Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > શું તમને લાગે છે કે વ્યક્તિ પાસે તો છે પણ સાથે નથી?

શું તમને લાગે છે કે વ્યક્તિ પાસે તો છે પણ સાથે નથી?

Published : 24 August, 2026 05:34 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તમારે કંઈ કહેવું છે, પણ સામે સાંભળવાનો સમય નથી. તમારે કશે જવું છે, પણ સામે તમારો સાથ દેવાની કોઈને ફુરસદ નથી. ત્યારે વ્યક્તિ પોતાની આસપાસ એક દીવાલ રચી દે છે. આ સ્વાવલંબન તેમની મજબૂરી પણ હોઈ શકે. આવો સમજીએ સંબંધોની આ કૉમ્પ્લેક્સ અવસ્થાને

શું તમને લાગે છે કે વ્યક્તિ પાસે તો છે પણ સાથે નથી?

શું તમને લાગે છે કે વ્યક્તિ પાસે તો છે પણ સાથે નથી?


પ્રિયા અને સ્નેહલનાં લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે, પરંતુ આજે તેમનાં લગ્નમાં એક મોમેન્ટ આવી છે જ્યારે પ્રિયા સ્નેહલ સુધી પોતાના પ્રૉબ્લેમ લઈ નથી જતી. તેને કશું પણ કરવું હોય તો તે પોતાનો પ્લાન જાતે જ બનાવે છે. જેમ કે તેને શરૂ કરવો છે ગાર્મેન્ટ બિઝનેસ. આખો પ્લાન રેડી છે, પણ સ્નેહલને એ વિશે કંઈ ખાસ ખબર નથી. પ્રિયા સાથે જ્યારે પણ કંઈ ખોટું થાય છે, જેમ કે કારમાં પંક્ચર જેવો સામાન્ય પ્રૉબ્લેમ હોય કે તેની તબિયત ખરાબ હોય તો તે પહેલાં પોતાના ફ્રેન્ડ્સ અને પોતાની ફૅમિલીને યાદ કરે છે. સ્નેહલને લાગે છે કે આ તો સારું છે, પ્રિયા આત્મનિર્ભર છે એટલે તે બધું જાતે કરી લે છે. જોકે એવું નથી. પ્રિયા આવું એટલા માટે કરી રહી છે કારણ કે તેણે સ્નેહલથી નિરાશ થવાનું છોડી દીધું છે. તેણે ઘણીબધી વાર ટ્રાય કર્યું - બહારના પ્લાન હોય કે અચાનક આવી પડેલી આપદા - સ્નેહલ હંમેશાં પોતાના બિઝનેસમાં બિઝી જ હોય. શરૂઆતમાં બહાર જવાનો કોઈ પ્લાન બનાવે તો આજે નહીં કાલે કહીને સ્નેહલ ટાળી દેતો અને તેની કાલ આવતી જ નહીં. પ્રિયાને જે દિવસે વાત કરવી હોય ત્યારે સ્નેહલના કૉન્ફરન્સ કૉલ પતે જ નહીં. એક દિવસ તો ઘરમાં ગૅસ ખતમ થઈ ગયો અને પ્રિયાએ તેને ફોન કર્યો તો તે બરાડી ઊઠેલો કે અહીં કરોડોના ક્લાયન્ટને સંભાળું કે તારા ગૅસની વ્યવસ્થા કરું? એ છેલ્લો દિવસ હતો જ્યારે પ્રિયાએ સ્નેહલને ઑફિસમાં ફોન કરેલો. સ્નેહલ ઘરેથી જાય ત્યારથી લઈને તે પાછો આવે ત્યાં સુધી પ્રિયા સાથે તેનું કોઈ કમ્યુનિકેશન હોય નહીં. એટલે પ્રિયાએ એક નિર્ણય લઈ લીધો કે સ્નેહલ પાસેથી અપેક્ષા ન રાખવી, ખુદ જ બધું સંભાળી લેવું. હવે થાય છે એવું કે બિઝનેસ સેટ થઈ ગયો છે, સ્નેહલ પાસે હવે શનિ-રવિ કોઈ કામ હોય નહીં, તે ઘરે હોય અને એક જ સોફા પર પ્રિયા સાથે બેઠો હોય તો પણ તેને પ્રિયાથી એક અંતર ફીલ થાય છે. સ્નેહલ પ્રિયાને પૂછે છે પણ ખરો કે આપણી વચ્ચે આ ખાલીપો કેમ છે? પ્રિયા હસીને ‘એવું કંઈ નથી’ કહીને વાત ટાળે છે, પણ હકીકતમાં પતિની ગેરહાજરીથી થતા દુઃખથી તે ખુદને પ્રોટેક્ટ કરી રહી છે. બન્ને વચ્ચે કોઈ મોટો ઝઘડો નથી થતો, કોઈ ડ્રામા પણ નથી થતો. પ્રિયાએ ખુદને ધીમે-ધીમે પતિથી ડિસ-કનેક્ટ કરી લીધી છે - પહેલાં માનસિક રીતે અને પછી શારીરિક રીતે. આ અંતર હવે ભરવું અઘરું થઈ રહ્યું છે. પ્રૉબ્લેમ એ છે કે સ્નેહલને સમજાયું જ નહીં કે આવું થયું ક્યારે?

પતિ-પત્ની બન્નેની સમસ્યા



આ એક ખૂબ જ સંવેદનશીલ સમસ્યા છે જે આજકાલ ઘણાં કપલ્સ વચ્ચે દેખાય છે. ઘણાં કપલ્સ વચ્ચે ભાવનાત્મક અંતર આવી જતું હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ કોઈ એક દિવસમાં ઊભી થતી નથી. આ એક ધીમી પણ ઊંડી પ્રક્રિયા છે, પરંતુ આ તકલીફ ફક્ત પત્નીને જ થાય છે એવું નથી એમ ભાર દઈને જણાવતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘મારી પાસે ઘણા પુરુષો પણ આ ફરિયાદ લઈને આવે છે. સ્ત્રીઓ આજે કામકાજી બની છે. બાળક, ઘર અને તેનો પ્રોફેશન તેનો બધો જ સમય લઈ લે છે એટલે જીવનસાથી માટે કોઈ સમય જ તેની પાસે બચતો નથી. આ પરિસ્થિતિમાં પુરુષ એકલો પડી જાય છે. આખા દિવસનું કામ કરીને જ્યારે પત્ની રાત્રે રૂમમાં આવે તો પતિને લાગે છે કે તે હવે તો મને સમય આપે, પણ આટલું બધું કામ કરીને તે ખૂબ થાકી જાય છે એટલે સૂઈ જાય છે. આ સમયે પતિ પત્નીની અવગણનાનો ભોગ બને છે. મારી પાસે ઘણા પતિઓના એક્સ્ટ્રા-મૅરિટલ અફેરના કિસ્સા આવે છે એમાં આ અવગણના જ મુખ્ય કારણ છે જેને લીધે તેઓ લગ્નેતર સંબંધોમાં જોડાઈ જતા હોય છે. એક રીતે જોવા જઈએ તો બાળકો સાથે પણ એવું જ છે. બાળકને જ્યારે વાત કરવી હોય અને બાળક તમારી પાસે આવે ત્યારે તમે કહો કે અત્યારે સમય નથી. આવું વારંવાર બને એટલે બાળક તમારાથી દૂર થતું જાય છે. ધીમે-ધીમે તેને તમને કશું કહેવાની ઇચ્છા થતી જ નથી. આમ સંબંધોમાં ઉપેક્ષા એ હંમેશાં સંબંધને નબળો બનાવે છે.’


વ્યક્તિ કેમ અળગી થઈ જાય છે?

કોઈ પણ વ્યક્તિની ભાવનાને જ્યારે સામે પક્ષે પ્રતિસાદ નથી મળતો ત્યારે તે વ્યક્તિ બીજી વ્યક્તિથી અળગી થઈ જાય છે. આવું કામમાં પણ થાય છે. એક જ કંપનીને વર્ષો આપી દેનાર કર્મચારીને કંપની કે એના માલિક પ્રત્યે વફાદારીનો ભાવ હોય છે. તેને એ કંપની અને એ કામ પ્રત્યે જુદો લગાવ હોય છે; પરંતુ એ જ કંપની જ્યારે એ કર્મચારીનું અપમાન કરે છે, તેનો પગાર 
જાણી-જોઈને વધારતી નથી કે તેના દરેક કામમાં વાંધાવચકા કાઢવા લાગે છે ત્યારે સતત થતું અપમાન એ કર્મચારીથી સહન થતું નથી. એટલે તેના મનમાં કામ પ્રત્યેનો જે ભાવ હોય એ બદલાતો જાય છે. શરૂઆતમાં પોતાનું સમજીને તે ગુસ્સો કે વિરોધ વ્યક્ત કરે છે, પરંતુ જ્યારે આ એક પૅટર્ન બની જાય છે ત્યારે તે સમજી જાય છે કે તેની વાત કે લાગણીઓની કોઈ કિંમત નથી. અંતે તે નિરાશ થવાનું અને ઝઘડવાનું બંધ કરી દે છે. એ વિશે વાત કરતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘મનોવિજ્ઞાનમાં આને સ્વરક્ષણાત્મક પ્રક્રિયા કહેવાય છે. પોતાની લાગણીઓને દુભાતી બચાવવા માટે દરેક વ્યક્તિ સામેના પક્ષ પાસેથી અપેક્ષાઓ રાખવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે. એ પછી તેને દુખ થતું નથી અથવા થાય તો તે પોતાની જાતને સંભાળી લેતી હોય છે. એમાં વ્યક્તિ બચી જાય છે, પણ સંબંધ પછી તે વ્યક્તિ સાથે હોય કે કામ સાથે એ ધીમે-ધીમે નિર્જીવ થતો જાય છે. પછી પણ તે કામ તો કરે છે, પણ એમાં લાગણી નથી હોતી. એ મેકૅનિકલ બની જાય છે. જીવનસાથી સાથે એક છત નીચે રહે છે, પણ એ સંબંધમાં ઉષ્મા નથી હોતી.’


માનવીય જરૂરિયાતો

દરેક વ્યક્તિને જીવનમાં સુરક્ષા, સાંભળનારો કાન અને ભાવનાત્મક સપોર્ટની જરૂર હોય છે. તેને એ જ્યાં મળે છે ત્યાં તે જાય છે. ભાવનાત્મક જોડાણ જ્યારે તૂટી જાય છે ત્યારે શારીરિક હાજરીનો કોઈ અર્થ રહેતો નથી. તમે એક જ ઘરમાં રહો છો, એક જ રૂમમાં સૂઓ છો કે એક જ સોફા પર બેસો છો છતાં એક અદૃશ્ય દીવાલ વચ્ચે આવી જાય છે. આ પરિસ્થિતિ એટલે  ‘ભીડ મેં તન્હા’. લોકોની વચ્ચે પણ એકલા જ રહી ગયા. આ એકલતા એકલા રહેવા કરતાં પણ વધુ દુઃખદાયક હોય છે, કારણ કે સામે વ્યક્તિ હાજર છે છતાં તે માનસિક રીતે પ્રાપ્ય નથી.

પણ ખરેખર જ સમય નથી હોતો ત્યારે...

લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની બન્નેને એકબીજાનો સમય જોઈતો હોય છે; પણ એ સમયે જ કરીઅર બનાવવાની હોય છે, જીવનમાં આગળ વધવાનું હોય છે, જવાબદારીઓ પૂરી કરવાની હોય છે એમાં ખરેખર વ્યક્તિ પાસે સમય હોતો જ નથી. આ સંજોગોમાં વ્યક્તિ પોતાના જીવનસાથીની ઉપેક્ષા કરવા ન માગે તો પણ સમય કે ધ્યાન આપી શકતી નથી. તો શું કરવું? આ વિશે ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘એ સમજી શકાય કે તમારી પાસે સમય નથી, પરંતુ એ બાબતે તમારે તમારા જીવનસાથી સાથે વાત કરવી જરૂરી છે. શરૂઆતનાં પાંચ-દસ વર્ષ સ્ટ્રગલ તો રહેવાની જ, પણ આ કપરા સમયમાં એકબીજાનું પીઠબળ બનીને રહેવાનું છે. એ માટે પરસ્પર સંવાદ સાધો. તમારા જીવનની કઠિનાઈ તમારા જીવનસાથીને ખબર હોવી જોઈએ. તેનાથી છુપાવો નહીં. ઘણા પુરુષો પોતાની સ્ટ્રગલ વાઇફને કહેતા નથી. કેટલીક સ્ત્રીઓને લાગે છે કે પુરુષ સમજશે નહીં એટલે તે પોતાની વાત પુરુષને કહેતી નથી. કરોડોની લોન લઈને ઘર લીધું હોય, બિઝનેસ કે કરીઅરમાં અત્યારે ભરપૂર ધ્યાન આપવું જ પડે એમ હોય, બાળકો માટે એક સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવાનું હોય ત્યારે બન્નેએ એકબીજાનો સાથે આપવો જરૂરી છે. જો તમારી લાગણીને પ્રતિસાદ ન મળે તો પાર્ટનરની મજબૂરીને સમજો, ધીરજ રાખો. વધુ હર્ટ થઈ રહ્યું હોય તો ફરિયાદો કરવાને બદલે પ્રેમથી પોતાની વાત રજૂ કરો. પાર્ટનરને સમજાવો કે આ ઉપેક્ષા તમારાથી સહન નથી થઈ રહી. જો કમ્યુનિકેશન હશે તો દરેક તકલીફનો તોડ નીકળશે. જો ચુપ્પી આવી જશે તો તકલીફ સ્થિર અને સ્થાપિત બની જશે. આ પરિસ્થિતિ ન આવે એનું ધ્યાન રાખો.’

આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આટલું કરો

જો આ પરિસ્થિતિને સમયસર સુધારવામાં ન આવે તો સંબંધ માત્ર નામનો રહી જાય છે. આ અંતર ઓછું કરવા માટે નીચે મુજબનાં પગલાં લઈ શકાય:
 જે વ્યક્તિ ચૂપ થઈ ગઈ છે તે પ્રયાસ કરીને થાકી છે. તેનો થાક સમજો. હવે તે પ્રયાસ નહીં કરે એટલે હવે તમારો વારો. જો વ્યક્તિ ફરિયાદો કરતી બંધ થઈ ગઈ છે તો એ ખુશીની વાત નથી પણ ચેતવણી છે. જે સંવાદ ખોરવાઈ ગયો છે એમાં વાંક કોનો એ શોધવાને બદલે એ સંવાદ ફરી સ્થાપવાની કોશિશ કરો. 
 એક ફિક્સ સમય સંબંધો માટે ફાળવો. ઑફિસ કે કામ ગમે એટલું હોય, દિવસમાં ૧૫-૨૦ મિનિટ એવી રાખવી જેમાં ફોન, ટીવી કે કામ બાજુ પર મૂકીને માત્ર એકબીજા સાથે વાત થાય.
 જવાબદારીનો સ્વીકાર કરો. તમારા દ્વારા ભૂતકાળમાં આપેલી ઉપેક્ષાનો સ્વીકાર તમારે કરવો પડશે અને સંબંધ થીજી ગયો છે એનું કારણ ક્યાંક ને ક્યાંક હું છું અને હું જ એને ફરી જીવંત બનાવીશ એ વાતનો અહેસાસ સામેવાળી વ્યક્તિને કરાવવો પડશે.  
 ધૈર્ય રાખો. જે વ્યક્તિએ દીવાલ પોતાની સુરક્ષા માટે બનાવી છે એ દીવાલ એક દિવસમાં નહીં તૂટે. તમારે ફરીથી એ સંબંધમાં વિશ્વાસને રોપવો પડશે અને આંબા તો હજી પણ જલદી પાકતા હશે, વિશ્વાસને પાકતાં વાર લાગશે એટલે ધીરજ રાખો.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 05:34 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK