકલ પકડવાનો સમય થઈ ગયો. આ બધી જ ઇન્ફર્મેશન આપણને આપણી ઘડિયાળ આપતી હોય છે. હવે જો એક દિવસ એવો વિચારો કે આપણે ઘડિયાળવિહોણા થઈ જઈએ તો? અથવા આપણી ઘડિયાળ બરાબર સમય જ ન બતાવે અને બીજી કોઈ જગ્યાએથી આપણને સમય ખબર જ ન પડે તો? તો આપણું દૈનિક જીવન ખોરવાઈ જાય. કયા સમયે શું કરવું એ સમજાય જ નહીં. આ ઘડિયાળની જેમ જ આપણા શરીર પાસે પણ એક પોતાની ઘડિયાળ છે, જેને સર્કાડિયન ક્લૉક કે સર્કાડિયન રિધમ કહે છે. શરીરમાં ઊંઘ આવવી, ઊંઘ ઊડવી, ભૂખ લાગવી અને શરીરના તાપમાનના નિયંત્રણનું કામ આ ઘડિયાળ કરે છે. એક રીતે સમજીએ તો આપણા જીવનમાં પણ એક રિધમ છે, એક તાલ છે. એ તાલ મુજબ જ આપણે ચાલતા હોઈએ છીએ. જો એ તાલ ખોરવાઈ જાય અથવા તો કહીએ કે એ ઘડિયાળ મુજબ આપણે ન ચાલીએ તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણા લોકોને ઊંઘ આવતી નથી હોતી, આવે તો ખૂબ મોડી આવે, ઘણા લોકોને ઊઠવામાં તકલીફ થતી હોય છે. અલાર્મનું બટન સ્નુઝ થયા જ કરે અને ઊંઘ ઊડે જ નહીં.



લાઇટનું મહત્વ


સર્કાડિયન રિધમમાં મુખ્ય વસ્તુ છે લાઇટ. પ્રકાશ આધારિત આ ઘડિયાળ છે. સૂર્યના પ્રકાશ સાથે આમ તો એ સંકળાયેલી છે, પરંતુ આપણી ટ્યુબલાઇટના પ્રકાશની પણ એ જ અસર થાય છે એના પર. લાઇટ સાથે જોડાયેલી હોવાને કારણે એનો સીધો સંબંધ આંખ સાથે છે. આંખની કીકીમાંથી પ્રકાશ જેવો અંદર દાખલ થાય કે શરીરમાં મેલૅટોનિનનું ઉત્પાદન બંધ થાય જેથી ઊંઘ ઊડે. એ જ રીતે જેમ પ્રકાશ આંખની કીકીમાંથી અંદર જવાનું બંધ થાય એમ શરીરમાં ઊંઘ લાવનાર હૉર્મોન મેલૅટોનિનનું ઉત્પાદન વધે જેને લીધે વ્યક્તિને ઊંઘ આવે અને એ સૂઈ શકે. આ એની મુખ્ય વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા ખોરવાઈ જાય તો વ્યક્તિને સમય પર ઊંઘ ન આવે અને સમય પર ઊંઘ ન ઊડે. શરીરમાં સર્કાડિયન રિધમ કઈ રીતે કામ કરે છે એ વિશે જણાવતાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘મગજમાં હાઇપોથેલૅમસ નામનો એક ભાગ છે જે બૉડીમાં સર્કાડિયન રિધમને જનરેટ કરે છે. આ રિધમ વ્યક્તિનો ખોરાક, ઊંઘનો પ્રકાર, સેક્સ્યુઅલ બિહેવિયર, શરીરનું તાપમાન, હૉર્મોન્સની ઉત્પત્તિ અને એના સ્રાવ માટે જવાબદાર છે. જો આ રિધમ ખોરવાય તો આ દરેક પરિબળને અસર પહોંચે છે અને આપણા શરીરમાં દરેક અંગનું કામ બીજા અંગ પર અસરકર્તા છે જ. આમ જો એક અંગની કાર્યક્ષમતા બરાબર નથી તો બીજા અંગો પર પણ એની અસર થવાની જ છે.’

ઉંમરની અસર


સર્કાડિયન રિધમ વિશે બીજી એક મહત્વની બાબત એ છે કે એ દરેક જીવને લાગુ પડે છે. ઘડિયાળ તો મનુષ્યએ બનાવેલી છે, પરંતુ એ સિવાયનાં પ્રાણીઓ જે કુદરતી ઘડિયાળના સહારે જીવે છે એ આ સર્કાડિયન રિધમ છે. પૃથ્વીવાસી સૂર્ય પ્રમાણે ચાલે છે. એટલે જ 90-95 ટકા જીવ એવા છે જે રાત્રે સૂએ છે અને દિવસે જાગે છે, પરંતુ અમુક જીવ એવા છે જે રાત્રે જાગે છે અને દિવસે સૂએ છે, જેને આપણે નિશાચર કહીએ છીએ. ઘણા લોકો એવા હોય છે જે રાત્રે સોળે કળાએ ખીલેલા હોય છે અને દિવસે એમનામાં જાણે જીવ જ નથી હોતો એટલા થાકેલા અને આળસથી ભરેલા હોય છે. માણસ નિશાચર બનાવવામાં આવ્યા તો નથી, પરંતુ અમુક લોકોમાં જોવા મળતા આ પ્રકારના વર્તન પર ખાસ રિસર્ચ પણ ઉપલબ્ધ નથી. જો તમને એવું લાગતું હોય કે તમે નિશાચરની કૅટેગરીમાં આવો છો તો આ વાતને મનમાં સ્વીકારતાં પહેલાં પ્રયોગ કરો. રાત્રે જલદી સૂઈને દિવસે જલદી ઊઠવાનો પ્રયોગ. જો સતત આવું એક લાંબા ગાળા સુધી કર્યા પછી તમને વધારે સ્પક્ટતા આવશે કે તમે નિશાચર છો કે નહીં. સર્કાડિયન રિધમ પર અસર કરતાં પરિબળોમાં એક મહkવના પરિબળ વિશે વાત કરતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઉંમર પ્રમાણે શરીરની ઊંઘ સંબંધિત જરૂરિયાત બદલાતી રહે છે અને એ રીતે એ સર્કાડિયન ક્લૉક પણ બદલાતી રહે છે. એક નવજાત બાળક 17 કલાક સૂએ છે તો એક ટીનેજરને લગભગ 10 કલાકની ઊંઘ અનિવાર્ય છે. એ જ રીતે એક વયસ્ક વ્યક્તિ 7થી 9 કલાક ઊંઘે છે અને જેમ-જેમ ઉંમર વધતી જાય અને ૫૦ વર્ષ પાર કર્યા પછી ઊંઘ ધીમે-ધીમે ઘટતી જાય છે. એ સમય દરમ્યાન 5-7 કલાકની ઊંઘ થઈ જાય છે. આમ આ રિધમ ઉંમર અનુસાર બદલાતી રહે છે.’

ઊંઘના રોગોનું મૂળ

સર્કાડિયન રિધમ ખોરવાય ગઈ છે એ વાતનો અહેસાસ સામાન્ય રીતે જેટ લેગ વખતે થાય છે. જેમ કે અહીંથી આપણે અમેરિકા જઈએ તો આપણા અને અમેરિકાના સમય વચ્ચે 12 કલાકનો ફરક છે. આપણો સૂવાનો સમય તેમના જાગવાનો સમય હોય છે. માટે લાંબી ફ્લાઇટ પછી જ્યારે તમે અમેરિકા પહોંચો ત્યારે ત્યાં દિવસ હોય તો પણ તમને ઊંઘ આવતી હશે અને રાત્રે જ્યારે ત્યાં બધા સૂઈ ગયા હોય તો તમે એકદમ ફ્રેશ હશો અને તમને ઊંઘ નહીં આવે, કારણ કે તમારા શરીરની ઘડિયાળને બદલતા વાર લાગે. સર્કાડિયન રિધમ ઊંઘના ઘણા રોગોનું મૂળ છે જે સમજાવતાં ડૉ. પ્રીતિ દેવાનાણી કહે છે, ‘ઊંઘને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ્સમાં સર્કાડિયન રિધમનું ડિસ્ટર્બન્સ થોડા-ઝાઝા અંશે જોવા મળે જ છે. ડિલેઇડ સ્લીપ ફેઝ સિન્ડ્રૉમ, ઍડ્વાન્સ સ્લીપ ફેઝ સિન્ડ્રૉમ, શિફ્ટ વર્ક સિન્ડ્રૉમ, જેટ લેગ સિન્ડ્રૉમ, મૂડ ડિસઑર્ડર જેમ કે ડિપ્રેશન કે સીઝનલ અફેક્ટિવ ડિસઑર્ડર વગેરે પ્રૉબ્લેમ્સમાં સર્કાડિયન રિધમનું ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ હોય છે.’

(આવતી કાલે આપણે જાણીશું કે સર્કાડિયન રિધમ ઠીક કરવી હોય તો શું કરવું જોઈએ.)

આ પણ વાંચો : હાઇપરટેન્શનને લઈને તમારી માન્યતાઓ કેટલી સાચી છે એ ચકાસી જુઓ

રિધમ ખોરવાય ત્યારે

ડૉ. પ્રીતિ દેવાનાણી પાસેથી જાણીએ કે સર્કાડિયન રિધમ ખોરવાઈ જાય ત્યારે આવતી તકલીફો વિશે...

1. એ વાત સાચી છે કે સર્કાડિયન રિધમનું મુખ્ય કામ ઊંઘ સાથે જોડાયેલું છે. ઘણા લોકોને લાગે છે કે સર્કાડિયન રિધમ ઉપર-નીચે થાય ત્યારે ફક્ત ઊંઘ પર અસર થાય છે, પરંતુ એ જ તો સમજવા જેવી વાત છે. ઊંઘ એ આપણા જીવનનું એટલું મહત્વનું પાસું છે કે જો એના પર અસર થાય તો સમગ્ર શરીર પર અસર થાય છે.

2. એ રિધમ ઉપર-નીચે થાય ત્યારે ઊંઘ પર અસર થવાને કારણે જ તમારા હૉર્મોન્સનું બૅલૅન્સ ખોરવાય છે, પાચન પર અસર પડે છે અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે.

3. રિધમ ખોરવાય તો એની બીજી અસર પડે છે ભૂખ લાગવા પર જેને લીધે મેટાબૉલિક પ્રૉબ્લેમ એટલે કે પાચનને લગતા પ્રૉબ્લેમ્સ પણ ઘણા વધારે આવે છે. આમાં ખોરાકનો સમય નિશ્ચિત ન હોવાથી શરીરની એનર્જી‍ ઇમ્બૅલૅન્સ થઈ જાય છે, જેને કારણે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી પર અસર થાય છે એથી જ વ્યક્તિને વજનમાં વધારો એટલે કે ઓબેસિટી, ડાયાબિટીઝ જેવા પ્રૉબ્લેમ્સ પણ નડે છે.

4. ઊંઘ અને પાચન સિવાય પણ સર્કાડિયન રિધમનું ડિસ્ટર્બન્સ બીજા ઘણા રોગોને નોતરી શકે છે

5. કાર્ડિયો-વૅસ્ક્યુલર ડિસીઝ, કૅન્સર, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, ઇન્ફ્લૅમેટરી બાઉલ ડિસીઝ, અમુક પ્રકારનાં સ્કિન ઇન્ફેક્શનની સાથે-સાથે કોઈ પણ અંગ જેમ કે કિડની કે લિવરને ડૅમેજ કરવા સુધીની પરિસ્થિતિ આ સર્કાડિયન રિધમના ડિસ્ટર્બન્સને કારણે સર્જા‍ય શકે છે.

6. કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી અને તેના બાળકની હેલ્થ પર પણ આ ડિસ્ટર્બન્સની અસર થાય છે, જેમાં મોટા ભાગે સ્ત્રીને ડાયાબિટીઝ કે હાઇપરગ્લાયસેમિયાની તકલીફ થતી જોવા મળે છે.

7. માટે જો તમારે હેલ્ધી રહેવું હોય તો ઊંઘ સાથે ચેડાં નહીં ચાલે, જેનો સીધો અર્થ એ થયો કે સારું જીવન જીવવું હોય તો તમારી સર્કાડિયન રિધમથી વિરુદ્ધ કંઈ ન કરવું એ જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2019 01:37 PM IST | | જિગીષા જૈન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK