Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આને કહેવાય ભક્ત બાઇકર

આને કહેવાય ભક્ત બાઇકર

09 February, 2023 04:02 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

બોરીવલીમાં રહેતા કૉર્પોરેટ કંપનીમાં વેલ્થ મૅનેજરનુંકામ કરતા રોનક ભાટિયાને, જે છેલ્લાં ૪ વર્ષમાં બાઇક પર ઘણાં મંદિરો ફરી આવ્યો છે. મંદિરોનું તેને એટલું ઘેલું છે કે ચાન્સ મળ્યો તો એ પાકિસ્તાનના કરતાર સાહિબ ગુરદ્વારા પણ ફરી આવ્યો છે

કચ્છના રણમાં.

અલગારી રખડપટ્ટી

કચ્છના રણમાં.


બાઇક પર લદાખ જનારા તો ઘણા મળે, પણ બાઇક પર અમરનાથ જનારા કેટલા? આજે મળીએ બોરીવલીમાં રહેતા કૉર્પોરેટ કંપનીમાં વેલ્થ મૅનેજરનુંકામ કરતા રોનક ભાટિયાને, જે છેલ્લાં ૪ વર્ષમાં બાઇક પર ઘણાં મંદિરો ફરી આવ્યો છે. મંદિરોનું તેને એટલું ઘેલું છે કે ચાન્સ મળ્યો તો એ પાકિસ્તાનના કરતાર સાહિબ ગુરદ્વારા પણ ફરી આવ્યો છે


‘નૉર્મલ છોકરાઓ કરતાં મેં બાઇક મોડી શીખી. ૨૫ વર્ષે પહેલી વાર બાઇક હાથમાં આવી પણ જ્યારે શીખી ત્યારે લાગ્યું લે બસ, હવે મને કોઈ રોકી નહીં શકે. બાઇક શીખ્યાના પહેલા જ અઠવાડિયે હું અને મારો મિત્ર વાત કરતા હતા અને થયું કે ચાલ, શિર્ડી જઈએ. બાઇક પર પહેલી વાર મુંબઈની બહાર હું ગયો અને એ હતું શિર્ડી મંદિર. એ પછી તો જાણે મંદિરોનો સિલસિલો શરૂ થઈ ગયો. શનિ-શિંગણાપુર, શામળાજી, શ્રીનાથજી, દ્વારકા, સોમનાથ, કર્ણાટકમાં મુરૂડેશ્વર, નાગેશ્વર, ગ્રીષ્મેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, સાળંગપુર, ખોડાઈ ધામ, ગોંડલ માતા, ગિરનાર, વીરુપક્ષ મંદિર, હમ્પી, પંઢરપુર, અમ્રિતસર ગોલ્ડન ટેમ્પલ, સાલાસર બાલાજી ટેમ્પલ, રાજસ્થાન, કાશી, ખાટુ શામજી મંદિર, ૭૨ જીનાલય, આશાપુરા મંદિર, કોટેશ્વર મહાદેવ અને હિમાલયમાં અમરનાથ સુધી હું બાઇક લઈને જઈ આવ્યો છું. એમનેમ પણ રસ્તામાં કોઈ ખાસ મંદિર દેખાય તો રોકાઈને ભગવાનને પ્રણામ કરીને જ હું આગળ વધું. મારી ઇચ્છા છે કે ભારતનાં બધાં જ પ્રખ્યાત મંદિરો હું બાઇક પર જઈને કરું. લોકો મંદિરોની જાત્રા પગપાળા કરે છે ત્યારે એમને જે ફીલિંગ આવતી હશે એ જ ફીલિંગ મને ત્યારે મળે છે જ્યારે હું ત્યાં બાઇક પર પહોંચી જાઉં છું.’ભગવાન કરી આપે રસ્તો 


આ શબ્દો છે ૨૯ વર્ષના બોરીવલીમાં રહેતા વેલ્થ મૅનેજર રોનક ભાટિયાના, જેના કહેવા મુજબ છેલ્લાં ૪ વર્ષમાં બાઇક પર લગભગ અડધું ભારત ફરી આવ્યો છે. ગયા વર્ષે જ તેણે ૧૧ ટ્રિપ્સ કરી હતી. એની પહેલાંના વર્ષે ૮ ટ્રિપ્સ. બાઇકર્સ તો ઘણા હોય છે, પરંતુ બાઇક પર મંદિરો ફરવાવાળા રોનક જેવા બાઇકર્સ ભાગ્યે જ જોવા મળે. મોટા ભાગે બાઇકર્સ લદાખ જતા હોય છે, અમરનાથ જવાનું કેમ સૂઝ્યું? એ વાતનો જવાબ આપતાં ભક્તિભાવથી રોનક કહે છે, ‘ભોલેબાબા જે રીતે બોલાવે એમ જવું પડે એ તો. તેના બોલાવ્યા વગર ત્યાં પહોંચાતું નથી. અમરનાથ સુધીની યાત્રા મેં ફરતા-ફરતા ૪ દિવસ સુધીમાં પૂરી કરી, જેમાં વચ્ચે ફૂડ પૉઇઝનિંગ થઈ ગયેલું. દવાઓ લીધી પણ છેલ્લા દિવસે ઇન્જેક્શન લેવું પડ્યું ત્યારે ટ્રેક કરીને ઉપર ચડી શક્યા. આવું મારી સાથે ક્યારેય નથી થયું. 


અમરનાથ યાત્રામાં.

રસ્તામાં બે વાર મારી બાઇકની ચેઇન ખરાબ થઈ ગઈ. એક વાર તો રાજસ્થાનના બિયાવર ગામમાં ચેઇન ખરાબ થઈ જ્યાં બાઇકના પાર્ટ્સ મળે જ નહીં. પહેલા તો એણે હતા. ઊંચા કરી દીધેલા. મેં તેમને કહ્યું કે હું અમરનાથ જાઉં છું. ત્યારે તેમણે કહ્યું કે સારું, 

હું કંઈ કરી આપું છું. જે વસ્તુ થઈ શકે એમ જ નહોતી એ વસ્તુનો પણ તોડ મળે ત્યારે લાગે કે કષ્ટ તો છે પણ ના, ભગવાન ઇચ્છે છે કે હું તેમના સુધી પહોંચું.’ 

પાકિસ્તાન ફરી આવ્યો 

કરતારપુર સાહિબ, પાકિસ્તાન

રોનકને મંદિરો ફરવાનું એટલું ઘેલું છે કે પાકિસ્તાનમાં આવેલું પ્રખ્યાત ગુરદ્વારા કરતારપુર સાહિબ પણ તે ફરવા ગયો છે. જોકે ત્યાં તે તેની બાઇક પર ન જઈ શક્યો એનો અફસોસ તેને છે ખરો. ૨૦૧૯ સુધી તો કરતારપુર સાહિબ કૉરિડોર શરૂ નહોતો થયો. એ શરૂ થયો ત્યારે રોનકને ખબર પડી અને તેને ત્યાં જવાની ઇચ્છા થઈ આવી. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘આ જગ્યાએ જવું એક લહાવો છે. ઑનલાઇન ઍપ્લિકેશન કરીને તમે ત્યાં જઈ શકો છો. એના માટે વિઝાની જરૂર નથી હોતી, પરંતુ પોલીસ વેરિફિકેશન ચોક્કસ થાય છે. એ પછી તમને ત્યાં જવાની પરમિશન મળે છે. છતાં પાસપોર્ટની જરૂર તો પડે જ છે. પરંતુ પાસપોર્ટ પર પાકિસ્તાની વિઝાનો સ્ટૅમ્પ લાગતો નથી. પાકિસ્તાની વિઝા લીધા પછી લોકોને યુએસ, યુકે જવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં કોઈ તકલીફ પડતી નથી, કારણ કે વિઝા જ નથી. મહત્ત્વનું એ છે કે આ જગ્યાએ એક જ દિવસ જઈ શકાય. સવારે ૯થી સાંજે પાંચ વગ્યા સુધીની જ મંજૂરી હોય છે અને તરત ત્યાંથી પાછા ફરવાનું હોય છે. ૭ કિલો સામાન જ અહીં સાથે લઈ જઈ શકાય છે. રાવી નદી પાસે આ ગુરદ્વારા છે. આ કૉરિડોર એવો છે કે ભારતથી ત્યાં જઈ શકાય, પરંતુ પાકિસ્તાનથી ભારતમાં કોઈ ન આવી શકે.’

અનુભવ 

કરતારપુરનો અનુભવ જણાવતાં તે કહે છે, ‘ત્યાં જઈને મેં જોયું કે આ ગુરદ્વારા પાસે જ એક દરગાહ બનાવવામાં આવી છે. ત્યાં ઘણા મુસ્લિમ લોકો પણ હતા. ગુરુ નાનકને મુસ્લિમો પણ એટલા પૂજે છે એ મને ખબર નહોતી. ત્યાં જઈને ખબર પડી કે મુસ્લિમો માટે એ તેમના પીર હતા. જ્યારે ગુરુ નાનક મૃત્યુ પામ્યા ત્યારે હિંદુ અને મુસ્લિમ લોકો તેમના અંતિમસંસ્કાર માટે લડ્યા હતા. ત્યારે તેમનું શરીર ફૂલોમાં બદલાઈ ગયું. બંને ધર્મના લોકોએ આ ફૂલો આપસમાં વહેંચી લીધાં. હિંદુઓએ એને અગ્નિદાહ આપ્યો અને મુસ્લિમોએ એ ફૂલોને ત્યાં જ દફનાવ્યાં. આમ ત્યાં ગુરુ નાનકની દરગાહ હતી. આ જગ્યાનો અનુભવ ઘણો જુદો હતો.’ 

આ પણ વાંચો : ભારતના કોઈ પણ શહેરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને હું ઓળખું જ છું

રિસ્ક 

કેદારનાથ યાત્રામાં 

રોનક હાલમાં ચારધામ જાત્રા પણ કરી આવ્યો છે. ત્યાં તેનાં મમ્મીએ બાઇક પર બેસવાની ના પાડી દેતાં મમ્મીની ઇચ્છાને માન આપવા તેણે બાઇક છોડવી પડી હતી. રોનક બાઇક પર હિમાચલ પ્રદેશ, જમ્મુ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ ફરી આવ્યો છે. હજી સાઉથ અને ઈસ્ટ બાજુ વધુ એક્સપ્લોર કરવાનું બાકી છે. એક બાઇકર તરીકે ટ્રાવેલ કરવામાં રિસ્ક પણ ઓછાં નથી. એ વિશે વાત કરતાં રોનક કહે છે, ‘શરૂઆતમાં હું રાત્રે ન ચલાવી શકતો, કારણ કે ઘણા ડ્રાઇવર્સ અપર બીમ મારીને ચલાવે છે એટલે તમને કંઈ દેખાય જ નહીં. પણ બાઇકર તરીકે ધીમે-ધીમે હું શીખ્યો કે આ પરિસ્થિતિમાં કેવી રીતે બાઇક ચલાવવી. હવે હું આખી રાત પણ ગાડી ચલાવી શકું છું. એક વખત જેસલમેર જતી વખતે મારી બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું. રાત્રે બાર વાગ્યા હતા. પેટ્રોલ પમ્પ ૪૦ કિલોમીટર દૂર હતો. હવે અડધી રાત્રે મેં હેલ્પ માગી. એક આર્મી ઑફિસર તેમની પત્ની સાથે બહાર નીકળ્યા હતા. તેમણે મને કહ્યું કે આ જગ્યા સેફ નથી. તું પોલીસને ફોન કર. પોલીસને આવી મદદ માટે બોલાવાય તો નહીં પરંતુ એ ઑફિસરે મને કહ્યું કે એ લોકો ફાઇન લગાડે તો ભરી દેજે પણ અહીંથી નીકળ. મેં પોલીસને બોલાવી. એ લોકો મદદે આવ્યા. તેમણે કહ્યું કે અમે તને લઈ જઈએ, બાઇક અહીં જ છોડી દે. મેં ના પાડી. કહ્યું કે મારી બાઇકને હું તમારી જીપ પાછળ બાંધી દઉં છું પણ એને છોડીને નથી જવી. પોલીસે મને ખૂબ મદદ કરી. વગર કોઈ ફાઇન લીધે મને મારી હોટેલ સુધી મૂકી ગયા. આવા અનુભવો જીવનભર યાદ રહી જાય છે.’ 

મોંઘું કે સસ્તું? 

રોનક તેની કમાણીના ૨૦ ટકા સેવ કરે છે અને ૨૦ ટકા ટ્રાવેલ પાછળ વાપરે છે. દરેક જગ્યાએ અફૉર્ડેબલ ટ્રિપ્સ કરવામાં માને છે. જેટલા ઓછામાં ઓછા પૈસે કામ થતું હોય તો તે રોડવે. ટ્રાવેલિંગ વખતે રહેવા માટે ૧૦૦-૧૫૦ રૂપિયામાં રૂમ મળી જાય એવી જગ્યાઓ તે શોધી કાઢે. બાઇક પર ટ્રાવેલ સસ્તું પડે કે મોંઘું? એનો જવાબ આપતાં રોનક કહે છે, ‘ખાલી એક જગ્યાથી બીજી જગ્યાએ જવામાં બાઇક મોંઘી પડે. જેમ કે મુંબઈથી પહલગામ જવામાં મને ૫૦૦૦-૬૦૦૦ રૂપિયાનું પેટ્રોલ જોયું. ટ્રેનમાં જઈએ તો એટલો ખર્ચો ન થાય પણ પછી તમે જ્યાં જાઓ છો ત્યાં ઇન્ટરનલ ફરવામાં ગાડી કરીએ તો ખૂબ મોંઘી પડે. જેમ કે કાશ્મીર કે બીજું કોઈ પણ રાજ્ય ફરવામાં અંદર-અંદર જ ૧૫-૨૦ હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. એ બાઇકમાં બચી જાય છે. મુખ્ય ફાયદો એ છે કે તમે જેટલાં શહેરો, રાજ્યોમાંથી પસાર થતા જાઓ, જુદી-જુદી જગ્યાઓને એક્સપ્લોર કરી શકો. એક જગ્યાએથી નીકળી સીધા બીજી જગ્યાએ પહોંચી જવું એના કરતાં મહત્ત્વનું છે કે રસ્તાને માણવો, રસ્તામાં મળતી બીજી કેટલીયે જગ્યાઓને જોવી, સમજવી. અને એ રીતે ગણવા જાઓ તો બાઇક સસ્તી જ પડે.’ 

કમ્યુનિટી 

બાઇકિંગને કારણે રોનક ખૂબ ઓછા સમયમાં ઘણા મિત્રો બનાવી ચૂક્યો છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘બાઇકર્સની પોતાની કમ્યુનિટી હોય છે જે અંદર-અંદર એકબીજાને જાણતી હોય છે. હું જે પણ રસ્તે નીકળું એમાં વચ્ચે-વચ્ચે જુદા-જુદા બાઇકર્સ મિત્રો મને મળવા આવતા હોય છે. એની મજા જુદી છે. આજે દરેક રાજ્યમાં મને ઓછામાં ઓછા ૨૦ જણ ઓળખે છે.’ રોનક કલાકો વગર રોકાયે બાઇક ચલાવી શકે છે. એકધારું તે ૫૦૦ કિલોમીટર અને પછી માત્ર અડધા કલાકનો બ્રેક લઈ ૩૦૦ કિલોમીટર વગર થાક્યે ચલાવી શકે છે. તને કમર નથી દુખી જતી? આ પ્રશ્નનો હસતાં-હસતાં જવાબ આપતાં રોનક કહે છે, ‘જ્યારે બાઇક નથી ચલાવતો ત્યારે કમર દુખે છે. ચલાવું ત્યારે કંઈ નથી થતું.’ 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 04:02 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK