નોકઝોક વિનાનાં પતિ-પત્ની હોઈ શકે ભલાં? એક્સપર્ટ કહે છે કે યસ, આ કોઈ કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. ઝઘડા વિનાનું કપલ બનવું હોય તો શું કરવું પડે, ચાલો જાણીએ...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
તાજેતરમાં ઍક્ટ્રેસ હિના ખાને એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું કે હસબન્ડ સાથેની તેની રિલેશનશિપમાં ઝઘડાને કોઈ સ્થાન નથી. ખરેખર એવું શક્ય છે? નોકઝોક વિનાનાં પતિ-પત્ની હોઈ શકે ભલાં? એક્સપર્ટ કહે છે કે યસ, આ કોઈ કલ્પના નથી પણ વાસ્તવિકતા છે. ઝઘડા વિનાનું કપલ બનવું હોય તો શું કરવું પડે, ચાલો જાણીએ...
જહાં પ્યાર, વહાં તકરાર – આ માન્યતાને તોડીને ઍક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તેના હસબન્ડ રૉકી જાયસવાલ સાથેની તેની રિલેશનશિપમાં તકરારનું નામોનિશાન નથી. ક્યારેક પોતે અકળાઈ જાય, પરંતુ રૉકી સંઘર્ષને બદલે સમાધાન અને સંવાદને વધુ મહત્ત્વ આપે છે.’ વેલ, આવું આ બન્ને વચ્ચે છે અને ટોટલ રિયલ લાઇફની વાત તેઓ કરે છે, પરંતુ આપણે ત્યાં કેટલાં કપલમાં આવું હશે કે તેમની વચ્ચે ક્યારેય કોઈ નામમાત્રનો પણ ખટરાગ ન થયો હોય. જો આવાં કોઈ કપલ હોય તો તેમને શોધવાં જોઈએ એવું વિચારીને વાચક કમ્યુનિટીમાં અમે એક મેસેજ વહેતો કર્યો. એમાં સવાલ હતો કે અમે એવાં કપલ શોધીએ છીએ જેમની વચ્ચે ક્યારેય ઝઘડો ન થયો હોય? અને અમને ચક્કરડે ચડાવે એવા જવાબો મળ્યા. જેમ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભરત દેસાઈએ લખ્યું, ‘ઇમ પૉઝિબલ’ અને સાથે હસીને બેવડ વળેલું લાફ્ટર પણ હતું. ભાવેશ પોંદાનો પણ આવો જ જવાબ હતો, પણ વિશાલ દૈયાએ લાફ્ટર સાથે લખ્યું કે કોલ્ડ વૉર હોય તો ચાલે? અનુજા દેઢિયાએ આશ્વાસન આપતાં હોય એમ ‘વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ’ લખ્યું તો અમિત મહેતાએ ઠાવકાઈ સાથે કહ્યું, ‘ધેન ધે આર નૉટ કપલ, હૅપી હન્ટિંગ.’ પ્રિયંકાબહેન નામનાં એક વાચકે પ્રામાણિકતા દેખાડતાં લખ્યું, ‘સચ કપલ ડોન્ટ એક્ઝિસ્ટ’ અને પાછું ઉમેર્યું કે ‘ધારો કે કોઈ એવું કહે તો તેઓ ખોટું બોલે છે એવું માનવું.’ છેલ્લે આ આખી શોધને જ જોક સમજવાનું કામ બોરીવલીના સિદ્ધાર્થ સંપતે કર્યું અને સાથે ‘હા હા હા’ના ૩ લાઉડ લાફ્ટર પણ મોકલ્યાં.
મિત્રો, ખરેખર ઝઘડા વિનાનું કપલ એ આઠમી અજાયબી છે? હિના ખાને કહેલી વાતને અને એની સામે વાચકોના આવેલા રમૂજભર્યા રિપ્લાય પછી આ વાતનો કેડો નહીં મૂકીને નિષ્ણાત પાસેથી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું અમે નક્કી કર્યું અને એ માટે અમે વાત કરી મુલુંડના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ, સેક્સોલૉજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ ડૉ. રિદ્ધિશ કે. મારુ સાથે. જાણીએ હવે કે ખરેખર કપલ ઝઘડા વિના સંપૂર્ણ સૌહાર્દ સાથે રહી શકે કે નહીં એ વિશે રિદ્ધિશભાઈએ કેવા દાખલા-દલીલ સાથે વાતોને સમજાવી.
શું કામ ન હોય?
આજે આપણે ત્યાં કપલ વચ્ચેના ખટરાગને જ નૉર્મલ મનાય છે અને વાચકોએ તમને આપેલા જવાબો પણ એનું જ પરિણામ છે એમ જણાવીને વાતની શરૂઆત કરતાં ડૉ. રિદ્ધિશ મારુ કહે છે, ‘આપણે ત્યાં ચામાં ખાંડ નાખવી એ નૉર્મલ છે, પણ ચીનમાં ચામાં ખાંડ ન નાખવી એ નૉર્મલ છે. અહીં બે જુદા-જુદા દૃષ્ટિકોણના નૉર્મલની દૃષ્ટિએ આખી વાતને જોવી જોઈએ. બે વાસણ સાથે હોય તો ખખડે જ કે મિયા-બીબી વચ્ચેની નોકઝોક એ જ તેમના પ્રેમની નિશાની છે એ વાત આપણે ત્યાં લોકોમાં સામાન્ય બની ગઈ છે અને એમાં એવું જ હોય એ સર્વસ્વીકાર્ય છે. એક્સપર્ટ ઓપિનિયન તરીકે તમે જો મને પૂછતા હો તો એમાં કશું જ ખોટું નથી. પતિ-પત્ની વચ્ચે ધારો કે મતભેદ થાય, જે થવાનું પણ સહજ જ છે અને એ મતભેદ વચ્ચે તેમની વચ્ચે બોલાચાલી થાય અને તેઓ થોડુંક લડી પડે અને પાછાં ભેગાં થઈ જાય એમાં સંબંધની સુગંધ વધતી જ હોય છે. જોકે સામા પક્ષે એ પણ સ્વીકારવું પડે કે સાથે રહેતાં પાત્રો જો એટલાં બધાં પરિપક્વ છે અને તેમની વચ્ચે આપસમાં એટલો બધો આદર છે કે તેઓ લડ્યા-ઝઘડ્યા વિના કે પોતે સાચા પડવાની લાયમાં આગળ વધ્યા વિના સમજણ સાથે વાતને સુલઝાવી દીધી હોય એવું પણ શક્ય છે. આખી જિંદગી બે પાત્રો સાથે રહે અને ક્યારેય ઝઘડે નહીં અને છતાં બન્ને વચ્ચેનો પ્રેમ અને પ્રેમની મીઠાશ બરકરાર રહી જાય એ પૂરેપૂરી રીતે શક્ય છે. આ કોઈ જોક પણ નથી કે કોઈ કવિની કલ્પના પણ નથી. વાસ્તવિકતામાં આ સંભવ છે અને આવી રીતે જીવનારાં કપલ્સ પણ છે. સ્વાભાવિક રીતે તેમનું પ્રમાણ ઓછું છે, પરંતુ તેમનું અસ્તિત્વ આ ધરતી પર છે. તેઓ હજી ડાયનોસૉરની જેમ વિલુપ્ત નથી થયાં.’
શું ન ચાલે?
સંબંધોમાં પ્રેમની સાથે ક્યારેક તકરારની સ્થિતિ હોય તો ચાલે, પરંતુ એમાં કેટલીક બાબતો એવી છે જે ન ચાલે. એની સ્પષ્ટતા કરતાં ડૉ. રિદ્ધિશ કહે છે, ‘જે કપલ સંઘર્ષમય સ્થિતિમાં પરસ્પર આદરની મર્યાદાઓ ઓળંગી બેસે છે અથવા જે કપલ બહુ જ નાની-નાની વાતમાં સતત ઝઘડ્યા જ કરે છે અને ઈગો કે ગુસ્સામાં બેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નથી થતું અને પાછલી વાતોના બોજ સાથે સંબંધમાં ભાર લાગવા માંડ્યો હોય તો એ ઉચિત નથી. એ સંબંધ માટે જોખમી છે. જેમ ખૂબ લડવું ખરાબ છે એવી જ રીતે સંબંધોમાં જ્યારે એકબીજામાંથી રસ જ ઊડી ગયો હોય અને કોઈ જવાબદારી મહેસૂસ ન થતી હોય, કોઈને કોઈનાથી ફરક જ ન પડી રહ્યો હોય એવા હૂંફ વિનાના સંબંધોમાં ઝઘડો ન થવો એ પણ ખરાબ છે. અહીં હૂંફ, સંવાદ અને આદર સાથે સંબંધોને ટકાવવાની દિશામાં તમે લડો કે સાવ ન લડો એ બન્ને નૉર્મલ છે, પરંતુ એમાં એક્સ્ટ્રીમ પરિસ્થિતિ હોય તો એ ખોટું છે.’
જોઈએ શું?
જ્યારે બે વ્યક્તિ પરસ્પર નજીક આવતી હોય ત્યારે તેમનું ધ્યેય સુખ-શાંતિ જ હોય છે. ડૉ. રિદ્ધિશ કહે છે, ‘જ્યાં સુધી રિલેશનશિપમાં સુખ અને શાંતિ છે ત્યાં જ સુધી એની મહત્તા છે. મજાની વાત એ છે કે એને જાળવવા આપણા જ હાથમાં છે. જેમ આપણે ગાડી લઈને બહાર નીકળીએ અને રસ્તામાં બમ્પર કે ખાડા-ટેકરા આવે અને ગાડી ઊછળે એમ સંબંધમાં પણ થઈ શકે. સાથે જીવનમાં પરસ્પર મત ટકરાય, જરૂરિયાતો કે અપેક્ષાઓમાં કમી રહી જાય; પરંતુ રાત અને દિવસ એક પછી એક આવતાં જ હોય છે એમ વિચારીને જો લેટ ગો કરવાની કળા બન્નેમાં હોય, એકબીજા માટે આદર હોય તો બધું જ પાર કરી શકાય. લોકોએ ઝઘડાને નૉર્મલાઇઝ કરીને ઝઘડા વિના પણ પ્રેમથી સૉલ્યુશન લાવી શકાય એ વાતને ગૌણ કરી નાખી. જેમ વર્ષમાં એકાદ વાર પણ શરદી-ખાંસી ન થાય તો લોકોને પોતે નૉર્મલ નથી એવું લાગવા માંડે એમ ઝઘડા ન થાય એ વાત તેમને અજુગતી લાગી શકે. ઝઘડા સંબંધોની સેહત માટે સારા તો નથી જ. બની શકે કે ક્યારેક મીઠો ઝઘડો પ્રેમને વધારવાનું, એકબીજાની કિંમતને સમજવાનું કામ કરી શકે; પરંતુ એ બધું જ ઝઘડા વિના પણ શક્ય છે જો થોડીક સભાનતા રાખો તો. ભૂલને ભૂલી જાઓ, જતું કરો અને આદર આપો એટલે સંબંધની મીઠાશ આપોઆપ વધી જશે. યાદ રાખજો કે નાજુક રિસામણાં-મનામણાં ઝઘડો નથી, એ સંબંધોની સહજ યાત્રાનો હિસ્સો છે એટલે ઝઘડાને કમ્પલ્સરી બનાવવાની ભૂલ ન કરતા અને સમજણને મહત્ત્વ આપજો.’
આ પાંચ બાબતો મહત્ત્વની છે તમારી સંબંધની સુગંધ વધારવા
કમ્યુનિકેશન : આપસમાં વાતો કરવાની મોકળાશ. હસબન્ડ તરીકે વાઇફને તમારી વાતો કરવાની અને વાઇફ તરીકે તેને સાંભળવાની ટ્રેઇનિંગ સંબંધોમાં મીઠાશ ઉમેરશે. ખુલ્લા મને એકબીજા સાથે વાત કરી શકાય એ સૌથી જરૂરી છે સ્ટ્રૉન્ગ રિલેશન માટે. નૉન-જજમેન્ટલ કન્વર્સેશન જો વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ન કરી શકે તો બીજું કોઈ છે જ નહીં દુનિયામાં આ વાતને સમજવા માટે.
કમ્પેનિયનશિપ : સંબંધમાં સાથ મહત્ત્વનો છે અને સાથની અભિવ્યક્તિ અને અનુભૂતિ મહત્ત્વની છે. બન્નેમાંથી કોઈને એમ ન લાગવું જોઈએ કે મારી પાસે કંપની નથી. ફિલ્મ જોવાની શોખીન પત્નીને વિશ્વાસ હોય કે મારો હસબન્ડ તો છે જ સાથે. પાર્ટીથી દૂર ભાગતા પતિને ખબર હોય કે પત્નીને નહીં ગમતું હોય તો પણ મને કંપની આપવા માટે આવશે તે સાથે.
હૂંફ : શારીરિક, માનસિક અને ભાવનાત્મક કનેક્શન કપલ માટે બહુ જ જરૂરી છે. સ્પર્શથી પણ વાત થવી જોઈએ. સ્પર્શનો અર્થ માત્ર ઇન્ટિમેટ રિલેશન નથી; પણ અમસ્તી હગ, હાથ પકડીને ચાલવું, ક્યારેક એકબીજાને જમાડવા આવું ઘણું બધું મહત્ત્વનું છે.
ટ્રાન્સપરન્સી : એકબીજા સાથેના વ્યવહારમાં પારદર્શિતા હશે એટલો વિશ્વાસ વધુ દૃઢ બનશે. કમ્યુનિકેશન પણ ત્યારે જ કામનું નીવડશે જ્યારે એ પારદર્શક હશે. વિશ્વાસ અને આદર સંબંધના પાયા છે, પરંતુ એ મજબૂત બને છે પારદર્શિતા સાથે.
સલાહકાર : કપલ વચ્ચેનું બૉન્ડિંગ ત્યારે પણ વધુ સ્ટ્રૉન્ગ બને છે જ્યારે બન્ને એકબીજાની સલાહ લેવાની બાબતમાં ખુલ્લું મન રાખે છે. સલાહ માગવી અને સલાહ આપવી એ બન્ને વિશ્વાસનું પ્રતીક છે.
