તંદૂરી ટ્રેન્ડ, જાણો શું છે આ વાનગીમાં
તંદૂરી મેગી
ફૂડ ફન્ડા
પાકિસ્તાનમાં પણ તંદૂરી ચાનું ઘેલુ લાગ્યું હોવાના સમાચાર આવ્યા છે. જોકે ભઠ્ઠીમાંથી કાઢેલી ધગધગતી કુલ્લડમાં ગરમાગરમ ચા રેડીને સ્મોકી ફ્લેવર સાથેની ચા પીરસતા સ્ટૉલ્સ હવે મુંબઈમાં ઇનથિંગ બની ગયા છે. તમે ચા ન પીતા હો તો પણ એક વાર કુલ્હડમાંથી ઊભરાતી ચા જોવાની મજા પણ લેવા જેવી ખરી : મુંબઈમાં પહેલવહેલી વાર શરૂ થયેલી તંદૂરી મૅગી પણ અમે ચેમ્બુરમાં ટ્રાય કરી એનો અનુભવ પણ જાણવા જેવો છે હોં
ADVERTISEMENT
ગરમીથી તપતી અને ધગધગતી માટી પર જ્યારે પહેલા વરસાદનાં છાંટણાં થાય ત્યારે વાતાવરણમાં માટીની ભીની ખૂશ્બુ પ્રસરી જાય. મુંબઈની ગંદકીમાં તો હવે પહેલા વરસાદમાં માટીની સુગંધ પણ નથી આવતી. અલબત્ત, મિટ્ટીની મહેક નવા લાવેલા માટલાના પાણીમાંથી તમે જરૂર માણી હશે. નવું માટલું વાપરવા કાઢ્યું હોય તો લગભગ પહેલા આઠ-દસ દિવસ તો મસ્ત મીઠી અને માદક સોડમ પાણીમાં હોય. તરસ ન હોય તોય પીધા કરવાનું મન થયા કરે એવું ઠંડુંગાર પાણી મન તરબતર થઈ કરી દે. જોકે ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ઠંડા પાણીની નહીં, પણ હાથમાં ગરમાગરમ ચાની પ્યાલીની ગરજ સાલે. બાલ્કનીમાં આરામખુરસી અથવા હીંચકા પર બેસીને ચાની ચૂસકી માણતાં-માણતાં ખયાલોમાં ખોવાઈ જવાની અને ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે લાંબી સફરમાં અવારનવાર પગ છૂટો કરવાના બહાને પણ હાઇવે પર ચાની ટપરી પર રોકાઈને ચા પી લેવાની મજા જ કંઈક ઑર છે.
આપણને તો ચા પણ પાછી કડક અને પ્રમાણસરની મીઠી જોઈએ. મુંબઈગરા ગુજરાતીઓ જો ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર બાજુ ચા પીએ તો તેમને તો એ ચાસણી જ લાગે એટલી ગળી હોય. દક્ષિણ ગુજરાત બાજુની ચામાં ભારોભાર આદું હોય એટલે કડક, મીઠી ચામાં આદુંની તીખાશ મોં ચોખ્ખું કરી નાખે. જોકે આજકાલ ચામાં નવું આકર્ષણ ઉમેરાયું છે તંદૂરનું. યસ, તંદૂરી ચાય. તંદૂર શેકવાનું કામ કરે છે, જ્યારે ચા આપણે ઉકાળવાની હોય. એવામાં ચા અને તંદૂરની જોડી સાંભળવામાં જરાક વિચિત્ર લાગે એવી છે, પણ અખતરો કરવા જેવો ખરો. તંદૂરમાં સૂકી ચીજો ધીમે-ધીમે શેકીને પકવવામાં આવે છે, જ્યારે ચામાં ખાસ સ્મોકી ફ્લેવર ઉમેરવા માટે તંદૂર વપરાય છે. તમને નવાઈ લાગશે, પણ છેલ્લાં દોઢ-બે વર્ષમાં તંદૂરી ચાનો ટ્રેન્ડ એટલો પૉપ્યુલર થયો છે કે હવે તો મુંબઈમાં ઠેર-ઠેર લગભગ બે ડઝન જેટલાં તંદૂરી ચાના આઉટલેટ્સ ખૂલી ગયાં છે.
એક વરસાદી સવારે ચેમ્બુરના સુભાષનગરના ટી-જંક્શન પાસે તંદૂરી ચા પીવાનો લહાવો મળ્યો. ન ટપરી કહેવાય, ન રેસ્ટોરાં એવો સાવ નાનકડો ચાનો સ્ટૉલ હતો. મોદીજીના વિચાર ‘ચાય પે ચર્ચા’ પરથી પાડેલું હોય એવું સ્ટૉલનું નામ હતું ‘મીટિંગ ઑન કટિંગ’. નેતરનાં ચાર-પાંચ સ્ટૂલ હતાં અને ચારેય દીવાલો પર મસ્તમજાનું ટ્રેન્ડી ડેકોરેશન હતું. માટીની કુલ્હડનો ઢગલો હતો અને ઇલેક્ટ્રિક સગડી પર ચા બનતી હતી. અમે એક ચાનો ઑર્ડર આપીને દુકાનના માલિક દીપક ગવળી સાથે વાતચીતનો દોર ચલાવ્યો. લગભગ ૨૬-૨૭ વર્ષનો યુવાન હતો. બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં લૉજિસ્ટિક્સ કંપનીમાં સારા પગારની નોકરી છોડીને તેણે આ ચાનો સ્ટૉલ નાખેલો. યુટ્યુબ પર તંદૂરી ચાના વિડિયો જોઈને તેણે છ મહિના પહેલાં જ તંદૂર સ્પેશ્યલિટી સ્ટૉલ ખોલ્યો છે. અહીંના મેન્યૂમાં માત્ર ચા જ નહીં, હળદરવાળું તંદૂરી દૂધ, ડ્રાયફ્રૂટ-કેસરનો તંદૂરી ઉકાળો અને તંદૂરી કાશ્મીરી કાવા પણ છે. બાળકો માટે કૉમ્પ્લાન, હૉર્લિક્સ અને ચૉક્લેટ મિલ્ક પણ તંદૂરી સ્ટાઇલમાં મળે છે. જો તમે દૂધવાળી ઊકળેલી ચા ન પીતા હો અને ક્લાસિક ફ્લેવર્ડ ચા પીતા હો તો એના ઑપ્શન્સ પણ અહીં છે. ગ્રીન ટી, મિન્ટ ટી, જાસ્મિન ટી, ડિટૉક્સ ટી, જીંજર ટી, લેમન-હની ટી જેવા ઑપ્શન્સ પણ તંદૂરી સ્ટાઇલમાં છે. અર્લગ્રે અને જૅપનીઝ ક્લાસિક ટીમાં તંદૂરનો સ્વાદ મળી શકે. ચાની સાથે કંઈક કટક-બટક જોઈતું હોય તો બન-મસ્કા, બ્રેડ-બટર અને ચાર-પાંચ ફ્લેવર્સની ફ્રૅન્ચ-ફ્રાઇઝ પણ મળી રહે. મેન્યૂમાં મૅગીનો પણ એક આખો સેક્શન હતો. આઠ-દસ જાતની મૅગી અને એ પણ તંદૂરી! કંઈક નવું ટ્રાય કરીએ એમ વિચારીને અમે એક તંદૂરી વેજિટબલ ચીઝ મૅગીનો ઑર્ડર પણ આપી દીધો. મોટા ભાગે સ્કૂલ અને કૉલેજના સ્ટુડન્ટ્સનો ધસારો વધુ રહે છે એટલે ચીજો એકદમ રિઝનેબલ ભાવે છે. ૧૫ રૂપિયાની ચા અને ૫૦ રૂપિયાની વેજ ચીઝ મૅગી!
એટલામાં ચા બની ગઈ હતી અને હવે ફાઇનલ તંદૂરનો તડકો આપવાનો હતો એટલે ધ્યાન એ તરફ વાળ્યું. દુકાનની છેક પાછળના ભાગમાં એક નાનકડી ભઠ્ઠી જેવું હતું. માટીની ભઠ્ઠીમાં સતત કોલસા સળગી રહ્યા હતા અને એમાં પંદર-વીસ કુલ્હડ શેકાઈ રહ્યા હતા. દીપકે ચીપિયાથી એક કુલડી બહાર કાઢી અને પિત્તળના વાટકામાં મૂકી. એના પર અડધીપડધી ઊકળેલી ચા રેડી. ‘છમ્મ...’ અવાજ સાથે ચા માટીની ધગધગતી કુલડીમાંથી ઊભરારૂપે બહાર આવી. ખરેખર જોવાની મજા પડી જાય એવું દૃશ્ય હતું. અડધી મિનિટ રાખ્યા પછી કુલડીને ચામાં બોળીને કાઢી લીધી અને પછી બીજી માટીની કુલડીમાં કાઢીને અમને પીવા આપી.
હજી તો કુલડી મોં પાસે લઈ જઈએ ત્યાં જ તંદૂરની અત્યંત હળવી સુગંધ આવી. તમે ક્યારેય ખેતરમાં લાકડાના ચૂલા પર બનેલી ચા પીધી છે? એ ચૂલાના સ્મોકવાળી ચા જેવો જ સ્વાદ આ તંદૂરી ચામાં હતો. ચામાં નાખેલી ખાંડ પણ તંદૂરની આગમાં જાણે કૅરેમલાઇઝ થઈને કડક થઈ ગઈ હોય એવું લાગતું’તું. એવામાં ‘તંદૂરમાં નાખેલું કુલ્હડ જેટલું નવું એટલી સોડમ વધુ સારી આવે’ દીપકે અમને જ્ઞાન આપ્યું. એ પછી સમજાયું કે અત્યાર સુધી બીજે પીધેલી તંદૂરી ચામાં આવો સ્વાદ કેમ નહોતો.
જો આંખ બંધ કરીને ‘સર્રરર...સર્રરર...’ સબડકાભેર ચૂસકી લઈએ તો ગામડાના કોઈ ખેતરમાં બનેલી ચા પીધા જેવો ટેસડો પડે. જોકે મારે વિચારોની ગાડી અટકાવવી પડી, કેમ કે બીજી તરફ મૅગી બનવાની તૈયારી પણ થઈ ગઈ હતી. કૅપ્સિકમ, ટમેટાં, ફણસી જેવાં વેજિટેબલ્સ નાખીને મૅગી પકવીને તૈયાર હતી એટલે એમાં ખાસ તંદૂરી તડકો આપવામાં આવ્યો. તંદૂરમાંથી સળગતો કોલસો લઈને એક સ્ટીલની વાટકીમાં મૅગી પર મૂકવામાં આવ્યો અને પછી વઘાર માટેનું એક ચમચી તેલ એના પર છમકાર્યું. કોલસો સહેજ સળગ્યો અને ધુમાડો વધ્યો. તરત જ એના પરનું ઢાંકણ બંધ કરી દીધું જેથી એ ધુમાડો મૅગીમાં ઊતરે. આ ઇનડાયરેક્ટ તંદૂર-તડકો હતો અને પીરસતી વખતે બીજો ડાયરેક્ટ તંદૂરી તડકો અપાયો. જેમ ચાને ધગધગતા કુલ્હડ પર રેડેલી એવી જ રીતે થોડી પાણીવાળી મૅગીને ગરમાગરમ કુલ્હડ પર રેડતાં ફરીથી ‘છમ્મ....’ અવાજ આવ્યો અને મૅગી પણ ઊભરા લઈને બહાર આવવા લાગી...! એના પર ખૂબબધું ચીઝ અને પેરી પેરી પાઉડર છાંટીને કુલ્હડમાં જ મૅગી સર્વ કરવામાં આવી. અગેઇન ચૂલા પર બનેલી મૅગી જેવો જ સ્વાદ આવ્યો.
આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે
તંદૂરી ચા હોય કે તંદૂરી મૅગી એમાં સ્મોકી ફ્લેવરને માણવા માટે તમારે પહેલાં શાંત થવું પડે, નહીંતર તમે એમ જ એ ચીજો ખાઈ જાઓ પણ વિશિષ્ટ સ્મૅલ ખૂબ જ માઇલ્ડ હોવાથી એની ખબર પણ ન પડે એવું બની શકે.
- તસવીરો : દત્તા કુંભાર


