ગર્લ્સ, મોળાકાત કે જયાપાર્વતીનાં અલૂણાં કરતી વખતે આટલું ધ્યાન રાખજો

Published: Jul 01, 2020, 16:39 IST | Bhakti Desai | Mumbai

આ વ્રતમાં બને એટલાં વરાઇટીવાળાં, સીઝનલ અને રંગબેરંગી સિટ્રસ ફળો ખાવાનું રાખશો તો નમકની જરૂરિયાત મહેસૂસ નહીં થાય, કબજિયાત નહીં થાય અને હસતાં-રમતાં ક્યાં પાંચ દિવસ પૂરા થઈ જશે એની ખબર પણ નહીં પડે

વરસાદની ઋતુ શરૂ થાય અને બજારમાં લીચી, પ્લમ્સ, ચેરી જેવાં રંગબેરંગી ફળો દેખાવા લાગે એટલે મોળાકાત અને જયાપાર્વતીના વ્રતની યાદ આવ્યા વગર ન રહે. આજથી શરૂ થતા મોળાકાત અને તેરસથી એટલે કે શુક્રવારથી આરંભ થનારા જયાપાર્વતીમાં છોકરીઓ પાંચ દિવસ અલૂણા ઉપવાસ કરે છે અને માત્ર એક જ વાર રોટલી ખાઈ શકે છે.
ઘણી વાર છોકરીઓને આ વ્રત દરમ્યાન પાંચ દિવસોમાંથી અમુક દિવસો શારીરિક અને માનસિક રીતે ખૂબ નબળાઈ જણાય છે. એવામાં સતત ઊર્જા જાળવી રાખવા અને શરીરમાં સાકર-મીઠાની અછત ન વર્તાય કે બ્લડ-પ્રેશર લો ન થાય એ માટે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફળોમાંથી ફાઇબર અને વિટામિન્સ
મુલુંડમાં રહેતાં આયુર્વેદિક કન્સલ્ટન્ટ, ક્લિનિકલ ડાયટિશ્યન તથા યોગ ઇન્સ્ટ્રક્ટર ડૉ. માનસી પૂજારા વ્રત કરનાર યુવાન છોકરીઓને સંબોધીને કહે છે, ‘અનાજથી શરીરને આખા દિવસ દરમ્યાન કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ પણ મળતાં હોય છે, જેનાથી શરીરમાં ઊર્જા બની રહે છે. પણ અલૂણા ઉપવાસને ધ્યાનમાં રાખતાં બાળકોએ વિટામિન્સ મેળવવા પીચ, પ્લમ્સ, પેર, ચેરી, લીચી, દાડમ, જાંબુ, સફરચંદ આ ફળો વધારે માત્રામાં ખાવાં જોઈએ. આમાં વિટામિન એ, સી અને ફાઇબર રહેલાં છે. ખાટાં-મીઠાં સિટ્રસ ફળો અલૂણા ઉપવાસમાં બહુ કામનાં છે. ઉપવાસને કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાની શક્યતા હોય છે, પણ આ ફળોમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોવાથી આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખા દિવસ દરમ્યાન ઊર્જા પણ બની રહે છે અને શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન થતું નથી.’
કબજિયાત ન થાય એ માટે આટલું કરો
વ્રત દરમ્યાન ઓછું અને નમક વિનાનું ખાવાને કારણે સૌથી મોટી ડિસ્કમ્ફર્ટ કબજિયાતની પેદા થાય છે. આવું થતું હોય તો એ માટે પણ ફળો બેસ્ટ છે એમ જણાવતાં ડૉ. માનસી કહે છે, ‘પીચ, પ્લમ્સ, ચેરી, જાંબુ આ દરેક ફળને ધ્યાનથી જોશો તો એમાં દોરા જેવા રેષા દેખાશે. આ તમામ ફળ ધોઈને છાલ સાથે જ ખાવાનાં હોય છે. દર ત્રણ કલાકે છાલ અને રેષાવાળાં
ફાઇબરથી ભરપૂર ફળો ખાવાથી પેટ ભરેલું રહે છે. એકાદ-બે કલાક ભૂખ નથી લાગતી. એનાથી પેટ પણ સાફ આવે છે. ઉપવાસ દરમ્યાન
શરીરમાં ચરબી ઓછી ઓગળે છે ત્યારે ઍન્ટિઑક્સિડન્ટની ખૂબ જરૂર હોય છે, જે આ રંગબેરંગી ફળોમાંથી મળે છે.’
ચક્કર, ઊલટી અને ઍસિડિટીનું શું?
ખાલી પેટે ઍસિડિટી જેવું લાગતું હોય
તો એને ટાળવા ડૉ. માનસી કહે છે,
‘આયુર્વેદ પ્રમાણે વરસાદની ઋતુમાં ઍસિડિટી વધારે થાય છે અને ઉપવાસથી પણ એ
વધી જતી હોય છે. તેથી ઘણી છોકરીઓને ઉપવાસ દરમ્યાન માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવીને પડી જવું આવી સમસ્યા થતી હોય છે. તેમણે તો ધ્યાન રાખીને દર
બે-ત્રણ કલાકે ફળો ખાવાં જોઈએ જેથી એમાં રહેલા આલ્કલાઇન દ્રવ્યથી ઍસિડિટી નિર્મૂળ થઈ જશે.’

આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું

દર બે-ત્રણ કલાકે ફળોનું સેવન કરવું
પાણીની તરસ ન લાગે તો પણ દર કલાકે પાણી પીવું જોઈએ જેનાથી શરીરમાં પાણીની અછત ન વર્તાય, ચક્કર ન આવે
એક વાર દૂધ પીવું
દિવસમાં એક વાર લસ્સી પીવી
બદામ, અખરોટ, કાજુ આવા સૂકા મેવાનું સેવન સવારે કરવું તથા રાત્રે સૂતી વખતે એનો ભૂકો નાખી દૂધ પીવું. આમાંથી શરીરને જરૂરી તેલ મળી રહે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK