જ્યારે આપણે આપણા પ્રિયજનની જરૂરિયાતો, ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓ સાથે તાદાત્મ્ય સાધી શકીએ ત્યારે પ્રેમ મહોરે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Love needs two things : it has to be rooted in freedom and it has to know the art of trust - ઓશો
માતા-પિતા અને સંતાનો વચ્ચેનો પ્રેમ, મિત્રો વચ્ચેનો પ્રેમ, પતિ અથવા પ્રેમી સાથેનો રોમૅન્ટિક પ્રકારનો પ્રેમ, પોતાની જાત પ્રત્યેનો પ્રેમ - તેમ જ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ - એવાં પ્રેમનાં ભિન્ન સ્વરૂપો હોઈ શકે. જ્યારે આપણે આપણા પ્રિયજનની જરૂરિયાતો, ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓ સાથે તાદાત્મ્ય સાધી શકીએ ત્યારે પ્રેમ મહોરે છે. રોમૅન્ટિક પ્રેમ આકર્ષણથી શરૂ ભલે થતો હોય પણ પ્રેમ તો આકર્ષણની પેલે પારની ઉદાત્ત લાગણી છે.
ADVERTISEMENT
પ્રેમની આ ઉદાત્ત લાગણી આકાશમાં વિહરી શકે અથવા તો પાતાળમાં ગોંધાઈ જઈ શકે. એ સંબંધમાંથી સુગંધ આવે કે દુર્ગંધ આવે એનો આધાર સંબંધમાં રહેલી સ્વતંત્રતા અને વિશ્વાસ પર હોય છે. કોઈ પણ પ્રકારના પ્રેમસંબંધમાં પ્રેમ ટકી શકે એ માટે આ બે ઘટકો એની સાથે હોવા બહુ જ જરૂરી છે. પ્રેમ સ્વતંત્રતાની જમીન પર પાંગરવો જોઈએ. પ્રેમ ભાવનાત્મક રીતે એકબીજાને બાંધે છે પરંતુ સ્વતંત્રતા એ બંધનમાંથી મોકળાશ પણ આપે છે.
પરંતુ જો પ્રેમમાં પ્રિયજનને સ્વતંત્રતા ન હોય તો? તો એવા સંબંધોમાં માલીકી ભાવ હાવી થાય છે અને ગૂંગળામણ અનુભવતો સંબંધ એના ભાવિને ધૂંધળું બનાવે છે. પ્રેમમાં આપણે સ્વતંત્રતાની જ્યારે અપેક્ષા રાખીએ છીએ ત્યારે સ્વતંત્રતાની સાથે જ ફરજ અને જવાબદારીનું મિશ્રણ હોવું અભિપ્રેત જ છે. એ બન્ને વગરની સ્વતંત્રતા સ્વછંદતા છે, જે પ્રેમસંબંધને ઊધઈની જેમ કોરી ખાય છે. બન્ને બાજુએ વ્યક્તિસ્વાતંત્ર્યની સમજ હોય એવા પ્રેમસંબંધો સુગંધિત બને છે. એવો પ્રેમ એકબીજાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સંબંધમાં જ્યારે વ્યક્તિસ્વાતંત્ર્ય પર પ્રઘાત થાય છે ત્યારે પહેલું મૃત્યુ પ્રેમનું જ થાય છે. પછી કેવળ સંબંધનાં મડદાં ફરે છે.
પ્રેમસંબંધમાં એટલું જ મહત્ત્વ વિશ્વાસનું પણ છે. વિશ્વાસ હોય તો જ સ્વતંત્રતાનો અર્થ રહે છે. સ્વતંત્રતાનો આધાર જ પરસ્પરનો વિશ્વાસ હોય છે. જ્યારે સ્વતંત્ર નિર્ણયો લેવાના હોય, સંબંધોની મર્યાદા અને સંબંધોમાં પ્રામાણિકતા જાળવવાની હોય ત્યારે જો પરસ્પર વિશ્વાસ હોય તો જ સ્વતંત્રતાનો આસ્વાદ મધુરો લાગી શકે.
જ્યારે સંબંધમાં વિશ્વાસ અને એને પગલે સ્વતંત્રતા હોય ત્યારે એક ત્રીજું ઘટક સંબંધમાં આપોઆપ સમાઈ જાય છે, જે છે રિસ્પેક્ટ - માન. આ પરિબળ પ્રેમસંબંધને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. એકબીજાને મળતી સ્વતંત્રતા અને એકબીજા પરના વિશ્વાસ અને માનથી સંબંધ જ્યારે મહેંકતો રહે ત્યારે એ સંબંધ શ્રદ્ધા જેવા પવિત્ર શબ્દને સાર્થક કરીને પામે છે, જે પ્રેમસંબંધનું સર્વોચ્ચ શિખર છે. -સોનલ કાંટાવાલા

