ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ફૂડ છે આ કપલનું ટ્રાવેલ ઇન્સ્પિરેશન

ફૂડ છે આ કપલનું ટ્રાવેલ ઇન્સ્પિરેશન

01 December, 2022 04:08 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ જૈન કચ્છી કપલ દુનિયાભરમાં ફરે છે, ત્યાં ગમે તે રીતે પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં શોધી કાઢી બને ત્યાં સુધી ત્યાંની લોકલ વાનગીઓનાં વેજિટેરિયન વર્ઝન જરૂર ટ્રાય કરે છે. જોકે ટ્રાવેલિંગ તેમને માટે કેવી-કેવી ચૅલેન્જ લાવતું હોય છે એ જાણીએ તેમની પાસેથી

નીરવ અને ઈશા ગંગર અલગારી રખડપટ્ટી

નીરવ અને ઈશા ગંગર

શું તમે ફક્ત વુડ ફાયર પીત્ઝા ખાવા માટે પુડુચેરી, તો વર્લ્ડ બેસ્ટ પૌંઆ ખાવા માટે ઇન્દોર જઈ શકો? માટુંગામાં રહેતાં નીરવ અને ઈશા ગંગર જઈ શકે છે. આ જૈન કચ્છી કપલ દુનિયાભરમાં ફરે છે, ત્યાં ગમે તે રીતે પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં શોધી કાઢી બને ત્યાં સુધી ત્યાંની લોકલ વાનગીઓનાં વેજિટેરિયન વર્ઝન જરૂર ટ્રાય કરે છે. જોકે ટ્રાવેલિંગ તેમને માટે કેવી-કેવી ચૅલેન્જ લાવતું હોય છે એ જાણીએ તેમની પાસેથી

ફૂડના ચક્કરમાં અડધું ઇન્ડિયા અને દુનિયાના વીસેક દેશો આ કપલ ફરી ચૂક્યું છે. ૨૦૧૪માં લગ્ન પછી પહેલી વખત સાથે ફરવાનું જે શરૂ કર્યું છે એ મુજબ દર વર્ષે ૩-૪ ટ્રિપ તેઓ સહજ રીતે ગોઠવી જ કાઢે છે અને દરેક ટ્રિપમાં તેમને વિઘ્ન નડ્યાં જ છે.


માટુંગામાં રહેતો ૩૪ વર્ષનો નીરવ ગંગર  ટેક્સટાઇલનો ફૅમિલી બિઝનેસ સંભાળે છે અને તેની પત્ની ૩૩ વર્ષની ઈશા ગંગર પોતે સીએસના કોચિંગ ક્લાસિસમાં ટ્યુટર છે, પણ આ ઓળખ તેમના માટે પૂરતી નથી આ બંને એક નંબરનાં ફૂડી છે અને નવી-નવી વાનગીઓ ટ્રાય કરવા માટે દુનિયાના દરેક ખૂણે ફરી લેવાની તેમની ઇચ્છા છે. ઈશા તો થોડા સમય પહેલા તેના ફૂડપ્રેમને દુનિયા સાથે શૅર કરવા માટે ફૂડ બ્લૉગર પણ બની છે. ફૉલો માય ફૂડ સ્ટેપના નામે ઇન્સ્ટાગ્રામ પર તે ફૂડ બ્લૉગ્સ બનાવે છે. ફૂડના ચક્કરમાં ઑલમોસ્ટ અડધું ઇન્ડિયા અને દુનિયાના વીસેક દેશો આ કપલ ફરી ચૂક્યાં છે. ૨૦૧૪માં લગ્ન પછી પહેલી વખત સાથે ફરવાનું જે શરૂ કર્યું છે એ મુજબ દર વર્ષે ૩-૪ ટ્રિપ તેઓ સહજ રીતે ગોઠવી જ કાઢે છે, પરંતુ દરેક ટ્રિપમાં કોઈ ને કોઈ વિઘ્ન તેમને નડ્યા જ છે. 


તૂફાન 


હનીમૂન માટે બંને ફિલીપીન્સ અને થાઇલૅન્ડ ગયાં ત્યારે શું થયેલું એ વાત કરતાં નીરવ ગંગર કહે છે, ‘પહેલાં અમે ફિલીપીન્સ જવાનાં હતાં અને પછી થાઇલૅન્ડ. ફિલીપીન્સમાં એ સમયે ટાયફૂન એટલે કે આંધી-તૂફાન ઊભાં થયાં. અમે જે હોટેલ જવાનાં હતાં એ જવા માટે ફેરીઝ બંધ થઈ. અમે હોટેલવાળાને પૂછ્યું તો તેમણે કહ્યું કોઈ પ્રૉબ્લમ નથી. બધું ચાલુ જ છે, તમે ફેરી મળે એટલે આવી જાઓ. ત્યારે નિર્ણય લેવો ખૂબ અઘરો હતો, પણ અમે વહેલી તકે ફ્લાઇટ લઇ સીધા થાઇલૅન્ડ પહોંચી ગયા. પાછળથી ટાયફૂનને કારણે એ આઇલૅન્ડ પર ખૂબ તારાજી થઈ. અમે બચી ગયા. અમારા સાથે ટ્રાવેલનો આ પહેલો અનુભવ અને અમે આંધી-તૂફાન ખાળીને બચી ગયાં, પણ મહત્ત્વની વાત એ છે કે લગભગ દરેક ટૂરમાં અમને કંઈ ને કંઈ પ્રૉબ્લેમ આવ્યો જ છે.’

વાદળ ફાટ્યું 

એવો જ અનુભવ લેહ-લદાખમાં પણ થયેલો, જે વિશે વાત કરતાં ઈશા ગંગર કહે છે, ‘અમે ૧૫ જણની આખી ટીમ ત્યાં ગયેલી અને ત્યાં વાદળ ફાટ્યું જેને કારણે રસ્તો ધોવાઈ ગયો. ૪ દિવસ અમે એ જગ્યાએ ફસાઈ ગયાં. રસ્તો જ્યાં હતો ત્યાં હવે કોઈ રસ્તો જ નહોતો. ઇન્ડિયન આર્મી અમારી વહારે આવી, એણે રસ્તો બનાવ્યો, પરંતુ વાદળ ફાટવાને લીધે પાણીના સોર્સ બધા મલિન થઈ ગયા અને હોટેલમાં ખૂબ જ લિમિટેડ પાણી સાથે અમે ૪ દિવસ માંડ કાઢ્યા. જે રોડ બન્યો એના પર ૫ કિલોમીટર ચાલીને અમે આગળ વધ્યાં. એક કામચલાઉ પુલ બનાવ્યો હતો, જેના પરથી એક જ વ્યક્તિ પસાર થઈ શકે એવો પુલ ક્રૉસ કર્યા બાદ અમને બસ મળી. તકલીફો એક બાજુ, પણ આ બધા જ યાદગાર અનુભવો હતા.’ 

લગેજ ગાયબ 

સૌથી મજેદાર પ્રૉબ્લેમ્સની વાત કરતા નીરવ ગંગર કહે છે, ‘અમે મોટા ભાગે જેટલી પણ ઇન્ટરનૅશનલ ટ્રિપ્સ કરી છે એમાં અમારી બૅગ્સ હંમેશાં અમને સમયસર મળે નહીં. ઍરલાઇન્સના કોઈક તો લોચા થાય જ, બધી નહીં તો અમુક બૅગ પણ મુંબઈમાં જ રહી જાય કે પછી કોઈ પણ કારણોસર યુએસ પહોંચી જાય. અમે બંનેએ હજુ સુધી યુએસ નથી ગયાં, પરંતુ અમારી બૅગ્સ જઈ આવી છે. એક વાર અમે દિલ્હી ગયાં ત્યારે એક બૅગ મુંબઈથી દિલ્હી આવવાને બદલે યુએસ જતી રહી હતી. એવું જ જ્યારે અમે જોર્ડન ગયાં ત્યારે પણ થયું હતું. ત્યાં તો અમારા બંનેની બૅગ્સ મુંબઈ ઍરપોર્ટ પર જ ઍરલાઇને છોડી દીધેલી. એક દિવસ આખો અમે જોર્ડનમાં ફક્ત હૅન્ડબૅગ સાથે રહ્યાં.’

એમાંથી પણ શીખ્યું 

લગ્ન પહેલાં ઈશા તેના ફૅમિલી મેમ્બર્સ સાથે ફ્રાન્સ ગયેલી. ત્યાંનો અનુભવ જણાવતાં તે કહે છે, ‘ત્યારે અમારી બધાની બૅગ્સ યુએસ જતી રહેલી અને ૭ દિવસ પછી મળેલી. આખું ફ્રાન્સ મેં ખાલી બે જોડી કપડાંમાં પતાવ્યું. આટલા બનાવો પછી જ્યારે પણ અમે ઍરપોર્ટ પર લગેજ બેલ્ટ પાસે ઊભાં હોઈએ તો સીધો નવકાર મંત્ર બોલવાનું શરૂ કરી દઈએ છીએ કે અમારો સામાન આવી જાય બસ. અમારા ઘરના લોકોને પણ ફોન કરીએ કે અમે પહોંચી ગયાં તો પહેલો પ્રશ્ન એ પૂછશે કે બૅગ મળી કે જતી રહી? પરંતુ આવા અનુભવોથી અમે શીખી ગયા કે હૅન્ડબૅગમાં શું સામાન રાખવો, જેથી બૅગ્સ મળે નહીં તો પણ ચાલી શકે. બીજું એ કે અમે બંનેની સેપરેટ બૅગ્સ રાખતાં નથી. અમે એક બૅગમાં બંનેનો થોડો-થોડો સામાન રાખીએ છીએ, જેથી એક બૅગ ન આવે તો બીજાને મુશ્કેલી નહીં.’

વેજ અને વીગન 

નીરવ અને ઈશા બંને સાથે ફિલિપીન્સ, થાઇલૅન્ડ, દુબઈ, ભૂતાન, ગ્રીસ, ટર્કી, આઇસલૅન્ડ, પ્રાગ, બુડાપેસ્ટ, વિયેના, જોર્ડન, ઇજિપ્ત,  આઇલૅન્ડ્સ, ઍમ્સ્ટરડૅમ, ડેન્માર્ક, ફ્રાન્સ, સ્લોવેનિયા, અબુ ધાબી જેવાં ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશન જઈ આવ્યાં છે. આ સિવાય ભારતમાં તેઓ લેહ-લદાખ, કાશ્મીર, હૃષીકેશ, મસૂરી, શિમલા, અમૃતસર, દિલ્હી, આગ્રા, જેસલમેર, જોધપુર, ઉદયપુર, જયપુર, કચ્છ, ઇન્દોર, કલકત્તા. કાબિની, કુર્ગ, મૈસૂર, બૅન્ગલોર, કેરલા, મહાબલિપુરમ, પુડુચેરી, ગુન્ટુર, કોટાગિરિ, દેવપ્રયાગ ફરી આવ્યાં છે. ભારતમાં તો હજુ વાંધો ન આવે, પણ બહારના દેશોમાં વેજિટેરિયન ફૂડ મળવું મુશ્કેલ નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં નીરવ ગંગર કહે છે, ‘પહેલાં હતું. હજુ પણ થોડી તકલીફ પડી શકે, પરંતુ ધીમે-ધીમે ઘણી જાગરૂકતા આવી રહી છે. ખાસ કરીને વિગન રેસ્ટોરાં ઘણાં મળી રહે છે. હવે જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વેજ ખોરાકનો નહીં, ઇન્ડિયન ટેસ્ટનો સવાલ રહે છે. અમે લોકો ખાસ્સાં ઓપન છીએ. અમને ઇન્ડિયન જ ખાવાનું જોઈએ એવું નથી. અમને ફરતું-ફરતું ઘણું ભાવે છે. વિગન રેસ્ટોરાંમાં બધું વેજ જ હોય, પણ એની બનાવવાની ઢબ ઘણી જુદી હોય. જો તમે થોડા ઓપન થાવ તો આંતરરાષ્ટ્રીય ક્વિઝીનના વેજ કે વિગન ઑપ્શન્સ તમે માણી શકો છો.’ 

લોકલ ક્વિઝીનનો શોખ 

અમને લોકલ ક્વિઝીન્સ પણ એટલી જ ટ્રાય કરવી ગમે એમ કહેતાં ઈશા ગંગર કહે છે, ‘અમે ભૂતાન ગયા હતા ત્યાંની લોકલ ડિશ દાત્શી  ખાધી હતી. ભૂતાનીઝ લોકો પોતાનું ફ્રેશ ચીઝ બનાવે છે અને એમાંથી આ વાનગી બનાવે છે. કુન્નુરમાં અમે અવરેઈ ઉદ્દક્કા નામની કરી ખાધી જે બટેટા અને રાજમા વાળી લીમડાની સ્ટ્રૉન્ગ ફ્લેવર સાથેની કરી હતી, જેને બટેટા નાખીને બનાવેલી સૉફ્ટ રોટી સાથે ખાવામાં આવે છે. ઇન્ડિયામાં લગભગ બધા પ્રાંતમાં એની વેજિટેરિયન લોકલ ક્વિઝીન મળી રહે, પણ બહાર એવું નથી. હવાઈ આઇલૅન્ડ ગયેલાં ત્યારે અમને ત્યાંના ફેમસ પોક બોલ્સ ખાવા હતા, પણ એ તો નૉન-વેજ ફૂડ જ છે. એટલે અમે એનું વેજ વર્ઝન શોધ્યું. એક વિગન રેસ્ટોરાંમાં મળ્યું. વિયેના ગયાં હતાં ત્યારે અમને પ્યૉર વેજ સુશી મળી. સુશી માછલીમાંથી બનતી ડિશ છે. એનું વેજિટેરિયન વર્ઝન ઇન્ડિયામાં મળી શકે, પરંતુ વિયેનામાં અમને એ મળ્યું એનો આનંદ હતો.’

ફૂડ જર્ની 

મુંબઈનાં દરેકેદરેક નવાં રેસ્ટોરાં અને નવી વાનગીઓની શોધમાં સદા તત્પર રહેનારું આ કપલ સ્પેશ્યલી પુડુચેરી વુડ ફાયર પીત્ઝા માટે, ઇન્દોરમાં એની સરાફા બજાર ફરવા માટે, કલકત્તાની મીઠાઈઓ ઝાપટવા માટે અને હૃષીકેશમાં ત્યાંનાં જુદાં-જુદાં કાફે ટ્રાય કરવા માટે ગયેલાં. હૃષીકેશનું ગઢવાલી ફૂડ, અમૃતસરના છોલે કુલ્ચે અને ઇન્દોરના પોહા તેમના અતિ ફેવરિટ છે. તેમની ફૂડ જર્નીઝ વિશે વાત કરતાં ઈશા કહે છે, ‘મસૂરી બધા લોકો જાય છે, પણ અમે મસૂરીથી આગળ ૪૫ મિનિટના રસ્તે લેન્ડોર નામની જગ્યા છે એ શોધી કાઢેલી. મસૂરી જતા ભાગ્યે જ કોઈ ટૂરિસ્ટને આ જગ્યા વિશે ખબર હશે. અમે ત્યાં ખાસ ત્યાંની બેકરીઝ અને કૅફેઝ માટે ગયેલા. એકદમ બ્રિટિશ વાઇબ છે આ જગ્યાની. એવી જ રીતે જ્યારે પુડુચેરી ગયા ત્યારે મુંબઈમાં વુડ ફાયર પીત્ઝા મળતા જ નહી. અમે ૭ દિવસ રોકાયા ત્યાં અમે લંચ અને ડિનરમાં ફક્ત જુદા-જુદા પ્રકારના પીત્ઝા જ ખાધા છે. નવી વસ્તુઓ ખાવાનો અમને ખૂબ શોખ છે અને એના માટે અમને ગમે તેટલું ટ્રાવેલ કરવું પડે અમે ખુશી-ખુશી કરીએ છીએ.’ 

01 December, 2022 04:08 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK