એન્જૉય કરો પર જરા સંભલકે

Published: 13th November, 2012 06:32 IST

દિવાળીમાં ફટાકડા અને મીઠાઈઓનો સર્વાધિક ક્રેઝ હોય છે. જોકે આ બન્નેમાં સાવધાની ન રખાય કે પ્રમાણભાન ભુલાય તો તંદુરસ્તીની ઐસી કી તૈસી થઈ શકે છે એટલે ખૂબ જલસા કરો પણ થોડીક કૅર સાથેદિવાળીમાં બે વસ્તુઓનો સર્વાધિક ક્રેઝ હોય છે, એક ફટાકડા અને બીજી મીઠાઈઓ. બન્નેમાં ધ્યાન ન રાખવામાં આવે તો એ તબિયત માટે જોખમી નીવડી શકે છે. દિવાળીમાં રજા હોય છે અને ઑફિસના કામનું કોઈ ટેન્શન નથી હોતું છતાં ફેસ્ટિવલ મૂડને કારણે સૌથી પહેલી કાતર એક્સરસાઇઝના સમય પર જ વાગે છે. મોડા ઊઠવાનું, મોડા સૂવાનું, મીઠાઈઓ અને કૅલરીથી ભરપૂર કોઈ ખાસ ન્યુટ્રિશન ધરાવતા ન હોય એવા નાસ્તાઓ કરીને પેટ ભરવાનું. જોકે એકાદ દિવસનો તહેવાર હોય તો આવું ચાલી જાય, પણ દિવાળીમાં પાંચ-સાત દિવસ સળંગ જો આવા જાય તો એનાથી તમારું હેલ્થ મૅનેજમેન્ટ ખોરવાઈ જાય છે. જેને ઠેકાણે લાવતા ઘણો સમય લાગે છે. એવી જ રીતે દિવાળીનો મુખ્ય ચાર્મ ગણાતા ફટાકડા પણ અનેક રીતે શરીરને નુકસાન કરે છે. એમાં અવાજનું અને વાતાવરણનું પ્રદૂષણ તો છે જ પણ સાથે થોડીક બેદરકારીને કારણે આગ લાગવા જેવી ઘટનાઓ ઘટે તો દાઝી પણ જવાય. જોઈએ આ બન્ને બાબતોમાં શું સાવધાની રાખવી.

ફટાકડામાં સાવધાની

સૌથી પહેલાં તો ફટાકડાની ખરીદી લાઇસન્સવાળી શૉપમાંથી જ કરો. ચાઇનાની માર્કેટના ફટાકડા રિસ્કી હોય છે. ફટાકડા લાવીને ઘરમાં ખુલ્લા ન મૂકો. ફોડવા જતી વખતે ઘરની બહાર લઈ જાઓ ત્યારે પણ એ ખુલ્લા મૂકવાને બદલે બંધ પેટીમાં રાખો જેથી કરીને ક્યાંકથી ઊડીને આવેલો તણખો અચાનક આગ ન ફેલાવે. ઘરની બાલ્કનીમાં બહાર ગૅસનું સિલિન્ડર, કપડાં કે જ્વલનશીલ કોઈ પદાર્થ ન રાખવા. ક્યારેક ઊડતું રૉકેટ બાલ્કનીમાં આવી જાય તો મોટો ભડાકો થઈ શકે છે.

બાલ્કનીનાં બારણાં બંધ રાખો ને ઘરમાં રસોઈ પૂરી થઈ ગઈ હોય તો ગૅસનું સિલિન્ડર ઑફ કરી દો.

કદી ફટાકડા પૅન્ટના કે ઝભ્ભાના ખિસ્સામાં ભરીને નીચે ફોડવા ન નીકળો. ફટાકડા ફોડવા માટે ખુલ્લી જગ્યા પસંદ કરો. સાંકડી ગલીમાં કે મેઇન રોડ પર ન ફોડો. ૧૫ વર્ષથી નાનાં બાળકોને એકલાં ફટાકડા ફોડવા મોકલી ન દો. બાળકોને જેમની ધાક હોય અને કહ્યું માનતા હોય એવા વડીલની સાથે હાજરી હોવી મસ્ટ છે.

એક હાથ દૂર ઊભા રહીને ફટાકડા ફોડો. જમીન પર અડધા જલતા ફટાકડાઓ પગમાં ચંપાઈ જાય નહીં એ માટે ચંપલ પહેરેલાં રાખો.

ફટાકડાની સાથે પાણી ભરેલી એક-બે બાલદીઓ અને મોટો ટૉવેલ રાખો જેથી કરીને ક્યાંક કોઈ ઇમર્જન્સી ઊભી થાય તો કામ આવે.

ફટાકડા ફોડવા જતી વખતે સિન્થેટિક, પૉલિએસ્ટર કે એવાં ફેન્સી કપડાં ન પહેરવાં. જાડાં કૉટનનાં કપડાં પહેરીને જ જવું.

હાથમાં ફટાકડો રાખીને મીણબત્તીથી એને જલાવવાની રીત ખોટી છે. ક્યારેક ફટાકડો સળગીને હાથમાં જ ફૂટી જઈ શકે છે એટલે ફટાકડો નીચે મૂકીને પછી અગરબત્તી કે મીણબત્તી હાથમાં રાખીને ચિનગારી આપવી.

સ્મૉલ ઇન્જરી થાય ત્યારે : ધારો કે અચાનક જ હાથ-પગ પર ફટાકડાની ઝાળ લાગી જાય તો તરત જ નળમાંથી નીકળતું સાદું પાણી એની પર રેડો. ઠંડું બરફનું પાણી લગાવવું નહીં. જ્યાં સુધી બળતરા ઘટે નહીં ત્યાં સુધી પાણી રેડ્યા જ કરો.

જો હાથની કે પગની આંગળીઓ દાઝી હોય તો એને ભેગી કરી પંજાને ખુલ્લો કરીને પાણીમાં નાખો. એ પછી પણ બે દાઝેલી આંગળીઓ વચ્ચે ડ્રાય, સ્ટરાઇલ ચોંટે નહીં એવા પાટાનો ટુકડો રાખવો જેથી દાઝેલી ત્વચા એકબીજાને ચીટકી ન જાય.

ચહેરા પર થોડીક પણ ઝાળ લાગી હોય તો ચહેરો ઠંડા પાણીથી ધુઓ અને માત્ર ફિઝિશ્યન નહીં, પણ આંખના નિષ્ણાતને પણ તરત જ કન્સલ્ટ કરો.

આગની લપેટ લાગે ત્યારે : જો તમારાં કપડાંને આગની ઝાળ લાગી જાય ને એ બળવા લાગે તો તરત જ જમીન પર આળોટવા લાગો. બીજા કોઈનાં કપડાંને આગ લાગી હોય તો તરત જ પાણીની બાલદી તેની પર ઠાલવો. સાડીનો છેડો બળવા લાગ્યો હોય તો એને હવામાં ઝાટકીને આગ ઓલવવાને બદલે આખી સાડી કાઢી નાખો.

ધારો કે આગ બેકાબૂ બનીને એની ઝાળની લપેટમાં વ્યક્તિ આવી જાય તો પાણીથી ઓલવો. ઘણા લોકો આગ ઓલવાઈ ગયા પછી પણ દાઝેલી વ્યક્તિ પર ધાબળો કે કોથળો ઓઢાડી રાખે છે, એમ કરવું ઠીક નથી. એનાથી શરીરની અંદર વધુ ગરમી થાય છે.

ગંભીર રીતે દાઝેલી વ્યક્તિને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરો. હૉસ્પિટલમાં પહોંચો ત્યાં સુધી તેનું બ્રીધિંગ ચાલુ રહે એ માટે મથો. જોકે દાઝેલી જગ્યાએ કોઈ પણ પ્રકારનું પ્રેશર કે ઘર્ષણ ન આવે એની કાળજી રાખો. જો બ્રીધિંગ અટકેલું લાગે તો આર્ટિફિશ્યલ બ્રીધિંગની તાત્કાલિક વ્યવસ્થા કરો.

દાઝેલી વ્યક્તિનાં બળેલાં કપડાં ચીટકેલાં ન હોય ને સરળતાથી નીકળી જતાં હોય તો કાઢી લો, પરંતુ શરીરને ચીપકેલાં કપડાં ઉખાડીને કાઢવાની કોશિશ ન કરો. એમ કરવાથી અંદરના માંસને વધુ ડૅમેજ થાય છે.


ખાવાપીવામાં સાવધાની

દિવાળીના પાંચ દિવસ દરમ્યાન ડાયેટિંગ કરનારાઓનું શેડ્યુલ ઊલટપૂલટ થઈ જાય છે. એકબીજાને સાલ મુબારક વિશ કરીને મીઠું મોં કરાવવામાં મીઠાઈઓના કંઈકેટલાય ટુકડા પેટમાં પધરાવાઈ જાય એની ખબર જ ન પડે. વધુપડતી કૅલરી ઉપરાંત સૌથી વધુ નુકસાન તો પેટમાં એકસાથે અનેક આઇટમોની ખીચડી થવાને કારણે થાય છે. જોઈએ કેટલીક મહત્વની ટિપ્સ.

અપચો થયો હોય તો : દિવાળી દરમ્યાન અને દિવાળી પછી પણ વધુપડતું ખવાઈ ગયું હોય તો પેટમાં ગરબડ થશે. ખાટા ઓડકાર આવે છે કે પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે છે. પેટમાં કચરો જમા ન થઈ રહે એ માટે ભલે તમને કબજિયાતની તકલીફ ન પણ હોય, એક અઠવાડિયા માટે રોજ રાતે એક ચમચી ત્રિફળા કે હરડે સહેજ હૂંફાળા પાણી સાથે લેવાની આદત રાખો.

જો આફરા જેવું લાગતું હોય તો ચપટીક હિંગવાષ્ટક ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.

ડાયટમાં રાખવાની કાળજી : દિવાળી દરમ્યાન અને એ પછી પણ થોડા દિવસ સુધી શરીરની કાર્યપ્રણાલી બરાબર ચાલે એ માટે લંચ કે ડિનરમાં માત્ર વેજિટેબલ સૂપ, ફ્રૂટ-જૂસ, સૅલડ જ લો.

જ્યારે પણ તરસ લાગે ત્યારે હૂંફાળું પાણી પીવું. દિવસમાં આઠથી નવ ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું.

રોજ સવારે હૂંફાળા પાણીમાં લીંબુ નિચોવીને નરણે કોઠે પીવું. એમ કરવાથી કબજિયાત દૂર થશે. આ બે દિવસ દરમ્યાન ભૂખ લાગે ત્યારે જ ખાઓ. રાત્રે સાત વાગ્યા પહેલાં જમી લો અને એ પછી અડધો કલાક કમ્પલ્સરી ચાલવાનું રાખો.

સુદર્શનની બે ગોળી સવારે અને સાંજે ગરમ પાણી સાથે લેવાનું રાખો. એનાથી શરીરમાં ભરાઈ રહેલો કચરો બહાર નીકળશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK