Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ખબર છે મુંબઈમાં સૅન્ડવિચ આઇસક્રીમનો આવિષ્કાર ક્યાં થયેલો?

ખબર છે મુંબઈમાં સૅન્ડવિચ આઇસક્રીમનો આવિષ્કાર ક્યાં થયેલો?

13 December, 2019 03:22 PM IST | Mumbai
Divyasha Doshi

ખબર છે મુંબઈમાં સૅન્ડવિચ આઇસક્રીમનો આવિષ્કાર ક્યાં થયેલો?

સૅન્ડવિચ આઇસક્રીમ

સૅન્ડવિચ આઇસક્રીમ


ચર્ચગેટ સ્ટેશનથી મરીન ડ્રાઇવ તરફ જાઓ તો બ્રેબર્ન સ્ટેડિયમની નીચે આવેલી એક દુકાનમાં ગિરદી દેખાય તો આંખ મીંચીને ત્યાં પહોંચી જજો. એ જ હશે કે. રુસ્તમ. ૧૯૫૩ની સાલથી અહીં અમેઝિંગ આઇસક્રીમ મળે છે. મારી બાજુમાં ઊભેલા એક પ્રૌઢ કહે છે, ‘બાળપણથી મેં પણ અહીં આઇસક્રીમ ખાધો છે. છેલ્લાં પચાસ વરસમાં અહીં કશું જ બદલાયું નથી. એ જ સ્વાદ અને એ જ આઇસક્રીમ. વળી મોંઘો પણ નથી.’ આમ કહીને વેફરની વચ્ચેથી સીતાફળના આઇસક્રીમનું એક મોટું બટકું ભર્યું.

કોઈક સમસ્યા હોવાથી મોટું બોર્ડ નથી, પણ હા, બાજુમાં નાના દરવાજા જેવા કાચ પર કે. રુસ્તમ લખેલું વાંચી શકાય છે. અહીં સવારના દસ વાગ્યે પણ આઇસક્રીમ ખાનારા મળે તો રાતના દસ વાગ્યે તો ભીડ હોય જ. બે-ત્રણ મોટાં ફ્રિજમાં લંબચોરસ આઇસક્રીમ કાગળમાં વીંટાળેલા પડ્યા હોય. તમે માગો એ આઇસક્રીમ બે વેફરની વચ્ચે સૅન્ડવિચ કરીને તમારા હાથમાં પકડાવી દે. સાથે ટિશ્યુ પેપર અને બટરપેપર હોય. ત્યાં ઊભા રહીને ખાઓ કે દરિયા તરફ જતા ખાઓ, પણ એનો સ્વાદ અદ‍્ભુત!



૧૯૫૩ની સાલથી એટલે કે ૬૬ વરસથી અહીં કે. રુસ્તમમાં તાજો બનાવેલો આઇસક્રીમ મળે છે. તેમની કોઈ શાખા કે બ્રાન્ચ નથી. એના માલિક ઈરાની છે. આ દુકાન ૧૯૩૭ની સાલમાં ખુદાબક્ષ રુસ્તમે શરૂ કરી ત્યારે એ કેમિસ્ટ અને જનરલ સ્ટોર્સ હતો. ૧૯૫૩માં આઇસક્રીમ બનાવીને વેચવાનું શરૂ કર્યું એ આજે ૬૬ વરસે પણ એનો સ્વાદ આઇસક્રીમ રસિયાઓને ખેંચી લાવે છે. અહીંના આઇસક્રીમનો સ્વાદ કંઈક અલગ અને અદ્ભુત છે. સામાન્યપણે મળતા વૅનિલા, સ્ટ્રૉબેરી, બટરસ્કોચ, ચૉકલેટ તો ખરા જ; પણ સીઝનલ ફળના સ્વાદ પણ મળે. એમાં રિયલ ફળ નાખવામાં આવે. સીતાફળ, લિચી, મસ્કમેલન, ચેરી, પેરુ, સંતરા, પપૈયા અને મૅન્ગો તો હોય જ પણ ગાજર હલવા અને દૂધી હલવાનો આઇસક્રીમ પણ મળે. એટલે કે ખરા અર્થમાં ડિઝર્ટ. કે. રુસ્તમના આઇસક્રીમની મજા એ છે કે એ ખાધા બાદ પેટ ભારે નથી થવા દેતો. એ લોકો થોડા સમયે નવો-નવો સ્વાદ ઉમેરતા જાય છે. જોકે ગાજર હલવા અને દૂધી હલવાનો આઇસક્રીમ બીજે ક્યાંય મળતો હોય એ ધ્યાનમાં નથી.


શરૂઆતમાં તેઓ સફેદ મોંઘી કાચની પ્લેટમાં આઇસક્રીમ આપતા હતા, પણ ગિરદીમાં કાચની ડિશ તૂટી જતી કે લોકો લઈને જતા રહેતા હોય એવું પણ બનવા લાગતાં તેમણે કાચની પ્લેટ બંધ કરીને વેફર બિસ્કિટનાં બે પાતળાં પડ વચ્ચે આઇસક્રીમ આપવાનું શરૂ કર્યું જે સૅન્ડવિચ આઇસક્રીમ તરીકે ઓળખાવા લાગ્યો. કદાચ મુંબઈમાં સૅન્ડવિચ આઇસક્રીમ શરૂ કરનાર કે રુસ્તમ પહેલા જ હોઈ શકે. નરીમાન પૉઇન્ટ, દરિયો અને કે રુસ્તમના આઇસક્રીમને દરેક સીઝન કે સમયે માણી શકાય છે. વળી એની કિંમત પણ વધુ નથી. વૅનિલા ૪૦ રૂપિયાથી શરૂ થાય અને ફ્રૂટ તેમ જ કૉફી આઇસક્રીમ જેવી અનેક ફ્લેવર ૭૦ રૂપિયામાં મળે. એની ક્વૉન્ટિટી પણ ઓછી તો નથી જ. એમ છતાં બે આઇસક્રીમ સરળતાથી પેટમાં પધરાવી શકાય. સવારના નવ વાગ્યાથી લઈને રાતના અગિયાર સુધી કે. રુસ્તમ ખુલ્લું હોય છે, પણ હા, રાતના કેટલીક ફ્લેવર ખલાસ પણ થઈ ગઈ હોય એવું બને.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 03:22 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK