Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ૯૬૪૪ ગલીઓવાળા મડીનામાં તમારા ગ્રુપને છોડવાની ભૂલ કરવી નહીં

૯૬૪૪ ગલીઓવાળા મડીનામાં તમારા ગ્રુપને છોડવાની ભૂલ કરવી નહીં

26 March, 2023 02:53 PM IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

ફેઝની ભૂલભુલૈયાવાળી મડીનામાં શૉપિંગ કરવા જેવું બધું બહુ મળશે, પણ અહીંનાં ભાતીગળ સ્થાપત્યોને અને સદીઓ જૂના ચર્મઉદ્યોગના સાક્ષી બનવાનું ભુલાય નહીં

૮૫૦ વર્ષ જૂની સીદી મૂસા ટેનરી.

શ્રી કુદરત શરણમ્ મમઃ

૮૫૦ વર્ષ જૂની સીદી મૂસા ટેનરી.


લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં સ્થપાયેલું આ શહેર ફેઝ કેટકેટલા કાળ, સમયગાળા પોતાના પેટાળમાં ધરબીને બેઠું હશે, ક્યાં-ક્યાં વિસ્તર્યું હશે એ બધી જ વાતો અમને અમારા ગાઇડ શ્રીમાન નઈમના મોઢેથી સાંભળવાની મજા પડી રહી હતી. એક સંસ્કૃતિનો વિકાસ, ઉત્ક્રાંતિની વાતો ખૂબ રસપ્રદ લાગી રહી હતી. વિશેષ તો એટલે કે આપણા ભારતનો પણ એક ભવ્ય ઇતિહાસ છે અને એ પણ આ બધાથી પાંચ ગણો જૂનો. કલ્પનાતીત, સમૃદ્ધ અને ભવ્ય ઇતિહાસ. વિશ્વના સૌથી જૂના શહેર બનારસની દરેક મુલાકાત વખતે એક અલગ જ રોમાંચ અનુભવ્યો છે. ૭૦૦૦ વર્ષ જૂનું આ શહેર કોઈ પણ મુલાકાતીનાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવી વાતો, લોકકથાઓ અને સંઘર્ષથી લથબથ છે. બનારસની વાતો ફરી ક્યારેક, અત્યારે શ્રીમાન નઈમ સાથે અમારા આગલા પડાવ તરફ જઈએ. 

આટલી જૂની સંસ્કૃતિ હોય એટલે નદી, લોકમાતા તો રહેવાની જ. શરૂઆતમાં જાવહર તરીકે ઓળખાતી નદી હવે ફેઝ તરીકે જ ઓળખાય છે. ગંગા, નાઇલ, યાંગત્સે... કઈ-કઈ નદીની વાત કરવી? આ ફેઝ નદી પણ એમાંની એક જ ગણાયને? અમે નઈમની પાછળ-પાછળ પહોંચ્યા એક ચોક્કસ ઊંચાઈએ આવેલા પૉઇન્ટ પર, જ્યાંથી આ શહેરનો ઇતિહાસ અને વર્તમાન બન્ને જોવા મળે છે. ગોરા, ઊંચા અને જેલાબા એટલે કે સ્થાનિક હાથવણાટથી બનાવેલો ગાઉન જે મૉરોક્કન ઇસ્લામિસ્ટની ઓળખ છે એ પહેરેલા શ્રીમાન નઈમનું જ્ઞાન અદ્ભુત હતું. ઇતિહાસમાં રસ ધરાવનાર કોઈ પણ પ્રવાસી માટે તેમની અસ્ખલિત વાતો જાણે કોઈ વાક્‍પ્રપાત જોઈ લો, રસતરબોળ કરી નાખે એવી. આ પૉઇન્ટ કદાચ આ શહેરનું ઊંચામાં ઊંચું સ્થાન હશે, કારણ કે અહીંનો નઝારો અદ્ભુત હતો. જૂના શહેરની જર્જરિત માટીની દીવાલો, દૂર દેખા દેતા બે જૂના પ્રાચીન માટી અને પથ્થરોની કમાન ધરાવતા એકલાઅટૂલા ઊભેલા બે દરવાજા આજુબાજુની દીવાલોની ગેરહાજરીને હિસાબે બાંડા લાગી રહ્યા હતા, પરંતુ એટલું ચોક્કસ સમજાય કે મધ્યકાલીન યુગમાં આ બાંધણીની ભવ્યતા કાંઈક અલગ જ હશે, અતિ પ્રભાવી. કોઈને પણ માન ઊપજે એવી સંસ્કૃતિ અચરજ પમાડી રહી હતી. નીચે એક તોપ પણ દેખાઈ રહી હતી. જાણકાર વાચકોને ખ્યાલ હશે જ કે તોપની શોધ ઇસ્લામિક સંસ્કૃતિની જ દેણ છે. બારુદ અને તોપોએ જ મોગલોના ભારત પરના આક્રમણને વધુ ક્રૂર, વધુ અસરકારક બનાવ્યું હતું. અહીંથી અમને દેખાઈ રહ્યું હતું ફેઝ મડીના, જૂનો મહેલ, જૂની મદરેસાનાં છાપરાં, જૂની મસ્જિદોના મિનારાઓ અને એવું બધું. લગભગ બધું જ મૂળભૂત રીતે બારમી-તેરમી સદીનું સ્થાપત્ય, બાંધકામ. 
મધ્યકાલીન યુગના માટીના અને પથ્થરના દરવાજા - ફેઝ.

અત્યાર સુધીના દરેક શહેરોના મડીનાની મુલાકાત લીધી જ હતી  એટલે આમાં નવું શું હશે એ ઉત્કંઠા, કુતૂહલ તો હતું જ. કદાચ વાચકો પણ દરેક જગ્યાના મડીનાના ઉલ્લેખથી થોડા થાક્યા હશે, પણ એક વાતની ખાતરી રાખો કે દરેકેદરેક શહેરના મડીનાનાં અનેક પાસાંઓ છે, વિવિધતા છે, દરેક શહેરનો આ વિસ્તાર કાંઈક અલગ જ ઇતિહાસની વાતો કહે છે. મધ્યકાલીન આફ્રો અરેબિક સંસ્કૃતિનાં અનેક પાસાંઓ આપણી સમક્ષ ઉજાગર કરે છે અને આમાં પણ ફેઝની મડીનાનો તો ઇતિહાસ ભવ્ય તો છે જ, પરંતુ એટલો જ સમૃદ્ધ પણ છે. આગળ કરેલા અભ્યાસને કારણે મારી તો ઉત્સુકતા ચરમસીમા પર હતી. આ પૉઇન્ટ પરથી કૅમેરા લગાવીને મડીનાનું અવલોકન અને એ પણ શ્રીમાન નઈમની અવિરત માહિતી સાથે, મજા પડી ગઈ. મિનારાઓના, છાપરાંઓના, મકાનોના, દીવાલોના, દરવાજાઓના ફોટો પાડવાની મજા પડી ગઈ. આટલું અલભ્ય અને સુંદર રીતે સચવાયેલું સ્થાપત્ય બાંધકામને દૂરથી નિહાળવાની મજા જ અલગ છે. કૅમેરાની આગળપાછળ ઝૂમ કરતા જાઓ, અલગ-અલગ કમ્પોઝિશન ગોઠવતા જાઓ અને ખટાક-ખટાક-ખટાક કંડારતા જાઓ. આ બધાનો આનંદ કોઈ રીઢા રસિક પ્રવાસીને પૂછી જુઓ. કોઈ વિકલ્પ જ નથી આ આનંદનો. મજા પડી ગઈ.


હવે? હવે ચાલો મડીના. મધ્યકાલીન યુગનો એક હિસ્સો બની જાઓ, કલ્પનાના ઘોડાને છુટ્ટા મૂકી દો. આ મધ્યકાલીન બજારમાં-શહેરમાં જેલાબા પહેર્યા વિનાની આ ૧૨મી સદીને અનુભવવાની ક્ષણો અલૌકિક છે એ ચોક્કસ સમજશો. ફેઝ મડીનામાં કેટલી નાની-નાની ગલીઓ, શેરીઓ છે ખબર છે? એ આંકડો ૯૬૪૪નો છે, વાચકમિત્રો, હાજી, લગભગ ૧૦,૦૦૦ ગલીઓની ભૂલભુલામણી ધરાવતા આ વિસ્તારનું પોતાનું એક આગવું સ્થાન છે, આગવો ઇતિહાસ, આગવી ઓળખ, આગવો પ્રદેશ છે. પહેલાંની કેટલીયે પેઢીઓ કદાચ આ મડીનાની બહાર નીકળી પણ નહીં હોય. એક આગવું, વિશિષ્ટ વિશ્વ. ગલીઓમાં જ ઉદય અને ગલીઓમાં જ અસ્ત. પૉઇન્ટ છોડીને અમે અનેક પ્રવેશદ્વારોમાંના સૌથી અવ્વલ પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા બ્લુ ગેટની સામે પહોંચ્યા. નઈમસા’બે એનું નામ જણાવ્યું અને માનશો અમે  ચાર વાર તેમની પાસે એનું નામ બોલાવડાવ્યું ત્યારે અમારામાંના ત્રણ જણ આ નામનો સાચો ઉચ્ચાર કરી શક્યા. જાણવું છે? નામ છે, બાબ બોઉ જલુદ. આમાં પણ બાબ પછીના બે શબ્દો થોડું અટકીને બોલવાના હોય. છોડોને આ બધી પીંજણ, અંદર તો પ્રવેશીએ. અમારી પાસે ચાર-પાંચ કલાક હતા અને એમાં પણ જમવાનું બાકી હતું. આ ઉપરાંત અહીંનાં મુખ્ય આકર્ષણો જે ખરા અર્થમાં વિશ્વમાં હાજર મુખ્ય આકર્ષણોમાં શિરમોર. એ દરેકની વાત એક-એક કરીને એની મુલાકાત વખતે જ કરીશ, જેથી સમજવામાં અને સમજાવવામાં સુગમતા રહે. આ મડીનામાં પહેલેથી લક્ષ્ય નક્કી કરીને જ આવવું એવી ખાસ ભલામણ છે. જો નક્કી ન કર્યું હોય તો આ જગ્યા તમારા કલાકો જ નહીં, દિવસો પણ ખાઈ જવાની ક્ષમતા ધરાવે છે. એ જાણશો. ‍

અલ ક્વારાવીન વિશ્વવિદ્યાલયનું અભૂતપૂર્વ પ્રાંગણ.

સૌપ્રથમ તમારી ખરીદી કરવાની વૃત્તિને તાળા-ચાવીમાં પૂરી દેવી. અહીં એટલી બધી દુકાનો છે કે શૉપિંગ કરશો તો ફરવાનું રહી જશે, જે કોઈ પણ કાળે પરવડે નહીં. ખાસ કરીને મડીનામાં ખરીદી ટાળવી. અહીં આકર્ષક અને એકથી એક ચડિયાતી વસ્તુઓ મળે છે, પરંતુ અહીં આવેલાં અનેક ભાતીગળ સ્થાપત્યોની વિસાતમાં આ બધી વસ્તુઓની એક ટકો પણ કિંમત નથી એ સમજી લેશો અને એક ખાસ તાકીદ, ગ્રુપનો કેડો મૂકવો નહીં, ગ્રુપમાં જ રહેવું, ગ્રુપમાં જ ફરવું, એકદમ જ શિસ્તબદ્ધ રીતે ફરવું. જો ગ્રુપ છૂટ્યું અને તમે ભૂલા પડ્યા તો રખડી-રખડીને થાકી જશો, પણ આરો નહીં આવે. શ્રીમાન નઈમે અમને ભૂલા પડી જઈએ તો પાંચ કલાક પછી બ્લુ ગેટ પર આવવાનું આગોતરું સૂચન કરી રાખ્યું હતું, પરંતુ અમે તો તેમના રોબની ચાળ જ જાણે પકડી લીધી હતી એમ તેમની સાથે ને સાથે જ. ઉપરાંત બીનાના હાથમાં એક મૉરોક્કન ધ્વજ પકડાવી દીધો, જેથી હું જો ફોટો પાડવા માટે થોડું રોકાઈ જાઉં તો નઈમનો જેલાબા ખેંચીને, ધ્વજ ઊંચો કરીને ત્યાં જ અટકી જાય અને હું તેમને પકડી શકું. બીનાને કોઈ પણ સંકોચ વગર તેમનો જેલબા ખેંચવાનું કહી દીધું હતું અને ત્રણેક વાર તો જરૂર પણ પડી હતી. હાસ્યની રીતસરની છોળો ઊડી હતી. ૨૬ જણનો કાફલો અટવાયા વગર ફરી રહ્યો હતો, શેરીઓને ધમરોળી રહ્યો હતો. વાત-વાતમાં તેમણે એક બ્રિટિશ ટૂરિસ્ટની વાત કરી જે એકલપંડે પહેલી વાર આ મડીનામાં ઘૂસ્યો હતો અને ચાર દિવસે ભાઈસાહેબ બહાર આવી શક્યા હતા. સખત છે આ વિસ્તાર, જે અહીં-તહીં ભટકતાં-ભટકતાં સમજાઈ ગયું હતું. અહીં ફ્રેન્ચ અને અરેબિક ભાષાનો પ્રભાવ છે. હવે લોકોને અંગ્રેજી આવડે છે, પરંતુ પહેલાંની વાત જ અલગ હતી. સવારથી રખડી રહ્યા હતા એટલે પહેલાં જમવાનું નક્કી કર્યું. ભાઈએ આગોતરું આયોજન કરી રાખ્યું હતું. અમે બધા તેમની પાછળ દોરવાયા. સાંકડી શેરીઓનું જાળું જોઈ લો. ડાબે-જમણે, જમણે-ડાબે એમ પાંચેક મિનિટ ચાલીને તેઓ એક સાંકડી શેરીમાં પ્રવેશ્યા. બધાને રબાતની રેસ્ટોરાં યાદ આવી ગઈ, ફરક ફક્ત એ હતો કે આ એકદમ સાંકડી, એકાદ ફુટ પહોળી જ શેરી હતી. સોએક મીટર ચાલ્યા કે જમણે વળવાનું હતું. પચાસેક મીટર પછી નીચે ઊતરવાનાં પગથિયાં દેખાયાં અને આપણે જેમ કોઈ જગ્યા માટે કહીએ એમ આ ગાયમુખી જગ્યામાં પથરાયેલી એકદમ જ ખુલ્લી હોટેલ દેખાઈ. ગજબની જગ્યા; પણ જાજરમાન, મધ્યકાલીન અને ભવ્ય. નઈમસા’બ પાછળ રોકાઈ ગયા હતા. અમે પગથિયાં ઊતર્યા અને ત્યાં જ હોટેલનો માલિક અમને આવકારવા ઊભો હતો. ખુશમિજાજ, ગોરો-ચટ્ટો મૉરોક્કન હતો. અમને જોયા અને ભાઈસાહેબે શરૂ કર્યું શોલેનું ગીત; ‘યે દોસ્તી, હમ નહીં છોડેંગે...’ આ ભાઈસાહેબ તો એકદમ જ લયમાં ગાઈ રહ્યા હતા તેમને બે લાઇન્સ પછી આવડતું નહોતું એટલે સહેજ થોભ્યા અને હું તેમની સાથે જોડાયો. અમે બન્નેએ મળીને મુખડું તો ગાઈ જ નાખ્યું. વચ્ચે-વચ્ચે તે ધર્મેન્દ્ર-અમિતાભ બચ્ચન બોલી રહ્યો હતો. હોટેલના બીજા પ્રવાસીઓને પણ મજા પડી ગઈ. બધા જ અમારા બે તરફ જોઈ રહ્યા હતા, વિડિયો ઉતારી રહ્યા હતા. વાહ, શું હોટેલ હતી, એકદમ ભવ્ય. આગળ લખેલું એમ આવાં જૂનાં, ભવ્ય ઘરો જેને હવે હોટેલ અથવા રેસ્ટોરાંમાં પરિવર્તિત કર્યાં હોય તેમને ‘રિયાદ’ કહેવાય છે. ગરમાગરમ ખાવાનું આવ્યું. અમારા ભાગે તો તાજીનની મહેરબાનીથી બનેલાં એટલે કે બાફેલાં શાકભાજી, પરંતુ માલિક અમારી પાસે આવ્યો અને બધા શાકાહારીના ચહેરા જોઈને રાહ જોવાનું કહીને ગયો. દસ મિનિટમાં તો પાંઉ અને વટાણા-ટમેટાંનું શાક લઈને પોતે જ આવ્યો. સ્વાદ જરા વિચિત્ર હતો, પરંતુ એનો ઉત્સાહ અને લાગણી જોઈને આનંદથી ભોજન માણ્યું. સંતરાનું જૂસ તો ખરું જ. 

રેસ્ટોરાંની સાંકડી શેરીમાં આવકારતા શ્રીમાન નઈમ. ફેઝ મડીનાનું મધ્યકાલીન સૌંદર્ય નિહાળી રહેલી વિદેશી માનુની.

આ પણ વાંચો: આજે ક્રિશ્ચિયન, ઇસ્લામિક સંસ્કૃતિને પોતાનામાં સમાવીને બેઠેલા ફેઝ શહેરની વાત

અવ્વલ દરજ્જાની આગતાસ્વાગતા માણીને બહાર નીકળ્યા. હવે પહેલાં ક્યાં જવું છે એમ કબીરે નઈમસા’બને પૂછયું. તેમણે ત્રણ વિકલ્પ આપ્યા. ત્રણેય સ્થાનની મુલાકાત તો નક્કી જ હતી, પરંતુ પહેલાં ક્યાં? કોઈ પણ બોલે એ પહેલાં મેં મોકો ઝડપી લીધો. મેં તરત જ ‘ટેનરી’ની મુલાકાતનું કહી દીધું. ગયા અઠવાડિયે લખ્યા મુજબ આ શહેર પોર્સલિન, મોઝે​ઇક, પૉટરી અને ચામડાની બનાવટની વસ્તુઓ માટે પ્રખ્યાત છે અને એ પણ સદીઓથી ચાલી આવતી પરંપરાગત પદ્ધતિથી તૈયાર થયેલી. વાચકોની જાણ ખાતર કહી દઉં કે ટેનરી એટલે પરંપરાગત રીતે પેઢી દર પેઢી ચાલી આવતી પદ્ધતિથી ચામડાની વસ્તુઓ બનાવતું ઉદ્યોગગૃહ. અહીં આ મડીનામાં ત્રણ ટેનરીઝ આવેલી છે. જમ્યા પછી આવા ચર્મઉદ્યોગ ગૃહની મુલાકાતે જવાનું ટાળવા ઘણાબધા યાત્રીઓએ નાકનું ટીચકું ચડાવ્યું, પરંતુ મેં તો જીદ પકડી રાખી. એનું કારણ હતું મેં વાંચતી વખતે જોયેલા આવા ઉદ્યોગગૃહના ફોટો. મારો ફોટોગ્રાફર-આત્મા જાણે કે ટળવળી રહ્યો હતો. રખેને કાફલો આળસી જાય અને હું રખડી પડું એ ડરથી મેં સતત મુલાકાતનો આગ્રહ રાખ્યો, આખરે મારી જીદની જીત થઈ. નઈમસા’બે વિકલ્પો સૂચવ્યા. ત્રણમાંથી સૌથી મોટી અને સૌથી જૂની ચૌઆરા ટેનરી, જે ૯૦૦ વર્ષ જૂની છે, પણ એ થોડી દૂર છે. બીજા નંબરે આવે છે સીદી મૂસા ટેનરી, જે સાડાઆઠસો વર્ષ જૂની છે અને અહીંથી નજીક છે અને ત્રીજા નંબરે આવે છે અલ અઝલીટન ટેનરી, જે નાની પણ છે અને દૂર પણ છે. પસંદગીની મહોર મારી સીદી મૂસા પર અને અમે ચાલી નીકળ્યા નાની-નાની ગલીકૂચીઓ વટાવતા-વટાવતા. રસ્તામાં તત્કાલીન યહૂદીઓ જેમાં રહેતા હતા એ મકાનો કે જે મેલ્લાહ તરીકે ઓળખાય છે અને યહૂદીઓ ગયા પછી એકદમ જર્જરિત અવસ્થામાં છે એવાં અનેક મકાનો પણ વટાવ્યાં. અત્યારે પણ ફેઝમાં ૧૫૦ મૉરોક્કન યહૂદીઓ વસવાટ કરે છે. આમ દસેક મિનિટમાં અમે ચામડાની વસ્તુઓ વેચતી એક દુકાનમાં પ્રવેશ્યા. આ દુકાનમાં થઈને જ ટેનરીમાં જવાનું હતું. અમે બધા ભેગા થવા એકઠા થયા અને ત્યાં તો દુકાનના એક કર્મચારી આવ્યા. નઈમસા’બ સાથે વાત થઈ અને અમને આગળ વધવાનો ઇશારો કર્યો, પણ એ સાથે જ તેમણે અમને બધાને ફુદીનાનાં પાનની ડાળખીઓ આપવાનું શરૂ કર્યું. હવે સમજાયું કે કાચા ચામડાની અને ચામડાને સાફ કરવા તથા રંગવા માટે વપરાતાં અલગ-અલગ રસાયણોની દુર્ગંધ કદાચ ખૂબ તીવ્ર હશે. ફુદીનાની તીવ્ર ગંધ કદાચ આ દુર્ગંધને સહ્ય કરી નાખશે. 

વિશ્વવિદ્યાલયના ચોગાનની ભવ્ય કમાનો. લાકડા, પથ્થર અને મોઝેઇકની કોતરણીઓનું અદ્ભુત સૌંદર્ય.

એક નાનો દરવાજો વટાવ્યો અને ઉપર ચડવાના દાદરા આવ્યા. સાથે ચામડાની દુર્ગંધ પણ ધસી આવી, જોશભેર. હાથમાં પકડેલો ફુદીનો જાણે ગુલાબનો હાર, મોગરાનાં ફૂલ. કોઈ મહેફિલમાં સૂંઘતાં હોય એમ નાક પાસે જ ચોંટાડી રાખ્યો. વધુ એક માળ પર ગયા અને મેં ત્યાં આવેલા એક ઝરૂખામાંથી ડોકિયું કર્યું અને? ફુદીનો, દુર્ગંધ, ગંધ બધું જ ખરી પડ્યું. નજર સામે હતા બારમી સદીના બનેલા માનવસર્જિત અનેક નાના-નાના કૂવા. કોઈ મધપૂડો જોઈ લો. ચામડું સાફ કરવા પાણી ભરેલા કૂવા, ચામડાને લાલ રંગે રંગવા લાલ રસાયણ ભરેલા કૂવા, બ્લુ રંગ કરવા એવું રસાયણ ભરેલા કૂવા અને આખાયે મધપૂડામાં કામ કરી રહેલા અનેક માણસો. આપણા મુંબઈનો ધોબીઘાટ યાદ આવી જાય. કામ કરનારા માણસોમાંથી કોઈકે ઘૂંટણ સમાણાં ગમબૂટ પહેર્યાં હતાં તો કોઈકે ચામડાનાં જ બનેલાં ખાસ પૂરાં કદનાં ઍપ્રન. ચામડાને પાણીમાં ડુબાડી-ડુબાડીને, પગ વડે થપથપાવીને કોઈ નરમ કરી રહ્યું હતું, તો ચામડાને સંપૂર્ણ સાફ કરવા કોઈ હાથથી ઘસી રહ્યું હતું, કોઈ રંગ ચડાવવા ચામડાને ખાસ રસાયણ ભરેલા કૂવામાં નાખીને એના પર કૂદકા મારી રહ્યા હતા, કોઈ આ બધી પ્રક્રિયામાંથી પસાર થયેલા ચામડાને સૂકવી રહ્યા હતા; બધું જ હાથથી, પગથી માનવસર્જિત, હસ્તનિર્મિત. આ બધી સદીઓથી ચાલતી વિધિથી તૈયાર થયેલા ચામડાની રોનક જ કંઈક ઑર હોય છે. એક વખતે આ મડીનામાં લગભગ પચાસેક ટેનરીઝ ધમધમતી હતી અને અહીં બનેલી વસ્તુઓ છેક બગદાદ, તહેરાન એટલે કે ઇરાક, ઈરાનમાં પણ વેચાતી હતી. આ પરંપરાગત પદ્ધતિ બહુ સમય તથા સખત મહેનત માગી લે છે, પરંતુ લોકોમાં અહીં બનાવેલી વસ્તુઓનું આકર્ષણ પણ એટલું જ મજબૂત છે. ફોટો પાડતો ગયો, પાડતો જ ગયો અને ઉપર એક નાનીશી અગાસી દેખાઈ એટલે ઝડપથી ઉપર ભાગ્યો. માંડ બે-ત્રણ ફોટો પાડ્યા હશે ત્યાં તો કબીરનો અવાજ, ચાલો ભાઈ. એક હાશકારો, પણ ખરા બપોરના તીવ્ર પ્રકાશમાં ફોટો સારા આવશે એમ લાગ્યું ખરું. નીચે ઊતર્યા, સહયાત્રીઓ દુકાનમાંથી ખરીદી કરી રહ્યા હતા. ચામડાની બનાવેલી વસ્તુનો સૈદ્ધાંતિક રીતે નિષેધ હોવાથી અમારે કંઈ લેવાનું નહોતું, પરંતુ આટલી સદીઓ જૂની પરંપરાને જીવંત જોઈને એક યુગ જાણે નજર સમક્ષ જીવંત થઈ ગયો. એક કાળખંડ રચાઈ ગયો. કેટકેટલું ભોગવ્યું હશે આગલી પેઢીઓએ. સખત મહેનત અને સંઘર્ષનો દાખલો નજર સમક્ષ. આ બધું જ અણમોલ ખરું, નહીં! માનવઇતિહાસની ઉત્ક્રાંતિના સાક્ષી બનવું દરેકના નસીબમાં નથી હોતું, મિત્રો. બધાનું શૉપિંગ થઈ ગયું હતું એટલે બહાર નીકળ્યા.

હવે વારો હતો છેક ઈસવી સન ૮૫૯માં સ્થપાયેલી અને ૧૧૬૪ વર્ષોથી અવિરત ચાલી રહેલી યુનેસ્કો અને ગિનેસ બુકમાં પ્રથમ સ્થાન પામેલી દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત અલ ક્વારાવીનનો. આ વિશ્વવિદ્યાલય હજી પણ ચાલે છે. શરૂઆતનાં વર્ષોમાં આ એક ધાર્મિક શિક્ષણ આપતી મસ્જિદ હતી, પછી મદરેસા બની અને હવે વિશ્વ વિદ્યાલયનો દરજ્જો પણ મળી ગયો છે. મુખ્ય વિષયો ઇસ્લામ ધર્મ, અરેબિક ભાષાનું વ્યાકરણ તથા ઇસ્લામિક કાયદા-કાનૂનની સમજ. આ વિશ્વવિદ્યાલયમાં આખાય આફ્રિકા, યુએઈ અને અનેક ઇસ્લામિક દેશોના નિષ્ણાંતો આગળ અભ્યાસ કરવા આવે છે. આ વિશ્વવિદ્યાલયની લાઇબ્રેરીમાં હજારો પુસ્તકોનો સંગ્રહ છે. અનેક હસ્તલિખિત મૂળભૂત પુસ્તકો તથા પ્રતોનો ખજાનો અહીંની એક આગવી ઓળખ છે.

આખાયે પરિસરને એક અનેરી આભા બક્ષતી લાકડાની અતિ બારીક અદ્ભુત કારીગરી, મોઝેઇકનું વિસ્મયકારક કૌશલ્ય અને અનેક ધાતુની લાક્ષણિક કામગીરી પ્રદર્શિત કરતું આ વિશ્વવિદ્યાલય ઇસ્લામિક વિશ્વની આ દુનિયાને અપાયેલી અણમોલ અને અનોખી ભેટ છે. અહીં ફરતી વખતે જ્યાં પણ જુઓ ત્યાં તમારા ચહેરાની રેખાઓ ન બદલાય, મોઢામાંથી વાહ ન નીકળે એવું બને જ નહીં. ખાસ કરીને લાકડાની કોતરણી જોઈને કોઈ પણ આફરીન પોકારી જાય. આ ઉપરાંત મોટા ચોગાનની વચ્ચોવચ આવેલો ફુવારો અને આખાયે ચોગાનને આવરી લેતું મોઝેઇકનું કામ કાબિલે તારીફ છે. વધુ શું કહું? શું લખું? એક જ શબ્દ, ‘અદ્ભુત’ ગુંજી રહ્યો હતો આખાયે પરિસરમાં, દરેકના મનમાં. 

મડીનાની વિદાય અને બીજી વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે. 

દરેકેદરેક શહેરના મડીનાનાં અનેક પાસાંઓ છે. દરેક શહેરનો આ વિસ્તાર અલગ જ ઇતિહાસની વાતો કહે છે. મધ્યકાલીન આફ્રો અરેબિક સંસ્કૃતિનાં અનેક પાસાંઓ આપણી સમક્ષ ઉજાગર કરે છે અને આમાં પણ ફેઝની મડીનાનો તો ઇતિહાસ ભવ્ય એટલો જ સમૃદ્ધ પણ છે. 

હોટેલનો માલિક અમને આવકારવા ઊભો હતો. ખુશમિજાજ, ગોરો-ચટ્ટો મૉરોક્કન હતો. અમને જોયા અને ભાઈસાહેબે શરૂ કર્યું શોલેનું ગીત; ‘યે દોસ્તી, હમ નહીં છોડેંગે...’ આ ભાઈસાહેબ તો એકદમ જ લયમાં ગાઈ રહ્યા હતા તેમને બે લાઇન્સ પછી આવડતું નહોતું એટલે થોભ્યા .

એક વખતે આ મડીનામાં પચાસેક ટેનરીઝ ધમધમતી હતી અને અહીં બનેલી વસ્તુઓ છેક બગદાદ, તહેરાન એટલે કે ઇરાક, ઈરાનમાં પણ વેચાતી હતી. આ પરંપરાગત પદ્ધતિ બહુ સમય અને મહેનત માગી લે છે, પરંતુ અહીંની વસ્તુઓનું આકર્ષણ પણ એટલું જ મજબૂત છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2023 02:53 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK