આજના સમયમાં વધી રહેલા ડિવૉર્સ કે બ્રેકઅપના કિસ્સાનું કડવું સત્ય એ છે કે લવ-મૅરેજ કરનાર કપલને પણ એકબીજા સાથે મજા નથી આવતી.
પ્રતીકાત્મક તસવીર
એક ટીવી-ચૅનલની ટૅગલાઇન છે, અસલી મઝા સબકે સાથ આતા હૈ. અલબત્ત, એ ટીવી-ચૅનલનો ભાવાર્થ કંઈક જુદો છે પરંતુ આ વિધાન પર વિચાર કરતાં અમને જે લાગ્યું એ વહેંચવાનું દિલ એ માટે થાય છે કે ખરેખર તો અસલી મઝા સબકે સાથ નહીં આતા હૈ. અમારો ભાવાર્થ પણ કંઈક જુદો છે.
આપણને જીવનમાં ખરેખર જે મળે, જે સાથે હોય, જે ઓળખતા કે પરિચિત હોય તે બધા સાથે મજા આવે છે? સાચો જવાબ ના હશે. શું ઑફિસમાં, પરિવારમાં, સગાંસંબંધીઓમાં, મિત્રોમાં, બિઝનેસ કે નોકરીમાં, પ્રવાસમાં બધાં સાથે મજા આવે છે ખરી? ઊલટાનું આપણને અમુક લોકો સાથે અથવા અમુકની હાજરીમાં મજા નથી આવતી. મજાનો પોતાનો એક મિજાજ હોય છે. અમુક માણસોની હાજરીમાં આપણને ખીલવાનું મન થાય, અમુકની હાજરીમાં મૌન રહેવાનું અથવા અળગા રહેવાનું દિલ થાય. અમુક સાથે વાતો કર્યા કરવાનું ગમે, કેટલાક સાથે વાતો કરવાનો વિચાર પણ કંટાળો અથવા અણગમો આપે. સબ અથવા બધાનો અર્થ માત્ર સંખ્યા કે ગ્રુપ ન કરી શકાય. સબ (બધા) એટલે આપણને જેમાં પોતાપણું દેખાય, ખુલ્લાપણું કે ઓપન માઇન્ડ જણાય.
બીજા બે જણ હોય કે વીસ જણ હોય, સાથે મજા ત્યારે મળી શકે જ્યારે વિચારધારા એકસમાન હોય. એમાં કયાંક મતભેદ ભલે હોય; પરંતુ મનભેદ ન હોય, હઠાગ્રહ જેવા પૂર્વગ્રહ ન હોય, અંતિમવાદી વલણ ન હોય, કૃત્રિમતા ન હોય. મનમાં કંઈક ને હોઠો પર કંઈક એવો વિરોધાભાસ ન હોય.
ADVERTISEMENT
ટીવી જોવા કે જમવા સાથે બેસવાથી કે સાથે બહાર ફરવા જવાથી અસલી મઝા સબકે સાથ આવતી હોવાનો એહસાસ ન થઈ શકે. માણસ-માણસનું મન મળે ત્યાં મજા આવે. ઘણી વાર તો માણસને બહુ બધા તો શું, એક જણ સાથે પણ મજા ન આવે એવું બને. આજના સમયમાં વધી રહેલા ડિવૉર્સ કે બ્રેકઅપના કિસ્સાનું કડવું સત્ય એ છે કે લવ-મૅરેજ કરનાર કપલને પણ એકબીજા સાથે મજા નથી આવતી. મજા શબ્દને મન સાથે સીધો સંબંધ હોય છે, તેથી જ એ મનમેળથી આવે છે. અસલી મજા ભીતરની હોય છે, બહાર તો માત્ર નિમિત્ત છે. મજાના પ્રકાર ઘણા હોય છે, જેથી આપણે જે વાત કરી છે એનો ભાવાર્થ પણ સકારાત્મક કરવો અને સમજવો. હૃદયને સ્પર્શે એ ખરી મજા છે.

