આપણે સંબંધોમાં ગૂંથાઈ નથી જતા, અટવાઈ જઈએ છીએ

Published: Mar 11, 2020, 18:04 IST | Sejal Ponda | Mumbai

એક વખત આપણે ગમતા સંબંધોમાં ગૂંથાઈ જઈએ પછી એ સંબંધમાં સ્થાયી થવાના પ્રયત્નો કરીએ છીએ. પણ થાય છે એવું કે આપણે સંબંધોમાં ગૂંથાયા પછી ધીરે-ધીરે એમાં અટવાતા જઈએ છીએ. ગૂંથણી એટલે એકબીજામાં ભળી જવું. અટવાઈ જવું એટલે અટકી જવું. ન આગળ જઈ શકાય ન નીકળી શકાય

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શિયાળાએ ઑલમોસ્ટ આપણને ટા-ટા-બાય-બાય કરી ઉનાળાને ખો આપી દીધી છે. હવે આકરો તાપ પડશે એવી બળતરા મનમાં ઘર કરી ગઈ છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીએ આ વખતે ઘણો સમય દેખા દીધી. સાચવીને મૂકી રાખેલાં સ્વેટર, સ્કાર્ફે પેટીમાંથી ડોકિયું કર્યું અને આપણે એને પોતીકાં બનાવી લીધાં. સંબંધોમાં પણ આવું થયા કરે. હૂંફ આપે એવી કોઈ વ્યક્તિ આપણી તરફ ડોકિયું કરે અને આપણે તેને પોતીકી બનાવી લઈએ.

પોતીકા બનાવી લીધા પછી ખરી કસોટી થાય છે. હૂંફ અને હાશકારો દિવસો, મહિના કે વરસ સુધી ટાઢક આપ્યા કરે. વર્ષો સુધી એકધારી ટાઢક મળે એની કોઈ ગૅરન્ટી નથી હોતી. સંબંધો કેટલા ટકશે એ કહી શકાય નહીં. કેટલા મજબૂત, ટકાઉ રહી શકશે એ બહુ અઘરો પ્રશ્ન છે. અમુક સંબંધોની એક્સપાયરી ડેટ નથી હોતી. એ વર્ષોના વર્ષો હૂંફ આપતા રહે છે. એવું નથી કે આવા સંબંધોમાં માત્ર પ્રેમ જ હોય અને ઝઘડા ન થતા હોય. પણ આવા સંબંધો મતભેદને બહુ જલદી સૉલ્વ કરી નાખે છે.
શિયાળાની ઋતુમાં હાથથી ગૂંથણી કરેલાં સ્વેટર, મોજાં, સ્કાર્ફ જોઈએ ત્યારે એની ડિઝાઇન, ફિનિશિંગ જોઈ વાહ નીકળી જાય. જેની ગૂંથણી સારી હોય એવી ઊનની વસ્તુઓ આપણને આકર્ષે છે અને આપણે એને ખરીદી પણ લઈએ છીએ. કદાચ એમ પણ વિચાર આવે કે સ્વેટર હૂંફ જ આપવાનાં હોય તો એમાં ગૂંથણી અને ફિનિશિંગ જોવાની શું જરૂર છે? પણ જે સ્વેટર આપણે પહેરવાના છીએ એ આપણને ગમતું હોય તો જ આપણે હૂંફનો અનુભવ કરી શકીએ છીએ.

સંબંધોમાં પણ આવું જ છે. જે વ્યક્તિ ગમતી હોય તેની પાસેથી આપણને હૂંફની અપેક્ષા હોય અને ત્યાં જ આપણને હૂંફનો અનુભવ પણ થાય છે. એક વખત આપણે ગમતા સંબંધોમાં ગૂંથાઈ જઈએ પછી એ સંબંધમાં સ્થાયી થવાના પ્રયત્નો કરીએ છીએ. પણ થાય છે એવું કે આપણે સંબંધોમાં ગૂંથાયા પછી ધીરે-ધીરે એમાં અટવાતા જઈએ છીએ. ગૂંથણી એટલે એકબીજામાં ભળી જવું. એકબીજામાં ભળી જઈએ ત્યારે એક સુંદર સંબંધ દેખા દે છે. અટવાઈ જવું એટલે અટકી જવું. ન આગળ જઈ શકાય ન એમાંથી નીકળી શકાય એવી ગાંઠ. એવી ગૂંચ.

એકબીજામાં ગૂંથાઈ ગયા પછી આપણને ખ્યાલ ન આવે એ રીતે આપણે અટવાતા જઈએ છીએ. સંબંધ કોઈ પણ હોય, એ સ્વતંત્રતા અને સમજદારી માગે છે. સાથે રહીને આ સ્વતંત્રતા અને સમજદારીની ગૂંથણી જો કરી શકાય તો ખોટા મતભેદમાં આપણી એનર્જી વેડફાતી બચી શકે છે.

તમે માર્ક કરજો, અમુક ઝઘડા કે મતભેદ સાવ ક્ષુલ્લક બાબતે થતા હોય છે. તેં મને ફોન કેમ ન કર્યો? તેં મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો? એક આખા દિવસમાં તારી પાસે મારા માટે પાંચ મિનિટનો પણ સમય નથી? આવા પ્રશ્નો અસલામતી આપે છે. આવા પ્રશ્નો પૂછનાર ખોટા છે એવું કહેવાનો બિલકુલ ઇરાદો નથી. પ્રેમ હોય ત્યાં એકબીજા માટેની કાળજીની ઝંખના હોય એ સ્વાભાવિક છે. આ ઝંખના જ્યારે પૂરી ન થતી હોય ત્યારે આપણે અસલામતી અનુભવીએ છીએ. આપણને એવું લાગવા લાગે છે કે આપણો મનગમતો સંબંધ આપણાથી દૂર જઈ રહ્યો છે અને અમુક કિસ્સામાં આ ડર સાચો પણ પડે છે. અંગત સંબંધોમાં બેફિકરાઈ આવે ત્યારે ખરેખર સમયનો અભાવ હોઈ શકે અને ખરેખર સંબંધમાંથી રસ ઊડી ગયો હોય એવું પણ બની શકે. અહીં જ આપણે અટવાઈ જઈએ છીએ. અટકી જઈએ છીએ. જેને આપણે આપણી દુનિયા સમજતા હતા એ સંબંધ આપણાથી દૂર થઈ રહ્યો છે એવો ડર આપણને ભીતરથી તોડી નાખે છે અને સંબંધોમાં કરેલી આપણી ગૂંથણીમાં ગૂંચ ઊભી થાય છે. આ ગૂંચ ધીરે-ધીરે મોટી ગાંઠ બનતી જાય અને હૂંફભર્યો સંબંધ હતાશામાં ફેરવાઈ જાય છે. પછી એ જ હૂંફભર્યો સંબંધ આકરા તાપ જેવો લાગવા લાગે છે.
સંબંધોની ગૂંથણી લાઇફટાઇમ ટકી શકે ખરી? મૉડર્ન જમાનામાં આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. જે લોકોના લગ્નજીવનને ૩૦, ૪૦ કે ૫૦ વર્ષ થઈ ગયાં છે એ સંબંધોમાં પણ ગૂંચ તો ઊભી થઈ હોય પણ એ જનરેશન અપેક્ષા અને ફરિયાદોની જનરેશન નથી. અથવા તો ઓછી ફરિયાદો અને અપેક્ષાઓથી જીવતી જનરેશન છે. જતું કરવામાં વધારે માને છે, આપવામાં વધારે માને છે. અને આજની મૉડર્ન જનરેશન તડ ને ફડ કરવામાં માને છે. તૂ નહીં તો ઔર સહી આ વાક્ય સાથે જીવે છે. મૉડર્ન જનરેશન પાસે વિશાળ કરીઅર, પૈસો, સ્ટેટસ છે. કોઈની સાડીબારી રાખે એમ નથી. એમાં ખોટું પણ નથી. પણ સંબંધોની બાબતે મૉડર્ન જનરેશન એક પછી એક સંબંધમાં કૂદકા મારતી જોવા મળે છે. એને કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં જીવતા યંગસ્ટર્સની સંખ્યા વધારે છે. અહીં ટકાવવાની, ટકી રહેવાની સમજણ ઓછી છે અને એ સમજણ છે તો પણ એકતરફી જોવા મળે છે.

જનરેશનની કમ્પૅરિઝન કરવાનો ઇરાદો નથી, પણ એક સત્ય સમજવાનું છે કે ફરિયાદ અને અપેક્ષા સાથે જીવનારા સંબંધો સ્ટ્રેસ આપે છે. સંબંધોમાંથી ઊપજતું સ્ટ્રેસ આપણી જિંદગી અને આજુબાજુના સંબંધ ડિસ્ટર્બ કરી નાખે છે. અમુક લોકો બહુ સહજતાથી આમાંથી બહાર નીકળી શકે, પણ અમુક લોકો માટે સંબંધોમાં એટલુંબધું અટૅચમેન્ટ હોય, સચ્ચાઈ હોય કે સામેવાળાની બેફિકરાઈ સતત ખૂંચ્યા કરે અને અસલામતી આપ્યા કરે. પછી એ લોકો એમાં ને એમાં જ અટવાયેલા રહે છે. કોઈક તો વળી એટલીબધી હતાશામાં ધકેલાઈ જાય કે આત્મહત્યા પણ કરી લે છે.

કોઈ વ્યક્તિ માટે જાત ખતમ કરી દેવી મૂર્ખાઈ છે. ગૂંથણી કરેલા સંબંધો હૂંફની જગ્યાએ હતાશાની ગર્તામાં ધકેલતા હોય તો તરત ચેતી જવું. સંબંધોમાં હોંશે-હોંશે સ્થાયી થવાતું હોય તો કોઈ પ્રૉબ્લેમ નથી, પણ કમને અટવાઈ જવાતું હોય તો એ સંબંધને ટકાવી રાખવાનો પ્રયત્ન બન્ને તરફથી થવો જોઈએ. જો ગૂંચ વધારે ઊભી થતી હોય તો ગૂંથાઈ રહેવું કે ટા-ટા-બાય-બાય કરવું એ દરેકનો અંગત નિર્ણય છે. આપણા જીવનમાં સંબંધ હોય કે ન હોય; એક જ વાત યાદ રાખવાની છે કે આપણને ખુશ રહેતાં, જીવનને માણતાં, જીવનને પ્રેમ કરતાં આવડવું જોઈએ. જીવન સાથે ગૂંથાઈ જવામાં લિજ્જત છે દોસ્તો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK