Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેશવજીભાઈ છાડવા : વિરલ વ્યક્તિત્વ

કેશવજીભાઈ છાડવા : વિરલ વ્યક્તિત્વ

09 July, 2019 09:57 AM IST | મુંબઈ ડેસ્ક
ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

કેશવજીભાઈ છાડવા : વિરલ વ્યક્તિત્વ

કેશવજીભાઈ છાડવા : વિરલ વ્યક્તિત્વ

કેશવજીભાઈ છાડવા : વિરલ વ્યક્તિત્વ


વ્યક્તિ વિશેષ 

ખાસ શા માટે?



આપણે સૌ કંઈક એવા ઑથરો જેને આપણે જોયા પણ નથી તેમની બુક વાંચીને ગોલ અચીવ કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. એમાં કશું ખોટું પણ નથી, પરંતુ જો એવું જીવંત ઉદાહરણ આપણી આંખ સમક્ષ જ હોય તો કેવું કહેવાય? જી, હા કેશવજીભાઈ એ એક સાક્ષાત જીવંત ઉદાહરણ છે જેમની જીવનશૈલી કોઈ એક બુક નહીં પરંતુ તમામ બુકનો સરવાળો છે.


૮૯ વર્ષની ઉંમર ધરાવનાર કેશવજીભાઈ આજે પણ દિવસના ૧૨ કલાક સતત કાર્યશીલ છે.

પ્રારંભિક ઓળખ


કચ્છના મુંદ્રા તાલુકામાં, ગાંધીધામ રેલવે સ્ટેશનથી ૪૦ કિ.મીના અંતરે આવેલું નાનકડું ગામ ‘મોટી ખાખર’માં ૧૦ નવેમ્બર ૧૯૩૦ના રોજ તેમનો જન્મ થયો. લગભગ પહેલા ધોરણ સુધી ગામમાં અભ્યાસ કરનાર કેશવજીભાઈના પિતાએ ૧૯૩૫-૩૬માં મુંબઈ તરફ પ્રયાણ કર્યુ. અને મુંબઈમાં ઘાટકોપરની રામજી આશર શાળામાં તેઓ અભ્યાસ કરવા જતા હતા પરંતુ કંઈક કારણોસર તેઓ ધોરણ ૬ પછી અભ્યાસ કરી શકયા નહીં. શિક્ષણ એટલે માત્ર મોટી ડિગ્રીઓ હાંસલ કરવી એવું નથી. સતત શીખતા રહેવું અને અમલમાં મૂકવું એ પણ એક પ્રકારનું શિક્ષણ છે એવો વિચાર ધરાવનાર તેમણે ઓછો અભ્યાસ કર્યા બાદ પણ શીખવાની ઉત્કંઠા કાયમ રાખી અને તેમના પિતાની અનાજ કરિયાણાની દુકાનમાં જઈ મદદ કરતા રહ્યા અને વેપારમાં સૂજબૂજ સાથે નવી તરકીબોનો પ્રયોગ કરી વેપારને આગળ વધારવામાં રસ લઈ આગળ વધવા લાગ્યા. આ એ દિવસો હતા જ્યારે અંગ્રેજો વિરુદ્ધ ચળવળે વેગ પકડ્યો હતો. ચેમ્બુરમાં રહેનાર કેશવજીભાઈના ઘરની સામે જ બધા સ્વાતંત્ર્યવીરો એન. જી. આચાર્ય, વી. એન. પુરવ જેવા અનેક નેતા ક્વિટ ઈન્ડિયાની ચળવળ માટે ભેગા થતા. આ બધું જોઈને કેશવજીભાઈને પણ સ્વદેશી અપનાવોનો અભિગમ સ્પર્શી ગયો અને તે દિવસથી તેઓએ પણ ખાદીની ટોપી, સફેદ લેંઘો અને ખમીસ અપનાવી લીધા. ત્યારની ઘડી ને આજનો દિવસ. આ ત્રણેય વસ્ત્ર તેમના વ્યક્તિત્વનો ભાગ બની ચૂક્યા છે. આમ તેઓ દેશભક્તિના રંગમાં પણ રંગાયા. તમામ નેતાઓ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેઓને શિક્ષણનું મહત્ત્્વં સમજાયું. નાનકડી ઉંમરે એમના વિચારોની ગતી તેજ ગતિએ દોડતી હતી.

લગ્નજીવન અને વ્યવસાયી જીવન

તે સમયે નાનકડી ઉંમરે લગ્ન કરાવવાનો રિવાજ હતો, કેશવજીભાઈના લગ્ન પણ ૧૬ વર્ષની ઉંમરે કરાવી દેવામાં આવ્યા. ચાહ આસમાનને આંબવાની મહત્વાકાંક્ષા ધરાવતા કેશવજીભાઈના મનમાં મોટું સાહસ કરવાની ઉત્કંઠા હતી. ‘કુછ નયા કરના હૈ’, બસ એ જ ઉત્સાહમાં તેઓએ ધંધાકીય આંટીઘૂંટીઓને ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો અને વિચાર આવ્યો કે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરીએ. અને તેમણે જૂનો ખટારો ખરીદી કરી વેપારીઓના માલને સમયસર પહોંચતો કરવાનું શરૂ કર્યું અને ‘છાડવા ટ્રાન્સપોર્ટ કંપની’ ખોલી. દિવસે દિવસે આ કંપનીએ પ્રગતિ કરી. તેમની કાર્યકુશળતા અને સૂજબૂજના કારણે તેઓ ૧૯૫૮માં ‘રિટેલ ટ્રાન્સપોર્ટ ઑનર્સ અસોસિયેશન’ના દ્વિતીય પ્રમુખ તરીકે નિયુક્ત થયા. ૧૯૭૯માં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ બન્યા. ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધનાર તેઓએ વિવિધ અગ્રણીઓ સાથે મળી ‘કચ્છી જૈન મંડળ’ની સ્થાપના કરવામાં મહત્વનો ફાળો આપ્યો. જેમાં મેડિકલ કૅમ્પ, કમ્પ્યુટર શિક્ષણ ક્લાસ તથા સ્નેહમિલન જેવા આયોજનો મુખ્ય છે. આજે પણ સંસ્થા કાર્યરત છે. તેમનાં પત્ની મણિબહેનનો સાથ પણ તેમની પ્રેરણા વધારતો હતો. પુત્રી પ્રીતિ, પુત્ર જયંતી, ચુનીલાલ અને નરેન્દ્રનો જન્મ થયો. સંસારની જવાબદારીઓ, બાળકોનું શિક્ષણ અને વ્યવસાય એમ વિવિધ મોરચે કેશવજીભાઈ સહજતાથી આગળ વધતા ગયા.

બાંધકામ ક્ષેત્ર

કાકાઈ ભાઈ શ્રી ગગુભાઈ ટોકરશી અને મિત્ર શ્રી વજુભાઈ ઠકકરની સાથે મળી ચેમ્બુર ખાતે વિશાળ જગ્યા ખરીદી ત્યાં ‘છાયા હાઉસિંગ સોસાયટી’ની સ્થાપના કરી જે આજે પણ પ્રખ્યાત છે. અને પછી મોરારજી નાનજી ગાલા અને નાનજી પાલન દેઢિયા સાથે મળી ‘છાડવા કંસ્ટ્રક્શન કંપની’ની સ્થાપના કરી. ગુણસાગર નગર કલવા ખાતે રેસિડેનશ્યલ કોમ્પલેક્સમાં ભાગીદારો સાથે મળી દેરાસરનું નિમાર્ણ પણ કર્યું. બસ, સફર સફળતાના શિખરો સર કરતી ગઈ. અને આજે તેમના પુત્રો મકાનોનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

આધ્યાત્મિક ભાવ પણ અપરંપાર !

જૈન ધર્મના સિદ્ધાંતોને આડંબર વગર જીવનમાં આત્મસાત કરનાર કેશવજીભાઈએ જપ-તપ, સેવા પૂજા અને કર્મકાંડને વધારે પડતું મહત્વ ન આપતાં ડહાપણભરી સમજે ‘બહુજન હિતાયે’ થતાં કાર્ય કર્યા. સમાજના જરૂરતમંદને સહાય એ જ સાચો ધર્મ. સાથોસાથ મન અને તનની શુદ્ધિ માટે દેરાસરમાં થતાં પૂજન-અર્ચનને પણ મહત્વ આપ્યું. ચેમ્બુર ઋષભદેવ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૩૦ વર્ષથી પ્રતિદિન હાજરી આપી કાર્યરત છે.

મેડિકલ ક્ષેત્ર

‘કુર્લા મેડિકલ વેલફેર સેન્ટર’ના નેજા હેઠળ રામ અગરવાલ આઇ હૉસ્પિટલની સ્થાપના કરી, જેમાં તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા. દર ગુરુવારે મોતિયો ઉતરાવવાના ૧૧ ઑપરેશન થાય છે. જે માટે દર્દી પાસેથી માત્ર ૩૫૦ રૂપિયા લેવામાં આવે છે. પેથોલૉજી લેબોરેટરી પણ છે. તેમણે તેમની ધર્મપત્ની મણિબેન કેશવજી ઉમરશી છાડવા મેડિકલ સેન્ટરની સ્થાપના ૨૦૧૪ની સાલમાં કરી. જે ત્રણ માળની ભવ્ય ઈમારત છે. ત્યાં રોજના ૪૦૦થી વધારે દર્દીઓ લાભ લે છે. આ મેડિકલ સેન્ટરમાં ચેકઅપના ૧૨થી વધુ વિભાગ છે. ત્યાં ૫૫ થી વધારે ડૉક્ટરો પેનલ પર છે.

શૈક્ષણિક ક્ષેત્ર

સમય-સંજોગવશ પોતે ઓછું ભણ્યા એ વાત એમના મનમાં એક ખૂણામાં હતી. ચેમ્બુરમાં એ સમયમાં ગુજરાતી શાળા ન હતી. ગુજરાતી પરિવારના બાળકો માટે કેશવજીભાઈ, શ્રી પ્રવીણભાઈ દ્વારકાદાસ, શ્રી ગગુભાઈ છાડવા, શ્રી મૂલજીભાઈ નીસર તથા અન્ય લોકોએ મળી ‘સર્વોદય વિદ્યાલય’ની સ્થાપના કરી, ત્યાર બાદ ધીરે ધીરે આ સૌએ સાથે મળી ‘ભાવના ટ્રસ્ટ’ની સ્થાપના કરી. આમ શિક્ષણના વર્ગો વધતા ગયા. સેંકડો વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા થયા અને કેશવજીભાઈની દીર્ઘદૃષ્ટિ અને સાથીઓના સહયોગથી અને મહારાષ્ટ્ર સરકારે પૉલિટેક્નિક કૉલેજની પણ મંજૂરી આપી દીધી. આ માટે વિશેષ ઉચ્ચત્તમ સુવિધાઓ અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે સમાજના અગ્રણી દાતાશ્રીઓનું યોગદાન પણ વિશેષ મળ્યું અને એક અવાજે ‘મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટ’ની સ્થાપના થઈ. બસ આમ શૈક્ષણિક ક્ષેત્રમાં વેગ વધતો ગયો અને ડિગ્રી કૉલેજ અને ‘શાહ ઍન્ડ ઍન્કર કચ્છી પૉલિટેક્નિક ઍન્ડ અેન્જિનિયરિંગ કૉલેજમાં’ આજે સેંકડો વિદ્યાર્થીઓ ભણે છે. જ્યારે ‘મિડ-ડે’એ કેશવજીભાઈની મુલાકાત લીધી ત્યારે કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું કે કૉલેજમાં તમામ સુવિધાઓ, સાધનસામગ્રી અને વિદ્યાર્થીઓના બેસ્ટ ભણતર માટે જે પણ જરૂરિયાત હોય તે તમામ માટે કેશવજીભાઈ

પોતે માર્ગદર્શન આપે છે અને રોજના ૩ કલાક અચૂક તેઓ કૉલેજમાં હાજરી આપે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાન જેટલું જરૂરી છે તેટલું જ માનસિક રીતે તેઓ ખીલે તે માટે પણ કૉલેજમાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો : કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ કચ્છી લોહાણા જ્ઞાતિ

જીવનવૃતાંતનો સાર

જીવનવૃતાંત લખવામાં આવે અને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે એવી સિદ્ધિ હાંસલ કરનારા કેશવજીભાઈનું જીવનચરિત્ર આપણને સૌને શીખવે છે કે જીવનમાં ક્યારે પણ હાર ન માનવી જોઈએ, હંમેશાં આપણે સૌ નાનકડી હાર કે સમય-સંજોગમાં થોડી કપરી પરિસ્થિતિ આવે તો કિસ્મતને દોષ આપવાનું શરૂ કરી દઈએ છીએ. એનાથી પણ વિશેષ આપણે પોતાની કાબેલિયત પર પણ શંકાઓ કરવા લાગીએ છીએ. પોતાનામાં રહેલી ઉણપો જેમકે ‘હું ભણેલો નથી એટલે મારી આ હાલત છે, યાર કિસ્મત સાથ નથી આપતી, મારાથી શું થઈ શકે ?, અને કાશ મારી પાસે સુવિધાઓ હોત તો હું કંઈક કરી શકત’. આવા કંઈક બહાના કાઢી આપણે નેગેટીવ બની અટકી જતા હોઈએ છીએ. અને પોતામાં રહેલી કાબેલિયત અને ક્ષમતાઓ તરફ ધ્યાન આપતા નથી. વાચક મિત્રો, કેશવજીભાઈના જીવનવૃતાંતથી આપણને શીખવા મળે છે કે, ‘પુરુષાર્થ હશે તો પ્રારબ્ધે પરિણામ આપવું જ પડશે. બસ ચાલતા રહો, મહેનત કરતા રહો અને ભણતર એટલે ડિગ્રીઓ નહીં પરંતુ દરેક પરિસ્થિતિમાં કંઈક શીખતા રહો. અપગ્રેડ થતા રહો. સાહસ હશે તો સિદ્ધિ હાંસલ થશે જ. કોઈ કવિએ ખૂબ સુંદર કહ્યું છે.

‘‘ઔરોં કો બદલને કે લિયે ખુદકો બદલના શીખો,
ઔરોં કા બનને કે લિયે સબસે મિલના શીખો;
ઉજાલે કી પરિભાષા ન મિલેગી કિતાબોંમેં તુમ્હેં,
ઉસે પાનેકે લિયે ખુદ દીપક બનકે જલના શીખો’’

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 09:57 AM IST | મુંબઈ ડેસ્ક | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK