મને એવું લાગે છે કે કોઈ યુવતી પોતાના બળબૂતાં પર એકલી રહેતી હોય, પોતાની રીતે જીવતી હોય, તેના જીવનમાં જે કંઈ પણ થાય છે એ માટે તમે જવાબદાર ન હો તો તેણે કઈ રીતે જીવવું એ ડિક્ટેટ કરવાની કોઈ જરૂર નથી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં એકલી છોકરીઓ રહેતી હોય એ હવે બહુ આમ વાત થઈ ગઈ છે, પણ એને કારણે આપણા ઘરની વહુવારુઓ પર એની કેવી માઠી અસર પડશે એની ચિંતા તો સામાજિક પરિવારને ન થાય? અમારી બિલ્ડિંગમાં પાંત્રીસેક વર્ષની વયની એક યુવતી રહે છે. તેનાં પેરન્ટ્સ તો ક્યારનાય ગુજરી ગયેલાં. અત્યાર સુધી તેના પથારીવશ દાદા સાથે રહેતી હતી અને એ પણ એક વર્ષ પહેલાં ગયાં. આ છોકરી ઘરમાં ટૂંકાં ચડ્ડા પહેરીને ફરે છે અને તેના ઘરે દોસ્તોનો આવરોજાવરો રહ્યા કરે છે. એક-બે છોકરાઓ અવારનવાર આવે છે અને ક્યારેક તો રાતે પણ રોકાય છે. ક્યારેક રાતના સમયે પાર્ટીઓ કરવા જાય અને મોડી આવે છે. સોસાયટીમાં પણ તેને અમુક જ લોકો સાથે વાતચીતનો વહેવાર રાખ્યો છે. તેને નથી ભાઈ કે નથી બહેન એટલે કહેવાવાળું કોઈ નથી. ટૂંકાં કપડાં પહેરીને લટકમટક કરતી જાય છે એ જોઈને અમારા ઘરની દીકરીઓ પણ કહે છે કે તે જાય છે તો અમે કેમ નહીં? અસામાજિક હરકતો બાબતે અવાજ ઊઠાવીએ છીએ તો કહે છે કે સોસાયટીએ મારા જીવનમાં ચંચુપાત ન કરવો.



