Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > પહેલી નજરનો પ્રેમ જે ૫૦ વર્ષ બાદ પણ મહેકે છે

પહેલી નજરનો પ્રેમ જે ૫૦ વર્ષ બાદ પણ મહેકે છે

Published : 09 April, 2026 08:45 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

નેપિયન સી રોડ પર રહેતાં શ્રેણિક દલાલ અને સાધના દલાલ વચ્ચેના પ્રેમની શરૂઆત એક લાઇબ્રેરીમાં પહેલી નજરથી થઈ હતી, એ આજે અડધી સદી પછી પણ એટલો જ મજબૂત છે...

પહેલી નજરનો પ્રેમ  જે ૫૦ વર્ષ બાદ પણ મહેકે છે

પહેલી નજરનો પ્રેમ જે ૫૦ વર્ષ બાદ પણ મહેકે છે


અનેક હિન્દી ફિલ્મોમાં એવું બનતું હોય છે કે હીરો અને હિરોઇન વચ્ચે લાઇબ્રેરીમાં પુસ્તકો વચ્ચે પ્રેમ પાંગર્યો હોય. આવી જ લવસ્ટોરી નેપિયન સી રોડ પર રહેતાં ૮૦ વર્ષના શ્રેણિક દલાલ અને ૭૯ વર્ષનાં સાધના દલાલની છે. આજથી ૫૩ વર્ષ પહેલાં સાધનાબહેનને લાઇબ્રેરીમાં જોઈને પહેલી નજરમાં જ શ્રેણિકભાઈ તેમનું દિલ હારી બેઠા હતા. ઉંમરના આ પડાવે પણ બન્ને વચ્ચેનો પ્રેમ હજી એટલો જ મહેકે છે.

પહેલી મુલાકાત
અડધી સદી પહેલાંની પહેલી મુલાકાતની એ વાતોને યાદ કરતાં શ્રેણિકભાઈ કહે છે, ‘એ સમયે અમે દક્ષિણ મુંબઈના કેમ્પ્સ કૉર્નરમાં રહેતા હતા. વિલ્સન કૉલેજમાંથી મેં ઇકૉનૉમિક્સ અને પૉલિટિક્સ વિષયો સાથે BA કર્યું હતું. કૉલેજ ખતમ થઈ એટલે વેકેશનમાં હું મારા મામાના ઘરે અમદાવાદ ગયો હતો. અમદાવાદમાં અમારા જૈન વીસા ઓસવાળ નાતની ક્લબ છે, જેમાં એક લાઇબ્રેરી પણ ચાલે છે. લાઇબ્રેરીમાં વિવિધ લેખકોનાં નવલિકાઓ, વાર્તાઓ, નિબંધમાળા, નાટકો, કવિતાઓ, ગઝલો અને શાયરીઓનાં પુસ્તકો છે. એટલે નાતના સાહિત્યરસિક સભ્યો પોતાના શોખ મુજબ પોતાને ગમતાં પુસ્તકો નિ:શુલ્ક વાંચવા ઘરે લઈ જઈ શકે અને વાંચીને પરત કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એક સાંજે હું મારા મામાના દીકરા જોડે લાઇબ્રેરીમાં ગયેલો. અહીં મારી પહેલી મુલાકાત સાધના સાથે થયેલી.’

દિલના તાર છેડાયા
આટલાં વર્ષો વીતી ગયા છતાં શ્રેણિકભાઈની એ યાદો હજી એટલી જ તાજી છે. પહેલી મુલાકાતની એ આખી વાતને વર્ણવતાં તેઓ કહે છે, ‘મને કવિ કલાપીનું ‘કલાપીનો કેકારવ’ નામનું પુસ્તક વાંચવા જોઈતું હતું. એ સમયે લાઇબ્રેરીમાં માંડ બે-ચાર સભ્યો જ હાજર હતા. ‘કલાપીનો કેકારવ’ પુસ્તક શોધતાં-શોધતાં મારી નજર એક છોકરી પર પડી. તે પણ કોઈ પુસ્તક શોધતી હતી. અનાયાસ અમે બન્ને એક જ બુક-શેલ્ફ આગળ આવી ગયાં. મને જે પુસ્તક જોઈતું હતું એ મળતાં હું હાથમાં લેવા ગયો ત્યારે એ જ પુસ્તક લેવા તેણે પણ હાથ લંબાવ્યો. બન્નેને એ જ પુસ્તક લેવું હતું. મેં તેને એ પુસ્તક લઈ જવા જણાવ્યું ત્યારે તેણે શરમાતાં-શરમાતાં મને લઈ લેવા કહ્યું. મેં કહ્યું કે તમે પહેલાં લઈ લો, પણ તેણે પણ મને પહેલાં લઈ લેવા જણાવ્યું. મેં આભારની લાગણી વ્યકત કરી. અમને બન્નેને એક જ સમયે એ જ વિષયનું પુસ્તક જોઈતું હતું એ ફક્ત સંયોગ જ હતો. અમે બન્નેએ પહેલી વખત જ એકબીજાને જોયાં હતાં. મારી પહેલી જ નજર એ છોકરી પર પડતાં તે મારા દિલમાં વસી ગઈ હતી. મેં હિમ્મત કરીને સ્મિત કર્યું ત્યારે તેણે પણ શરમાતાં-શરમાતાં સ્મિતનો જવાબ સ્મિતથી આપતાં હું ગાંડોઘેલો બની ગયો અને મારા દિલમાં પ્રેમની લાગણીના અંકુર ફૂટવાનો અનુભવ થયો.’

પ્રેમમાં હાલ બેહાલ
સાધનાને જોયા બાદ શ્રેણિકભાઈની જે હાલત થયેલી એ પહેલા-પહેલા પ્રેમમાં પડેલા પ્રેમી જેવી જ હતી. એ ભાવનાઓનો ફુવારો હજી તેમના હૃદયમાં વહે છે. શ્રેણિકભાઈ એ અનુભૂતિ વિશે કહે છે, ‘મને એ છોકરી પહેલી નજરે જ ગમી જતાં એ રાતે હું સૂઈ ન શક્યો ને પુસ્તક વાંચતાં-વાંચતાં તેનો ચહેરો, તેનું વહાલભર્યું સ્મિત, બન્નેનો એકસાથે એ પુસ્તક લેવા લંબાયેલો હાથ તથા પુસ્તક પહેલાં મને લઈ જવાનો તેનો આગ્રહ એ બધું મારી નજર સમક્ષ આવ્યું અને એ દૃશ્ય મારી નજરથી ખસતું નહોતું. વિચારોમાં ને વિચારોમાં આખી રાત વીતતી ગઈ અને જુદા-જુદા કવિઓની કવિતાઓ તથા ગઝલકારોની ગઝલોની યાદ સતાવતી રહી. શરમ આવી પણ મેં હિમ્મત કરીને એ કુમારિકાનું નામ પૂછતાં ખબર પડી કે તેનું નામ સાધના હતું. હું હતો પાછો સાહિત્યક જીવ. એટલે અમૃત ઘાયલની ગઝલ યાદ આવી ગઈ. કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે; લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે, ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.’

બન્નેનાં મન મળ્યાં
શ્રેણિકભાઈ સાધનાને જોઈને દિલ આપી બેઠા હતા, પણ સાધનાબહેનના મનમાં હજી કોઈ એવો ભાવ જાગ્યો નહોતો. લાઇબ્રેરીની પહેલી મુલાકાતમાં બન્ને વચ્ચે કૉન્ટૅક્ટ-નંબર પણ એક્સચેન્જ થયા હતા. એવામાં આપણને સહજ રીતે સવાલ થાય કે એમનેમ કંઈ છોકરી પોતાનો નંબર છોકરાને આપે? આની સ્પષ્ટતા કરતાં સાધનાબહેન કહે છે, ‘અમે એક જ નાતનાં હતાં એટલે મને તેમના વિશે એટલી ખબર હતી કે તે મારાં મામીના સગાનો દીકરો છે. મારાં મામી તેમનાં માસીની દીકરી થતાં. અમારી ટેલિફોન પર વાતો શરૂ થઈ. એક-બે વાર અમે મળ્યાં પણ ખરાં. મને વાંચવાનો શોખ હતો અને લખવાનો શોખ હતો. અમારા વિચારો ઘણા મળતા આવતા હતા એટલે ધીરે-ધીરે મન મળી ગયું. બીજી મહત્ત્વની વાત એ કે મને એક આંખમાં થોડી તકલીફ છે, જ્યારે તેમને હાથની આંગળીઓમાં તકલીફ છે. એટલે વિચાર આવેલો કે અમે ભેગાં આવીશું તો પણ બેમાંથી કોઈને ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ નહીં થાય, કોઈને એમ નહીં લાગે કે મેં સામેવાળા પર ઉપકાર કર્યો છે. અમને લાગ્યું હતું કે અમે એકબજાનાં પૂરક બનીને સાથે જીવી શકીએ એટલે જ ભગવાને અમને મેળવ્યાં છે.’

પરિવાર પણ રાજી
શ્રેણિકભાઈ અને સાધનાબહેનની નાત એક જ હતી. ઉપરથી શ્રેણિક એક સારા પરિવારમાંથી આ‍વતા હતા. બન્નેના પરિવાર વચ્ચે એક પરિચય પણ હતો જ. આ વિશે વાત કરતાં સાધનાબહેન કહે છે, ‘કાલબાદેવીમાં તેમનો અરવિંદ મિલનો શોરૂમ હતો એટલે અમદાવાદમાં અશોક મિલમાં તેઓ અવારનવાર કાપડ ખરીદવા માટે આવતા જ્યાં મારા પપ્પા સેલ્સ-મૅનેજર હતા. તે શ્રેણિકથી પ્રભાવિત હતા, કારણ કે તે સ્વભાવે વાચાળ અને ધંધાની સારી સમજ હતી. તેમના મામા મારા પપ્પાના સારા ફ્રેન્ડ હતા. ઉપરથી અમારી વચ્ચેનો એજ-ડિફરન્સ પણ ફક્ત ૮ મહિના જ હતો. અમે બન્ને આગળ વધવાનો નિર્ણય લઈએ તો એમાં કોઈ વાંધો આવે એમ નહોતું.’

અંતે લગ્ન થયાં
બન્ને પરિવારની મંજૂરીથી ૧૯૭૩ની ચોથી ડિસેમ્બરે શ્રેણિકભાઈ અને સાધનાબહેને પ્રભુતામાં પગલાં માડ્યાં. બન્નેની પહેલી મુલાકાત થઈ એનાં ૭ વર્ષ બાદ તેમનાં લગ્ન થયાં. લગ્ન કરવામાં આટલો સમય કેમ લગાવ્યો એ વિશે વાત કરતાં શ્રેણિકભાઈ કહે છે, ‘સાધનાનો હાથ પકડતાં પહેલાં મારે પગભર થવું હતું. હું ૨૪ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. ગ્રૅજ્યુએશન બાદ મેં ભારતીય વિદ્યા ભવનમાંથી માર્કેટિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ શરૂ કર્યો હતો. મને આજે પણ યાદ છે હું મારા બૅચમાં સૌથી યંગ છોકરો હતો. બાકી બધા મોટી-મોટી કંપનીઓમાં કામ કરતા લોકો હતા જે કમ્યુનિકેશન સ્કિલ શીખવા માટે આવેલા હતા. હું સ્કૂલ, કૉલેજમાં ખૂબ શરમાળ છોકરો હતો પણ આ કોર્સ શીખ્યા પછી મારું કમ્યુનિકેશન ખૂબ સારું થઈ ગયું હતું. ધંધામાં આગળ વધવામાં મને એ ખૂબ કામ લાગ્યું.’

પ્રેમ હજી તાજો
શ્રેણિકભાઈ અને સાધનાબહેનને બે સંતાનો છે. દીકરો અર્પણ કૅલિફૉર્નિયામાં રહે છે અને સૉફ્ટવેર એન્જિનિયર છે, જ્યારે તેમનાં વાઇફ અલ્પા ડેન્ટિસ્ટ છે. તેમની દીકરી ઉષ્મા અમદાવાદમાં છે જે જ્વેલરી ડિઝાઇનર છે, જ્યારે તેના હસબન્ડ શિમુલ બિઝનેસમૅન છે. જીવનના આ પડાવમાં બન્ને એકબીજાનો સાથ કઈ રીતે નિભાવે છે એ વિશે વાત કરતાં શ્રેણિકભાઈ કહે છે, ‘મારા હાર્ટમાં સ્ટેન્ટ મૂકેલો છે. લંગ્સમાં ફાઇબ્રોસિસ પણ છે. અત્યારે બન્નેની દવાઓ ચાલુ છે. હું યાદ કરીને દવાઓ લઉં, સ્વસ્થ આહાર લઉં એનું સાધના ખૂબ ધ્યાન રાખે છે. ગળ્યું, તળેલું અત્યારે સંપૂર્ણપણે બંધ છે. એકબીજા પ્રત્યે લાગણી હોય ત્યાં કાળજી આપોઆપ આવી જાય છે. પ્રેમલગ્ન થયાં છે એટલે અમારી વચ્ચે કોઈ દિવસ નોકઝોક થઈ જ નથી એવું નથી; હા, પણ અમે ક્યારેય અમારા અહમને અમારા પ્રેમથી ઉપર આવવા દીધો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 08:45 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK