Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?

મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?

Published : 17 November, 2022 05:39 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તેઓ માને છે કે જો નૉર્થ-ઈસ્ટ ફરવા તમે નથી ગયા તો તમે પૂર્ણ રીતે ભારતને જોયું જ નથી. તેમની આ વર્ષની એક યાદગાર ટ્રિપના વર્ણન દ્વારા આપણે પણ જાણીએ મેઘાલયની અપ્રતિમ સુંદરતા વિશે

મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?

અલગારી રખડપટ્ટી

મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?


એવું માનવું છે ૧૦-૧૨ વર્ષની નાની ઉંમરથી ટ્રાવેલિંગ અને ટ્રેકિંગને પોતાના જીવનની જરૂરિયાત બનાવનાર અશ્વિનીકુમાર હરિયાનું. તેઓ માને છે કે જો નૉર્થ-ઈસ્ટ ફરવા તમે નથી ગયા તો તમે પૂર્ણ રીતે ભારતને જોયું જ નથી. તેમની આ વર્ષની એક યાદગાર ટ્રિપના વર્ણન દ્વારા આપણે પણ જાણીએ મેઘાલયની અપ્રતિમ સુંદરતા વિશે


‘ભારતમાં ઘણીબધી જગ્યાઓ એવી છે જે ટૂરિસ્ટ પ્લેસ નથી અને એને કારણે ત્યાં ફરવાનો અનુભવ ઘણો જુદો હોય છે. આવી એક જગ્યામાં નૉર્થ-ઈસ્ટ ગણાય છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં પણ ટૂરિઝમ ઘણું ફૂલ્યું ફાલ્યું છે છતાં આ એવી ભૂમિ છે જ્યાં પહોંચીને તમને ઘણા નવા અનુભવો મળે છે. જુદી જ પ્રકૃતિ અને સંસ્કૃતિ ત્યાં વસેલી છે, જેનો આનંદ અનેરો છે. એક વખત દરેક ભારતીયે એના પૂર્વના છેડાનાં દર્શન કરવાં જોઈએ.’ 



આ શબ્દો છે આ વર્ષે જ મેઘાલય ફરી આવેલા ડોમ્બિવલીમાં રહેતા ૨૫ વર્ષના અશ્વિનકુમાર હરિયાના. અશ્વિન ૧૦-૧૨ વર્ષનો હતો ત્યારથી મુંબઈની આજુબાજુના પર્વતો ખૂંદતો આવ્યો છે. પર્વતો સાથે તેણે બાળપણથી જ મૈત્રી કરેલી હતી. ફરવાની, નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની, નવા-નવા લોકોને મળવાની તેને નાનપણથી જ ખૂબ મજા આવતી હતી. ફરવાનો એટલો શોખ હતો કે તેને એમ હતું કે હું ભારતનો ખૂણેખૂણો ફરી વળું. પણ મારો ફરવાનો શોખ મારે પેરન્ટ્સના ખર્ચે પૂરો નહોતો જ કરવો એમ જણાવતાં અશ્વિની કહે છે, ‘મિડલ ક્લાસ ઘરોમાં ફરવું લક્ઝરી ગણાય અને મારા માટે એ જરૂરિયાત હતી, જેને પૂરી કરવા હું મારાં માતા-પિતા પર બોજ નહોતો નાખવા માગતો. એટલે મેં ખુદ ટ્રિપ ઑર્ગેનાઇઝ કરવાનું વિચાર્યું. હું બધું પ્લાનિંગ કરતો અને બીજા લોકોને મારી સાથે ફરવા લઈ જવા લાગ્યો. એમનું પ્લાનિંગ હું કરી આપતો અને એ રીતે હું પણ એમની સાથે ફરી લેતો. આમ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે ટ્રેકર્સ ટ્રાઇબ નામની એક કંપની મેં શરૂ કરી. એક પણ પૈસો ઇન્વેસ્ટ કર્યા વગર છેલ્લાં ૬ વર્ષથી હું ફરું છું અને લોકોને પણ ફેરવું છું. મને લાગે છે કે જ્યારે તમે ખરેખર સપનાંઓને પૂરાં કરવા ઇચ્છતા હો ત્યારે કોઈ પણ બાધાઓ નડતી નથી. બસ, જરૂરી છે એ સપનાંઓને કઈ રીતે પૂરાં કરવાં એના રસ્તાઓ શોધવાની. શોધવાથી તો ભગવાન પણ મળે, આપણે તો ફક્ત રસ્તો શોધવાનો છે.’ 


વેજ ફૂડ મળે જ છે

અશ્વિની ભારતના લગભગ દરેક ખૂણે ફરી આવ્યો છે; જેમાં આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, લડાખ, ઉત્તરાખંડ, કેરલા, મધ્ય પ્રદેશની ટ્રિપ્સ તેની યાદગાર ટ્રિપ્સ હતી. હિમાચલ તો તે સોલો ટ્રિપમાં ગયેલો પરંતુ જે ભૂમિ પર લોકો ઓછા જાય છે ત્યાં જવાની તેની ઇચ્છા ઘણી હતી અને એ છે નૉર્થ-ઈસ્ટ. જે ઇચ્છાને પૂરી કરવા તે નૉર્થ-ઈસ્ટમાં પણ આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય ફરી આવ્યો છે. નૉર્થ-ઈસ્ટ વિશે વાત કરતાં અશ્વિની કહે છે, ‘તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એક મહત્ત્વની વાત હોય છે ખોરાક. આ પ્રદેશમાં વેજિટેરિયન ખોરાક મળવો એક સમયે ઘણો મુશ્કેલ હતો. જૈન ફૂડનું તો તેમણે નામ પણ સાંભળ્યું નહોતું. એટલે ઘણા ઓછા લોકો ત્યાં ફરવા જતા, પરંતુ હવે એવું રહ્યું નથી. વેજિટેરિયન ફૂડના નામે ઘણું ડીસન્ટ ખાવાનું મળે છે. અમારી આટલી ટ્રિપમાં અમને ખાવા-પીવાની તકલીફ નથી થઈ. આ સ્પષ્ટતા એટલે કરવી જરૂરી છે કે ઘણા લોકો ખાવાનું નહીં મળે તો શું એ બીકે નૉર્થ-ઈસ્ટ જતા નથી,  પણ હવે એવું રહ્યું નથી.’ 


સુંદરતા અપરંપાર

મેઘાલયનો અર્થ જ થાય, જે મેઘ એટલે કે વાદળાંઓનું ઘર છે. આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ જ કહી શકાય. આ રાજ્ય મોટા પર્વતો, વૅલી, અગણિત તળાવો, અંધારી ગુફાઓ, મનોરમ ઝરણાઓ અને ગાઢ જંગલોથી સજ્જ છે. પૅનોરેમિક વ્યુઝ, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો, ક્રિસ્ટલ ક્લિયર પાણીથી છલકાતી નદીઓનો ખજાનો છે મેઘાલય. મેઘાલયની ૮ દિવસની ટૂર પર ગયેલા અશ્વિનીને ૮ દિવસ ઘણા ઓછા લાગે છે અને તે કહે છે કે મેઘાલયમાં એટલી બધી જગ્યાઓ અને જુદા-જુદા અનુભવો છે કે ૧૫-૨૦ દિવસ હોય તો જરા વ્યવસ્થિત જોઈ શકાય કે ફરી શકાય, પરંતુ મેઘાલયની ટૂર પર એવા તો કેવા અનુભવો તેમને થયા એના વિશે વાત કરતાં અશ્વિની કહે છે, ‘મેઘાલય એના બ્લુ વૉટર્સ માટે પ્રખ્યાત છે. ત્યાંનાં નદીઓ કે તળાવ કે ઝરણાનું પાણી ભેગું થાય એ પાણીનો રંગ આસમાની બ્લુ જેવો લાગે છે, જે આંખને ઠંડક આપે છે. ત્યાં એક ડાઉકી નદી છે. આ જગ્યા ઇન્ડિયા-બાંગલાદેશની બૉર્ડર પર આવેલી છે. આ નદી અતિ સુંદર છે. ત્યાં બોટિંગ કરી શકાય. કાયાકિંગ અને ક્લિફ જમ્પિંગ જેવી ઍડ્વેન્ચર ઍક્ટિવિટી પણ અમે કરી હતી. સૌથી વધુ મજા આ નદીકિનારે ટેન્ટ લગાડીને સ્ટે કરવામાં આવી હતી. ત્યાંનું કૅમ્પિંગ એકદમ યાદગાર રહ્યું હતું.’ 

સ્થાનિકો બહુ જ સાલસ

મેઘાલયમાં મુખત્વે ત્રણ જાતિઓ વસેલી છે જેમ કે ખાસી, પનાર અને ગારો. આ પ્રજા અતિ સાલસ છે. લગભગ બધાને ઇંગ્લિશ આવડે એટલે કમ્યુનિકેશનમાં તકલીફ પડે એમ નથી. મેઘાલયમાં ઘણી જગ્યાએ ટ્રેકિંગ થાય છે. શિલોંગ, તુરા, જોવાઈ, ચેરાપુંજી, નોંગપોહ, બઘમારા મેઘાલયનાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. વૉર્ડસ લેક, લેડી હૈદરી પાર્ક, સ્વીટ ફૉલ્સ, ધ બટરફ્લાય મ્યુઝિયમ, નોહકાલીકાઈ ફૉલ્સ, મોસ્માઈ ગુફા, થેંગકારંગ પાર્ક, ઈકો પાર્ક, ગ્રીન રૉક પંચ એવી જગ્યાઓ છે જેને મિસ ન કરી શકાય. એકદમ જુદી જગ્યા વિશે વાત કર અશ્વિની કહે છે, ‘માઉલીન્નોગ નામનું એક ગામ છે ખાસી હિલ તાલુકામાં. આ ગામને એશિયાનું સૌથી સાફ ગામ હોવાની પદવી મળેલી છે. આ ગામ એકદમ એક ગાર્ડન જેટલું સુવ્યવસ્થિત બનાવેલું છે. દર પાંચ મિનિટના રસ્તે અહીં ઝાડના પાનમાંથી બનાવેલું ડસ્ટબિન જોવા મળે છે. ગામના લોકો પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે અતિ પ્રયત્નશીલ પણ દેખાય. ભારતમાં આવું એક ગામ છે જે એશિયામાં સૌથી સ્વચ્છ છે એવી મને ખબર જ નહોતી, ત્યાં ગયો ત્યારે ખબર પડી.’ 

રૂટ બ્રિજ

મેઘાલયમાં ત્યાં જંગલમાં રહેતી ખાસી અને જૈન્તિયા જનજાતિઓએ ઝાડનાં મૂળિયાંને પોતાની કળાથી ઉગાડીને બ્રિજનું સ્વરૂપ આપ્યું છે. આ મૂળિયાં જીવિત ઝાડનો જ ભાગ હોય છે પણ એને એવી રીતે એ લોકો ગૂંથે છે અને ઉગાડે છે કે એ બ્રિજનું સ્વરૂપ લઈ લે. આ રૂટ બ્રિજિસને જોવા માટે લોકો ખાસ દૂર-દૂરથી આવે છે. એ દેખાવમાં અદ્ભુત છે અને એટલાં મજબૂત પણ કે એના પર કૂદો તો પણ એ ન તૂટે. ત્યાંના એક જંગલની વાત કરતાં અશ્વિની કહે છે, ‘મોફ્લોંગ જંગલ અમે ફરવા ગયેલા. આ જંગલ સેક્રેડ જંગલ તરીકે ઓળખાય છે. આ જંગલનો નિયમ છે કે અહીં કોઈ વસ્તુ બહારથી નહીં આવે અને અહીંની કોઈ વસ્તુ બહાર નહીં લઈ જવામાં આવે. એક સૂકું પાંદડું પણ નહીં. અમને ટૂર ગાઇડે ડરાવવાના આશયથી કહ્યું હતું કે આ જંગલના જે દેવતા છે એ ગુસ્સે થઈ શકે છે જો અમે તેમની વાત નહીં માનીએ અને તે અમને કોઈ પણ સજા આપી શકે છે. લોકોનાં મૃત્યુ પણ થયાં છે. અમે તેમને બાંહેધરી આપેલી કે અમે જંગલનો કોઈ નિયમ નહીં તોડીએ. આટલાં વર્ષોથી સતત ટ્રાવેલિંગ કરતાં મને એ તો સમજ આવી જ ગઈ છે કે જે વસ્તુ જેવી છે એવી જ એને રહેવા દઈએ, એમાં એની સુંદરતા છે. છતાં કોઈ પણ કુદરતી સ્ટ્રક્ચર બચાવવા માટે તેમની આ રીત અમને ગમી, કારણ કે દરેક વ્યક્તિમાં સમજ નથી હોતી, પણ ડર તો બધાને લાગે છે.’

બે-પાંચ વર્ષમાં જ જઈ આવો 

અશ્વિની કહે છે, ‘આજકાલ ટ્રાવેલિંગ એકદમ ટ્રેન્ડિંગ બની ગયું છે. મેં ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું, કારણ કે મને કુદરત જોડે પ્રેમ હતો. આજકાલ લોકો એટલે ટ્રાવેલ કરે છે કે તેમને ઇન્સ્ટાગ્રામ જોડે પ્રેમ છે. રીલ્સ બનાવવા માટે અને ફૉલોવર્સ વધારવા માટે ટ્રાવેલિંગ થઈ રહ્યું છે. એમાં પછી કનેક્ટ મિસ થઈ જાય. પરંતુ એને કારણે નૉર્થ-ઈસ્ટ જવાવાળા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. મારી સલાહ એવી છે કે જો તમને નૉર્થ-ઈસ્ટ ફરવા જવું હોય તો આ ૨-૫ વર્ષમાં જઈ આવવું, કારણ કે થોડાં વર્ષોમાં નૉર્થ-ઈસ્ટની હાલત પણ શિમલા-મનાલી જેવી થઈ જશે. કોઈ પણ જગ્યા ટૂરિસ્ટ પ્લેસ બને એટલે એની આંતરિક સુંદરતા ખોઈ બેસે છે. જો તમને રિયલ નૉર્થ-ઈસ્ટ જોવું હોય તો હમણાં જઈ આવો.’ 

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 05:39 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK