Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડાયાબિટીઝની આપણા શરીરનાં વિવિધ અંગો પર થતી અસરો

ડાયાબિટીઝની આપણા શરીરનાં વિવિધ અંગો પર થતી અસરો

04 December, 2012 08:11 AM IST |

ડાયાબિટીઝની આપણા શરીરનાં વિવિધ અંગો પર થતી અસરો

ડાયાબિટીઝની આપણા શરીરનાં વિવિધ અંગો પર થતી અસરો







(ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તેને આપણે ડાયાબિટીઝ કહીએ છીએ. આધુનિક યુગના આ મહાભયાનક રોગને સાઇલન્ટ કિલર નામ આપવામાં આવ્યું છે, કારણ કે અંદરથી શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડતો હોવા છતાં બહાર તેની કોઈ અસર વર્તાતી નથી. ડાયાબિટીઝને કારણે થતું નુકસાન એકધારું છતાં એટલું ધીમું હોય છે કે તેની ખરી અસર તો ૧૦-૧૫ વર્ષ પછી જોવા મળે છે.

ડાયાબિટીઝ વિશે મૂળભૂત સમજ આપતાં કાંદિવલીના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સી. કે. રૉયગગા કહે છે, ‘સામાન્ય રીતે શરીરમાં સાકરનું પ્રમાણ ૮૦થી ૧૧૦ મિલિગ્રામની વચ્ચે રહેવું જોઈએ. શરીરમાં ૮૦ મિલીગ્રામથી ઓછી સાકર હાઈપોગ્લાયસેમિયાનું કારણ બને છે, જ્યારે ૧૨૦ મિલીગ્રામથી સતત વધારે રહે તો ડાયાબિટીઝ થાય છે. માનવશરીરમાં પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન પેદા કરવાનું કામ કરે છે. આ ઇન્સ્યુલિન શરીરમાંની વધારાની શુગર બાળી નાખે છે, પરંતુ આ પેન્ક્રિયાસ નબળું પડી જાય તો તેમાં ઓછું ઇન્સ્યુલિન તૈયાર થતાં વધારાની શુગર બળતી નથી, જે લોહીમાં ભળી જતાં બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે છે. આ પરિસ્થિતિને આપણે ડાયાબિટીઝ કહીએ છીએ. સમસ્યા એ છે કે એક વાર આ પેન્ક્રિયાસ નબળું પડી ગયા પછી તેને પાછું રીઍક્ટિવેટ કરી શકાતું નથી. આ જ કારણ છે કે ડાયાબિટીઝ એક લાઇફ લૉન્ગ બીમારી તરીકે ઓળખાય છે. એક વાર એ આવે પછી શરીરમાં કાયમી ઘર કરી જાય છે. લોહી આખા શરીરમાં ફરતું હોવાથી તેમાં રહેલું ગ્લુકોઝનું વધુ પ્રમાણ શરીરના એકેક અવયવને નુકસાન પહોંચાડે છે. આમાં હૃદયથી માંડીને મગજ, આંખ, દાંત અને કિડની જેવાં દરેકેદરેક અંગોનો સમાવેશ થઈ જાય છે. તેથી જ કોઈને આ રોગ હોય તેમણે તેની શરીરનાં જુદાં-જુદાં અંગો પર પડતી અસરો અને તેમાંથી બચવાના માગોર્ને સમજી લેવા જરૂરી છે.’

હાર્ટઅટૅક અને સ્ટ્રોક

ડાયાબિટીઝના દરેક ત્રણમાંથી બે દરદીઓ હાર્ટઅટૅક અથવા સ્ટ્રોકથી મૃત્યુ પામે છે. હૃદયને લોહી પહોંચાડતી આર્ટરીઝ જ્યારે બ્લૉક થઈ જાય ત્યારે હાર્ટઅટૅક આવ્યો કહેવાય. સામાન્ય રીતે આ બ્લૉકેજ ચરબીને કારણે થતું હોય છે, પરંતુ ડાયાબિટીઝ હોય તો આર્ટરીઝમાં બ્લૉકેજની પ્રક્રિયા ઝડપી બની જાય છે. તેવી જ રીતે જે રક્તવાહિનીઓ મગજમાં લોહી પહોંચાડે છે તેમાં બ્લૉકેજ ઊભું થાય તો સ્ટ્રોક આવે છે.

સાવધાની : લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખો. સાથે જ કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશરથી પોતાની જાતને બચાવવાના દરેક પ્રયત્ન કરો. વજન કાબૂમાં રાખો તથા સિગારેટથી સદંતર દૂર રહો.

કિડનીની બીમારીઓ

ભારતમાં ૪૦ ટકાથી વધુ કિડની ફેલ્યરના કિસ્સા પાછળ ડાયાબિટીઝ કારણ હોવાનું જાણવા મળ્યું છે. નાની રક્તવાહિનીઓને થયેલું નુકસાન નેફ્રોપથીનું કારણ બને છે, જેને કારણે કિડનીમાં રહેલાં ફિલ્ટર્સ યોગ્ય રીતે કામ કરી શકતાં નથી અને પેશાબમાં પ્રોટીન (આલ્બુમિન)નું લીકેજ થવા માંડે છે. ડૉક્ટરો માટે કિડની રોગની પહેલી નિશાની છે. તેના શારીરિક લક્ષણરૂપે પગમાં સોજો પણ જોવા મળે છે. યોગ્ય સમયે સારવાર ન મળે તો આ તકલીફ કિડની ફેલ્યરનું કારણ બની શકે છે.

સાવધાની : વર્ષે એક વાર પેશાબમાં માઇક્રોઆલ્બુમિન અને સિરમ ક્રીએટિનિન ટેસ્ટ અવશ્ય કરાવો.

ડાયાબિટિક ફૂટ

ડાયાબિટીઝને કારણે થયેલા નુકસાનને પગલે મગજને સંદેશ પહોંચાડતી નવ્ર્સની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે એમ જણાવીને ડૉ. રૉયગગા કહે છે, ‘આ રોગના દરદીઓને પગમાં કોઈ ઘા વાગ્યો હોય તો પગની નસો મગજ સુધી એ મારનો સંદેશ પહોંચાડતી નથી. તેથી દરદીને એ જખમની સારવાર કરવાનો ખ્યાલ જ નથી આવતો. વધુમાં લોહીમાં સાકરનું વધુ પ્રમાણ એ ઘાને ઝડપથી રïુઝવા પણ નથી દેતો, જેને કારણે દરદીને ઇન્ફેક્શન તથા નૉન-હીલિંગ અલ્સર થઈ શકે છે એમાં પણ એને પૂરતા પ્રમાણમાં લોહી ન મળે તો તે ગૅન્ગરિનમાં પરિણમે છે, જેના છેલ્લા ઉપાય તરીકે પગ કાપી નાખવાની નોબત પણ આવી શકે છે. બલ્કે માત્ર પગ જ નહીં, ડાયાબિટીઝને લીધે આખા શરીરની નવ્ર્સને નુકસાન પહોંચતું હોવાથી શરીરના દરેક ભાગો સંવેદનશીલતા ગુમાવતા જાય છે. આ જ કારણ છે કે ઘણા ડાયાબિટિક પેશન્ટ હાર્ટઅટૅક આવતા મૃત્યુ પામે છે, કારણ તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાનો અહેસાસ જ થતો નથી.’

સાવધાની :
ડાયાબિટીઝના દરદીઓએ શરીરના દરેક ભાગ અને ખાસ કરીને પગ રોજ ચકાસતા રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આખા પગ ઢંકાઈ જાય તેવા શૂઝ પહેરવાનું પસંદ કરવું જોઈએ. કોઈ મોટી મુસીબત ન આવે એ માટે નાનામાં નાના ઘાને પણ અવગણવો જોઈએ નહીં.

પેટ અને આંતરડાંની સમસ્યાઓ

પેટ અને આંતરડાંની રક્તવાહિનીઓને થયેલું નુકસાન ગૅસ્ટ્રોપેરેસિસ (નબળી પાચનશક્તિ અને સતત પેટ ભરાયેલું હોવાનો અહેસાસ) તથા એન્ટરોપથી (જે જુલાબ અને અપચો બન્ïનેનું કારણ બની શકે છે) માટે જવાબદાર હોય છે.

સાવધાની : તમને આમાંની કોઈ પણ સમસ્યા સતાવતી હોય તો તરત તમારા ડૉક્ટરને સંપર્ક સાધી બ્લડશુગર ટેસ્ટ કરાવવી જોઈએ.

આંખે આછપ આવવી

હવેના સમયમાં ૨૦થી ૭૪ વર્ષની વ્યક્તિઓમાં અંધાપા પાછળ ડાયાબિટીઝ એક મહત્વનું કારણ બની રહ્યું છે. રેટિનાની નાની-નાની રક્તવાહિનીઓને પહોંચેલું નુકસાન રેટિનોપથીનું કારણ બની શકે છે.

સાવધાની :
વર્ષે એક વાર આંખના ડૉક્ટર પાસે જવાનું અચૂક રાખો.

ત્વચા અને દાંતના રોગો

ડાયાબિટીઝના દરદીઓમાં સૂકી ત્વચાથી માંડીને વિવિધ પ્રકારનાં સ્કિન ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. સાથે જ આ રોગના ૩માંથી ૧ દરદી દાંત અને પેઢાની ગંભીર બીમારીનો શિકાર હોય છે.

સાવધાની : દાંત અને પેઢાની ચોખ્ખાઈ પર વિશેષ ધ્યાન આપવું અને વર્ષે એક વાર ડેન્ટિસ્ટની મુલાકાત અવશ્ય લેવી.

જાતીય સમસ્યાઓ

ડાયાબિટીઝને કારણે સ્ત્રી અને પુરુષ બન્નેને સેક્સ્યુઅલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં આ રોગને કારણે ઇન્દ્રિયમાં કડકાઈ નથી આવતી, જ્યારે સ્ત્રીઓને વજાઇનલ ડ્રાયનેસની સમસ્યા સતાવે છે.

સાવધાની : તમારા ડૉક્ટર સાથે આ અથવા આવી કોઈ પણ અંગત સમસ્યાઓની ચર્ચા કરતાં અચકાશો નહીં. હવેના સમયમાં મોટા ભાગની સેક્સ્યુઅલ સમસ્યાઓની સારવાર સહેલાઈથી ઉપલબ્ધ છે.

જીવનમાં ઉતારો આ થ્રી ‘ડી’

ડાયાબિટીઝથી બચવાનો એકમાત્ર માર્ગ જણાવતાં ડૉ. સી. કે. રૉયગગા કહે છે, ‘આ માટે દરદીએ ‘થ્રી ડી’ જીવનમાં ઉતારવા જોઈએ. પહેલો ‘ડી’ ડાયેટનો, બીજો ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલનો અને ત્રીજો ડ્રગ્સ એટલે કે દવાઓનો. યાદ રાખો ડાયાબિટીઝ આપણને બાળપણમાં આવતી જિનની વાર્તા જેવો છે. એ વાર્તામાં જિન પોતાના માલિકને કહેતો હતો કે મને કામ આપ અન્યથા હું તને ખાઈ જઈશ. એવી જ રીતે જો તમે યોગ્ય આહાર અને નિયમિત કસરત દ્વારા શરીરમાંની વધારાનું શુગર બાળી નાખશો તો ડાયાબિટીઝ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે અન્યથા ધીરે-ધીરે એ તમને જ ખાઈ જાય એવું પણ બને.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 08:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK