ગાર્સિનિયા કમ્બોજિયા વેઇટલૉસ માટે ખરેખર ઉપયોગી થાય છે ખરા?

Published: 20th November, 2014 05:10 IST

ભારતીય નામ પ્રમાણે ગાર્સિનિયા કમ્બોજિયાને વન આમળા કહે છે જેની કૅપ્સ્યુલ અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં વેઇટલૉસ માટે ખૂબ વેચાય છે. આપણે ત્યાં પણ ઘણી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ એ વેચે છે. નિષ્ણાતોના મતે ડાયટ અને એક્સરસાઇઝના કૉમ્બિનેશન સાથે એને લેવામાં આવે તો જ એનું રિઝલ્ટ સારું મળે છે, ફક્ત ગોળીઓ ખાવાથી અસર દેખાતી નથીgarcinia-cambogia


જિગીષા જૈન

ઓબેસિટી આપણે ત્યાં જ નહીં, સમગ્ર દુનિયા માટે એક મહત્વનો પ્રૉબ્લેમ બની ગઈ છે. ફક્ત સુંદર દેખાવા માટે જ નહીં, શરીરને હેલ્ધી રાખવા માટે પણ વેઇટલૉસ જરૂરી છે. વજન ઉતારવું એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ મુશ્કેલ કામ છે, કારણ કે એમાં અત્યંત ધીરજની જરૂર પડે છે. વેઇટલૉસનો કોઈ શૉર્ટ-કટ નથી. વેઇટલૉસ માટે દરરોજનું નિયમિત સૂવા-ઊઠવાનું શેડ્યુલ, ખાવા-પીવામાં લિમિટ અને ભાવતાં ભોજનોનો ત્યાગ, રેગ્યુલર એક્સરસાઇઝ, વૉકિંગ અને એક ઍક્ટિવ લાઇફ ખૂબ જ જરૂરી છે. એ બધું કરતાં-કરતાં પણ રિઝલ્ટ ધીમે-ધીમે જ મળે છે. આ હકીકત જાણવા છતાં લોકો સતત એવા કોઈ ચમત્કારની લાલચમાં જીવતા હોય છે કે કંઈક એવું કરીએ કે આ વેઇટલૉસની અઘરી અને લાંબી પ્રોસેસ થોડી ટૂંકાઈ જાય. લોકોની આ લાલચને સમજીને ઘણી કંપનીઓ એના ડાયેટરી પ્રોડક્ટ બનાવતી હોય છે જે દાવો કરતા હોય છે કે એ વેઇટલૉસ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંની એક પ્રોડક્ટ છે ગાર્સિનિયા કમ્બોજિયા.

ગાર્સિનિયા કમ્બોજિયાનું ભારતીય નામ વન આમળા છે. આમળા જેવું દેખાતું આ ફળ ભારતમાં જ ઊગે છે. જોકે માર્કેટમાં એ જોવા મળતું કોઈ જાણીતું ફળ નથી. આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચતી એક જાણીતી કંપનીની વેબસાઇટ મુજબ દક્ષિણ ભારત અને પશ્ચિમી ભારતના તટ પ્રદેશમાં એ જોવા મળે છે. આ ફળનું આ મેડિકલ નામ એટલે કે ગાર્સિનિયા કમ્બોજિયા જ્યારે ગૂગલ પર ટાઇપ કરીએ તો અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાની માર્કેટમાં મળતી ગાર્સિનિયા કમ્બોજિયાની બૉટલની તસ્વીરો, એના વિશેના અઢળક વિડિયો અને અસંખ્ય આર્ટિકલ્સ મળી શકે છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર રમત કરનારી કોઈ વ્યક્તિએ બ્રિટનની પ્રખ્યાત બ્રોડકાસ્ટિંગ સર્વિસ ગ્ગ્ઘ્ ન્યુઝના નામની એક નકલી વેબસાઇટ બનાવી. એના પર ગાર્સિનિયા કમ્બોજિયાના પ્રચાર અર્થે એક ન્યુઝ તૈયાર કરેલા જેમાં દર્શાવેલા વિડિયો મુજબ એવું જતાવવામાં આવ્યું કે બ્રિટનમાં ગાર્સિનિયા કમ્બોજિયા પર રિસર્ચ ચાલી રહ્યું છે જેમાં જોવા મળ્યું છે કે આ પ્રોડક્ટની મદદથી તમે એક મહિનામાં તમારા પેટ પરની ચરબી ઓછી કરી શકો છો. વિડિયોમાં એ લોકો ગાજી-ગાજીને કહી રહ્યા હતા કે ભારતમાં ઊગતા એક ફળમાંથી બનતી એક જાદુઈ પ્રોડક્ટ છે જે વેઇટલૉસ માટે ખૂબ જ ઉપયોગી છે. જોકે થોડા સમયમાં ગ્ગ્ઘ્એ આ વાતની સફાઈ આપી કે આ અમારી નહીં, કોઈ ફેક વેબસાઇટના ન્યુઝ છે. પરંતુ એ ફેક વેબસાઇટના ન્યુઝ પરથી એટલી તો ખબર પડી કે કોઈ એક એવી ઇન્ડિયન પ્રોડક્ટ છે જે વિદેશોમાં વેઇટલૉસ માટે ખૂબ જ લોકપ્રિય છે.

ભારતમાં પ્રચલન

પરંતુ શું આ પ્રોડક્ટ વિદેશોમાં જ લોકપ્રિય છે કે પછી ભારતમાં પણ એના વિશે લોકોને માહિતી છે? એના વિશે તપાસ આદરી તો જણાયું કે ગાર્સિનિયા કમ્બોજિયા ભારત માટે કોઈ નવી પ્રોડક્ટ નથી. અહીંની આયુર્વેદિક પ્રોડક્ટ્સ વર્ષોથી ગાર્સિનિયા કમ્બોજિયા વેચે છે. ઘણી સ્લિમ થવાની આયુર્વેદિક દવાઓમાં એક ઔષધી તરીકે ગાર્સિનિયા કમ્બોજિયાનો ઉપયોગ થાય છે. ઘણાં જિમમાં કે ડાયટિશ્યન વેઇટલૉસ માટે લોકોને રેકમેન્ડ કરે છે. મુંબઈમાં ઘણી જગ્યાએ ઘણા સ્ર્ટોસમાં એ સરળતાથી મળે છે. આમ વેઇટલૉસ કરનારા, કરાવનારા ઘણા લોકો આ પ્રોડક્ટથી માહિતગાર છે. જોકે એક સમજવા જેવી વાત એ છે કે આ કોઈ દવા નથી, સપ્લિમેન્ટ છે. કેટલીય ડાયેટરી પ્રોડક્ટસ, અમુક પ્રકારની ગ્રીન ટીમાં પણ એક પ્રોડક્ટ તરીકે ગાર્સિનિયા કમ્બોજિયા વપરાય છે.

ફાયદા

આ વન આમળા તરીકે ઓળખાતાં ફળ જ્યાં મળે છે ત્યાં એનો સીધો ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં એને મન્કી ફ્રૂટ પણ કહે છે. ઘણા લોકો એની છાલનો ઉપયોગ કરે છે, પરંતુ આ ફળના સીધા ઉપયોગ કરતાં એનો સપ્લિમેન્ટ તરીકે જ ઉપયોગ વધારે થાય છે. ગાર્સિનિયા કમ્બોજિયા કઈ રીતે કામ કરે છે એ વિશે જણાવતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એના મુખત્વે બે ફાયદા છે. એ પેટમાં જઈને કાર્બોહાઇડ્રેટ્સનું ચરબીમાં રૂપાંતરણ થતું અટકાવે છે અને બીજો ઉપયોગ એ કે એ ભૂખને સપ્રેસ કરે છે. એટલે કે આ લેવાથી ભૂખ ઓછી લાગે છે અને થોડો ખોરાક ખાધા પછી તરત જ સંતોષ થઈ જાય છે જેથી લોકો વધુ ખોરાક લેતા નથી અને એ રીતે એ વેઇટ લૉસમાં ઉપયોગી છે.’

કેટલું કામનું?

જે લોકોએ આ પ્રોડક્ટ વાપરી છે એમાંથી ઘણા લોકોને નિરાશા મળી છે અને ઘણા લોકોને ફાયદો પણ થયો છે. આવું કેમ થયું છે એ વિશે સ્પક્ટતા કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ગાર્સિનિયા કમ્બોજિયા એ ફાયદેમંદ પ્રોડક્ટ છે, પરંતુ એનો અર્થ એ નથી કે એ કોઈ જાદુઈ પ્રોડક્ટ છે જે લેવાથી ચમત્કાર થઈ જશે અને રાતોરાત તમે દૂબળા થઈ જશો. હકીકત એ છે કે કોઈ એક્સરસાઇઝ કર્યા વગર ડાયટનું ધ્યાન રાખ્યા વગર જો કોઈ ફક્ત ગાર્સિનિયા કમ્બોજિયાની ટૅબ્લેટસ ખાય તો કોઈ ખાસ અસર જણાશે નહીં, પરંતુ વેઇટલૉસના પ્રયત્નોની સાથે-સાથે તમે એ ખાઓ તો ધારો કે એક મહિનામાં આશરે તમારું વજન બે કિલો ઊતરતું હોય એને બદલે ૩ કિલો ઊતરી શકે છે. આમ એનાથી વેઇટલૉસને બળ મળે છે.’

નિષ્ણાતની દેખરેખ હેઠળ

ગાર્સિનિયા કમ્બોજિયાનો ડોઝ દરરોજના કુલ મળીને ૭૦૦ મિલિગ્રામથી લઈને ૧૫૦૦ મિલિગ્રામ સુધી લેવો સેફ ગણાય. જોકે એની ટૅબ્લેટ્સ એકલી ખાઓ એના કરતાં એક ઔષધ તરીકે બીજાં ઔષધો જેમ કે પેપ્રીન, ગ્રીન ટી ઍબ્સ્ટ્રૅક્ટ, મેથી વગેરે સાથે ભેળવીને કોઈ પ્રોડક્ટ બનાવી હોય તો એ વધુ લાભદાયી હોય છે. પરંતુ ગાર્સિનિયા કમ્બોજિયા સાથે એક મોટો પ્રૉબ્લેમ એ છે કે લોકો સીધી એ બૉટલ ખરીદી એના પર લખ્યું હોય એ રીતે એને ખાવા લાગે છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિએ પોતાની જરૂર મુજબ નિષ્ણાતની સલાહ મુજબ જ એના ડોઝ લેવા જોઈએ. વળી ૧ અઠવાડિયાની અંદર જો એની કોઈ સાઇડ ઇફેક્ટ આવે જેમ કે પેટમાં દુખે કે પાચનમાં તકલીફ થાય તો એને તરત જ બંધ કરી દેવી જોઈએ. બજારમાં ગાર્સિનિયા કમ્બોજિયાના નામે ઘણી અલગ-અલગ કંપનીઓ ટૅબ્લેટ્સ વેચે છે જેમાં એક ૧૦૦ રૂપિયાની ૬૦ કૅપ્સ્યુલથી માંડીને ૨૦૦૦ રૂપિયાની ૬૦ કૅપ્સ્યુલ સુધીની બૉટલો મળે છે, જેમાં પૈસાના ફરક સિવાય બીજો કોઈ ફરક નથી હોતો. મહત્વનું એ નથી કે તમે કઈ બ્રૅન્ડ ખરીદો છો, મહત્વનું એ છે કે તમે કોઈ જાણકારની દેખરેખમાં એટલે કે કોઈ જાણકાર આયુર્વેદિક ડૉક્ટર કે પછી ડાયટિશ્યનની સલાહ મુજબ જ પ્રોડક્ટ સિલેક્ટ કરો અને તેમના કહેવા પ્રમાણે ડોઝ લો તો જ એ ફાયદાકારક નીવડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK