મેડિકલ એક્સપર્ટ તરીકે જો જવાબ આપવાનો હોય તો હું કહીશ કે માતૃત્વ માટેની આદર્શ ઉંમર ત્રેવીસ-ચોવીસ વર્ષથી લઈને સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષની છે
પ્રતીકાત્મક તસવીર
બાળકો મોડાં કરવાનું આજકાલ ફૅશન બની ગયું છે. આજની જનરેશનને પહેલાં કરીઅર પર ફોકસ કરવું છે, સપનાંઓ પૂરાં કરવાં છે અને એ પછી ફૅમિલી-પ્લાનિંગ વિશે વિચારવું છે. એની સામે તમે જુઓ, સેલિબ્રિટીઝ હવે પેરન્ટ્સ બનવાની બાબતમાં વધારે ગંભીર બનવા માંડી છે અને કરીઅર કરતાં પણ પહેલાં માતૃત્વ-પિતૃત્વને મહત્ત્વ આપતી થઈ છે. દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ એનાં જ ઉદાહરણ છે તો હમણાં એક ઍક્ટ્રેસના ન્યુઝ આવ્યા કે તે મા બનવાની છે. સામાન્ય લોકો કરતાં સાવ જુદો જ ટ્રૅક પકડનારી સેલિબ્રિટીઝને ફૉલો કરવી જોઈએ એવું કહેવાનું હું પસંદ કરીશ.
કહેવાનો ભાવાર્થ અને વાતનો સૂર એ કે ઉંમરની દરેક અવસ્થા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કરીઅરને ફોકસમાં રાખીને આગળ વધવું એ સહેજ પણ ખોટી વાત નથી, પણ સાથોસાથ એ વાત પણ ભૂલવી ન જોઈએ કે અમુક જવાબદારીઓ યોગ્ય સમયે જ સમજવાની અને સ્વીકારવાની હોય.
ADVERTISEMENT
મને ઘણી યંગ છોકરીઓ પૂછતી હોય છે કે કઈ એજ પર માતૃત્વ સ્વીકારી લેવું જોઈએ. મેડિકલ એક્સપર્ટ તરીકે જો જવાબ આપવાનો હોય તો હું કહીશ કે માતૃત્વ માટેની આદર્શ ઉંમર ત્રેવીસ-ચોવીસ વર્ષથી લઈને સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષની છે. એ પછીના પિરિયડમાં કૉમ્પ્લીકેશન આવી શકે છે. જરૂરી નથી કે કૉમ્પ્લીકેશન્સ આવે જ. ન પણ આવે, પણ સંભાવના વધી જાય છે. પુરુષો માટે પણ આ જ આદર્શ ઉંમર છે, ત્યાર પછી તેમને પણ કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે અને જો એ ઉંમર પાર કરી લેવામાં આવે તો ફીમેલ કરતાં મેલમાં કૉમ્પ્લીકેશન્સની સંભાવના વધારે રહે છે કારણ કે પેરન્ટહુડ માટે જેણે પહેલાં આગેવાની લેવાની છે તે મેલ છે. તમે આ આખી વાતને ખેતીની સાથે જોડી શકો છો. જો બીજમાં અંકૂર ફૂટવાની ક્ષમતા ન હોય તો જમીનનો દોષ ન કાઢી શકાય. બીજમાં ફળીભૂત થવાની ક્ષમતા હશે તો જમીનને ફળદ્રુપ બનાવવા માટેના બીજા રસ્તાઓ અપનાવી શકાશે. અગત્યનું એ જ છે કે જમીન પર કરવામાં આવેલા કાર્યની આડઅસર ઊગી રહેલા બીજ પર ઓછી જોવા મળશે પણ જો બીજને શક્તિશાળી બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે તો એની આડઅસર પહેલાં જોવા મળશે. કહેવાનો ભાવાર્થ એટલો કે માત્ર કરીઅરને ફોકસમાં રાખવાને બદલે અંગત જીવનને પણ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે અને ધારો કે એવું ન જ થઈ શકતું હોય તો સ્પર્મ કે એગ ફ્રિજ કરાવવા વિશે વિચારવું જોઈએ, પણ એ અંતિમ રસ્તો છે. પહેલું તો એ જ મહત્ત્વનું કે સમય અને અવસ્થા મુજબ પેરન્ટ્સ થવાની દિશામાં આગળ વધવું જોઈએ.

