ડિપ્રેશનથી ડરો નહીં, એનો સામનો કરો

Published: Oct 10, 2020, 18:38 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

પ્રત્યેક ૧૦માંથી ૯ વ્યક્તિ જ્યારે કહે છે કે હું ડિપ્રેશ છું ત્યારે એનો અર્થ મોટા ભાગે એવો થતો હોય છે કે તેને મજા નથી આવતી, કંટાળો આવે છે, ચિંતા થાય છે, દુખી છે કે પડી ભાંગી છે, પરંતુ ખરું ડિપ્રેશન કોને કહેવાય એની દરેક વ્યક્તિને સમજ નથી હોતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હતાશા, નિરાશા, કશામાં રસ ન પડવો, જીવન નીરસ અને અર્થહીન લાગવું, એક પ્રકારના વિચિત્ર ખાલીપાની લાગણીથી પીડાવું જેવાં લક્ષણોને આપણે ડિપ્રેશનથી ઓળખતા થયા છીએ. સૌથી સારી વાત એ છે કે માનસિક અસ્વસ્થતાની આ સ્થિતિનો સ્વીકાર કરવાથી જ એનો ઉકેલ આવી શકે છે એ બાબતે હવે સારી એવી જાગૃતિ ફેલાઈ છે. ચાલો આજે સમજીએ ડિપ્રેશન સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ અને એની સાચી સમજણ વિશે...

પ્રત્યેક ૧૦માંથી ૯ વ્યક્તિ જ્યારે કહે છે કે હું ડિપ્રેશ છું ત્યારે એનો અર્થ મોટા ભાગે એવો થતો હોય છે કે તેને મજા નથી આવતી, કંટાળો આવે છે, ચિંતા થાય છે, દુખી છે કે પડી ભાંગી છે, પરંતુ ખરું ડિપ્રેશન કોને કહેવાય એની દરેક વ્યક્તિને સમજ નથી હોતી. ડિપ્રેશન શું છે એ સમજાય અને દરેક સુધી પહોંચે એ જરૂરી છે. ફક્ત એ માટે નહીં કે આ શબ્દનો ખોટી જગ્યાએ ઉપયોગ ટળે  અને  એની ગંભીરતાને સમજી શકે અને એનો ઇલાજ કરાવી શકે.

ડિપ્રેશન એક રોગ છે

ઉદાસ રહેવું એ એક અવસ્થા છે એવું ઘણા લોકો માને છે, પરંતુ ઉદાસીનતા અને ડિપ્રેશનમાં ઘણો ફરક છે. આ કોઈ અવસ્થા નથી જે આવે અને એની મેળે જતી રહેશે. આ એક રોગ છે. મગજમાં ચોક્કસ માત્રામાં પેદા થતા કેટલાંક કેમિકલ્સની અછત આપણને સતત નાખુશ, ઉદાસ, એકલપેટા, નિરાશ અને નીરસ બનવા પ્રેરે છે. અનેક અભ્યાસોમાં સાબિત થઈ ચૂક્યું છે કે ડિપ્રેશન એ માત્ર અવસ્થા નથી, પરંતુ એને કારણે મગજમાં ચોક્કસ પ્રકારનાં પરિવર્તનો થાય છે. આ એક પુરવાર થયેલું તથ્ય છે.   

ડિપ્રેશન કોઈને પણ થઈ શકે છે

ઘણા લોકો માને છે કે આ સમસ્યા તો જે નબળા મનના હોય તેમને જ થાય. આ સદંતર ખોટી માન્યતા છે. માન્યું કે માનસિક રીતે સબળ કે નિર્બળ હોવું એ આપણા જ હાથની વાત છે, પરંતુ ડિપ્રેશન એ માનસિક નિર્બળતા નથી. ડિપ્રેશન આપણી ઇચ્છા કે અનિચ્છાને આધીન નથી. બહારથી ખૂબ જ સ્વસ્થ, ઊંચો હોદ્દો કે મોભો ધરાવતી અને ખૂબ સુખી દેખાતી વ્યક્તિઓ પણ અંતરના કોઈક ખૂણે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવતી હોય એવું સંભવ છે. બધી જ રીતે ચોમેર સુખ હોવા છતાં મગજના કેમિકલ-લોચાને કારણે સતત અસુખ, સતત નિરાશાજનક અનુભવાયા કરવું સંભવ છે અને એટલે જ વ્યક્તિ નબળી છે કે સબળી એનાથી ડિપ્રેશનને કોઈ મતલબ નથી. 

હવાફેરથી ડિપ્રેશન દૂર થઈ જશે એવું ન માનવું

વ્યક્તિની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ હોય તો નાની-મોટી બીમારીઓ કે ચેપ લાગ્યો હોય એ આપમેળે દૂર થઈ જાય છે, પણ કોઈકને કૅન્સર કે ડાયાબિટીઝ જેવો ક્રૉનિક રોગ હોય તો એ આપમેળે જતો નથી રહેતો. ડિપ્રેશનનું પણ એવું જ છે. ડિપ્રેશનને પણ ઇલાજની જરૂર છે જ. દરદીની પોતાની ઇચ્છાશક્તિ અને પરિવારનો સપોર્ટ અત્યંત મહત્ત્વનો છે, પરંતુ આ બધાથી ઉપર મહત્ત્વનો છે એનો ઇલાજ. ઘણા લોકો માને છે કે હવાફેર કરીશું કે થોડો સમય વ્યક્તિને ખુશ રાખીશું તો ડિપ્રેશન ભુલાઈ જશે. આ સદંતર ખોટી માન્યતા છે. ડિપ્રેશનને છુપાવવાની કે કાર્પેટની અંદર સંતાડવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK