ઑલ્ઝાઇમર્સના નિદાન માટે આંખની તપાસ કરાવી શકાશે

Published: 21st September, 2012 05:16 IST

આજે વર્લ્ડ ઑલ્ઝાઇમર્સ ડે છે. આ ડિસઑર્ડરનું હજી સુધી કોઈ સંપૂર્ણ નિવારણ શોધાયું નથી, પરંતુ રોગોનાં લક્ષણો દેખાય એ પહેલાં જ આંખોની તપાસ પરથી રોગનું આગોતરું નિદાન થઈ શકે એવી ટેસ્ટ બ્રિટિશ રિસર્ચરોએ ડેવલપ કરી છે. આવો જાણીએ જેની કલ્પના પણ થથરાવી મૂકે છે એવા આ રોગમાં શું થાય છે એસેજલ પટેલ

છેલ્લા દોઢ દાયકામાં ઑલ્ઝાઇમર્સ નામના બ્રેઇન ડિસઑર્ડરનો ફેલાવો ખૂબ મોટા પાયે વધ્યો છે. એટલે સુધી કે પશ્ચિમના દેશોમાં તો લોકોમાં આ રોગ માટે કૅન્સર, એઇડ્સ કરતાંય વધુ ભય જોવા મળ્યો છે. કૅન્સર જેવા રોગો તો જીવ લઈ લે છે, પણ ઑલ્ઝાઇમર્સ એ જીવલેણ રોગ નથી. માણસ ક્યારેય ઑલ્ઝાઇમર્સથી મરતો નથી, પણ એનાથી જીવન જીવવા જેવું રહેતું નથી. વિચારશક્તિ, સમજશક્તિ, યાદશક્તિ, મગજને વાપરીને કરવામાં આવતી તમામ ઍક્ટિવિટીઝમાં ધીમે-ધીમે ગરબડ-ગોટાળા થવા લાગે છે.

મોટા ભાગના લોકો માને છે કે ઑલ્ઝાઇમર્સ એટલે એક પ્રકારનું ભુલકણાપણું. આ સાચું નથી. વધતી જતી વયને કારણે આવતું ભુલકણાપણું અને ઑલ્ઝાઇમર્સને કારણે થતી ક્ષીણ યાદશક્તિ એ બે જુદાં છે. જો આ બે વચ્ચેનો ફરક ન સમજાતો હોય તો એક ઉદાહરણ છે અજય દેવગનની એકમાત્ર ડિરેક્ટેડ ફિલ્મ ‘યુ મી ઔર હમ’. એમાં કાજોલના પાત્રને ઑલ્ઝાઇમર્સ ડિસીઝ હતો. છેલ્લા દાયકામાં આ ડિસઑર્ડરને નાથવા માટે વિજ્ઞાને અનેક ધમપછાડા કર્યા છે, પણ હજી સુધી રાહતનો શ્વાસ લઈ શકાય એવું કોઈ જ નિવારણ  નથી મળ્યું. અત્યાર સુધી રોગનાં લક્ષણોને આગળ વધતાં અટકાવતી પ્રક્રિયા ધીમી પાડે એવી દવાઓ અને થેરપી શોધાઈ છે, પરંતુ જ્યાં સુધીમાં રોગનું નિદાન થાય ત્યાં સુધીમાં તો મગજને સારુંએવું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે. છેલ્લાં કેટલાંક વષોર્થી સાયન્ટિસ્ટો ઑલ્ઝાઇમર્સના આગોતરા નિદાન માટે કમર કસી રહ્યા છે. તાજેતરમાં એક સફળતા મળી છે. આંખમાં જમા થતા ખાસ પ્રકારના પ્રોટીન પરથી ઑલ્ઝાઇમર્સની શક્યતાઓ કેટલી છે એ જાણી શકાય એવી ટેસ્ટ બ્રિટનના રિસર્ચરોએ શોધી છે. મતલબ કે પચાસ-પંચાવન વરસ પછી જો આંખની આ ટેસ્ટ દર બે વર્ષે કરાવી લેવામાં આવે તો ઑલ્ઝાઇમર્સ ડિસીઝ પ્રાથમિક તબક્કામાં જ એનું નિદાન થઈ શકે છે.

ઑલ્ઝાઇમર્સ શું છે?

આપણા મગજમાં સો કરોડથીયે વધુ ચેતાતંતુઓ આવેલા છે. બધા કોષો વચ્ચે એક ખાસ પ્રકારનું કમ્યુનિકેશન નેટવર્ક બનેલું હોય છે. આ કોષો વચ્ચેના કમ્યુનિકેશનને કારણે વ્યક્તિ વિચારી શકે છે, શીખી શકે છે, માહિતીનો સંગ્રહ કરે છે; આપણા શરીરની જોવા, સાંભળવા, સૂંઘવા, હાલવા-ચાલવા જેવી તમામ ક્રિયાઓનું સંચાલન થઈ શકે છે. મગજના કોષો જરૂર પડ્યે સંગ્રહાયેલી માહિતી વાપરે છે. ઑલ્ઝાઇમર્સ ડિસીઝમાં મગજના ચેતાતંતુઓ ડૅમેજ થવાનું શરૂ થવાથી કમ્યુનિકેશન નેટવર્ક ખોરવાય છે. નેટવર્કિંગમાં ગરબડ થવાનું મૂળ કારણ છે બ્રેઇનની રક્તવાહિનીઓમાં ઍમિલૉઇડ પ્રોટીનની જમાવટ. આ પ્રોટીનની જમાવટને કારણે શરૂઆતમાં માનસિક ક્ષમતાઓ પર અને પછી શરીરની તમામ ક્રિયાઓ પરનું નિયંત્રણ છૂટવા લાગે છે. જેમ-જેમ ચેતાકોષો વધુ ને વધુ ડૅમેજ થતા જાય છે એમ-એમ આ લક્ષણો વધતાં જાય છે. મતલબ કે આ રોગ એ પ્રોગ્રેસિવ છે.

શા માટે થાય છે?


લિવર એક કારણભૂત : અત્યાર સુધી સાયન્ટિસ્ટો ઑલ્ઝાઇમર્સની સારવાર મગજમાં શોધતા હતા, પણ ખરેખર એનું મૂળ લિવરમાં છે. મગજ ડૅમેજ થવાને કારણે ઑલ્ઝાઇમર્સ ડિસીઝ થાય છે, પરંતુ મગજ ડૅમેજ થવાનું મુખ્ય કારણ લિવરની અક્ષમતા કે એના કાર્યમાં થતી ગરબડને જણાવવામાં આવી છે. એવું કેવી રીતે એ સમજવા ઑલ્ઝાઇમર્સ ડિસીઝ દરમ્યાન મગજમાં શું થાય એ સમજવું જરૂરી છે.

મગજને ડૅમેજ કરતા આ પ્રોટીનનું પ્રોસેસિંગ કરીને એનો નિકાલ કરવાનું કામ લિવરનું છે. શરીર માટે નુકસાનકારક એવાં ઝેરી પ્રોટીન્સને ખતમ કરવાની કે શરીરની બહાર ફેંકી દેવાની પ્રક્રિયા કરવાના કામમાં લિવર ગરબડ કરવા લાગે છે એટલે લોહીમાં ઍમિલૉઇડ પ્રોટીન જમા થવા લાગે છે. લોહી તો આખા શરીરમાં ફરે છે એટલે એ મગજમાં પણ પહોંચે છે. એ રક્તવાહિનીઓને ડૅમેજ કરે છે ને એને કારણે મગજની કાર્યક્ષમતા જોખમાય છે.

ઑલ્ઝાઇમર્સની શરૂઆતનાં લક્ષણો

મેમરી લૉસ : એકની એક માહિતી વારંવાર પૂછ્યા પછીયે યાદ ન રહે. ઘણી વાર સંપૂર્ણ સ્મૃતિ જ ભૂંસાઈ જાય. પહેલાં તમે જે કામ રોજેરોજ કરતા હતા એ જ કામ કેવી રીતે કરાય એ બાબતે મૂંઝવણ અનુભવાય. તમારા ઘરનો રસ્તો ઓળખવામાં અવારનવાર ભૂલ થાય કે સાવ જ યાદ ન રહે. તારીખો યાદ ન રહે. ઘણી વાર ઊંઘમાંથી ઊઠીને પોતાના જ ઘરને ન ઓળખી શકે. સમય અને સ્થળમાં ગોટાળો કરે.

કમ્યુનિકેશનમાં તકલીફ : બોલતી વખતે પહેલો અક્ષર ખૂબ લંબાય. વાત કરતાં-કરતાં ભૂલી જાય કે પોતે કઈ વાત કરતા હતા. બોલતી વખતે ભળતા જ શબ્દો બોલે, પ્લાનિંગ કરવાની અને પ્લાનિંગ મુજબ કામ કરવાની ક્ષમતા ઘટી જાય. ખાસ કરીને આંકડા સાથે સંકળાયેલી બાબતમાં તકલીફ પડે.

વિઝનમાં પ્રૉબ્લેમ : વાંચવામાં, કલર ઓળખવામાં અને બે ચીજો વચ્ચેનું અંતર પારખવામાં તકલીફ પડે. ડ્રાઇવિંગ દરમ્યાન સામેની ચીજ અને કાર વચ્ચેનું અંતર માપવામાં થાપ ખવાય. અરીસા પાસેથી પસાર થાય અને પોતાની જ ઇમેજ જોઈને તેને લાગે કે રૂમમાં બીજું કોઈક છે. ખોવાયેલી ચીજો યાદ ન આવે ને પછી જ્યારે એ ચીજો મળી આવે ત્યારે એને ઓળખી ન શકે. નિર્ણયાત્મક શક્તિ ઘટી જાય.

મૂડ અને પર્સનાલિટીમાં પરિવર્તન : નાહવા-ધોવાનું, કપડાં પહેરવાનું જેવાં રોજિંદાં કામોમાં રસ ન પડે. લોકોમાં ભળવાનું ન ગમે. અજાણ્યા લોકોને જોઈને ચૂપ થઈ જાય અને અંદર જતા રહે. અચાનક જ મૂડમાં ધરખમ પરિવર્તનો આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK