જો તમે પણ આ રોમાંચથી ભરેલી દુનિયામાં એક લટાર મારવા માંગો છો એટલે કે સ્પીતિની રોડ ટ્રીપ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીં મે સ્પીતિ ક્યારે જવું જોઈએ? કેટલા દિવસમાં કરી શકાય?

સ્પિતિ વેલીની રણિયતા - તસવીર ધર્મિષ્ઠા પટેલ
હિમાલયના ખોળામાં હાઈ એલ્ટીટ્યૂટ પર સ્થિત સ્પીતિ હિમાચલ પ્રદેશનો અમૂલ્ય ખજાનો છે. અહીં રહેલા ગોલ્ડન માઉન્ટેન, સ્નો ડેઝર્ટ, ભૌગોલિક રચના, લેન્ડસ્કેપ, કલ્ચર, ટ્રેડિશન, પહાડી લોકોની રહેણીકરણી અને એડવેન્ચર પ્રવાસીઓને આકર્ષે છે. દર 70-80 કિમીએ સીનરી બદલાતી જોઈ શકાય છે. જો તમે પણ આ રોમાંચથી ભરેલી દુનિયામાં એક લટાર મારવા માંગો છો એટલે કે સ્પીતિની રોડ ટ્રીપ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીં મે સ્પીતિ ક્યારે જવું જોઈએ? કેટલા દિવસમાં કરી શકાય? કેવી રીતે જવાય જેવા અનેક સવાલોના જવાબ ચાલો ફરવાના આ ભાગમાં આપ્યા છે.
1. કેમ સ્પીતિ લોકોને આકર્ષે છે?
આ પ્રવાસ દરમિયાન માર્ગમાં આવતી સ્પીતિ, પીન, બસ્પા, સતલુજ, ચંદ્રા નદી તથા તેની ખીણની સુંદરતા સફરમાં એક અલગ જ શાંતીનો અનુભવ કરાવે છે. સાથે દર 70 -80 કિલો મીટરે બદલાતી ભૌગોલિક રચના લોકોને રોમાંચિત કરે છે. પ્રવાસ સ્પીતિનો છે, પણ માર્ગમાં કિન્નોર રિઝનથી પણ પ્રવાસીઓ રુબરુ થાય છે. અહીં જોવા મળતું બહુપતિત્વ કલ્ચર, ખાનપાન, તહેવારો, બુદ્ધિસ્ટ કલ્ચર, પહાડી લોકોનો સ્વભાવ પ્રવાસીઓને આકર્ષે છે. રિમોર્ટ એરિયામા અનપ્રિડિક્ટેબલ વેધરની મજા પ્રવાસમાં એડવેન્ચરનું કામ કરે છે. આ તમામ અનુભવોને યાદો અને કેમેરામાં કેદ કરવા લોકો સ્પીતિ તરફ આકર્ષાય છે.
2. સ્પીતિમાં જોવાલાયક સ્થળો કયા કયા છે?
સ્પીતિમાં અનેક એવી જગ્યાઓ છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહી છે. જેમ કે વર્લ્ડ હાઈએસ્ટ વિલેજ `કૌમિક`, વર્લ્ડ હાઈએસ્ટ રેસ્ટોરન્ટ, વર્લ્ડ હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ `હિક્કીમ`, ફોસિલ વિલેજ `લાંગ્ઝા`, વર્લ્ડ હાઈએસ્ટ પેટ્રોલ પંપ `કાઝા`, વર્લ્ડ હાઈએસ્ટ પોલીંગ બુથ `તાશીગંગ`, એશિયા હાઈએસ્ટ બ્રીજ `ચીચમ`, સ્નોલેપડની ટેરેટરી અને વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરી `કિબ્બર`, 996 AD માં બનેલ ઓલ્ડેસ્ટ ઓપરેટીંગ મડ મોનેસ્ટ્રી `તાબો ` , દુનિયાના 100 એનડેન્ઝર સ્ટ્રક્ચરમાં ગણના પામનાર `ધનકર મોનેસ્ટ્રી`, 13,668 ફીટ પર સ્થિત સ્પીતિની સૌથી મોટી મોનેસ્ટ્રી ‘કી ગોમ્પા’, 500 વર્ષ જૂની ભારતની એક માત્ર સેલ્ફ મમી ફિકેશન પ્રક્રિયા અપનાવી મમી બનેલ ગેઉમાં રહેલ સાંગા તેન્જીગની `મમી` લોકોને આકર્ષે છે. સાથે કિન્નોર રિઝનમાં ચીન બોર્ડર પર રહેલ ભારતનું છેલ્લું ગામ ચિત્કુલ, સાંગલા પેલેસ, કલ્પાનો સુસાઈડ પોઈન્ટ પણ હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સ્પીતિ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ આ તમામ જગ્યાની મુલાકાત લે છે.
જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ અહીં 550 વર્ષ જૂની રહસ્યમયી મમી છે, આજે પણ વધે છે તેના નખ અને વાળ
3. સ્પીતિ કેવી રીતે પહોંચી શકાય?
શિમલાથી ટ્રીપ શરુ કરવા માટે નજીકનું એરપોર્ટ દિલ્હી અને ચંદીગઢ છે. જ્યારે મનાલીથી ટ્રીપ શરુ કરવા માટે નજીકનું એરપોર્ટ ભૂંતર (કુલુ) છે. શિમલા રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. કાર ભાડે કરીને આ ટ્રીપ કરી શકો છો. આ ઉપરાંત બાઈક રાઈડ કરવા માટે બેસ્ટ પ્લેસ છે. જો તમે બજેટ ટ્રાવેલર છો તો પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો. શિમલાની સરખામણીએ મનાલી તરફથી પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારે છે. જો કે મનાલીનો રુટ 6 મહિના માટે જ ઉપયોગી બને છે. શિમલાથી સ્પીતિનો માર્ગ આખું વર્ષ ખુલ્લો હોય છે. શિમલાથી રેકોંગ પીઓ અને ત્યાંથી કાઝાની હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ મળી જશે. જ્યારે મનાલીથી કાઝાની બસ મળી જશે. મનાલીથી સ્પીતિ(કાઝા)ની રોજ સવારે 6 વાગે એક બસ નીકળે છે.
4. સ્પીતિની આઈટેનરી કેવી હોવી જોઈએ?
સામાન્ય રીતે સ્પીતિ રોડ સર્કિટ શિમલાથી શરુ થઈ કિન્નોર અને સ્પીતિ થતા મનાલીમાં પુરુ થતું હોય છે. જેમાં પ્રવાસીઓ નારકંડા, ચિત્કુલ, રેકોંગ પીઓ, કલ્પા, નાકો, ગેઉ, તાબો થતા કૌમિક, હિક્કીમ, લાંગ્ઝા કરતા કાઝા પહોંચે છે. ત્યાંથી કી, કિબ્બર અને કુંઝુમ પાસ થતા ચંદ્રતાલની મુલાકાત લઈ મનાલીમાં આ પ્રવાસ પુર્ણ કરતા હોય છે.
જો કે મારી સલાહ છે કે આ રુટમાં તમે વધુ એક બે જગ્યાઓને કવર કરો. જેમ કે તમે પહેલા દિવસે સફર શિમલાથી શરુ કરી સાંગલા અને રક્ચમ થતા ચિત્કુલ જાવ. બીજા દિવસે કલ્પા, ત્રીજા દિવસે નાકો, ચાંગો અને ગેઉ થતા તાબો પહોંચી જાવ. ચોથા દિવસે તાબોથી મુઢ થતા ધનકર. પાંચમાં દિવસે ધનકરથી ડેમુલ, કૌમિક, હિક્કિમ અને લાંગ્ઝા થતાં કાઝા પહોંચી જાવ. છઠ્ઠા દિવસે કાઝાથી કી, તાશીગંગ, કિબ્બર થતાં ચિચમ પહોંચી જાવ. આ દિવસે તમે કાઝા પાછા આવી કાઝા માર્કેટ અને કાઝાનો રાતનો માહોલ માણી શકો છો. અથવા ચિચમમાં જ રોકાઈ જાવ અને સાતમાં દિવસે પણ ચિચમમાં રોકાઈ ત્યાંની ગુફાઓ અને વાઈલ્ડ લાઈફની મજા માણો.
જો આ એક્ટિવીટીમાં રસ ન હોય તો સાતમાં દિવસે જ વહેલી સવારે લોસાર, કુંઝુમ પાસ થતાં ચંદ્રતાલ પહોંચી જાવ. ચંદ્રતાલમાં તમે એક રાત રોકાણ કરો. જો તમે અહીં રોકાવા ન માંગતા હોવ તો ચંદ્રતાલ 1-2 કલાક વિતાવી બાતલ થતા મનાલી તરફ નીકળી જાવ. જો કે ચિચમ કે કાઝા અથવા ચંદ્રતાલમાં રોકાણ ટાળવાથી તમારી ટ્રીપ થોડીક હેક્ટીક થઈ શકે છે. જેથી આ આખી આઈટેનરી તમે સમય હોય તો નિરાંતે 10 દિવસમાં કવર કરો. નહીંતર આ જ જગ્યાઓ તમે 7-8 દિવસમાં કવર કરી શકો છો.
5. સ્પીતિ કેટલા દિવસની ટ્રીપ છે અને કેટલો ખર્ચ થાય?
સ્પીતિ આરામથી 10 દિવસ માંગી લે તેવી જગ્યા છે. જો કે તમે તેને ઓછામાં ઓછા 7 થી 8 દિવસમાં કરી શકો છો.ખર્ચની વાત કરીએ તો ટુર ટ્રાવેલ્સ આ સર્કિટના 22 હજારથી 25 હજાર કે એથી વધુ ચાર્જ કરે છે. જેમાં તેઓ બે સમયનું ફુડ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટે આપતા હોય છે. બીજું જો તમે બજેટ ટ્રાવેલર છો તો પબ્લીક ટ્રાન્સપોર્ટથી આ ટ્રીપ કરો. જેમાં રોકાણ માટે હોમ સ્ટે તથા મોનેસ્ટ્રી પર પસંદગી ઉતારો. હોમ સ્ટેમાં બ્રેક ફાસ્ટ ઇન્ક્લુડ હોય છે. આ રીતે કરેલી 10 દિવસની ટ્રીપ તમે 10થી 12 હજારમાં પડશે. સ્પીતિ રોડ ટ્રીપ બાઈકર્સની પ્રિય જગ્યા છે. તમે બાઈક રાઈડના શોખીન છો તો બાઈકથી પણ આ ટ્રીપ કરી શકો છો.
6. દિલ્હીથી કાઝા વાયા શિમલા અને દિલ્હીથી કાઝા વાયા મનાલીનું અંતર કેટલું છે?
આ ટ્રીપ શિમલા અને મનાલી એમ બન્ને તરફથી શરુ કરી શકાય છે. મનાલીથી સ્પીતિનો માર્ગ વર્ષમાં 6 મહિના બંધ હોય છે. જ્યારે શિમલાથી કાઝાનો રોડ ક્યારેક વધારે વરસાદને લીધે થતાં ભૂસ્ખલનને કારણે જ બંધ થતો હોય છે. બાકી આખુ વર્ષ આ રોડ ખુલ્લો હોય છે. દિલ્હીથી કાઝા વાયા શિમલા- કિન્નોર 791 કિમીનું અંતર છે. જ્યારે દિલ્હીથી કાઝા વાયા મનાલીનું અંતર 772 કિમી છે. એમાંય અટલ ટર્નલથી જાવ તો હજું 20 કિમી ઓછા થઈ જાય છે. એટલે 752 કિમી અંતર થઈ જાય છે. શિમલા તરફ કાઝા પહોંચવામાં ઓછામાં ઓછા 3થી 4 દિવસ લાગે છે. જ્યારે મનાલી તરફથી કાઝા 2 દિવસમાં પહોંચી શકાય છે.
7 . શિમલાથી કાઝા જવું જોઈએ કે મનાલીથી કાઝા જવું જોઈએ?
જો તમારી પાસે દિવસ ઓછા હોય તો તમે મનાલીથી કાઝા થતાં સ્પીતિ ટ્રીપ કરી શકો છો. જો કે મનાલી અને કાઝાના એલ્ટીટ્યૂડમાં ફર્ક છે. મનાલી 2,050 મીટર પર છે. જ્યારે કાઝા 3740 મીટર પર છે. વળી રસ્તામાં રોહતાંગ પાસ અને કુંઝુમ પાસ પણ હાઈ એલ્ટીટ્યૂડ પર છે. જેના કારણે તમને AMS(Acute mountain sickness) થઈ શકે છે. જ્યારે શિમલા તરફથી આવતા સમયે ધીરે ધીરે હાઈટ ગેઈન થાય છે. શિમલા તરફથી ઈન્ડો-તિબેટ રોડ પર ડ્રાઈવ કરવાની મજા માણી શકાય છે. તેની સાથે દરેક રિઝનમાં બદલાતા લેન્ડસ્કેપને જોઈ શકાય છે. શિમલા તરફથી રસ્તા ખુબ સરસ છે. જ્યારે મનાલી તરફથી ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે. ચોમાસામાં મનાલી તરફથી આવતા સમયે ઘણી જગ્યાએ વહેતા પાણીને ક્રોસ કરવું પડશે. જ્યારે ચોમાસામાં શિમલા- કિન્નોર તરફથી તમારે શૂટિંગ સ્ટોન અને ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શિમલાથી મનાલી સ્પીતિ સર્કિટમાં કોઈ પરમિટની જરુર પડતી નથી. પણ મનાલી તરફથી આવી રહ્યા છો અને તમે રોહતાંગ પાસથી આવવાનું પસંદ કરો છો તો સ્પીતિ માટે નહીં પણ રોહતાંગ પાસ માટે પરવાનગી લેવી પડશે. જો કે કાઝાથી રોહતાંગ થતા મનાલી જવા માટે કોઈ પરમિટની જરુર નથી.
8. સ્પીતિ જવા માટેની બેસ્ટ સિઝન કઈ છે?
સ્પીતિ ફરવાની બે સિઝન છે. વિન્ટર સ્પીતિ અને સમર સ્પીતિ. બન્નેની પોતાની એક અલગ મજા અને સુંદરતા છે. જો કે મનાલીથી કાઝા વાળો રસ્તો ઓક્ટોબર એન્ડ કે નવેમ્બરથી બંધ થઈ જાય છે. જે મે એન્ડ કે જૂનના પહેલા અઠવાડિયાથી ખુલતો હોય છે. એટલે કે મનાલી તરફથી કાઝા જતો રસ્તો વિન્ટર સ્પીતિના 6 મહિના બંધ હોય છે. જ્યારે શિમલા વાળો રસ્તો આખું વર્ષ ચાલુ હોય છે. જો કે વરસાદને કારણે ભૂસ્ખલન અને પહાડ પરથી પત્થર પડવાની ઘટનાઓ વધી જતી હોય છે. આ સમસ્યા મોટા ભાગે નારકંડ નજીક, નાકો પાસે તેમજ તાબોથી કાઝા વચ્ચેના રોડ પર વધારે થતી હોય છે. જેથી ચોમાસાને બાદ કરતા આ રસ્તો સલામત ભર્યો ગણાય છે. વિન્ટર સ્પીતિ માટે ફેબ્રુઆરી અને માર્ચ બેસ્ટ છે. જ્યારે સમર સ્પીતિ સંપૂર્ણ સર્કિટ કરવા માટે જૂન- જુલાઈ સૌથી શ્રેષ્ઠ મહિના છે. જો થોડો સ્નો અને સફરજનની મજા માણવા માંગતા હોવ તો સપ્ટેમ્બર લાસ્ટ વીકથી મિડ ઓગસ્ટ પસંદ કરી શકો છો.
9. વિન્ટરમાં સ્પીતિ માટે શ્રેષ્ઠ મહિનો ક્યો છે? કેવી હોય છે પરિસ્થિતિ?
જાન્યુઆરીથી માર્ચમાં વિન્ટર સ્પીતિની ટ્રીપ થતી હોય છે. આ દરમિયાન મનાલીથી કાઝાનો રોડ બંધ હોય છે. સાથે નાકો, તાબોથી કાઝા, લોસાર, પીન, લાંગ્ઝા, હિક્કીમના ઇન્ટર કનેક્ટેડ રોડ પણ બંધ હોય છે. જો કે કી, કિબ્બરના રસ્તા ચાલુ હોય છે. શિયાળામાં તાપમાન માઈનસમાં જાય છે અને સ્નો ફોલને કારણે અહીં હોટેલો પણ બંધ થઈ જાય છે. ફક્ત હોમ સ્ટે અને મોનેસ્ટ્રી ચાલુ હોય છે. આ દરમિયાન પ્રવાસીઓને બેસિક ફેસિલીટી મળે છે. સ્નો ફોલને કારણે પાઈપમાં બરફ જામી જતો હોવાથી ટોઈલેટ બંધ કરી દેવામાં આવે છે. શૌચાલય માટે ડ્રાય પીટ વાપરવા પડે છે. વિન્ટર સ્પીતિ કરવા ફેબ્રુઆરી તથા માર્ચ બેસ્ટ મહિનો છે.
10. સમર સ્પીતિ માટે શ્રેષ્ઠ મહિનો ક્યો છે? કેવી હોય છે પરિસ્થિતિ?
એપ્રિલ અને મે મહિનામાં તાપમાન માઈનથી પ્લસ થઈ રહ્યું હોય છે. સ્નો પણ જોવા મળે છે. ધીરે ધીરે કરીને હોટેલ પણ ખુલી રહી હોય છે. જો કે પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. કાઝાથી લોસરના ઈન્ટરનલ રસ્તાઓ ખુલે છે પણ હજું મનાલીથી કાઝાનો માર્ગ બંધ મળશે. ઓછી ભીડ અને સ્નોની મજા માણવા માટે તમે એપ્રિલ પર પસંદગી ઉતારી શકો છો. જૂન- જૂલાઈને સ્પીતિ સિઝન માનવામાં આવે છે. જેને સમર સ્પીતિ પણ કહેવાય છે. સ્પીતિમાં હોટેલો સંપૂર્ણ ખૂલી જાય છે. પ્રવાસીઓની અવરજવર વધી જાય છે . આ મહિના દરમિયાન સ્નો પીગળવા લાગે છે. મનાલીથી કાઝાનો માર્ગ પણ ખુલ્લો હોય છે. જો કે સ્નો પીગળવાને લીધે આ માર્ગ પર પાણી ખુબ જોવા મળશે. ચંદ્રતાલના દર્શન કરવા આ મહિનામાં શક્ય બને છે. આ જ કારણ છે કે જૂન- જૂલાઈ સ્પીતિ માટે બેસ્ટ સિઝન માનવામાં આવે છે. આ ઉપરાંત સપ્ટેમ્બરથી મિડ ઓક્ટોબર પણ સ્પીતિ મુલાકાત માટે યોગ્ય છે. ઓક્ટોબર દરમિયાન કુંઝુમ પાસ પર સ્નોફોલ શરુ થતો હોય છે, પણ તે સ્નો બહું ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
11. કયા મહિનામાં સ્પીતિ ન જવું જોઈએ?
ઓગસ્ટમાં ચોમાસું પીક પર હોય છે. કિન્નોર વેલીના પહાડો સેમી રોક અને રેતીયા છે. ક્લાઈમેટ ચેન્જના કારણે હવે અહીં પણ વરસાદ થવા લાગ્યો છે. જેના કારણે ચોમાસામાં ઘણી વાર શિમલા કિન્નોર રોડ પર ભૂસ્ખલનની સમસ્યા થતી હોય છે. આ દરમિયાન પહાડ પરથી પત્થરો પડવાની ઘટનાઓ પણ બને છે. નોંધનીય છે કે કિન્નોરી સફરજન ક્વોલિટીને કારણે દેશ- વિદેશમાં પ્રખ્યાત છે. અને આ સફરજનના પાકનો મહિનો છે. જેથી તેની નિકાસ ખુબ મોટા પાયે આ સમય દરમિયાન થાય છે. આ સંજોગોમાં માર્ગ પર મોટા પ્રમાણમાં ટ્રક જોવા મળશે. જે ટ્રાફિકનું કારણ પણ બનતા હોય છે. નવેમ્બર- ડિસેમ્બર સ્નો ફોલ શરુ થાય છે. જેના કારણે તાપમાન પણ માઈનસમાં જતું હોય છે બીજી તરફ રોડ સ્લીપરી બની જતા હોય છે. જેના કારણે ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટમાં તથા નવેમ્બર ડિસેમ્બરમાં સ્પીતિ જવાનું ટાળવું જોઈએ.
12 . શું સ્પીતિ વેલી ટ્રીપ માટે ઈનરલાઈન પરમિટની જરુર છે?
સ્પીતિ ટ્રીપ માટે ભારતીયોને ઈનરલાઈન પરમિટની જરુર નથી. વિદેશી પ્રવાસીઓએ પરમિટ લેવી પડશે. ભારતીયોએ પોતાની સાથે ઓળખ કાર્ડ રાખવુ ફરજીયાત છે. જ્યારે પણ ચેક પોસ્ટ પર આઈડી માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે. જો કે મનાલી તરફથી આવો છો તો રોહતાંગ પાસની પરમિટ લેવી પડશે. વિદેશીઓ પણ શિમલાથી રેકોંગ પીઓ અને મનાલીથી કાઝા ઈનરલાઈન પરમિટ વગર ફરી શકે છે. જો કે તેઓ આગળ પૂહ, નાકો, તાબો, ધનકર અને મૂડ જવા માંગે છે તો તેમને ઈનરલાઈન પરમિટ (ILP)લેવાની રહેશે. રેકોંગ પીઓ પાસે રહેલી ચેકપોસ્ટ પર તમામ પ્રવાસીની નોંધણી કરવામાં આવે છે. ભારતીયોએ અહીં ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. જ્યારે વિદેશીઓએ ILPની કોપી જમા કરાવવાની રહેશે.
13 . પરમિટ ક્યાંથી મળશે અને કેટલા સમય સુધી વેલીડ હશે?
આ પરમિટની પ્રક્રિયા માત્ર વિદેશીઓને લાગુ પડે છે. એવું ધ્યાનમાં રાખીને વાંચજો. ઈનરલાઈન પરમિટ (ILP)શિમલા અને રેકોંગ પીઓની ડીએમ ઓફિસમાંથી અને રામપુરમાં ADM ઓફિસથી મેળવી શકો છો. જ્યારે મનાલી તરફથી આવો છો તો કિલોંગની ડીસી ઓફિસમાંથી, જ્યારે ઉદેપુરમાં ADM ઓફિસથી પરમિટ લઈ શકો છો. પરમિટ પ્રક્રિયામાં 2-3 કલાકનો સમય લાગે છે અને તમામ ઓફિસનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યાનો છે એ ધ્યાન રાખવું. પરમિટ 2 અઠવાડિયા સુધી વેલીડ ગણાશે. જો વધારે સમય રોકાવાના હોવ તો ફરી પરમિટ કઢાવવી પડશે. પરમિટની વધારે કોપી કરાવીને સાથે રાખજો. કેમ કે દરેક ચેકપોસ્ટ પર પરમિટની કોપી જમા કરાવવી પડશે.
14. સ્પીતિ જતા સમયે શું ધ્યાન રાખવું?
સ્પીતિ જતા સમયે રોકડ રકમ ખાસ સાથે રાખવી. કેમ કે ત્યાં નેટવર્કની સમસ્યા હોઈ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. અહીં બીએસએનએલ અને જીઓનું નેટવર્ક કામ કરે છે. જો કે એટીએમ તથા પેટ્રોલ પંપ રેકોંગ પીઓ અને કાઝામાં જ છે. આ સિવાય ક્યાંય એટીએમ કે પેટ્રોલ પંપ નહીં મળે. જેથી પેટ્રોલની પુરી વ્યવસ્થા રાખવી. સ્પીતિનું વેધર અનપ્રિડિક્ટેબલ છે. જેની માનસિક તૈયારી રાખવી. સાથે ગરમ કપડા જેમ કે વુલન સોક્સ, હેન્ડ ગ્લોવઝ, જેકેટ, વુલન કેપ અચૂક સાથે રાખવા. આ ટ્રીપમાં સ્પોર્ટ શૂઝ અથવા ટ્રેકિંગ શૂઝ વધારે કન્વીનીયન્ટ રહેશે. બને તેટલો ઓછો પણ જરુરી સામાન જરુર સાથે લેવો. કોઈ બિમારી હોય તો દવા સાથે રાખવી. તેમજ અસ્થમાની સમસ્યા છે તો પોર્ટેબલ ઓક્સિજન પણ સાથે રાખી શકો છો. આમ તો કોઈ જરુર પડતી નથી, પણ ઈમરજન્સીના સમયે આ ખૂબ કામ આવી શકે છે. અહીં સફરજન અને એપ્રિકોટની છાંગ એટલે કે લોકલ દારુ મોટા ભાગના ઘરોમાં જોવા મળશે. જે તમે ઈચ્છો તો ટ્રાય કરી શકો છો.