Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > અનેક કુદરતી પરિબળોનું કેટલું સુંદર સંયોજન

અનેક કુદરતી પરિબળોનું કેટલું સુંદર સંયોજન

Published : 05 November, 2023 07:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અશ્રુસભર આંખે ખુલ્લા આકાશમાં નિષ્પલક તાકી રહો અને સૂર્યપ્રકાશના અસ્તિત્વથી રચાતું મેઘધનુષ... ખૂબ મોટા વિસ્તારને કોઈક અલગ જ શુભ્રતા બક્ષતા દરિયાનાં મોજાં... અને જાણે દરિયો ગાંડો થયો હોય એમ ૧૦૦થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક કે કદાચ વધારે ગતિથી ફૂંકાઈ...

પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયેલા મેઘધનુષનું સૌંદર્ય - કૅરિટેન.

પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયેલા મેઘધનુષનું સૌંદર્ય - કૅરિટેન.


કૅરિટેન ગામના આ વ્યુ પૉઇન્ટ પરથી પૅસિફિક મહાસાગરને નિહાળવાની મજા આવી રહી હતી. કુદરત તરફનો આ આવિર્ભાવ વધુ ને વધુ પ્રબળ થઈ રહ્યો હતો. આ પૉઇન્ટ પર અમે એકલા જ હતા. સહાધ્યાયની સાથે-સાથે આ સ્વાધ્યાય પણ હતો. અનેક કુદરતી પરિબળોનું કેટલું સુંદર સંયોજન! ક્ષણે-ક્ષણે ધન્યતા અનુભવાઈ રહી હતી. બધા જ પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા હતા અને હું? સાક્ષીભાવનું ઓજસ પ્રગટ્યું, જાણે. તીવ્ર ગતિએ ફૂંકાઈ રહેલી હવાએ બધાં દુન્યવી બંધનો, આવરણોને પણ ઉડાડીને ફેંકી દીધાં હતાં. વાદળોની હાજરી હતી, પરંતુ આ પવનને કારણે તેઓની પણ આવન-જાવનની ગતિ વધી ગઈ હતી. આ આકાશી પટલ પર અનેક આકાર રચાઈ રહ્યા હતા. કેટલાયે પરિચિત ચહેરાઓ ઊપસી આવતા હતા અને ફરી ધૂંધળા થઈ આગળ નીકળી જતા હતા. ઊભરાઈ જતી આંખો અને કોઈનું ધૂંધળા થઈ જવું... એક ટીસ ઊઠે ક્યારેક, ખરેખર. એક વિચાર જન્મ્યો. અશ્રુસભર આંખે, ખુલ્લા આકાશમાં નિષ્પલક તાકી રહો અને સૂર્યપ્રકાશના અસ્તિત્વથી આંખોમાં મેઘધનુષ રચાય? મેઘધનુષ માટેનાં બધા જ પરિબળોની હાજરી આવું કંઈ કરી શકે? આછા નિઃશ્વાસ સાથે લુખ્ખું મલકી પડ્યો. બ્લુ રંગના જ ત્રણ શેડ્સથી શોભાયમાન અર્ણવ વળી વશીકરણ કરી રહ્યો હતો. ક્ષિતિજ પર દેખા, રહેલું ઇન્દ્રધનુષ મહાસાગરમાંથી અવતરિત થઈ રહ્યું હતું કે વિલીન થઈ રહ્યું હતું. એ વળી એક મીઠી મૂંઝવણ હતી. ઉપરથી મંદ ગતિએ થઈ રહેલાં અમી છાંટણાં! તમને ભાવવિભોર, સંમોહિત કરવામાં કાંઈ બાકી હતું? વળી પાછું તમને ઘેરાબંધી કરીને ચોમેર ફરી વળેલું લીલુંછમ ઘાસ. શું બાકી રહે, બોલો? 
સફરની શરૂઆતમાં જ કુદરતનાં પાંચે તત્ત્વો કામે લાગી ગયાં હતાં. શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. સ્વેચ્છાએ સ્વીકારેલી શરણાગતિ. દરિયાનાં મોજાં થોડાં વહેલાં જ તૂટી જઈને ખૂબ મોટા વિસ્તારને કોઈક અલગ જ શુભ્રતા બક્ષી રહ્યાં હતાં, સફેદ દરિયાઈ પટ જાણે, કૅરિટેન! કિનારે વસેલું સુંદર મજાનું ગામ. અમી છાંટણાંનો મારો વધ્યો. છાંટણાં, ફોરામાં અને ફોરા ધારામાં પરિણમે એ પહેલાં જ ગાડીમાં બેસી ગયા અને હજી ગાડી ફેરવી ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. આ એક જ બાકી હતું. મેદાન છોડ્યું અને મુખ્ય રસ્તો પકડ્યો ત્યાં તો વળી સૂર્યપ્રકાશ નીકળી પડ્યો. ત્રણ મિનિટમાં જ બધું ભજવાઈ ગયું. વાહ રે કુદરત! અકળ તારી લીલા. અરે, ખૂલ જા સીમ સીમ બોલાયું હોય એમ આકાશ ખૂલી ગયું. વાદળાં પણ ગતિ કરી ગયાં. વરસીને હળવાં થઈને પવનને સથવારે જાણે ભાગી છૂટ્યાં. ક્ષિતિજ પર નજર સામે પૂર્ણ મેઘધનુષ દેદીપ્યમાન. અહોહો... બ્રેક લાગી ગઈ, હાથ જોડાઈ ગયા. જ્યોત પ્રગટી ચૂકી હતી. ચાલો નીકળીએ. 
આ તો શરૂઆત છે, ડનેડિન પહોંચતાં પહેલાં હજી એક સ્થળની મુલાકાત લેવાની હતી. કૅરિટેનથી ડનેડિનનું અંતર છે ૩૫ કિલોમીટર, પરંતુ અમારે ફંટાવાનું હતું બીજાં ૨૦ કિલોમીટર અને પછી ડનેડિન પહોંચવાનું હતું. આ સ્થળ છે  ફક્ત સાઉથ આઇલૅન્ડમાં નહીં, પરંતુ આખા ન્યુ ઝીલૅન્ડમાં પ્રખ્યાત લાર્નક કૅસલ. ઇન્ટરનેટ પર એટલું બધું વાંચ્યું હતું કે આ મુલાકાત અનિવાર્ય હતી. ન્યુ ઝીલૅન્ડના એક માત્ર કૅસલ તરીકે આ સ્થળને વર્ણવવામાં આવ્યું છે. 




લાર્નક કૅસલની બહાર ગોઠવેલી ગરુડની અદ્ભુત કલાકૃતિ.


એક મહત્ત્વની આડવાત. મહેલ, ગઢ અને કિલ્લો ગુજરાતી ભાષામાં જેમ અલગ-અલગ ત્રણ શબ્દો છે એમ અંગ્રેજીમાં પણ પૅલેસ, કૅસલ અને ફોર્ટ એમ ત્રણ શબ્દો છે. કૅસલ એટલે ગઢ એમ કહી શકાય. મહાલય અથવા કહો કે ધનિક, ઉમરાવ લોકોનું રહેઠાણ, જેની આજુબાજુ કિલ્લેબંધી કરેલી હોય, જેના રક્ષણ માટે કિલ્લા જેવી જાડી અને અભેદ્ય દીવાલો હોય. મહેલને આવાં આવરણ ન હોય. આપણે ત્યાં દરબારગઢ કહેવાય એમ કૅસલ. કિલ્લો એટલે ટૂંકમાં કહી શકાય કે લશ્કરી થાણું. આપણે આ તફાવત સમજીને આગળ વધીએ. હું કૅસલ જ લખીશ, તમારે દરબારગઢ સમજી લેવું. જડતાપૂર્વકના ભાષાંતરનો આગ્રહ ન રાખતા, મૂળભૂત તફાવત સમજી લઈએ એટલે ઘણું, બરાબર? 

અમે તો આ લાર્નક કૅસલને નિહાળવા ખૂબ આતુર હતા, પણ પછીથી ખબર પડી કે આમ જોવા જઈએ તો સમગ્ર ન્યુ ઝીલૅન્ડમાં લગભગ દસેક કૅસલ્સ ખરા, પરંતુ આ એક હેતુપૂર્વકની જાહેરાત હતી. ખેર જે હોય એ કૅસલ તરફ જતા એકમાત્ર રસ્તે આગળ વધતાં જ સમજાઈ રહ્યું હતું કે આ મુલાકાત યાદગાર, અવિસ્મરણીય બની રહેવાની છે. એક બાજુ દરિયો અને બીજી બાજુ પહાડની તળેટીમાં બનાવેલો રસ્તો, તમને કોઈ ખાસ હોવાની અનુભૂતિ કરાવી રહ્યો હતો. કુદરતી સૌંદર્ય ચોમેર ઠલવાયેલું હતું. પહાડના અંતિમ છેડે આવેલા આ કૅસલનું ભૌગોલિક સ્થાન જબરદસ્ત છે. પહાડના અંતિમ છેડાનો ત્રણસો એકરનો જમીનનો ટુકડો અને ૩૫ એકરમાં ફેલાયેલા આ કૅસલનો ઇતિહાસ પણ એની ભૂગોળ જેટલો જ માણવાલાયક છે. ઈ. સ. ૧૮૭૧માં તત્કાલીન માલેતુજાર વેપારી અને રાજકારણી શ્રીમાન વિલિયમ લાર્નકે આ કૅસલનું નિર્માણ તેમની વહાલી પત્ની શ્રીમતી એલિઝા લાર્નક માટે કરાવ્યું હતું. વાચકમિત્રો, શાહજહાં ફક્ત ભારતમાં જ નથી હોતા, એનો એક આંતરરાષ્ટ્રીય પુરાવો. પત્નીને ખુશ રાખવી અને એને માટે શ્રેષ્ઠતમ પ્રયત્ન કરવા એ તો એક સનાતન સત્ય છે એ આવા પુરાવાઓથી સાબિત થાય છે. શ્રી લાર્નક આમ તો ન્યુ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં જન્મેલા સ્કૉટિશ કુળના નબીરા હતા, પરંતુ ન્યુ ઝીલૅન્ડમાં આવીને સાઉથ આઇલૅન્ડ અને ખાસ કરીને ડનેડિનને ન્યુ ઝીલૅન્ડનાં અગ્રીમ શહેરોની હરોળમાં સ્થાન અપાવવામાં તેમનો અતિમહત્ત્વનો ફાળો રહ્યો છે એ આખા ન્યુ ઝીલૅન્ડમાં સુવિદિત છે. તેઓ શરૂઆતની પેઢીના બૅન્કર હતા જેઓ ઈસવી સન ૧૮૬૦ની સુવર્ણ ક્રાન્તિ દરમ્યાન બૅન્ક ઑફ ઓટેગાના ડનેડિનના ફક્ત મૅનેજર જ નહીં, સર્વેસર્વા હતા. 


આ પ્રદેશ જે ઓટેગા તરીકે ઓળખાય છે એ અહીં ઈસવી સન ૧૮૫૮ પછી સોનું મળી આવતાં અનેક દેશોના હજારો લોકોના અભૂતપૂર્વ ધસારાનો સાક્ષી રહ્યો છે. આ વર્ષો ઓટેગા માટેનો સુવર્ણકાળ હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ઓટેગા અને ખાસ કરીને ડનેડિનના અભૂતપૂર્વ આકર્ષણે આ વર્ષો દરમ્યાન અનેક દેશોના રહેવાસીઓને અહીં વસવા માટે ઘેલા કર્યા હતા. આપણા શ્રીમાન લાર્નકનો પણ આ સુવર્ણકાળ હતો. ઈ. સ ૧૮૭૧માં આ સ્થળે કૅસલ બાંધવા તેમણે ડનેડિનના પ્રખ્યાત આર્કિટેક્ટ આર. એ. લૉસનને નિયુક્ત કર્યા અને રૂપિયાની કોથળી, ના ના, કોથળા ખુલ્લા મૂકી દીધા. ૧૭મી સદીમાં લોકપ્રિય અને પ્રવર્તમાન ગોથિક આર્કિટેક્ચરનાં ફરી મંડાણ ઓગણીસમી સદીના અંતમાં સમગ્ર દુનિયામાં થઈ ગયાં હતાં અને ફરી એક વખત ગોથિક આર્કિટેક્ચરની લોકપ્રિયતા પ્રસરી રહી હતી. ગોથિક આર્કિટેક્ચરની લાક્ષણિકતાઓ વિશે ફરી ક્યારેક. અત્યારે આગળ વધીએ. 
લૉસને પણ ગોથિકને જ પસંદ કર્યું અને લાર્નકસાહેબે એના પર મહોર મારી. કામકાજ પુરજોશમાં ચાલુ થઈ ગયું. ૨૦૦ કારીગરોએ સતત ત્રણ વર્ષ સુધી તો કૅસલની બહારની દીવાલો અને ઢાંચા પર જ કામ કર્યા કર્યું અને એ પછી સતત ૧૩ વર્ષ સુધી સેંકડો કારીગરોએ આંતરિક સુશોભીકરણ પર કામ કર્યું. થોડી વધુ જાણકારી આપું. આ કૅસલના બાંધકામમાં સ્થાનિક વસ્તુઓ સિવાય ઇટલીના આરસ, વેલ્સ (યુકે)ના ખાસ છાપરાં માટેના પથ્થરો, ઇંગ્લૅન્ડની હાથબનાવટની જમીન પર બિછાવવાની લાદીઓ, ઇટલી અને ફ્રાન્સની કાચની બનાવટની વસ્તુઓ તથા ઝુમ્મર વપરાયાં છે. ટૂંકમાં કહીએ તો, સમગ્ર યુરોપ ઠલવાયું છે અહીં આ કૅસલમાં. આ ઉપરાંત હાથવણાટના પડદા, ગાલીચાઓ, ખુરસીઓનાં કપડાં વગેરે તો ખરાં જ. 

એક દાખલો આપું. ઈસવી સન ૧૮૭૫માં ફક્ત વેનિસથી જ ૨૦ ટન એટલે કે ૨૦,૦૦૦ કિલો કાચ મગાવવામાં આવ્યા હતા અને મુખ્ય લૉબીની અખંડ છતને બનાવવામાં જ સાડાછ વર્ષ લાગ્યાં હતાં. આના પરથી જ આ કૅસલના નિર્માણ પાછળની મહેનત અને લગનનો અંદાજ આવી જાય છે, પરંતુ ક્યારેક વિધાતાએ કંઈક બીજું જ વિચારી રાખ્યું હોય છે. વિધિના લેખ અકળ હોય છે અને કોઈ પણ સુખ કાયમી હોતું નથી. ઈસવી સન ૧૮૮૭માં ૧૬ વર્ષે કામ પૂરું થયું ત્યારે આ કૅસલમાં ૪૩ ઓરડા હતા. પાંચ બગીચાઓ અને ત્રણસો એકર્સમાં ફેલાયેલા પરિસરમાં વ્યક્તિગત ખેતરો, વાઇન બનાવવા માટે દ્રાક્ષના બગીચા અને ૩૦૦ તો દૂઝણી ગાય હતી અહીંના તબેલે. ઘોડાર પણ ખરાં. કર્મચારીઓનાં ઘર પણ અહીં જ. ભવ્યાતિભવ્ય નિર્માણ. આખા ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા તથા સાહજિક રીતે સમગ્ર યુકેમાં આ આલીશાન લાર્નક કૅસલની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી, પરંતુ આ ખુશી લાંબી ન ટકી. કૌટુંબિક વિખવાદ અને તણાવને કારણે શ્રીમાન લાર્નકે ઈસવી સન ૧૮૯૮માં આત્મહત્યા કરી અને સમગ્ર કુટુંબની કઠણાઈ બેસી ગઈ. જાણે કોઈની નજર લાગી ગઈ. વળી આપણા આ શાહજહાંને ત્રણ પત્નીઓ હતી. કાનૂની દાવપેચ શરૂ થઈ ગયા. કૅસલ સૂનો પડી ગયો, વેરાન થતો ગયો. બગીચા ઊજડી ગયા. કર્મચારીઓ છોડી ગયા. ફક્ત બે જ વર્ષમાં કૅસલનું ફર્નિચર અને અમૂલ્ય કલાકૃતિઓ વેચાવા માંડી. ખ્રિસ્તી સાધ્વીજીઓ માટે કૅસલ વપરાવા લાગ્યો. એ પછી તો કૅસલના ઘણા માલિકો બદલાયા. ઈસવી સન ૧૯૦૬માં સરકારે ૩૦૦૦ પાઉન્ડમાં આ કૅસલ ખરીદી લીધો. પાગલખાના માટે અને સૈનિકોની માનસિક સારવાર માટે આ વૅસલ વપરાવા લાગ્યો. કેવી અધોગતિ!! ઈસવી સન ૧૯૧૮માં સરકારે પણ આ કૅસલ ખાલી કરી નાખ્યો. ચોરી અને લૂંટફાટ બેફામ થતી ચાલી. 

કૅસલની અંદર આવેલી રેસ્ટોરાં.

કાળચક્ર ફર્યું ઈસવી સન ૧૯૨૭માં. કોઈ શ્રી જૅક્સન પર્ડીએ સરકાર પાસેથી કૅસલ ખરીદી લીધો અને ખર્ચો કરીને કૅસલનું સમારકામ કરાવ્યું. ભવ્ય પ્રાચીન કલાકૃતિઓ બેસાડી. વીજળીનાં જોડાણ લીધાં. કૅસલ ફરી ઝગમગવા લાગ્યો, ત્યાં તો ઈસવી સન ૧૯૩૯માં તેમની તબિયત બગડી. તેમણે કૅસલ વેચવાનું નક્કી કર્યું. કોઈ ખરીદદાર આગળ ન આવતાં, દુખી થઈને તેમણે મકાન તોડીને બધું વેચી નાખવાનું નક્કી કર્યું, પરંતુ શું સદ્બુદ્ધિ સૂઝી કે કૅસલનું લિલામ કરવાનું નક્કી કર્યું. આ કૅસલની કમનસીબીનું તળિયું હતું. ફક્ત ૧૨૫૦ પાઉન્ડમાં કોઈ શ્રી આર્મસ્ટ્રૉન્ગે કૅસલ ખરીદી લીધો. તેમણે પણ ૧૯૪૧માં વેચી નાખ્યો, કોઈ શ્રી સ્ટેડમૅનને. સ્ટેડમૅન પાસેથી ઈસવી સન ૧૯૫૯માં કૅસલ લીધો શ્રીમતી એમ્પસને અને તેમની પાસેથી તત્કાલીન માલિક બાર્કર પરિવારે આ કૅસલ ખરીદી લીધો ઈસવી સન ૧૯૬૭માં. ફરી કાળચક્ર ફર્યું અને કૅસલની ચડતીની શરૂઆત થઈ ગઈ. 
બાર્કર પરિવારને કોઈના આશીર્વાદ ફળ્યા હોય એમ તેમની કીર્તિ વધતી ચાલી. વિજયપતાકા લહેરાઈ ઊઠી. કૅસલને ખૂબ સુંદર રીતે પુનર્જીવિત કર્યો. પાંચ બગીચાઓને તો એટલા સુંદર ખીલવ્યા કે વૈશ્વિક કક્ષાએ એની ગણતરી વિશ્વના સુંદરતમ બગીચાઓમાં થવા લાગી. મુરઝાયેલો કૅસલ જાણે ખીલી ઊઠ્યો. હવે અત્યારની યશોગાથા. કૅસલના મુખ્ય મકાનની મુલાકાત લો, નિહાળો, ચા-નાસ્તો કરો, પરંતુ અહીં રહેવાનું નહીં. રોકાણ માટે કૅસલના જ પરિસરમાં ચાર પ્રકારની અલગ-અલગ વ્યવસ્થા છે, પરંતુ મુખ્ય મકાન બાર્કર પરિવારનું અંગત રહેઠાણ છે. અમારી મુલાકાત અત્યંત ફળદાયી નીવડી. કૅસલ તો ફર્યા જ. એ ઉપરાંત તેની રેસ્ટોરાંનો, બગીચાઓનો પણ પૂરો ફાયદો લીધો. આખો પરિસર ધમધમે છે. ડનેડિનથી ફક્ત ૨૦ કિલોમીટરના અંતરે આવેલો આ કૅસલ સાઉથ આઇલૅન્ડનું અમૂલ્ય નજરાણું છે. મુલાકાત લેવી જ લેવી. કાળચક્રની ગતિ કેવી નારી છે એનો ઉત્તમ દાખલો છે આ લાર્નક કૅસલ. બાર્કર પરિવારને ખૂબ-ખૂબ ધન્યવાદ ન્યુ ઝીલૅન્ડના ભવ્ય વારસાને સાચવવા અને પુનર્જીવિત કરી, ફરી એના સર્વોચ્ચ સ્થાનને ગરિમા અપાવવા બદલ. 

કૅસલને પૂરતો ન્યાય આપી અમે હવે ડનેડિન તરફ રવાના થયા. અચાનક જ કૅસલના પાર્કિંગ લૉટની પાછળની બાજુએ દેખાતા દૃશ્ય પર નજર પડી. ભાન ભૂલીને ભાગ્યા. શું નઝારો હતો? વિશાળ અફાટ જળરાશિ અને દૃશ્યમાન થતા નાના-નાના અનેક ટેકરાઓ. આકાશ થોડું ગોરંભાયેલું હતું એટલે દૃશ્ય ખૂબ સુંદર લાગી રહ્યું હતું. ફટાફટ ફોટો લીધા અને ગાડીમાં ગોઠવાયા. કૅસલની બહાર નીકળ્યા અને ડનેડિન તરફ જતા રસ્તા પર વૅન લીધી. હવે મારી ડાબી તરફ મહાસાગર હતો.

સાડાત્રણ વાગ્યા હશે. એક ખુલ્લી જગ્યા આવી. અદ્ભુત નઝારો હતો. મંજયને ફોટો લેવાનું મન થયું. વૅન ઊભી રાખી તેણે દરવાજો ખોલ્યો, પરંતુ દરવાજો ખૂલે જ નહીં. બહુ પ્રયત્ન કર્યા, પરંતુ ન જ ખૂલે. બારીઓ બંધ હતી. બહાર પવન જોશભેર ફૂંકાતો હતો એ દેખાતું હતું, પરંતુ હવે અનુભવાયું. આખી વૅન હલવા માંડી. મેં મારી તરફનો દરવાજો ખોલ્યો અને દરવાજો બંધ કરી જેવો આગળના ભાગમાં પહોંચ્યો કે હવાએ મને લગભગ ચારેક ફુટ દૂર ફંગોળી દીધો અને સમજાઈ ગયું. જે પવનની તીવ્રતા હતી. હું સામી છાતીએ એક ડગલું પણ માંડી નહોતો શકતો, દરવાજો ખોલવાની તો વાત જ ભૂલી જાઓ. એક ક્ષણે તો આ તોફાની પવન આખી વૅન ઊથલાવી નાખશે એવું લાગતું હતું. વૅન ભયજનક રીતે હલી રહી હતી. વૅનનું કદ જ અત્યારે નડતર બની રહ્યું હતું. હું વળીને વૅનની પાછળ પહોંચ્યો અને બારીઓ ખોલી નાખવાનું કહ્યું, જેથી હવા પસાર થઈ શકે અને વૅન ઊથલી ન પડે. આવી તીવ્ર હવા ક્યારેય અનુભવી નહોતી એ ચોક્કસ હતું. બારીઓ ખૂલી. બે રૂમાલ, બેથી ત્રણ કૅસલનાં બ્રૉશર, બારીમાંથી હવાના પ્રવેશ સાથે અલોપ થઈ ગયાં. હવે દરવાજા મહામહેનતે ખૂલ્યા. નીચે ઊતર્યા. સામી છાતીએ નહીં, આડા થઈને આગળ ખસકવાનું શરૂ કર્યું. છોકરાઓ તો આગળ વધ્યાં અને તેઓ ભેગાં જ વૅનસરસા થઈ ગયાં. મને લાગે છે કે ૧૦૦થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક કે કદાચ વધારે ગતિથી હવા ફૂંકાઈ રહી હતી. દરિયો જાણે ગાંડો થઈ ગયો હતો. અમે ઊંચાઈએ હતા, પરંતુ કુદરતનું આ સ્વરૂપ તો ગજબનું હતું. જૅકેટ કાઢી નાખ્યું, નહીં તો ગમે ત્યારે જૅકેટ પૅરૅશુટ બની જાય એમ હતું. અનુભવ તો કરવો જ રહ્યો. સામી છાતીએ, જમીન પર પગ બને એટલા જોરથી દાબીને માંડ ત્રણ ડગલાં ભરી શક્યો. આગળ વધાય જ નહીં. બેસી પડ્યો. જમીનસરસો સૂઈ ગયો. ધીમેકથી જમીન પર કોણી ગોઠવી માથું ઊંચું કર્યું. માથાના વાળ જાણે ભાથામાં રાખેલાં બાણ જોઈ લો. પવન શરીરની ઉપરથી પસાર થઈને નીકળી રહ્યો હતો. શર્ટ ફરફરતુ હતું. અમૂલ્ય ક્ષણો હતી. એક જ ક્ષણ પૂરતી હતી. અભિમાન તો છોડો, આ ક્ષણે, મા પ્રકૃતિએ, તો સ્વાભિમાનનાં પણ લીરેલીરાં ઉડાડી મૂક્યાં હતાં. પામરતા, નિ:સહાયતા, શરણાગતિ વગેરે શબ્દો અર્ણવના મોજા સાથે અંદરથી ઉદ્ભવી રહ્યા હતા અને ભયાનક પછડાટ સાથે વિખેરાઈ રહ્યા હતા, વિચ્છેદ પામી રહ્યા હતા અને સાથે વિચ્છેદ 
પામી રહ્યું હતું હુંપણું પણ. મા પ્રકૃતિ તારા ચરણે, તારા શરણે. શ્રી કુદરત શરણમ્ મમ.
ડનેડિનની વાતો અને સાહસના શ્રીગણેશ આવતા અઠવાડિયાથી.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2023 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK