Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > બારેમાસ એકસરખું રહેતું વાતાવરણ ડૅલહાઉઝીમાં તમને સ્કૉટલૅન્ડની ભાવયાત્રા કરાવશે

બારેમાસ એકસરખું રહેતું વાતાવરણ ડૅલહાઉઝીમાં તમને સ્કૉટલૅન્ડની ભાવયાત્રા કરાવશે

Published : 16 July, 2023 03:13 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

સૌપ્રથમ તમારી આંખો ભરી દે છે બગીચાની હરિયાળી અને પછી વ્યવસ્થિત ગોઠવાયેલા પથ્થરની પગદંડી તમારી નજરને દોરી જાય છે.

કૈલાસદર્શન

શ્રી કુદરત શરણમ્ મમ:

કૈલાસદર્શન


સૌપ્રથમ તમારી આંખો ભરી દે છે બગીચાની હરિયાળી અને પછી વ્યવસ્થિત ગોઠવાયેલા પથ્થરની પગદંડી તમારી નજરને દોરી જાય છે. મકાનની ડાબે આવેલી ખુલ્લી જગ્યામાં બાંધેલી ફાયર પ્લેસ તરફ. તમારી આંખો અને મન બન્ને આહ અને વાહ પોકારી ઊઠે. ખુલ્લામાં પથ્થરનું ગોળાકાર બાંધકામ, સામેના છેડે લાકડાનો જથ્થો અને ચીમની. 

ધ ગ્રેટ હેરિટેજ સિરીઝમાં આપણે શરૂઆત દક્ષિણથી કરી, પછી પશ્ચિમમાં, પછી ઉત્તરમાં. ઉત્તરાખંડ રાજ્યમાં. આ વખતે ઉત્તરમાં જ રહીએ, પરંતુ રાજ્ય બદલાવીએ. આ વખતે વાત કરવી છે હિમાચલ પ્રદેશની. આમ પણ આજકાલ હિમાચલ પ્રદેશ ખાસ્સુંએવું છવાયેલું છે, પરંતુ કુદરતના કહેરને કારણે. ઉત્તર ભારતનું કદાચ સૌથી સુંદરતમ રાજ્ય વધુપડતા વેપારીકરણનું ભોગ બન્યું. ખાસ કરીને વિખ્યાત પર્યટનસ્થળ મનાલી અને આજુબાજુનો વિસ્તાર. વિકાસના નામે આડેધડ અતિક્રમણ, કુદરતી પરિબળોનો સત્યાનાશ અને જંગલોનું નિકંદન એ બધું જ નડી ગયું આ સોહામણા રાજ્યને. અત્યાર સુધી ઉત્તરાખંડ અને એમાં પણ વિશેષ ગઢવાલ પ્રદેશમાં દર વર્ષે આવી હોનારતો બનતી આવી છે, પરંતુ આ વખતે હિમાચલ પ્રદેશને ગ્રહણ લાગી ગયું છે. વિવેકભાન વગરના વિકાસનું આનાથી ખરાબ પરિણામ બીજું શું આવે? અને એ પણ હજી ચોમાસાની તો અહીં શરૂઆત જ થઈ છે. આગળ ચોમાસાની તીવ્રતા વધતાં શું થશે એની તો કલ્પના જ થથરાવી નાખે છે. ખેર, ચોમાસાના ચારમાંથી ત્રણ મહિના તો લગભગ આવા જ પકડીને ચાલવાનું. સાવચેતીપૂર્વક પ્રવાસનું આયોજન કરવું અને બની શકે તો આવા જોખમી વિસ્તારોની મુલાકાત ટાળવી. હવે ધીમે-ધીમે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ઋતુઓ ટૂંકી પરંતુ તીવ્ર બની રહી છે. બરફ, તીવ્ર. વરસાદ, તીવ્ર. વાવાઝોડા, તીવ્ર અને ગરમી પણ તીવ્ર. માનવજાત ક્યારે સમજશે? કાંઈ કળાતું નથી. ખેર છોડો, આપણે આપણી વિવેકબુદ્ધિ વાપરીને આયોજન કરવું.




ડૅલહાઉઝીનું ઊઘડતું સૌંદર્ય

આ વખતે વાત કરવી છે  હિમાચલ પ્રદેશના ઉત્તરીય પશ્ચિમ પ્રદેશની. વાત કરવી છે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદોને અડીને આવેલા એક રળિયામણા પ્રદેશની. વાત કરવી છે ઐતિહાસિક ચંબા જિલ્લામાં આવેલા સુંદર, નાજુક, નમણા હિલ સ્ટેશન ડૅલહાઉઝીની,  જે વિસ્તારની દૃષ્ટિએ મનાલી કે ધરમશાલા જેટલું વિશાળ નથી, પરંતુ કુદરતની મહેરબાની કદાચ આ બે સ્થળો જેટલી જ ડૅલહાઉઝી પર પણ વરસી છે. આમ તો હિમાચલ પ્રદેશમાં અનેક પર્વતીય સ્થળો પ્રખ્યાત છે. આમાં પણ અતિપ્રખ્યાત અને લોકપ્રિય એવા મનાલી, ધરમશાલા, શિમલા અને ડૅલહાઉઝી આ ચાર સ્થળોનો દબદબો વધારે. આ ચારને કારણે એની આજુબાજુનાં સ્થળો પણ પ્રખ્યાત થઈ ગયાં,  જેમ કે મનાલીને કારણે કુલુ તથા સોલંગ વૅલી. ધરમશાલાને કારણે મૅક્લોડગંજ ગંજ,  કાંગડા તથા પાલનપુર જેવાં નાનાં પણ રમણીય સ્થળો પણ પ્રસિદ્ધ થઈ ગયાં. શિમલાને હિસાબે ખુફરી તથા ચૈલ વગેરે વગેરે. આમાં ત્રણ સ્થળો તો ફેલાઈ ગયાં, વિસ્તરી ગયાં અને ખાસ્સું એવું વેપારીકરણ પણ થઈ ગયું, પરંતુ ચોથું સ્થળ ડૅલહાઉઝી લગભગ એવું ને એવું રહ્યું. બહુ જ ઓછા સ્તરે ડૅલહાઉઝી વિકસ્યું. નસીબજોગ બચી ગયું. બચી રહ્યું છે એમ કહી શકાય. કદાચ ભૌગોલિક સ્થાનને કારણે કે પછી લોકોની ઉદાસીનતાને કારણે, પરંતુ લગભગ ૩૦ વર્ષ પછી પણ મને, અમને ડૅલહાઉઝી  વર્ષો પહેલાં જેવું જોયું હતું, જાણ્યું હતું, ઘણેખરે અંશે એવું જ લાગ્યું. વિકસ્યું છે, પરંતુ નહીંવત્. એ જ સુભાષચોક, એ જ ગાંધીચોક અને એ જ બધાં સ્થળો. એક રીતે જોતાં સારું થયું કે ડૅલહાઉઝીનો વિકાસ થયો નહીં. મનાલી, શિમલા અને ધરમશાલા તો એટલાં બધાં વિકસી ગયાં છે કે હવે પશ્ચિમ ભારતવાળાને મનાલી અને મહાબળેશ્વર વચ્ચે ફરક લાગતો જ નથી એટલે જે પહેલાં આ સ્થળોનું આકર્ષણ રહેતું કે ઉત્કંઠા રહેતી એ ઘણેખરે અંશે ત્યાં પહોંચીને ઠરી જાય ખરા. ઓલવાઈ જાય એમ કહીએ તો ખોટું નથી. પર્વતાધિરાજ હિમાલયની સુંદરતા, આકર્ષણ તો હજી ચુંબકીય છે જ, તમને ખેંચે જ, પરંતુ પહેલાં જે આનંદ ઉછાળા મારતો એવું હવે રહ્યું નથી. એટલે જો હવે આ ચાર સ્થળોમાંથી પસંદગી કરવાની આવે તો અચૂક મારો મત ડૅલહાઉઝીને જ જાય. દૌલાધર પર્વતમાળા, ઊંચાં વિશાળ દેવદારનાં વૃક્ષો, વહેલી સવારે ખીણમાંથી આરોહણ કરીને આખા ગામને આશ્લેષમાં લેતાં વાદળો, પક્ષીઓનો કલરવ, નીરવ શાંતિ અને ચોમેર પથરાયેલી નિરાંત ડૅલહાઉઝીમાં હજી પણ અકબંધ છે એમ કહી શકાય. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ ડૅલહાઉઝીના માનમાં આ સ્થળનું નામકરણ ત્યારે કરવામાં આવ્યું હતું.


નાજુક રૂપકડી -  એલ્ગિન હૉલ હેરિટેજ હોટેલ

થોડો ઇતિહાસ જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારોબાર માટે બ્રિટનથી ભારત આવતા અંગ્રેજો માટે ગરમીમાં ખીણ પ્રદેશમાં રહેવું અસહ્ય થઈ પડતું અને એટલે જ ઉનાળાની ઋતુમાં પ્રખર તાપ અને ગરમીથી બચવા આ બધા સાહેબો કુટુંબ-કબીલા તથા પોતાના રસાલા સાથે પહાડોમાં રહેવાનો મોકો ઝડપવા આતુર રહેતા. આવા સાહેબોની જરૂરિયાતો માટે જ ઉત્તર ભારતમાં અનેક હિલ સ્ટેશનો અસ્તિત્વમાં આવ્યાં. શિમલા, મસૂરી, નૈનીતાલ, રાનીખેત વગેરે વગેરે. આમાંનું  જ એક ડૅલહાઉઝી પણ હતું. ત્યારે ચમ્બાનું રજવાડું ખૂબ શક્તિશાળી ગણાતું. આખો પ્રદેશ તેમની હકૂમત હેઠળ આવતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો અને ભારતનાં અનેક રજવાડાંઓએ તેમને અનેક પ્રકારના કરની ચુકવણી કરવી પડતી હતી. અહીં અંગ્રેજોએ ચમ્બાના રાજવીને પાંચ પર્વતમાળા તેમને સોંપી દેવાના કરાર કર્યા. બદલામાં કરની ચુકવણીમાં ઘણી રાહત આપવાનું નક્કી કર્યું. આ પાંચ પર્વતમાળાઓ એટલે બકરોતા, ભંગોરા, મોટી ટિબ્બા, પોર્ટ્રેઇન અને કથાલઘ. આ આખો વિસ્તાર બ્રિટિશર્સ માટે તૈયાર કર્યો અને ઈસવી સન ૧૮૫૪માં સ્થાપના થઈ આપણા પ્રિય સ્થળ ડૅલહાઉઝીની. અહીં ઉનાળો ગાળવા આવતા અનેક અંગ્રેજ અફસરો અને તેમના કુટુંબ માટે ડૅલહાઉઝી નામથી તો ઠીક, પરંતુ હવામાન અને ભૂગોળથી પણ જાણે બ્રિટનની ગરજ સારતું. સ્કૉટલૅન્ડમાં જ રહેતા હોય એવું લાગતું. ડૅલહાઉઝીનું સૌંદર્ય તેમને માટે સ્વર્ગીય હતું. પોતાના દેશમાં જ હોય એવું. તેમને એટલી મજા પડતી કે અહીંથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા ખજિયારમાં તો તેમણે ગોલ્ફ કોર્સ પણ તૈયાર કરી નાખ્યો હતો. કેટલાંયે વર્ષો સુધી ખજિયાર વિશ્વમાં ઉચ્ચતમ ગોલ્ફ કોર્સનો દરજ્જો ભોગવતું રહ્યું હતું. મોટા ભાગના વાચકો માટે તો મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે ઓળખાતા ખજિયારનું નામ અજાણ્યું તો નથી જ અને આ ઇતિહાસના હિસાબે જ સમગ્ર ડૅલહાઉઝીમાં બ્રિટિશ સંસ્કૃતિની ઝલક તમને જોવા મળે છે. અહીં ત્રણ તો ચર્ચ છે. ૧૮મી અને ૧૯મી સદીમાં સ્થપાયેલા ચર્ચની મુલાકાત લો અને એની કારીગીરી જુઓ. ચર્ચની લાકડાની ગજબનાક છત જુઓ, ભવ્ય સ્ટેઇન્ડ ગ્લાસની બારીઓ જુઓ, રોઝ વિન્ડો જુઓ કે પછી જિઝસ કે મધર મૅરીની મૂર્તિઓ જુઓ.

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સુભાષચોક

 દોઢસો-પોણાબસો વર્ષ પછી પણ આ ચર્ચ તમને મોહી લે છે. સુભાષચોક પર આવેલા અહીંના મોટામાં મોટા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચનું પથ્થરનું બાંધકામ જુઓ કે આખા પરિસરમાં ફેલાયેલા જિઝસ ક્રાઇસ્ટના મૃત્યુ દિવસના ૧૨ સ્ટેશનની લાકડાંની પ્રતિકૃતિઓ જુઓ. યુરોપીય ખ્રિસ્તી સંસ્કૃતિની ઝાંખી ઊપસી આવશે એ નક્કી. ડૅલહાઉઝી તો ખરા જ, પરંતુ અહીંથી થોડે દૂર આવેલા કાલાટોપ વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીનું જંગલ ખાતાનું વિશ્રામગૃહ જુઓ. એકદમ ‘રાજ’ના સમયની બાંધણી. છેક ઈસવી સન ૧૯૨૫માં બંધાયેલા અને દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલા આ કાલાટોપના વિશ્રામગૃહમાં એકાદ રાત રહીને એ સમયગાળો જીવી લેવો. શિયાળામાં અહીં તમને રીંછનો ભેટો પણ થઈ શકે. ઉપરવાસમાં પડતી આકરી ઠંડીથી બચવા રીંછ અને બીજાં પ્રાણીઓ આ જંગલમાં સ્થળાંતર કરે છે. નવાઈની વાત એ છે કે દોઢસો-પોણાબસો વર્ષ પૂર્વે પણ અંગ્રેજોએ પોતાને માટે આવી અનેક સવલતો ઊભી કરી હતી અને પૂરેપૂરી ભોગવી પણ હતી. એ સિવાય ડાયનકુંડનો નાનો ટ્રેક પણ ખરો.

લૉબીનું લીલું સૌંદર્ય - એલ્ગિન હૉલ

ડૅલહાઉઝીની ઊંચાઈ લગભગ ૬૫૦૦ ફુટ છે, જ્યારે આ ટ્રેક તમને ડૅલહાઉઝીના ઉચ્ચતમ શિખર પર લઈ જાય છે. આ ઉચ્ચતમ પૉઇન્ટની ઊંચાઈ છે લગભગ ૯૦૦૦ ફુટ. અહીંથી તમને હિમાલયની પર્વતમાળા એટલે કે પીર પંજાલના પહાડોનો ૩૬૦ ડિગ્રીનો સુંદર નઝારો જોવા મળે છે. તમારાં નસીબ સારાં હોય તો કૈલાસ પર્વત ઉપરાંત શિખર પણ જોવા મળે ખરાં. અમારા સદનસીબે અમને બન્ને વખત કૈલાસનાં દર્શન થયાં હતાં. આ ટ્રેક પણ ખૂબ સુંદર છે. ટોચ પર આવેલું મંદિર જે સ્થાનિક લોકોમાં પોહલાનીદેવી મંદિર તરીકે પ્રખ્યાત છે, તે કાલી માતાના એક રૂપ તરીકે અહીં પ્રસ્થાપિત છે. સ્થાનિક લોકો અહીં માનતાની પૂર્તિ તરીકે ત્રિશૂળ ચડાવે છે. મંદિરની પાછળ ખોડેલાં સેંકડો ત્રિશૂળ આ જગ્યાને એક ગેબી રૂપ પૂરું પાડે છે. બસ આટલી જગ્યાએ ફરો એટલે તમારું ડૅલહાઉઝી પતી ગયું. અહીંની સુંદરતા અહીં આવેલાં દેવદારનાં જંગલોમાં છે, સુંદર પ્રાચીન મકાનોમાં છે, વાદળોની આવન-જાવનથી દરેક મિનિટે બદલાતા રહેતા આકાશની સુંદરતામાં છે.

પરસાળ અને લાકડાની કમાનો - એલ્ગિન હૉલ

ડૅલહાઉઝી નિરાંતનું સરનામું છે. ચાલો હવે આ સરનામાને આપણે પૂરું કરીએ. એકદમ ચોક્કસ સરનામું જણાવું. એવું સરનામું જ્યાં ડેલહાઉસીનો મિજાજ ઝળકે છે. દરેક પળે, દરેક ક્ષણે તમે અહીં ગજબની શાંતિ અનુભવો. સુંદર અનુભૂતિ. અનેરી શાતા જ્યાં તમને ઘેરી વળે છે. વાચકમિત્રો,  તમારી આતુરતાની વધારે પરીક્ષા ન લેતાં હું આ સરનામું લખી જ નાખું છું. સરનામું આ પ્રમાણે છે ઃ એલ્ગિન હૉલ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચની સામે, મૉલ રોડ,  સુભાષચોક, ડેલહાઉસી. મારી ખાસ ભલામણ છે. આ સરનામું કોતરી રાખો તમારા માનસપટ પર. તમારી એક વારની  મુલાકાતમાં જ આ સરનામું તમારા હૃદયપટ પર પણ કોતરાઈ જશે એ નક્કી સમજજો. આગળ જણાવ્યા મુજબ ઈસવી સન ૧૮૫૪માં ડૅલહાઉઝીનું નામ લૉર્ડ ડૅલહાઉઝીસી પરથી પડ્યું, તો આ સુંદર મકાનનું નામ અંગ્રેજ અમલદાર અને કુશળ વહીવટકાર શ્રીમાન લૉર્ડ એલ્ગિન પરથી પાડવામાં આવ્યું હતું અને એ પણ ડેલહાઉસીની સ્થાપનાનાં ફક્ત ત્રણ વર્ષ પછી એટલે કે ઈસવી સન ૧૮૫૭માં. અહીંની એક નાનકડી ટેકરી પર આવેલું આ મકાન એટલું રૂપકડું છે કે જોતાવેંત ખરેખર એના પ્રેમમાં પડી જવાય. બેથી ત્રણ માલિકો બદલાયા પછી આ મકાન ઈસવી સન ૨૦૦૦માં અમ્રિતસરના કાપડના વેપારી કવિશ ખુરાનાએ એના તત્કાલીન માલિક મહાજન પાસેથી ખરીદ્યું હતું. મહાજન રાજકારણી હતા અને તેઓ આ મકાન વેચીને શિમલા સ્થળાંતર કરી ગયા. આ મકાન ખરીદતી વખતે તો શ્રીમાન ખુરાનાએ તેમણે પોતાના વ્યક્તિગત વપરાશ માટે જ ખરીદ્યું હતું, પરંતુ પછીથી વિચાર બદલાયો અને તેમણે આ નાનકડા મકાનને હેરિટેજ હોટેલમાં પરિવર્તિત કરવાનું નક્કી કર્યું. ઈસવી સન ૨૦૧૮માં કામ ચાલુ થયું અને કામ પત્યું ઈસવી સન ૨૦૨૦માં. નામ એ જ રાખ્યું ‘એલ્ગિન હૉલ.’ ફક્ત એક જ વાક્ય પાછળ ઉમેર્યું, એલ્ગિન હૉલ ઈસવી સન ૧૮૫૭થી... આ હેરિટેજ હોટેલમાં કેટલી રૂમ છે એ જાણવું છે? ૭... જી હા... ફક્ત સાત. આને હોટેલ કહેવા કરતાં નાનું મૅન્શન કહેવું વધારે યોગ્ય ગણાય. કદાચ એટલે જ આને એલ્ગિન હૉલ કહે છે. એક ખૂબ સરસ કામ કર્યું આ માલિકોએ, મકાનનો મૂળભૂત ઢાંચો એમ ને એમ જ રાખ્યો અને એક વાત કહું? કોઈ પણ શોખીન કે કળાપ્રેમી જીવ આ ઢાંચો બદલાવે જ નહીં. એટલી સરસ બાંધણી છે કે જોતા જ રહી જઈએ. પથ્થર અને લાકડાથી બનાવેલું આ મકાન,  તમારો હાથ પકડીને તમને બ્રિટિશ રાજના સમયમાં ખેંચી જશે. શિયાળાને છોડીને બારેમાસ એકસરખું રહેતું ડૅલહાઉઝીનું વાતાવરણ તમને સ્કૉટલૅન્ડની, ઇંગ્લૅન્ડની ભાવયાત્રા કરાવશે. શિયાળાના બેથી અઢી મહિના અહીં વરસતો બરફ તો ચોક્કસ તમને યુરોપની ઝાંખી કરાવે. મૂળભૂત ઢાંચા ઉપરાંત મૂળ મકાનમાં હતું એ જ ફ્લોરિંગ, ઘણી બધી કલાકૃતિઓ, ટેબલ-ખુરસીઓ પણ એ સમયનાં જ છે. હવે મકાનની રચનાની વાત કરું તો એલ્ગિન હૉલના પરિસરમાં વિશાળ બગીચા, લૉન્સ ઉપરાંત બે મકાન આવેલાં છે. એક રહેઠાણનું મકાન અને બીજું રસોઈઘર તથા કહો કે મોટો બેઠકખંડ ધરાવતું મકાન. તમે પ્રવેશદ્વારથી મુખ્ય બગીચામાં પ્રવેશો છો અને રહેઠાણના મકાનની પરસાળમાં પગલાં માંડો છો. લાકડાની કમાનો અને દરેક કમાનની વચ્ચે લટકાવેલાં રંગબેરંગી ફૂલોના ગુચ્છાથી સુશોભિત કુંડા તમારું સ્વાગત કરે છે.

સ્વીટનો મુખ્ય રૂમ. પાછળ દેખાતો બીજો રૂમ.

સૌપ્રથમ તમારી આંખો ભરી દે છે બગીચાની હરિયાળી અને પછી વ્યવસ્થિત ગોઠવાયેલા પથ્થરની પગદંડી તમારી નજરને દોરી જાય છે. મકાનની ડાબે આવેલી ખુલ્લી જગ્યામાં બાંધેલા ફાયર પ્લેસ તરફ. તમારી આંખો અને મન બન્ને આહ અને વાહ પોકારી ઊઠે. ખુલ્લામાં પથ્થરનું ગોળાકાર બાંધકામ,  સામેના છેડે લાકડાનો જથ્થો અને ચીમની. આવી બોનફાયરની જગ્યા પહેલી વખત જોઈ મેં. સામાન્ય રીતે લગભગ વચ્ચે ખાડો હોય અને અંદર તાપણું પ્રગટાવવાનું હોય,  પણ આ જરા અલગ, હટકે, બ્રિટિશ અંદાજ હશે, કદાચ. બે મહાકાય વૃક્ષો પર લટકાવેલા ખૂબ મોટી સાઇઝના લૅમ્પ તરત જ તમારું ધ્યાન ખેંચે છે. સુંદર આકર્ષક ગોઠવણ. એક બાજુ હીંચકો. ફાયર પ્લેસને લાગીને જ આવેલા એક દરવાજામાંથી તમે મકાનની લૉબીમાં પ્રવેશી જાઓ છો. એકદમ લાક્ષણિક લીલો રંગ અને ઝુમ્મર તમારી આંખોને પહોળી થવા મજબૂર કરે છે. એને લાગીને જ એક મોટી રૂમ છે એ પણ લૉબીનો જ એક ભાગ છે. ખૂણામાં રહલી ગ્રૅન્ડ મધર ક્લૉક અને લાકડાની છત ખૂબ આકર્ષક છે. આ મકાનના ભોંયતળિયે ત્રણ વિશાળ સ્વીટ રૂમ છે. રૂમ-નંબર એકને રસ્ટિક બ્રાઉન કહે છે. બે નંબરની રૂમને ફ્રેન્ચ વાઇટ કહે છે. નામ પ્રમાણે સફેદ અને ડાર્ક ગ્રીન રંગનું સંયોજન કમાલનું છે. રૂમ-નંબર ત્રણને સનસેટ ગ્રે રૂમ કહે છે. અહીં ક્રીમ અને ડાર્ક ગ્રીન રંગનું સંયોજન છે. ખરેખર ધીરે-ધીરે તમે પોતે પણ પોતાને લૉર્ડ સમજવા માંડો એટલી સરસ રૂમ્સ છે. આ વચ્ચેના ભાગની સીડી ચડીને પહેલા માળે જવાય છે. અહીં ચાર રૂમ્સ છે, પરંતુ ત્યાં પહેલેથી મહેમાનો હોવાથી અમને જવા ન મળ્યું, પરંતુ પહેલા માળનું એક આકર્ષણ જાણે અમારી રાહ જોઈ રહ્યું હતું. ઢળતા છાપરાની છત, વિશાળ સોફા, મસમોટી અલમારીઓ ધરાવતી લાઇબ્રેરી-રૂમ તમારું સ્વાગત કરે છે. બહાર પડતી બે વિશાળ બારીઓમાંથી એક પાસે ટેલિસ્કોપ ગોઠવેલું છે. અનેક પુસ્તકોનો ખજાનો છે અહીં. ગજબની શાતા મળે છે આ રૂમમાં. રહેઠાણનું મકાન ખરેખર ભવ્ય છે. અહીંથી નીચે ઊતરીને બાજુમાં આવેલા રસોઈઘર અને મોટી મીટિંગરૂમ-કમ-ડાઇનિંગ રૂમ ધરાવતા મકાનમાં પ્રવેશતાં પહેલાં તમે કેટલીયે કલાકૃતિઓને નજરમાં ભરીને આગળ વધો છો. એક એકથી ચડિયાતી કલાકૃતિઓનો સંગ્રહ ખરેખર કાબિલે તારીફ છે.

અપ્રતિમ પહેલો માળ - એલ્ગિન હૉલ.

રસોઈઘરને લાગીને જ બીજો બગીચો ખૂબ આકર્ષક ચિત્ર ઊભું કરે છે, જે મહેમાનોને બહાર બેસીને જમવું હોય તેઓ માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરી શકાય એવી તમામ તૈયારી અહીં તમારી તહેનાતમાં હાજર રહે છે. એલ્ગિન હૉલની નસેનસમાં ડેલહાઉસી વસી રહ્યું હોય તએવું લાગે. રૂમમાં રહો કે પરસાળમાં બેસો કે પછી બગીચામાં તડકો ખાઓ, એલ્ગિન તમારામાંના નિરાંતવા જીવને જગાડે છે, પ્રેમથી થાબડે છે, વહાલથી હાથ પકડીને બેસાડી દે છે. અહીં કોઈ પણ પ્રકારની ઉતાવળને,  ઉત્તેજનાને અવકાશ જ નથી. મનગમતી વાતો માણો કે પછી મનગમતી યાદો મમળાવો કે પછી મનગમતું કોઈ પુસ્તક વાંચો. મનગમતી દરેક પ્રવૃત્તિઓ માટે જરૂરી હોય એવું વાતાવરણ, એવી હળવાશ અહીં તમને મળવા આવી હોય એવું લાગે. મિત્રવર્તુળ અથવા થોડા કુટુંબીજનો જો સાથે હોય તો સાતેસાત રૂમ બુક કરાવીને તમે આ મૅન્શનને વ્યક્તિગત મિલકત તરીકે પણ વાપરી શકો છો. અહીં હૉલના પ્રૉપર્ટી મૅનેજર વિકી અથવાલના ઉલ્લેખ વગર આ લેખ અધૂરો રહેશે. એકદમ હસમુખા, મિલનસાર અને હોશિયાર વ્યક્તિત્વ ધરાવતા આ શ્રીમાન હોટેલ શરૂ થઈ ત્યારથી જ એની સાથે સંકળાયેલા છે. ડૅલહાઉઝીમાં બીજી ઘણી હોટેલો છે, બે-ચાર હેરિટેજ હોટેલ્સ પણ છે, પરંતુ એલ્ગિનની વાત જ અલગ છે, ભાત અલગ છે, સ્થાન અલગ છે, રૂપ-રંગ અલગ છે. ૧૬૬ વર્ષના સમયકાળને પોતાની બાથમાં લઈને આ મૅન્શન ધબકી રહ્યું છે. રાજના સમયની જાહોજલાલી-દોરદમામ અહીં આ સ્થળે જીવંત થઈ ઊઠે છે. ડૅલહાઉઝીનો આટલો સક્ષમ વિકલ્પ અથવા કહો કે આટલું જોરદાર પ્રતિબિંબ અહીં જ છે, અહીં જ છે અને અહીં જ છે. ચોતરફ પથરાયેલા હિમાલયનું શુદ્ધ રૂપ અને ભવ્ય વારસાનું જીવંત સ્વરૂપ એટલે  આ એલ્ગિન હૉલ,  ડેલહાઉસી.   

આ સિરીઝના આગલા મણકાની વાત લઈને મળીએ આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2023 03:13 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK